
ચંદુ મહેરિયા
અખબારી ભાષામાં કદાચ એમ કહેવાય કે ૨૦૨૫ના અંત સુધીમાં ગુજરાતીઓની એક કરોડ કિલો ચરબી ઉતરી જશે ! અહીં ચરબી ઉતારવાનો અર્થ મિથ્યા અભિમાન કે ખોટી દાદાગીરીનો નથી. લિટરલી ગુજરાતીઓની ચરબી કહેતાં શરીરનો મેદ ઘટાડવાની આ તો વાત છે. મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન હેઠળ યોગ, આહાર અને આયુર્વેદના નિયમનથી આ મહિનાના અંત સુધીમાં દસ લાખ મેદસ્વી લોકોના શરીર પરનું એક કરોડ કિલો વધારાનું વજન ઘટશે.
તબીબી પત્રિકા લાન્સેટના આંકડાઓ પ્રમાણે ૨૦૨૧માં દુનિયામાં ૨.૧૧ અબજ લોકો મેદસ્વી હતા. તેમાં ૧૦૦ કરોડ પુરુષો અને ૧૧૧ કરોડ સ્ત્રીઓ હતી. ચાળીસ વરસો(૧૯૮૦ થી ૨૦૨૦)માં સ્થૂળતા દર ૬.૪ ટકાથી વધીને ૧૨ ટકા જેટલો બમણો થયો છે. ભારતમાં સાડા ત્રણ દાયકામાં સ્થૂળતા પાંચ ગણી વધી છે. ભારતમાં ૨૧.૮ કરોડ પુરુષ અને ૨૩.૧ કરોડ મહિલા મેદસ્વી છે. કુલ ૨૭ લાખ ગુજરાતીઓ મેદસ્વી છે. જેમાં મહિલાઓ ૫૮ ટકા અને પુરુષો ૪૨ ટકા છે. હાલના દરે મેદસ્વિતામાં વધારો થતો રહેશે તો ૨૦૫૦ સુધીમાં સામ્યવાદી ચીનમાં પચીસ વરસથી વધુ વયના સૌથી વધુ ૬૨.૭ કરોડ, લોકતાંત્રિક ભારતમાં ૪૫ કરોડ અને મૂડીવાદી અમેરિકામાં ૨૧.૪ કરોડ લોકો મેદસ્વી હશે. વૈશ્વિક સ્થૂળતામાં ભારતનો ક્રમ ચીન પછી બીજો છે. રાષ્ટ્રીય કક્ષાએ મેદસ્વી રાજ્યોમાં ગુજરાતનું સ્થાન ત્રીજું છે.
બોડી માસ ઈન્ડેક્ષ(બી.એમ.આઈ.)થી શરીરમાં કેટલી ચરબી વધારે છે તે જાણી શકાય છે. તેના આધારે અલ્પ, મધ્યમ અને તીવ્ર સ્થૂળતા નક્કી થાય છે. વિશ્વના અઢાર વરસથી ઉપરના ૪૩ ટકા લોકો વધુ વજન ધરાવે છે પરંતુ તેમાંથી ૧૬ ટકા મેદસ્વી છે. દર પાંચે એક વ્યક્તિ બાહ્ય દેખાવમાં શારીરિક રીતે સ્વસ્થ લાગે છે પરંતુ અંદરથી ખોખલો હોય છે. વિશ્વના પુખ્ત વયના ૨૦ ટકા લોકોના બી.એમ.આઈ. સામાન્ય છે પણ તેમના પેટનો ઘેરાવો વધુ હોય છે કે પેટની આસપાસ ચરબી જમા થયેલી હોય છે. વિસરલ ફેટ તરીકે ઓળખાતી પેટની ચરબી શરીરના અંદરના અંગોમાં પણ જમા થયેલી હોય છે. વ્યક્તિનું ઉપસેલું, બહિર્ગોળ કે વધુ ઘેરાવો ધરાવતું પેટ મેદસ્વિતાનું લક્ષણ છે અને તે ખતરનાક છે.
પુખ્ત વયની વ્યક્તિઓ જ નહીં બાળકો અને કિશોરોમાં પણ સ્થૂળતાનું પ્રમાણ વધારે જોવા મળે છે. દેશનો દર દસમો કિશોર વધુ વજનનો છે. પાંચમા નેશનલ ફેમિલી હેલ્થ સર્વેમાં જણાવ્યા મુજબ પાંચથી ઓગણીસ વરસના પચીસ ટકા બાળકો અને કિશોરો સ્થૂળતાનો ભોગ બનેલા છે. ગુજરાતમાં ૨.૭૩ લાખ બાળકો સામાન્ય કરતાં વધુ વજનના છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દુનિયામાં ૩૪ કરોડ બાળકો સામાન્ય કરતાં ઘણું વધારે વજન ધરાવતા હોવાનું નોંધે છે.
મેદસ્વિતા, સ્થૂળતા, ઓબેસિટી કે ચાલુ ભાષામાં કહેવાતું જાડિયાપણું ખરાબ જીવન શૈલી, મીઠાં પીણાં, વધુ કેલેરીવાળા ફાસ્ટ ફૂડ, બેઠાડુ જીવન પ્રવૃત્તિ, અનિયમિત ઊંઘ અને આહાર, એકલતા, વધુ સ્ક્રીન ટાઈમ, આનુવંશિક પરિબળો, તણાવ જેવાં કારણોથી જોવા મળે છે. શહેરોની તુલનામાં ગામડાંના લોકો સપ્રમાણ શરીર ધરાવે છે પરંતુ ગ્રામીણ વિસ્તારની ચોથા ભાગની વસ્તી પણ મેદસ્વી છે.
શરીરમાં ચરબીનું વધુ કે અતિ પ્રમાણ અનેક જોખમો નોતરે છે. ટાઈપ-૨ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદયરોગ, સાંધાનો ઘસારો, પ્રોસ્ટેટ કેન્સર, મહિલાઓમાં સ્તન અને ગર્ભાશયનું કેન્સર, નસોમાં લોહીના ગઠ્ઠા, માનસિક અસ્થિરતા, પિત્તાશયની પથરી, ચામડીના રોગો અને લીવર સીરોસીસ જેવી બીમારીઓ મેદસ્વિતાના કારણે થઈ શકે છે. સ્થૂળ વ્યક્તિઓ વધુ માંદી પડે છે અને તેમનું મરણનું પ્રમાણ પણ વધુ જોવા મળે છે. હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીઓ જાડા શરીરની વ્યક્તિઓને વીમો આપવા ઈન્કાર કરે છે કે વધુ પ્રિમિયમ માંગે છે. એકાદ વિમાન કંપનીએ જાડા પેસેન્જરને વધુ એક સીટ બુક કરવાનું કહ્યાનું સાંભળ્યું છે. મેદસ્વિતાની આર્થિક અસરો પણ છે. તેલની આયાત વધે છે. દેશ વરસે ૧૩૦ લાખ ટન તેલ આયાત કરે છે. મેદસ્વિતાના કારણે દેશના આર્થતંત્ર પર ૨૦૧૯માં રૂ. ૨.૪ લાખ કરોડનો આર્થિક બોજ પડ્યો હતો. જે ૨૦૩૦ સુધીમાં વધીને રૂ. ૬.૭ લાખ કરોડ અને ૨૦૬૦માં ૬૯.૬ લાખ કરોડ થઈ શકે છે.
વૈશ્વિક સમસ્યા મેદસ્વિતાથી ભારતને મુક્ત કરવા વડા પ્રધાનની હાકલ પછી વ્યક્તિ, સમાજ અને સરકાર તે દિશામાં સક્રિય થયા છે. સ્વસ્થ આહાર અને આહાર નિયંત્રણ, પૂરતી ઊંઘ, યોગ્ય જીવન શૈલી, તણાવ મુક્ત જીવન, બેઠાડુ જીવન પ્રવૃત્તિનો ત્યાગ, યોગ, પ્રાણાયામ, ઓછી કેલેરી, ઓછી ચરબીનો અને રેસાયુક્ત ખોરાક તથા કસરત જેવા ઉપાયોથી મેદસ્વિતામાંથી મુક્ત થઈ શકાય છે. દવાઓ અને સર્જરી પણ તેના ઉપાય છે. વડા પ્રધાને લોકોને પોતાના ખોરાકમાં દસ ટકા તેલનો વપરાશ ઘટાડવા આહ્વાન કર્યું છે. સી.બી.એસ.સી.એ શાળાઓને તેલ અને સુગરના વધુ ઉપયોગના જોખમો સંબંધી બોર્ડ મુકવા સૂચના આપી છે.
વિરોધાભાસોથી ભરેલા આપણા દેશમાં અતિ જાડા લોકો છે તો સાવ સુકલકડી જ નહીં, માયકાંગલા લોકો પણ છે. મેદસ્વી લોકો છે તો કુપોષિત પણ છે. એ તે કેવી વિડંબના કે ભારત વિશ્વનો બીજો સૌથી મોટો અનાજ ઉત્પાદક દેશ છે. તેમાં કુલ બાળકોના ૧/૩ કુપોષિત છે. એટલે કે તેમને પર્યાપ્ત ખાવાનું મળતું નથી. ૨૦૨૦ થી ૨૦૨૨ વચ્ચે ૭૪ કરોડ લોકો અલ્પપોષિત હતા. સરકારનો દાવો છે કે તે કોરોનાકાળથી દેશના ૮૧.૩૫ કરોડ ગરીબોને નિ:શુલ્ક પૂરક અનાજ પૂરું પાડે છે. તે બધા પણ નાનામોટા કુપોષણનો ભોગ બનેલા જ હશેને?
પાંચમા રાષ્ટ્રીય કુટુંબ આરોગ્ય સર્વે અનુસાર દેશના ૧૦ જિલ્લા સૌથી વધુ કુપોષિત છે. તેમાં ગુજરાતના ચાર આદિવાસીબહુલ જિલ્લા, પંચમહાલ, દાહોદ, નર્મદા અને તાપીનો સમાવેશ થાય છે. આ ગંભીર ચિંતાનો વિષય છે. રાજ્યના કેટલાક વિકસિત જિલ્લાના તાલુકાઓમાં પણ કુપોષિત લોકો છે. સંકલિત બાળ વિકાસ યોજના, મધ્યાહ્ન ભોજન યોજના અને અન્નસુરક્ષાના કાયદા છતાં કુપોષણને ખાળી શકાયું નથી.
આજે મેદસ્વિતા સરકારના રાજકીય એજન્ડાનો વિષય બન્યો છે. તેમ જો કુપોષણ પણ બને અને ગરીબી, ભૂખ, કુપોષણ જે સામાજિક-રાજકીય કારણોનું પરિણામ છે તેની નાબૂદીની દિશામાં જાગ્રત થઈએ તો બહિર્ગોળ પેટની જેમ અંતર્ગોળ પેટની સમસ્યા પણ નિવારી શકાય. કાગળ પરની ગરીબી નાબૂદીની યોજનાઓ ધરાતલ પર ઉતરે, કુપોષણ મુક્તિ લોક આંદોલન બને તો ચરબીથી વધી ગયેલા પેટની સાથે ભૂખથી અંદર ઉતરી ગયેલા પેટની સમસ્યા પણ ઉકલે. સરવાળે નહીં અદોદળા, નહીં માયકાંગલા એવા ગુજરાતી, ભારતીય અને અને વિશ્વનાગરિક જોવા મળે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

