
હેમંતકુમાર શાહ
ભારતમાં સરકારનું ખાનગીકરણ હવે ખાસ્સી હદ વટાવી રહ્યું છે. જે રીતે સરકારી મિલકતોનું વેચાણ ચાલી રહ્યું છે એ જોતાં કોઈ પણ કલ્પના કરી શકાય તેમ છે. એક જોરદાર દાખલો જોઈએ:
મુંબઈમાં અંધેરી પશ્ચિમથી ગુંદવલી સુધીની યુ રૂટ ધરાવતી મેટ્રો ટ્રેન ૨૦૨૩થી ચાલે છે. તેમાં બે સ્ટેશનોનાં નામ આશ્ચર્યજનક રીતે બદલાઈ ગયાં છે.
એક મેટ્રો સ્ટેશનનું નામ શિમ્પોલી હતું. શિમ્પોલી એ બોરીવલી વિસ્તારમાં આવેલો એક વિસ્તાર છે. એ નામ બદલી નાખીને હવે ‘આદિત્ય કૉલેજિસ શિમ્પોલી’ કરી નાખવામાં આવ્યું છે. આદિત્ય કોલેજ ગ્રૂપ એ ખાનગી કોલેજોનું એક જૂથ છે અને તેનું નામ આ રીતે મેટ્રો સ્ટેશન સાથે જોડી દેવામાં આવ્યું છે.
આવું જ એક બીજું મેટ્રો સ્ટેશન મલાડ વેસ્ટ હતું. પણ તેનું નામ બદલીને ‘મોતીલાલ ઓસવાલ મલાડ વેસ્ટ’ કરી નાખવામાં આવ્યું છે. મોતીલાલ ઓસવાલ એ શેરબજારની મોટી રોકાણ દલાલ કંપની છે અને તેનું નામ સ્ટેશનના નામ સાથે જોડી દેવામાં આવ્યું છે.
મેટ્રો ટ્રેનમાં તમે બેસો તો તેમાં સ્ટેશન આવવાનું હોય ત્યારે અંદર પ્રવાસીઓ માટે જે જાહેરાત થાય છે તેમાં પણ આ ખાનગી કંપનીઓનાં નામ સાથે જ સ્ટેશનોનાં નામ બોલવામાં આવે છે. એટલે કે એ માત્ર જાહેરખબર તરીકે સ્ટેશનો પર લખવામાં આવ્યાં છે એવું નથી, સ્ટેશનોનાં સત્તાવાર નામ છે.
આ મેટ્રો ટ્રેન ચલાવનાર છે MMRDA એટલે કે મુંબઈ મેટ્રોપોલિટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી. એ સરકારની સંસ્થા છે કે જેમ ઔડા, સુડા કે વુડા છે. આદિત્ય કોલજિસ જૂથ દ્વારા કે મોતીલાલ ઓસવાલ કંપની દ્વારા પૈસા આપવામાં આવ્યા હશે એટલે જ સ્ટેશનોનાં નામ બદલાઈ ગયાં છે. કેટલી રકમ MMRDAને તેમના તરફથી મળી એની ખબર નથી.
હવે જરા વિચારો: ગૌતમ અદાણીની પોતાની અને મુકેશ અંબાણીની પોતાની સંપત્તિ આશરે ૨૨ લાખ કરોડ ₹ છે અને ભારત સરકારનું ચાલુ વર્ષનું બજેટ લગભગ ₹ ૫૦.૬૫ લાખ કરોડ છે. અદાણી અને અંબાણીના પરિવારોના સભ્યોની સંપત્તિ તો જુદી!
જો ગૌતમ અદાણી કે મુકેશ અંબાણી ભારત સરકારને અબજો રૂપિયા આપે અને દેશનું નામ બદલી નાખીને પોતાનું નામ એમાં રાખવાની શરત મૂકે તો શું નરેન્દ્ર મોદીની સરકાર ભારતનું નામ બદલીને અદાણી ભારત કે અંબાણી ઇન્ડિયા કરી શકે? મોદી હૈ તો ઐસા ભી મુમકિન હૈ?
તા.૨૩-૧૨-૨૦૨૫
સૌજન્ય : હેમંતકુમારભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

