અંધશ્રદ્ધા
અહલ્યા ક્યારે થશે એ તો કહો
નર્મદે જે આબાદ શબ્દસંધાન કર્યું હતું, ‘વહેમજવન’, એની આજના ગુજરાતને મુદ્દલ નવાઈ નથી. ગુજરાત વહેમજવન સામે લડવાને બદલે એના લોલે લોલની લાગણી વખતોવખત જગવતું હોય છે.

પ્રકાશ ન. શાહ
એને મજાનો જોગાનુજોગ જ કહીશું આપણે – થોડા જ દિવસો પર ગૌહર રઝાનું પુસ્તક ‘મિથકો સે વિજ્ઞાન તક’ ગુજરાતીમાં સુલભ થયું અને થતાં વેંત મધ્ય ગુજરાતથી દક્ષિણ ગુજરાત બધે ક્યાંક દર્પણ કે ક્યાંક કીમ એજ્યુકેશન સોસાયટી, એમ ઊંચકાયું ને પોંખાયું. નર્મદે જે આબાદ શબ્દસંધાન કર્યું હતું, ‘વહેમજવન’, એની આજના ગુજરાતને મુદ્દલ નવાઈ નથી. ગુજરાત વહેમજવન સામે લડવાને બદલે એના લોલે લોલની લાગણી વખતોવખત જગવતું હોય છે. એની વચ્ચે આવા પુસ્તકનું આવવું ને સ્વીકારાવું એ અલબત્ત નાની વાત નથી જ.
પ્રતિરોધના શાયર લેખાતા ગૌહર પોતે ઉચ્ચ કક્ષાના સુપ્રતિષ્ઠ વિજ્ઞાની છે, અને વૈજ્ઞાનિક મૂલ્યોના પ્રસારમાં તેમ તેને ધોરણે અંધશ્રદ્ધા નિર્મૂલનને મુદ્દે સક્રિય છે. ગુજરાત જોડે એમની સ્વતંત્ર ઓળખાણ કદાચ ઓછી હશે, પણ એક આત્મીય સંધાન જરૂર છે, કેમ કે 2002 પછી એમનાં સાથી શબનમ હાશમી અહીં લગભગ નિત્યનિવાસીની જેમ રહી કોમી સૌહાર્દ અને ન્યાયનો અલખ જગવતાં રહ્યાં છે. એમનો વ્યક્તિગત પરિચય ત્યારે થયો, પણ જે એક હાશમીને – સફદર હાશમીને એમની શહાદત થકી મારા જેવા ઘણા જાણતા હશે એમનાં બહેન તરીકે શબનમ અજાણ્યાં છતાં જાણીતાં તો લાગતાં જ હતાં. સફદર આપણા ક્રાંતિકારી મિજાજના નાટ્યકર્મી હતા અને અન્યાય પ્રતિકાર તેમ વિદ્રોહનાં શેરીનાટકો ભજવતાં વીરમૃત્યુને વર્યા હતા. કથિત ડાબેરી ઓળખનાં વ્યવધાનને વટી જઈએ તો આ બધી શખ્સિયતો ન્યાય અને પરિવર્તનની રાજનીતિને વરેલા નાગરિક કર્મશીલનો સાંસ્કૃતિક સંસ્કાર જગવે છે.
આરંભે મેં જોગાનુજોગ એ પ્રયોગ કેમ કીધો? ભાઈ, આ જ દિવસોમાં ગુજરાતને ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી અને સાંસદ ગેનીબહેનનો કેમ જાણે નવો જ પરિચય થયો છે. બેઉની પોતપોતાને છેડેથી સક્રિયતા સુપરિચિત છે. મૂળે સિવિલ સોસાયટી તરેહના રાજકીય કુળમૂળનો જિજ્ઞેશ આમ તો 2016ના ઉના પ્રકરણે દેશના રાજકીય તખતે પણ ઝળકેલ છે. આ દિવસોમાં ડ્રગ્ઝ ને દારુથી જાહેર જીવન અને જોવનાઈનાં તિતરબિતર થઈ રહેલાં પોત સામે એણે બુલંદ અવાજ ઉઠાવ્યો છે, અને અલગ અલગ સામાજિક વર્તુળોમાંથી એને મજબૂત પ્રતિસાદ મળી રહ્યો છે. જિજ્ઞેશ દલિત ઓળખની રીતે જોવાય અગર પ્રસંગોપાત તેવો પ્રતિભાવ એણે આપવાનો થાય તોપણ એની રાજનીતિ કાઁગ્રેસ વિ. ભા.જ.પ.ના રાજકારણની કાળજી લેતે છતે સરવાળે નાગરિક સમાજની છે. ગેનીબહેન સહિત એને મળી રહેલ વ્યાપક સમર્થન એકંદરે દલિત-બિનદલિત વળગણમુક્ત છે.
નર્મદના અદ્ભુત પ્રયોગ ‘વહેમજવન’ને આરંભે સંભાર્યો – આ ‘જવન’ સામે ગેનીબહેન લડી રહ્યાં છે. એમનાં સ્પષ્ટ વિધાનોથી ભુવા સમાજને ખોટું લાગ્યાના હેવાલો છે, પણ દશામા સહિતના ખેલ પાડીને પેટિયું કૂટતા ને બીજી સગવડો જોગવતા ભુવાઓ કંઈ કર્તુમ અકર્તુમ કરવા સમર્થ નથી તેવી સ્પષ્ટોક્તિ ગેનીબહેનને એક ચીલેચલુ રાજકારણી કરતાં વધુ ઊંચાઈ આપે છે અને રાજકારણ એ સત્તાનો ખેલ માત્ર નથી, પણ પ્રશ્નોના સમાધાનપૂર્વક ન્યાયી પરિવર્તનનું ઓજાર છે એવી એક અપરિભાષિત સમજ પણ એમની આ પહેલમાંથી ઝળકે છે.
આ ઉઠાવ સામે વ્યાપક ગુજરાતી સમાજ અને રાજ્યનું ચિત્ર શું છે એ જેટલો તપાસનો તેટલો જ નિસબતનો મામલો છે. આમ તો ગુજરાત એક ભા.જ.પ. શ્રેષ્ઠીએ (એમના મંત્રીકાળમાં) યોજેલ ભુવા સંમેલને રળિયાત છે. વહેમજવનને અછો અછો વાનાંના આ રાજકારણને શું કહીશું? દેશ રામભરોસે ચાલે છે. એમ જ ને! અલબત્ત આશ્વાસન લઈ શકાય કે હમણાં 2024માં ગુજરાત સરકારે અંધશ્રદ્ધા વિરોધી કાયદો ભલે મોડે મોડે પણ પસાર કર્યો છે. ગેનીબહેનની સાફ વાત સામે ભુવા સમાજ ધૂણી રહ્યો હોય ત્યારે આ કાયદો ક્યારે જાગશે એ નાગરિક અમૂઝણનો મામલો છે. ભાઈ, શલ્યાની અહલ્યા ક્યારે થશે એ તો કહો.
તમે ખાસ પ્રકારનું રાજકીય પ્રાણી માનો કે સરજી શકો છો. પણ નાગરિકનિર્મિતિ તો બાકી જ રહે છે, ને!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 17 ડિસેમ્બર 2025
![]()

