કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
સ્વરો સઘળા સંગે લઈને, વ્યંજનોમાં ઘૂમ્યો.
રેતી, માટી, પથ્થર માફક, અક્ષર વળગે સજ્જડ,
એકમેકની સંગ મળીને રચે ઈમારત ફક્કડ..
હરે, ફરે ને ખેલે ખેલ, અંદર જાણે મેજીક મહેલ,
માત્રાઓની સહેલ માણતો, પાક્કો પાયો કરતો ચાલ્યો,
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
બારાખડીની બારી ખોલી, હવા-ઉજાસ તો પહોંચે છેક,
શબ્દ રૂમઝૂમ નાચે લયબદ્ધ, પાંચે તત્ત્વો કેવાં નેક!
તેજપુંજથી પલળું રોજ, અર્થ-નીરથી નીતરું રોજ,
મનને હશે શેની આ ખોજ!! કે રુંવેરુંવે ઝુમ્યો, ના તૂટ્યો.
કક્કો એવો ઘેરો ઘૂંટ્યો, કદીયે એ ના છૂટ્યો.
e.mail : ddhruva1948@yahoo.com
http://devikadhruva.wordpress.com
![]()

