જાગૃત ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ 20 ડિસેમ્બર 2025ના રોજ બપોરના 12.05 વાગ્યે X પર વીડિયો મૂક્યો છે અને લખ્યું છે :
“અમદાવાદ પોલીસને મહિલાઓ સાથે આવું વર્તન કરતી જોઈને લોહી ઉકળી ઊઠે છે ! એક ગુજરાતી બહેન એક પોલીસ અધિકારી પાસે તેનું આઈ.ડી. કાર્ડ માંગે છે. આઈ.ડી. કાર્ડ તેના હાથમાંથી સરકી જાય છે અને રસ્તા પર પડી જાય છે. આ તેનો ‘ગુનો’ બની જાય છે ! પછી આ ખાખી વસ્ત્ર પહેરેલો ગુંડો તેને થપ્પડ મારે છે અને લોહી કાઢે છે ! આ શું છે? પોલીસનું કામ નાગરિકોનું રક્ષણ કરવાનું છે કે તેમને માર મારવાનું? ગુજરાતમાં મહિલાઓની સુરક્ષાના મોટા મોટા દાવા કરતી સરકાર ક્યાં છે? આ પોલીસકર્મીએ કાયદો પોતાના હાથમાં લીધો છે ! હું માંગ કરું છું : આ પોલીસકર્મી સામે તાત્કાલિક FIR નોંધવામાં આવે, વિલંબ કર્યા વિના તેની ધરપકડ કરવામાં આવે અને કડક સજા આપવામાં આવે ! જેથી કોઈ પણ – પછી તે પોલીસકર્મી હોય કે રાજકારણી – ફરી ક્યારે ય કાયદો પોતાના હાથમાં લેવાની હિંમત ન કરે ! આ ફક્ત એક મહિલા પર હુમલો નથી – આ ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો છે ! અમે ગણવેશમાં આ ગુંડાગીરી સહન નહીં કરીએ ! ન્યાય થવો જોઈએ, અને હાલ થવો જોઈએ !”
હેડકોન્સ્ટેબલ એક મહિલાને તમાચો મારે, જેથી મહિલાની આંખ પર અને કાન પર ઈજા થાય છે. ઈજાગ્રસ્ત મહિલા પાલડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા જાય છે પણ મહિલાની ફરિયાદ નોંધવામાં આવતી નથી. મહિલા પોલીસ સ્ટેશનની બહાર ન્યાય માટે રાહ જૂએ છે.
થોડા મુદ્દાઓ :
[1] આ ઘટનામાં હેડકોન્સ્ટેબલ વાંક છે જ. તેણે કાયદાનો ભંગ કર્યો છે. હેડકોન્સ્ટેબલ પાસે બોડી-કેમેરો પણ છે જ. છતાં ઈજાગ્રસ્ત મહિલાની FIR નોંધાતી નથી તે પોલીસની જોહુકમી કહી શકાય. ફરિયાદ નહીં નોંધનાર પોલીસ અધિકારીને કડક સજા થવી જોઈએ. પોલીસનું કામ નાગરિકોનું રક્ષણ કરવાનું છે કે તેમને માર મારવાનું? માની લઈએ કે મહિલાએ પોલીસને ગાળ આપી હતી એટલે પોલીસે હુમલો કર્યો, પરંતુ મહિલાની ફરજમાં અવરોધ સબબ FIR દાખલ કરી કાયદેસર કાર્યવાહી કરવાની પોલીસ પાસે સત્તા છે જ. વળી પોલીસની FIR પણ તરત જ નોંધાઈ જાય ! કાયદાનો વિવેક જૂઓ : કાયદો-વ્યવસ્થા સ્થાપવા પોલીસ લાઠીચાર્જ કરી ફેક્ચર કરી શકે; તોફાનીને ગોળી મારી શકે; પરંતુ કોઈને લાફો મારી શકે નહીં !
[2] આ ઘટના એ સૂચવે છે કે સુપરવાઈઝરી અધિકારીઓ પોતાના તાબાના પોલીસ કર્મચારીઓને લોકો સાથે / બાળકો સાથે / મહિલાઓ સાથે કઈ રીતે વર્તન કરવું તે અંગે માર્ગદર્શન આપવામાં નિષ્ફળ ગયા છે. ઈજા કરનાર હેડકોન્સ્ટેબલને સજા થવી જ જોઈએ પણ સુપરવાઇઝરી અધિકારીઓને પણ સજા કરવાની જરૂર છે. સુપરવિઝન માટે પગાર લેતા અધિકારીઓની જ્યાં સુધી જવાબદારી છપાવવામાં નહીં આવે ત્યાં સુધી આવી શરમજનક ઘટનાઓ અટકશે નહીં.
[3] આ ઘટના સામાન્ય નથી. એક પોલીસ કર્મચારી મહિલા પર હિંસક હુમલો કઈ રીતે કરી શકે? શું આ વીડિયો જોઈને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર / રાજ્યના પોલીસ વડા / ગૃહસચિવ / ગૃહ મંત્રીનું લોહી ઉકળી ઊઠ્યું નહીં હોય?
[4] આવી ઘટના અમેરિકામાં બની હોય તો લોકો રસ્તા પર ઊતરી જાય ! આપણે ત્યાં નાગરિક સભાનતાની ઉણપ છે; એટલે જ આવી શરમજનક ઘટનાઓ બને છે.
[5] જો ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આક્રોશ વ્યક્ત કરી શકે તો બાકીના ધારાસભ્યો મૂંગા કેમ રહે છે? શું આ નાગરિકના ગૌરવના ભંગની બાબત નથી? જેની ખાતરી બંધારણના આમુખમાં આપવામાં આવી છે. શું બંધારણીય મૂલ્યોની જાળવણી કરવાની ધારાસભ્યોની જવાબદારી નથી? પોલીસ કમિશનર / રાજ્યના પોલીસ વડા / ગૃહસચિવ / ગૃહ મંત્રીની જવાબદારી નથી? ઓછામાં ઓછું, અમદાવાદ શહેરના ધારાસભ્યોની સંવેદના પણ મરી ગઈ હશે? આ ફક્ત એક મહિલા પર હુમલો નથી; આ ગુજરાતની દરેક દીકરીની ગરિમા પર હુમલો છે !
21 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

