
રાજ ગોસ્વામી
આજના સમયમાં સોશિયલ મીડિયા આપણી જિંદગીનો એક મહત્ત્વનો ભાગ બની ચુક્યું છે. સવારે ઊઠતા જ મોબાઇલ જોવો, દિવસ દરમિયાન વારંવાર નોટિફિકેશન્સ ચેક કરતા રહેવું અને રાતે સૂતાં પહેલા રીલ્સ અથવા પોસ્ટ સ્ક્રોલ કરવું, હવે સામાન્ય બાબત બની ગઈ છે. ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ આપણને દુનિયા સાથે જોડે તો છે, પરંતુ ધીરે ધીરે આ આદત આપણાં માનસિક સ્વાસ્થ્ય, સમય અને જીવનની ગુણવત્તા પર અસર કરવા લાગી છે. આ વાતને સમજવા માટે તાજેતરમાં એક મોટી અને અનોખી સ્ટડી કરવામાં આવી હતી, જેમાં લોકોને સોશિયલ મીડિયા છોડવા માટે પૈસા પણ આપવામાં આવ્યા.
આ અભ્યાસ અમેરિકાની સ્ટેનફોર્ડ યુનિવર્સિટી સાથે જોડાયેલા સંશોધકોએ કર્યો હતો અને તેને અત્યાર સુધીના સૌથી મોટા સંશોધનોમાંથી એક માનવામાં આવ્યો છે. આ સ્ટડીમાં લગભગ 35,000 લોકોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેઓ છ અઠવાડિયા માટે ફેસબૂક અથવા ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દે.
તેમને પ્રોત્સાહિત કરવા માટે પૈસા પણ આપવામાં આવ્યા, જેથી તેઓ ઈમાનદારીથી આ પ્રયોગનો ભાગ બને. આ અભ્યાસનો મુખ્ય ઉદ્દેશ્ય એ જાણવા માટે હતો કે સોશિયલ મીડિયાથી અંતર રાખવાથી લોકોના ભાવનાત્મક અને માનસિક સ્વાસ્થ્યમાં શું ફેરફાર આવે છે.
અભ્યાસનાં પરિણામો ખૂબ જ આશ્ચર્યજનક હતા. જે લોકોએ સોશિયલ મીડિયાનો ઉપયોગ બંધ કર્યો, તેમના માનસિક આરોગ્યમાં સ્પષ્ટ સુધારો જોવા મળ્યો. સંશોધકોએ તેમને મોનીટર કર્યાં હતા, જેમાં ફેસબૂક છોડનારાઓના ભાવનાત્મક આરોગ્યમાં લગભગ છ ટકા સુધી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ઇન્સ્ટાગ્રામ છોડનારાઓમાં લગભગ ચાર ટકાનો સુધારો જોવા મળ્યો. સંશોધકોએ જણાવ્યું કે આ સુધારો એટલો પ્રભાવી હતો કે તેની તુલના થેરાપિ જેવા માનસિક ઉપચાર સાથે કરી શકાય. એટલે કે, કોઈ દવા કે કાઉન્સેલિંગ વિના, ફક્ત સોશિયલ મીડિયાથી દૂર રહીને લોકો બહેતર મહેસૂસ કરતા હતા.

આ અભ્યાસમાં એ પણ જોવા મળ્યું કે સોશિયલ મીડિયાનો ઉપયોગ છોડવાથી લોકોની તાણ અને ચિંતા ઘટી હતી. ખાસ કરીને ચૂંટણી અને રાજકીય સમાચાર સાથે સંબંધિત માનસિક દબાણ ઘણું ઓછું થઇ ગયું હતું. જે લોકો સતત સોશિયલ મીડિયામાં સમાચાર, ચર્ચા અને નકારાત્મક પોસ્ટ્સ જોતા હતા, તેમને થોડા સમય માટે આમાંથી રાહત મળી. તેની સીધી અસર ઊંઘ, મૂડ અને રોજિંદા વર્તન પર થઇ હતી. અભ્યાસમાં ભાગ લેનારા અનેક લોકોએ જણાવ્યું કે તેઓ વધુ શાંત, સંતુલિત અને ખુશીનો અનુભવ કરવા લાગ્યા હતા.
જો કે એક રસપ્રદ બાબત એ પણ સામે આવી છે કે સોશિયલ મીડિયા છોડવાનો અર્થ એ નથી કે લોકોએ મોબાઇલ ફોનનો ઉપયોગ સંપૂર્ણ રીતે બંધ કરી દીધો. સોશિયલ મીડિયા પરથી લોગઆઉટ કર્યા પછી ઓન લોકો ફોન પર સમય વીતાવતા રહ્યા હતા, પરંતુ તેઓએ સોશિયલ મીડિયા એપ્લીકેશન્સની જગ્યાએ અન્ય એપ્સ અથવા પ્રવૃત્તિઓમાં સમય વિતાવવો શરૂ કર્યો હતો. ફેસબૂક છોડનારા લોકોના સ્ક્રીન ટાઈમમાં માત્ર થોડી જ મિનિટોનો ઘટાડો નોંધાયો હતો.
ઉંમરના આધારે જો જોઈએ તો 35 વર્ષની અને તેથી વધુ ઉંમરના ફેસબૂક વપરાશકર્તાઓના મૂડમાં સૌથી વધુ સુધાર જોવા મળ્યો. જ્યાં 18 થી 24 વર્ષની ઇન્સ્ટાગ્રામ વપરાશકર્તાઓ, ખાસ કરીને મહિલાઓમાં, ખુશીમાં સૌથી મોટો વધારો થયો.
પણ સાચો પ્રશ્ન એ હતો કે તેમણે પોતાનો ખાલી સમય કઈ રીતે પસાર કર્યો? ઇન્સ્ટાગ્રામ ગ્રુપના લોકો તરત જ બીજા એપ્સ પર ગયા અને ઓફલાઇન સમયમાં ખાસ વધારો થયો નહીં. તેનાથી વિપરીત, ફેસબૂક ગ્રુપે સરેરાશ 9 મિનિટ વધુ સમય તમામ સ્ક્રીનથી દૂર પસાર કર્યો. જો કે, આ ગ્રુપના મોટાભાગના લોકોએ ખાલી સમયનો ઉપયોગ પણ અંતે બીજા એપ્સ પર કર્યો હતો. આનો અર્થ એ થયો કે સમસ્યા મોબાઇલ ફોનમાં નથી, પરંતુ સોશિયલ મીડિયા પ્લેટફોર્મની રચના અને આપણા મગજ પર પડતી તેની અસર છે.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મને એવી રીતે ડિઝાઇન કરવામાં આવે છે કે તે વધુને વધુ સમય માટે આપણું ધ્યાન ખેંચી રાખે છે. સતત સ્ક્રોલ કરવાની આદત, લાઈક અને કોમેન્ટની અપેક્ષા, અને બીજાઓના જીવન સાથે પોતાની તુલના કરવી આપણને અંદરથી અસર કરે છે. ધીરે-ધીરે આ આદત તાણ, ચિંતા અને આત્મ-સંદેહ જન્માવે છે. જ્યારે લોકોએ થોડા સમય માટે તેનો ત્યાગ કર્યો, ત્યારે તેમને તેમના વિચારો અને ભાવનાઓને સારી રીતે સમજવાની તક મળી હતી.
સોશિયલ મીડિયાના અતિશય ઉપયોગ સાથે ઘણી માનસિક સમસ્યાઓ જોડાયેલી છે. લોકો બીજાઓની ચમકદાર અને પરફેક્ટ દેખાતી જિંદગી જોઈને પોતાને કમતર અનુભવવા લાગે છે, તેમના આત્મ-માન પર અસર પડે છે અને ડિપ્રેશન જેવી લાગણીઓ ઉત્પન્ન થઈ શકે છે. ઉપરાંત, સતત નોટિફિકેશન્સ અને નાના-નાના વીડિયો જોવાથી લાંબા સમય સુધી એકાગ્ર થવાની ક્ષમતા પણ નબળી થઈ જાય છે. અભ્યાસ, કામ અને સંબંધો પર તેનો નકારાત્મક અસર પડે છે. આજની કિશોર પેઢીની મોટાભાગની સમસ્યાઓનું મૂળ અહીં છે.
આ અભ્યાસમાંથી એટલું સમજવા મળે છે કે સોશિયલ મીડિયાથી થોડો સમય દૂર રહેવાથી પણ લાભ થઈ શકે છે. જરૂરી નથી કે કોઈ વ્યક્તિ હંમેશાં માટે સોશિયલ મીડિયા છોડી દે. તે વાત વ્યવહારુ પણ નથી, પરંતુ જો રોજ બ રોજ થોડો સમય ઘટાડવામાં આવે અથવા નક્કી કરેલા સમયે જ તેનો ઉપયોગ કરવામાં આવે, તો પણ માનસિક આરોગ્યમાં સુધારો જોવા મળે છે. અનેક લોકોએ કહ્યું છે કે સોશિયલ મીડિયા છોડ્યા પછી તેમને પોતાના શોખ, પરિવાર અને જાત માટે વધુ સમય મળવા લાગ્યો છે.
સોશિયલ મીડિયા સંપૂર્ણપણે ખરાબ નથી. તે જાણકારી, મનોરંજન અને લોકોને જોડાવાનું ઉત્તમ સાધન છે. પણ જ્યારે તે આદત બની જાય અને વિવેક વગર તેનો વપરાશ થવા લાગે, ત્યારે તે નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. આ અભ્યાસનો સૌથી મોટો સંદેશ એ છે કે સોશિયલ મીડિયા પર આપણું નિયંત્રણ હોવું જોઈએ, ન કે સોશિયલ મીડિયાનું આપણી પર.
આજની ઝડપી જીવનશૈલીમાં માનસિક શાંતિ બહુ જરૂરી છે. જો અમુક સમય માટે પણ સોશિયલ મીડિયાથી અંતર કરીએ, તો આપણે બહેતર મહેસૂસ કરી શકીએ છીએ. સ્ટેનફોર્ડની આ સ્ટડીમાં સાબિત થયું છે કે, આપણી ખુશી અને માનસિક સ્વાસ્થ્ય માટે ક્યારેક ‘ઓનલાઇન’ને બદલે ‘ઓફલાઇન’ રહેવું જરૂરી હોવું છે. સંતુલન, સમજદારી અને જાગૃતિ સાથે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને આપણે તેને આપણાં જીવન માટે સહાયક બનાવી શકે છે, બોજ નહીં.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 21 ડિસેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

