
રમેશ ઓઝા
પહેલાં ચોરી અને ભ્રષ્ટાચારનું સ્વરૂપ સ્થૂળ હતું, જાડું કે બરછટ હતું. ચોક્કસ નક્કી કરી આપેલા વિસ્તારની ખાણમાંથી ખનીજ સંપત્તિ કાઢવાનો ઠેકો મળ્યો હોય તો બસો-પાંચસો મીટર વધુ ખોદકામ કરે. ચોક્કસ વિસ્તારમાં જંગલ કાપવાનો ઠેકો મળ્યો હોય તો વધુ કાપે, ગણીને ઝાડ કાપવાનાં હોય તો વધુ કાપે, પચાસ ટ્રક માલ લઈ જવાનો હોય તો એક જ ગેટપાસનો ઉપયોગ કરીને પાંચ ટ્રક વધુ કાઢે, પચાસ હજાર ફૂટ બાંધવાની પરવાનગી મળી હોય તો પાંચ હજાર ફૂટ વધુ બાંધે, સ્ટીલ અને સિમેન્ટ વાપરવાં જોઈએ એનાથી ઓછા વાપરે વગેરે વગેરે. તમે આ જાણો છો. મનમાં ગુસ્સો પણ ધરાવો છો.
હવે ભ્રષ્ટાચાર અને ચોરીનું સ્વરૂપ બદલાઈ ગયું છે. હવે થઈ રહેલી ચોરી જાડી અને બરછટ નથી હોતી, પણ તમને ખબર પણ ન પડે એવી મુલાયમ હોય છે, પણ હોય છે ચોરી. પહેલા જે ચોરી થતી હતી એમાં અમલદારો, સ્થાનિક રાજકારણીઓ અને થોડા પ્રમાણમાં શાસકો સંડોવાયેલા જોવા મળતા. હવે જે ચોરી થાય છે એ સીધી ઉપરથી થાય છે અને એ પણ એવી ચોરી જેને તમે ચોરી કહી પણ ન શકો. જ્યાં ચોરી જ સાબિત ન થાય ત્યાં ચોરને કેવી રીતે પકડો?
આ સિફતપૂર્વકની ચોરી સંદિગ્ધ સરકારી આદેશોમાં, વ્યાખ્યાઓમાં, અર્થઘટનોમાં, તજજ્ઞ સમિતિની ભલામણોમાં, મીડિયામાં થતી ચર્ચાઓમાં, કહેવાતા વિદ્વાનોનાં સમર્થનમાં, નીતિ આયોગના અહેવાલોમાં, અદાલતોના ચુકાદાઓમાં, જજો દ્વારા કરાતી અદાલતી નુકતેચીનીઓમાં, લવાદ અને ટ્રીબ્યુનલોમાં, સ્પેશિયલ લીવ પીટીશનોમાં છૂપાયેલી હોય છે. બધું જ કાયદેસર. યસ, કાયદેસરનો ભષ્ટાચાર. તમે ‘જોલી એલએલબી -૩’ ફિલ્મ જોઈ છે? એ ફિલ્મ પાર્ટ વન અને ટુ કરતાં નબળી છે, પણ સિફતપૂર્વકની ચોરીને સમજવા માટે ઉપયોગી છે. એમાં હરીભાઈ ખેતાન નામનો કુબેરપતિ બિકાનેર ટુ બોસ્ટનનો પ્રોજેક્ટ લઈને આવે છે જેમાં તેને બિકાનેર જિલ્લાના ખેડૂતોની હજારો એકર ખેતજમીન જોઈએ છે. તરકીબ એવી છે કે પહેલાં ‘તજજ્ઞો’ બિકાનેર જિલ્લાના વિકાસનો, વિકાસમાં નડતી મર્યાદાઓનો અને ઉપાયોનો એક અહેવાલ તૈયાર કરે છે. સ્વતંત્ર લાગતો એ અભ્યાસ હરીભાઈ માટે હરીભાઈના કહેવાથી તૈયાર કરવામાં આવ્યો છે. એ અહેવાલ ઉપર ચર્ચા થાય છે, મીડિયામાં ચર્ચાઓ થાય છે, સરકાર તેની નોંધ લે છે, પણ હરીભાઈ નેપથ્યમાં છે. અને પછી એકાએક બિકાનેરના વિકાસ માટે પ્રજાકીય હિતને ધ્યાનમાં રાખીને હરીભાઈને તેના પ્રોજેક્ટ માટે મંજૂરી મળે છે. જિલ્લા કલેકટર અને સંપૂર્ણ સરકારી મશિનરી હરીભાઈ માટે કામ કરે છે. ખેડૂતોની જમીન આંચકી લેવામાં આવે છે. બધું જ કાયદેસર, લોકહિતમાં, નિસ્વાર્થભાવે!
અરવલ્લીની પહાડીઓનો નિર્ણય અને સર્વોચ્ચ અદાલતની મહોર આવી એક ઘટના છે. લોકહિતમાં વિકાસ માટેની કાયદેસરની ચોરી. ૧૩મી ઓક્ટોબરે પર્યાવરણ મંત્રાલયના ફોરેસ્ટ એન્ડ ક્લાઈમેટ ચેન્જ વિભાગે સર્વોચ્ચ અદાલતને સૂચવ્યું કે જે પહાડીની ઊંચાઈ સો મીટર કરતાં ઓછી હોય તેને પહાડ ન કહેવાય અને તેને સમથળ કરવામાં કોઈ પર્યાવરણકીય જોખમ નથી. એના બીજા જ દિવસે સર્વોચ્ચ અદાલત દ્વારા સ્થાપિત સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ સર્વોચ્ચ અદાલતને વિષય સમજવામાં મદદ કરનાર વ્યક્તિ(એમિકસ ક્યુરી)ને કહ્યું કે તેણે કેન્દ્ર સરકારના પર્યાવરણ ખાતાના પ્રસ્તાવનો અભ્યાસ હજુ સુધી કર્યો નથી અને એટલે મંજૂર રાખ્યો નથી. ૨૦મી નવેમ્બરે સર્વોચ્ચ અદાલતે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના અભિપ્રાયની રાહ પણ જોયા વિના સો મીટરની વ્યાખ્યા મંજૂર કરી દીધી. પ્રસ્તાવને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ બી.આર. ગવઈની બનેલી ત્રણ ન્યાયમૂર્તિની બેન્ચે મંજૂર રાખ્યો હતો અને એ પછી ત્રીજા દિવસે ન્યાયમૂર્તિ ગવઈ નિવૃત્ત થઈ ગયા હતા. છેલ્લાં દસ વર્ષમાં ચાર મુખ્ય ન્યાયમૂર્તિઓ પાર્ટિંગ કિક મારીને ગયા છે.
અહીં એક વાત જણાવી દઉં કે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની રચના સર્વોચ્ચ અદાલતે ૨૦૦૨ની સાલમાં કરી હતી જ્યારે ચોરીની નવી તરકીબ હજુ ખાસ અસ્તિત્વમાં નહોતી આવી અને ઉપર કહ્યું એવી જૂની ઢબે દેશને લૂંટવામાં આવતો હતો. પર્યાવરણ ભૂસ્તર, ખગોળ જેવી અનેક વિજ્ઞાનશાખાઓને સ્પર્શતો ટેકનીકલ વિષય છે અને પર્યાવરણને લગતા કેસ સર્વોચ્ચ અદાલતમાં આવતા રહે છે એટલે જજોને માર્ગદર્શન આપવા સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની રચના કરવામ આવી હતી. સવાલ એ છે કે અદાલત દ્વારા જ રચવામાં આવેલી બોડીના અભિપ્રયાની રાહ કેમ ન જોઈ? આ સિવાય ઢાળની પણ રમત છે. ઢાળ પહોળો હોય તો એક સાથે ડઝનબંધ પહાડીઓને જમીનદોસ્ત કરી શકાય અને નેશનલ ફોરેસ્ટ સર્વે કહે છે કે અરવલ્લીની ૯૦ ટકા પહાડીઓ સો મીટર કરતાં ઊંચાઈમાં નાની છે અને તેના પહોળા ઢાળ છે. આ હિસાબે અરવલ્લી પછી ગીરનું જંગલ અને બરડાના ડુંગરોનો પણ વારો લાગવાનો છે. એની ઉંચાઈ પણ ગીરનાર જેવા બે-ચાર પર્વતોને છોડીને સો મીટરની અંદર જ છે.
પણ આ રીતે ચોરીનું સ્વરૂપ બદલવાનું કારણ શું? એનો અર્થ એવો નથી કે પહેલા જે પ્રકારની ચોરી થતી હતી એ બંધ થઈ છે. એ ચાલુ છે, પણ એમાં નાના લોકો સંડોવાયેલા છે. મોટા લોકોએ હવે એવી જાડી ખરબચડી ચોરી કરવાનું બંધ કરી દીધું છે. હવે તેઓ મુંબઈમાં ધારાવીનો વિકાસ કરવા માટે ધારાવીની જમીન સરકાર પાસેથી મેળવે છે. અદાણીનો કોઈ સ્વાર્થ નથી. એફ.એસ.આઈ.ની ચોરી ચિલ્લર લોકો કરે.
તો બે કારણ છે આની પાછળ. એક તો એ કે શેઠ લોકોની ફાંદ મોટી થઈ ગઈ છે. તેમની એટલી આર્થિક તાકાત છે કે તેઓ આખે આખા રાજ્યને ખરીદી શકે એમ છે. વિશ્વના દસ શ્રીમંતો ૧૫૦થી ૧૬૦ દેશોની જી.ડી.પી. કરતાં વધુ સંપત્તિ ધરાવે છે. એ જમાનો ગયો જ્યારે રેલવે, સ્ટીલ જેવા ઉદ્યોગો તેમની પહોંચની બહાર હતા અને સરકારી ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સરકારની માલિકીના કાચા માલની ખરીદી કરીને તેમના ઉદ્યોગો ચાલતા હતા. તેઓ શાસકોને ખરીદે છે અને શાસકો દ્વારા દેશની સંપત્તિ ખરીદી શકે છે. એને માટે દેશહિતનો અને વિકાસનો વરખ ચડાવવો પડે તો એ કામ શાસકો સાથે મળીને કરી શકાય એમ છે. ઈન્ડીગો એરલાઈન્સની ઘટના તાજી છે. સરકારના નિયમને એ એરલાઈન્સ દોઢ વરસથી ગાંઠથી નથી અને સરકાર કશું જ કરી શકતી નથી. ઈન્ડીગો શાસકોને નચાવે છે અને શાસકો નાચે છે. આ ભાગીદારી છે, મજબૂરી નથી.
બીજું કારણ એ છે કે સામે શાસકો પાસે પણ પ્રજાને આપવા માટે કાંઈ જ નથી, સિવાય કે દેશપ્રેમનો કેફ અને ‘બીજા’ઓ સામે વેર વળવાનું ઝનૂન. પણ આ કામ અઘરું છે. ધોરણસરના શાસન કરતાં પણ અઘરું છે. સૌથી મોટી સમસ્યા એ છે કે એ બહુ ખર્ચાળ પ્રોજેક્ટ છે. કાચા દિમાગના લોકો શોધીને તેને ચોવીસે કલાક મૂર્છામાં રાખવાના. ચોવીસે કલાક ઉત્તેજિત રાખવાના. સતત પ્રતિશોધ કરતા રાખવાના. દિમાગ પર કબજો કરીને વિચારતા બંધ કરવાના વગેરે વગેરે. એને માટે મીડિયા પર કબજો જમાવવો પડે જે પકડાવેલા નેરેટિવને વેચે અને દેશની કાયાપલટ કરી આપનારા શાસકોનો જયજયકાર કરે. એને માટે પ્રજા પાસેથી લોકતાંત્રિક વિકલ્પ આંચકી લેવો પડે, એને માટે લોકતાંત્રિક સંસ્થાઓને કબજે કરવી પડે, વિરોધ પક્ષોને કમજોર કરવા પડે, નેતાઓને ખરીદવા પડે, તેમાં વિભાજન કરાવવું પડે, પ્રશ્ન અને શંકા કરનારા લોકોને મોઢું ખોલવાનો મોકો ન મળે એ માટેનો બંદોબસ્ત કરવો પડે, પુષ્કળ પ્રચાર કરવો પડે અને સતત લોકપ્રિયતાના બેરોમીટર પર નજર રાખવી પડે. આમ જફા ઘણી છે અને પાછી ખર્ચાળ પણ છે. ખર્ચાળ એટલે તમે કલ્પના ન કરી શકો એટલી ખર્ચાળ. ઉદ્યોગપતિઓના દાનની રકમ પર આ બધું કરવું શક્ય નથી. દેશના મુખ્ય ન્યાયમૂર્તિઓ પાર્ટિંગ કિક મારીને ચાલતા થાય એવું એક વાર બને વારંવાર ન બને. અત્યારે વારંવાર બની રહ્યું છે.
હવે જ્યારે અરવલ્લીના પ્રશ્ને પ્રચંડ વિરોધ અને લોકપ્રદર્શન થઈ રહ્યાં છે ત્યારે સરકાર ડરી ગઈ છે. મેનેજ કરનારા લોકોને હાથમાંથી મેનેજમેન્ટ સરકી જવાનો ડર હંમેશ રહેતો હોય છે. રખે શ્રીલંકા, બંગલાદેશ કે નેપાળ જેવું કાંઈ ન થઈ જાય! લોકોને શાંત કરવા માટે ભુપેન્દ્ર યાદવ નામના કોઈ પર્યાવરણ પ્રધાન ખબર નહીં ક્યાંકથી બહાર આવ્યા અને કહ્યું કે પહાડીઓ તોડવામાં નહીં આવે. નિયમમાં કરવામાં આવેલા પરિવર્તન અને વ્યાખ્યા વિષે કશું જ નથી કહ્યું. પાળીતા પત્રકારોને તો પાછો વળતો પ્રશ્ન પૂછવાની પણ મનાઈ હોય ને! ન્યાયમૂર્તિ ગવઈ બચાવ કરતા કહે છે કે એ કોઈ સંપૂર્ણ ચુકાદો નથી આદેશાત્મક કથન છે. એવી શું ઉતાવળ હતી કે કોર્ટની પોતાની સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના અભિપ્રાયની રાહ પણ ન જોઈ અને વચગાળાનો આદેશ આપી દીધો? સરકારી એજન્સીની વાત તરત સાંભળી અને આદેશ આપી દીધો, પોતાની એજન્સીની વાત સાંભળવા રાહ ન જોઈ.
સ્થિતિ નિરાશાજનક છે. ઉઘાડી લૂંટ ચાલી રહી છે અને એ બધું દેશહિતના નામે થઈ રહ્યું છે. પણ અરુણ શૌરી કહે છે એમ અદાલતના અને બીજી દરેક લોકતાંત્રિક સંસ્થાઓના દરવાજા ખખડાવતા રહેવું જોઈએ. એક સમયે જવાબદારીવાળી પવિત્ર જગ્યાએ બેઠેલા લોકો કેટલી હદે નીચે ઉતર્યા હતા તે ઇતિહાસમાં નોંધાવું જોઈએ.
*****
પ્રગટ : ‘નો નૉનસેન્સ’, નામક લેખકની કટાર, ‘રવિવારીય પૂર્તિ’, “ગુજરાતમિત્ર”, 28 ડિસેમ્બર 2025
![]()

