
હિતેશ રાઠોડ
જાન્યુઆરી ૨૦૧૫માં સરકારે આયોજન પંચનું નામ બદલીને નીતિ આયોગ કર્યું હતું. સપ્ટેમ્બર ૨૦૨૨માં સરકારે રાજપથનું નામ બદલીને કર્તવ્ય પથ કર્યું, હજુ હમણાં જ પ્રધાન મંત્રી કાર્યાલયનું નામ બદલીને સેવા તીર્થ કરવામાં આવ્યું તેમ જ ગાંધીજીનું નામ ધરાવતા રોજગારી યોજનાના કાયદાનું નામ પણ બદલવામાં આવ્યું છે. એ સિવાય પણ શહેરો, ઈમારતો, ભવનો, સંકુલો, સ્મારકો, યોજનાઓ, કચેરીઓ, કમિશનો, આવાસીય વિસ્તાર વગેરેનાં નામો બદલવામાં આવ્યાં છે.
એક વાત તો માનવી પડશે. સરકારે બીજું કંઈ કર્યું હોય કે ના કર્યું હોય પણ નામ બદલવાનું કામ ફાંટ ભરીને કર્યું છે. કદાચ આ પહેલાની બધી સરકારોએ ભેગા મળીને પણ જેટલાં નામો નહિ બદલ્યાં હોય એટલાં નામો વર્તમાન સરકારે એકલા હાથે બદલી નાખ્યાં છે! સરકારે બીજું કંઈ બદલ્યું છે કે નહિ એ તો રામ જાણે પણ નામો જરૂર બદલ્યાં છે. નગર, શહેર, ભવન, ઈમારત, સંકુલ, કચેરી, આવાસ, સ્મારક, શાળા, યોજના, કમિશન, જે અડફેટે ચડ્યા એનાં નામ બદલી નાખ્યાં!
નામો બદલવા પાછળ કઈ માનસિકતા કામ કરતી હશે એ વિચારવા જેવું તો ખરું!! નામો બદલવા પાછળ એક માનસિકતા કદાચ એવી હોઈ શકે કે ‘નવા ભારત’ માં જૂના શાસકો દ્વારા નિર્મિત, રચિત કે ગઠિત જૂનું કંઈ ન ખપે. જે કંઈ જૂનું હોય એને બદલી નવું નિર્માણ કરો. પણ આમાં મુશ્કેલી એ આવે કે રાતોરાત તો કંઈ નવું નિર્માણ થઈ શકતું નથી. વળી, ખાટલે મોટી ખોટ એ છે કે નવું નિર્માણ કરવા માટે તો શાસકોમાં વિચક્ષણતા, વિદ્વતા, દૂરંદેશીતા, દીર્ઘદૃષ્ટિ, કોઠાસૂઝ, કૌવત, કાબેલિયત, આવડત અને હૈયે લોકહિત હોવાં જોઈએ, જેનો વર્તમાનમાં અભાવ જોવા મળે છે. ઉપરાંત, નવું નિર્માણ કરવા માટે શાસનનો બહુ લાંબો કાર્યકાળ પણ જોઈએ, વર્તમાન સરકારનો કાર્યકાળ કેટલો લાંબો ચાલશે એ અંગે ખુદ સરકારને પણ આશંકા હોય તો નવાઈ નહીં! જો કે સરકારે આનો પણ શોર્ટકટ શોધી કાઢ્યો છે. સરકારનો પોતાનો તર્ક હોય કે કોઈ મહામાનવના ફળદ્રુપ ભેજાની એ ઉપજ હોય, જેણે સલાહ આપી હોય કે નવું નિર્માણ કરવા માટે વધુ કંઈ કરવાની જરૂર નથી, બસ નામો બદલવા માંડો, જૂનાં નામને બદલે નવું નામ આપી દો એટલે થઈ ગયું નવું નિર્માણ! નામો બદલતાં જાવ અને નવા ભારતના નિર્માણની ઈંટ-ઈંટ મૂકતા જાવ! થઈ ગયું નવા ભારતનું નિર્માણ!
શેક્સપીઅરનું એક જગવિખ્યાત કથન છે : નામમાં શું છે? નામ તો એક નિમિત્ત માત્ર છે. અસલ વાત એના ગુણની છે. ગુલાબને ગુલાબ કહો કે અન્ય કોઈ નામે બોલાવો એનાથી એની મીઠી-મધુર મહેંકમાં કોઈ ફરક પડવાનો નથી. કરમાયેલ કે સૂકાઈ ગયેલ ગુલાબ પણ પોતાની મીઠી મહેંક છોડતું નથી. કોઈ વ્યક્તિને તમે ગુલાબ કહીને બોલાવો છો ત્યારે તમે એ વ્યક્તિમાં રહેલ ગુલાબ જેવી મીઠાશનો સંકેત આપો છો. તો વળી, કાગડાને કોયલનું નામ આપી દેવાથી કાગડો કંઈ કોયલ નથી બની જતો! એ માટે તો એણે કોયલનો અવતાર લેવો પડે!
સ્થળ, શહેર, ભવન, ઈમારત, રોડ, રસ્તા વગેરેનાં નામ બદલવાથી શું ફેર પડતો હશે એ તો સરકારને ખબર, પણ એની પાછળના સરકારના મનસૂબા અપ્રગટપણે પ્રગટ થઈ જાય છે. જ્યારે તમે કોઈ સ્થળ, શહેર, ભવન, ઈમારત, રોડ, રસ્તા વગેરેનું નામ બદલો છો ત્યારે તમે એ સ્થળ, શહેર, ભવન, ઈમારત, રોડ, રસ્તા, સંકુલ વગેરેના સંદર્ભમાં કોઈનો પરિશ્રમ, કોઈનો ત્યાગ, કોઈનું બલિદાન અને સંચયિત ઇતિહાસ સહિત તેની સાથે સંકળાયેલ તમામ મહત્ત્વપૂર્ણ તથ્યોને ભૂંસી એના પર નવાં નામનું કલેવર જડી પોતાનો નવો ઇતિહાસ થોપવા પ્રયાસ કરો છો. આમ કરવાથી નવો કોઈ ઇતિહાસ નથી રચાતો, પણ જૂના ઇતિહાસમાં એક કાળું પાનું જરૂર ઉમેરાય છે. ઇતિહાસનું નિર્માણ એક સુદીર્ઘ અને પ્રલંબ પ્રક્રિયા છે અને એ માટે એક લાંબી કષ્ટદાયક પ્રક્રિયામાંથી પસાર થવું પડતું હોય છે. વળી, દરેક સ્થળ, શહેર, ભવન, ઈમારત, રોડ, રસ્તા વગેરેનાં નામ પાછળ એક લાંબો સંચયિત ઇતિહાસ અને સંસ્કૃતિ જોડાયેલાં હોય છે. સંકુચિત મહત્ત્વાકાંક્ષા સંતોષવા ખાતર કોઈ વ્યાજબી તર્ક વિના નામ બદલી કોઈના પરિશ્રમ, મહેનત કે સિદ્ધિને સીધેસીધી બીજાનાં નામે ચડાવી દેવાની સંકુચિત માનસિકતા સાથે નામ બદલવાની કુચેષ્ટા વીતેલા કાળની વ્યક્તિઓ, ઘટનાક્રમો, પ્રસંગો, કે ઇતિહાસને જનમાનસના સ્મૃતિપટમાંથી “નામશેષ” કરવાના તેમજ ઈતિહાસ અને સંસ્કૃતિને નકારવાના કરતૂતથી વિશેષ કંઈ નથી. નામો બદલવાથી ત્યાગ, બલિદાન અને સમર્પણને સંઘરી હજારો વર્ષોના ઘટનાક્રમોમાં પથરાયેલ અને લોકોની સ્મૃતિઓમાં સચવાયેલ ઇતિહાસ કંઈ ભૂંસાઈ શકવાનો નથી. આત્મશ્ર્લાઘાથી પીડાતા સ્વકેન્દ્રી અને સંકુચિત માનસિકતા ધરાવતા લોકોની આંધળી મહત્ત્વાકાંક્ષાને સંતોષવા જેણે જેણે કંઈ નવુ સર્જન કર્યા વિના કોઈના દ્વારા રચાયેલ ઇતિહાસને ભૂંસવાનો પ્રયાસ કર્યો છે એ બધા કાળની ગર્તામાં ક્યાં ય નામશેષ થઈ ગયા છે. ઇતિહાસ હંમેશાં એમના રચાતા આવ્યા છે જેમણે પરમાર્થ ખાતર પોતાનું સર્વસ્વ હોમી દીધું છે.
માત્ર નામો બદલવાથી કંઈ ઇતિહાસ નથી રચાતો, ઇતિહાસ રચવા માટે કંઈક નવું નિર્માણ કરવું પડતું હોય છે, નવું સર્જન કે ઉપાર્જન કરવું પડતું હોય છે અને એમ કરવા જતાં જરૂર પડ્યે કાળની ગર્તામાં ગરક થઈ ફના થઈ જવું પડતું હોય છે. રાજઘાટ કે શક્તિસ્થળ કંઈ એમ જ ઊભા થઈ જતા નથી એ માટે છાતીને ગોળીઓથી વિંધાવવી પડતી હોય છે, પણ ગોળીથી વીંધાવાનો જેમનો ઇતિહાસ ન રહ્યો હોય એમને ભલા આ વાત કેવી રીતે સમજાય!
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

