યા દિલ કી સુનો દુનિયાવાલો, યા મુઝકો અભી ચૂપ રહને દો
મૈં ગમ કો ખુશી કૈસે કહ દૂં, જો કહતે હૈ ઉનકો કહને દો …
યે ફૂલ ચમન મેં કૈસા ખિલા, માલી કી નઝર મેં પ્યાર નહીં
હંસતે હુએ ક્યા ક્યા દેખ લિયા, અબ બહતે હૈ આંસુ બહને દો …
એક ખ્વાબ ખુશી કા દેખા નહીં, દેખા જો કભી તો ભૂલ ગયે
માંગા હુઆ તુમ કુછ દે ન સકે, જો તુમને દિયા વો સહને દો …
ક્યા દર્દ કિસીકા લેગા કોઈ, ઈતના તો કિસીમેં દર્દ નહીં
બહતે હુએ આંસુ ઔર બહે, અબ ઐસી તસલ્લી રહને દો …
ધર્મેન્દ્રની ચિરવિદાયથી ફરી એક વાર સિનેચાહકોને ભાગ્યે જ પુરાય એવી ખોટ પડી. એની ફિલ્મો, એના સંવાદોથી માધ્યમો ધમધમે છે અને એના ચાહકો એનામાં મસ્ત થવાનો અને એની વિદાયને પચાવવાનો એવો સુખ-દુ:ખ મિશ્રિત અનુભવ કરી રહ્યા છે. ધર્મેન્દ્રની વિદાય તાજી છે અને તેનો જન્મદિન પણ નજીક છે ત્યારે વાત કરીએ એની શરૂઆતની ફિલ્મોમાંની એક ક્લાસિક ફિલ્મ અને એના એક ક્લાસિક ગીતની.
ધર્મેન્દ્ર અને શર્મિલા ટાગોર બંનેનો જન્મદિન એક જ દિવસે છે : ૮ ડિસેમ્બર. ધર્મેન્દ્ર ૧૯૩૬માં અને શર્મિક ૧૯૪૪માં. ૧૯૬૬થી ૧૯૮૪ સુધીમાં આ જોડીની દસેક ફિલ્મો આવી, જેમાંની પહેલી ‘અનુપમા’ અને ત્રીજી ‘સત્યકામ’ તેમની જ નહીં, ફિલ્મોના ઇતિહાસની પણ નોંધપાત્ર ફિલ્મો છે. એનું કારણ આ બંને ફિલ્મોના સર્જક, ગહન સંવેદનોને રડમસ કે ડ્રામેટિક થયા વિના વ્યક્ત કરવામાં માહિર હૃષીકેશ મુખર્જી પણ ખરા. આ ત્રણેની હજી એક ફિલ્મ ‘ચુપકે ચુપકે’ને પણ અહીં યાદ કરવી જોઈએ. આજે માણીએ ‘અનુપમા’ ફિલ્મનું હૃદયસ્પર્શી ગીત ‘યા દિલ કી સુનો દુનિયાવાલો’ શબ્દો કૈફી આઝમી, સંગીત હેમંતકુમાર.
અતિવ્યસ્ત બિઝનેસમેન મોહન શર્મા (તરુણ બૉઝ) પ્રમાણમાં મોટી ઉંમરે પરણ્યા છે અને પત્ની અરુણા(સુરેખા પંડિત)ને ખૂબ ચાહે છે. કમનસીબે દીકરી ઉમા(શર્મિલા ટાગોર)ને જન્મ આપતાં અરુણાનું મૃત્યુ થાય છે. દીકરીને જોતાં જ મોહનને સ્મૃતિઓ એવી ઘેરી વળે છે કે એ એનાથી દૂર જ રહેવા માંડે છે અને પોતાની જાતને કામમાં ડુબાડી દે છે. અણગમો ક્યારેક ક્રોધ અને ધિક્કારનું રૂપ પણ ધારણ કરે એવું બનતું રહે છે. હૃષિકેશ મુખર્જીએ પોતાના પરિવારમાં આવી એક ઉપેક્ષિત, ઉદાસ દીકરી જોઈ હતી. એની કથનીમાં બીજા રંગ પૂરી એમણે જ ફિલ્મની વાર્તા લખી હતી.
એક આદર્શવાદી અને એટલે સંઘર્ષરત એવો લેખક આલોક (ધર્મેન્દ્ર) આ મૌન, ભીરુ અને પોતાને ગોપનીય રાખતી રહેતી ઉમાને ચાહે છે ને એના પર પુસ્તક લખવું શરૂ કરે છે. ઉમાએ આંખોથી એના હૃદયનો ભાવ ઝીલ્યો છે. ઉમાની એક પ્રેમાળ, ચુલબુલી ને તોફાની સહેલી(શશીકલા)ના જન્મદિનની પાર્ટીમાં આલોકને ગાવાનું કહેવામાં આવે છે. એ દિવસે ઉમાનો પણ જન્મદિન છે, કોઈએ એને ઉજવ્યો નથી. એને મળીને આલોક પાર્ટીમાં આવ્યો છે. આલોકનું મન દુ:ખી છે, કઇંક ક્રોધિત પણ છે. એ કહે છે, ‘મારી પાસે તો લોહી, આંસુ અને સંઘર્ષની કવિતા છે. અહીં નહીં શોભે.’ છતાં આગ્રહ ચાલુ રહે છે અને એ ‘યા દિલ કી સુનો’ ગાય છે. ગીત નિમિત્તે એનો ગુસ્સો, એની તકલીફ, એનો સ્નેહ – એના હૃદયભાવની જ રજૂઆત થઈ જાય છે.
આમ જુઓ તો આ ગીતને પાર્ટી સૉંગ કહી શકાય. ફિલ્મોમાં સુખનાં, દુ:ખનાં, રોમાન્સનાં પાર્ટી સૉંગ્સ પુષ્કળ છે, પણ આ ગીત જુદું એટલે પડે છે કે તેમાં નાયક ખુદની વેદના વ્યકત કરવાને બદલે એના દુ:ખની વાત કરે છે જે કદી પોતાના મોંએ કશું કહેવાની હિંમત કરવાની નથી. ગીત ઉદાસ છે. કરુણતાની છાંટ પણ ખરી, છતાં મેલોડ્રામેટિક બિલકુલ નહીં. સુંદર શબ્દો, સંયમિત અભિનય અને હેમંતકુમારના કંઠ અને સંગીતનું જાદુ. હીમેન બન્યા પહેલાનો શાંત, સોહામણો ધર્મેન્દ્ર આ ગીતનું મુખ્ય આકર્ષણ છે. પ્રણયગીત ન હોવા છતાં આ ગીતમાં રોમાન્સ છે – જિંદગી પ્રત્યેનો અજબ ઉદાસ રોમાન્સ. ‘એક ખ્વાબ ખુશી કા દેખા નહીં, દેખા જો કભી તો ભૂલ ગયે, માંગા હુઆ તુમ કુછ દે ન સકે, જો તુમને દિયા વો સહને દો …’
આ બાજુ ઉમાનાં લગ્ન એના પિતાએ એક યુવાન (દેવેન વર્મા) સાથે નક્કી કર્યા છે, પણ એ યુવાન અને ઉમાની સહેલી (શશીકલા) પરસ્પર વધારે અનુરૂપ છે અને એકમેકને ચાહવા લાગે છે. ઉમાના હતાશ પિતા બીજા શ્રીમંત પરિવારમાં ઉમાનો સંબંધ ગોઠવે છે. ઉમા એ સંબંધ સ્વીકારે છે? આલોક ઉમાના પિતાને ખાસ પસંદ નથી – એનું શું થાય છે? ઉમા પોતાના મનની વાત કોઈને કરી શકે છે? – આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે ફિલ્મ જોવી પડે.
એક સુંદર ફિલ્મ હોવા ઉપરાંત ‘અનુપમા’ અનેક કારણોસર હિંદી સિનેમાના અભ્યાસીઓએ પણ જોવા જેવી છે. આ ફિલ્મ બિમલ રૉયને સમર્પિત કરાઈ છે. મોટા ભાગની ટીમ બિમલદાની જ છે. હૃષિદાની શૈલી પણ એમની યાદ અપાવે તેવી છે. ધર્મેન્દ્ર-શર્મિલા ટાગોરે ખૂબ સંયમિત પણ સંવેદનસમૃદ્ધ અભિનય કર્યો છે. શશીકલા, ડૅવિડ, દેવેન વર્મા અને સગી દીકરી માટે પ્રેમ અને ધિક્કાર જેનામાં એકસાથે વસે છે તેવા પિતા તરીકે તરુણ બૉઝનો અભિનય સુંદર છે.
સિનેમેટોગ્રાફી, પટકથા, એડિટિંગ, સંગીત અને અભિનય આ પાંચ ફિલ્મની કસોટી છે. એ દરેક કસોટીમાંથી ‘અનુપમા’ ખરી ઊતરી છે. કલાવિવેચકો આ ફિલ્મને ‘ધ બ્લૅક એન્ડ વ્હાઈટ ક્લાસ ડ્રામા ધૅટ સો સ્ટ્રોંગલી ઇન્ફ્લુઅન્સ્ડ ઇંડિયન પોપ્યુલર સિનેમા ઇન ધ પોસ્ટ ઇન્ડિપેન્ડન્સ એરા’ કહે છે તે યોગ્ય જ છે. ‘સત્યકામ’માં ધર્મેન્દ્રની ભૂમિકા સત્યપ્રિય અને આદર્શવાદી યુવાનની હતી જેની અંગત અને વ્યાવસાયિક બંને જિંદગી બંને જોખમમાં મુકાતી રહેવા છતાં એ સત્યને છોડતો નથી. આ પણ ધર્મેન્દ્રની કારકિર્દીની ઉત્તમ ફિલ્મોમાંની એક હતી.
હેમંતકુમારનો કંઠ વાઈબ્રન્ટ, પેટર્નમાં ન બંધાય, સ્ટીરિયોટાઈપ્ડ ન થાય તેવો હતો. દેવ આનંદના 66મા જન્મદિને જ 69ની ઉંમરે હેમંતકુમારનું મૃત્યુ થયું ત્યારે દેવ આનંદે કહ્યું,‘મારા રોમાન્ટિસિઝમને હેમંતકુમારના જવાથી મોટો ફટકો પડ્યો છે.’ પીલુ રાગ પર આધારિત ‘યા દિલ કી સુનો’ સાંભળતાં લાગે કે ધર્મેન્દ્ર પર પણ હેમંતકુમારનો કંઠ બિલકુલ બંધ બેસે છે. પણ આ બંનેનાં ગીતોની સંખ્યા સાવ ઓછી છે. આવું એક જ ગીત મળે છે – ‘ખામોશી’નું તુમ પુકાર લો’. પણ એમાં ધર્મેન્દ્રની પીઠ જ દેખાય છે. એ ગાતો નથી, ગીત બેકગ્રાઉન્ડમાં છે એમ લાગે છે. ‘અનુપમા’નાં અન્ય ગીતો ‘ધીરે ધીરે મચલ’, ‘કુછ દિલ ને કહા’ અને શશીકલા પર ફિલ્માવેલાં ‘ભીગી ભીગી ફઝા’, ‘ક્યોં મુઝે ઇતની ખુશી દે દી’ આજે પણ સાંભળવાં – ગણગણવાં ગમે.
સાહિર, કૈફી અને જાંનિસાર અખ્તરે સ્વાતંત્ર્યોત્તર ન્યૂ વૅવ સિનેમામાં ગીતોની કાયાપલટ કરી નાખી એમ કહેવામાં બિલકુલ અતિશયોક્તિ નથી. કૈફી આઝમીએ પચાસ વર્ષની યાત્રામાં પચાસેક ફિલ્મોનાં ગીતો લખ્યાં. એમના ઘણા સમકાલીનોએ આટલાં સમયમાં આનાથી ઘણાં વધારે ગીતો આપ્યાં છે, પણ ગુણવત્તામાં કૈફી આઝમી એમાંના મોટા ભાગના કરતાં ઘણા વધારે આગળ હોય છે. ‘અનુપમા’ને અને તેનાં ગીતોને કૈફીની ગહનતાનો સુંદર સ્પર્શ મળ્યો છે. ‘અનુપમા’નું અન્ય ગીત ‘ઐસી ભી બાતેં હોતી હૈ, કુછ દિલ ને કહા, કુછ ભી નહીં’ પણ એમના કવિત્વનો ઉત્તમ નમૂનો – ઊનાળાની શાંત રાત્રે લેવા જેવો અનુભવ છે…
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 28 નવેમ્બર 2025
![]()

