
હિતેશ રાઠોડ
લોકશાહી શાસનમાં લોક કલ્યાણની મૂળ વિભાવનાને સાવ વિસરી જઈ સરકારો હવે સતત ઇલેક્શન મોડમાં કામ કરે છે. સરકાર રચાય એને માંડ બે-અઢી વર્ષ પૂરાં થાય ત્યાં તો આવનાર ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ જાય છે. જેમના માટે અને જેમના મતથી સરકાર ચૂંટાય છે એ “આમજનતા” જ સરકારની પ્રાથમિકતામાંથી બાદ થઈ જાય છે. શરૂઆતનાં બે-અઢી વર્ષ સરકાર મસમોટા આયોજનો અને જાહેરાતો કરવામાં પસાર કરે પણ કામગીરી બાબતે તદ્દન નિષ્ક્રિય. બે-અઢી વર્ષ પૂરાં થાય એટલામાં આવનાર ચૂંટણીની ચિંતાઓ સરકારને સતાવવા લાગે. લોકોના કામ કરવામાં સરકાર જેટલું ધ્યાન આપતી નથી એનાથી વધુ ધ્યાન એ આગામી ચૂંટણીની તૈયારી કરવામાં આપે છે. લોકોની સમસ્યાઓ અને ચિંતાઓનું જે થવું એ થાય, ચૂંટણીની તૈયારીઓમાં કોઈ કચાશ રહી ન જાય એ માટે સરકાર બરાબર તકેદારી રાખે છે. પાંચ વર્ષની મુદ્દતમાં છેલ્લાં દોઢ-બે વર્ષ જ સરકાર થોડાં કામો કરે છે જેમાં લોકોનું હિત ઓછું એમનું અંગત હિત વધુ હોય છે.
જોતજોતામાં સરકારની પંચવર્ષીય મુદ્દત પૂરી થાય, ચૂંટણી જાહેર થાય, ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ થાય, ચૂંટણી આવે, ચૂંટણી પ્રક્રિયા આરંભાય, ચૂંટણી યોજાય, ગણતરીના અપવાદોને બાદ કરતાં મોટા ભાગે ફરીથી એના એ જ પક્ષની ‘નવી સરકાર’ રચાય અને ફરીથી બધું રાબેતા મુજબ ચાલવા માંડે. એમ લાગે કે ચૂંટણીનાં પરિણામોમાં કે નવી બનતી સરકારોમાં એમના કામોમાં લોકોને હવે કોઈ રસ રહ્યો નથી. સરકારી કાર્યોમાં સરકારી ખર્ચે ભીડ ભેગી કરવામાં આવે છે, લાભાર્થીને પાંચ હજારનો ચેક આપવા બીજા પચાસ હજારનો ખર્ચ કરવામાં આવે છે. લોકોને પણ આ બધું જાણે કે કોઠે પડી ગયું છે. લોકશાહીનું જે થવું હોય એ થાય સૌ પોતપોતાનામાં મસ્ત છે!
સરકાર ભલે નવી બનતી રહે પણ સરકારમાં બેઠેલાઓના વિચારો, માનસિકતા, શાસનશૈલિ અને કાર્ય પદ્ધતિ એની એ જ જૂની ઘરેડની. દૂરંદેશીતાનો અભાવ, સંકુચિત માનસિકતા, જૂના વિચારો, ખોટી ભ્રમણાંઓ, કોરા-ફોગટ વચનો, એની એ જ જૂની-પુરાણી વિકાસની ઠાલી વાતો, લોભામણા નામવાળી યોજનાઓની મોટીમોટી જાહેરાતો (નામ બડે ઔર દર્શન છોટે), અબજો-કરોડોનો ખર્ચ, અમલવારીમાં ઠાગાઠૈયા, લોકલાભ નહિવત, વાતો શિષ્ટાચારની પણ પ્રોત્સાહન ભ્રષ્ટાચારને, પ્રજાએ નાનાં-નાનાં કામો માટે પણ ધરમના ધક્કા ખાવા પડે, નીચેથી ઉપર સુધી કામનો તુમાર જ તુમાર, હાડમારીઓની વધતી જનફરિયાદો પણ નિરાકરણ નામે શૂન્ય, જનપ્રતિનિધિઓનો પ્રજા સાથેનો નાતો કેવળ મત મેળવવા પૂરતો, મત લઈ લીધા પછી તું કોણ અને હું કોણ, એક વાર મત આપીને પ્રજાએ કાયમ માટે શાસન સોંપી દીધું હોય એવો રૂઆબ ……, ગમે તેટલી વાર નવી સરકાર આવે આ બધાનો જાણે કોઈ અંત જ દેખાતો નથી! દૂર ક્ષિતિજમાં પણ આશાનું કોઈ કિરણ ચમકતું દેખાતું નથી. વળી, સમાજના સજ્જનો, બુદ્ધિજીવીઓ અને કર્મઠોની નિષ્ક્રિયતા અને ઉદાસીનતા પણ આ સ્થિતિને વધુ ઘેરી બનાવે છે.
લોકો પર શાસન કરતા કહેવાતા જનપ્રતિનિધિઓનાં માનસ પર હુકમશૈલી રાજ કરે છે. તેઓ માને છે કે હુકમો આપવા સિવાય એમણે કંઈ નક્કર કાર્ય કરવાનું નથી, અને હુકમો આપવામાં ય વળી આગળ-પાછળનો કે પરિણામોનો જરા ય વિચાર નહિ કરવાનો! શાસનમાં શીર્ષસ્થ સ્થાને બિરાજતી વ્યક્તિમાં નવા વૈચારિક આયામો, પ્રગતિશીલ વિચારો, લોકહિતને કેન્દ્રમાં રાખતા નિર્ણયો, સમસ્યા નિવારણ અભિગમ, લોકો માટે સાનુકૂળ વહીવટ, ઉપરી સત્તાધિશોને સાચી વાત કહેવાની કે તેમની સમક્ષ જમીની હકીકત રજૂ કરવાની હિંમત આ બધાને જાણે કોઈ અવકાશ જ નથી રહ્યો. શાસકો અને અમલદારો લોકો માટે નહિ પણ તેમના ઉપરી નેતાઓ અને તેમના પક્ષ માટે જ કામ કરતા હોય એ રીતે વર્તે છે. એમના માટે લોકહિત ગૌણ અને પક્ષહિત મુખ્ય હોય એવું એમની કામગીરી પરથી લાગે છે. અને આ બધામાં સૌથી ગંભીર વાત એ છે કે શાસકો અને અમલદારો એક વાતે નિશ્ચિંત થઈ ગયા છે કે હવે તેમને કોઈ પ્રશ્ન કરી શકશે નહીં અને આ નિશ્ચિંતતા તેમની વહીવટી વર્તનને વધુ બેજવાબદાર બનાવે છે. સરકારી શિથિલતા કે ગાફેલિયતને કારણે પ્રજાએ પીડાવું પડ્યું હોય અથવા લોકોએ જીવ ગુમાવવા પડ્યા હોય એના અનેક દાખલા મોજૂદ છે, છતાં આજ દિન સુધીમાં કોઈ શાસક કે અમલદારને દૃષ્ટાંતરૂપ સજા થઈ હોવાના એકલદોકલ કિસ્સા પણ ધ્યાનમાં આવતા નથી. અંધેરી નગરી અને ગંડુ રાજાની જેમ બધું ચાલે છે અને સુજ્ઞ નાગરિકો મૂક દર્શક બની આ બધો તમાશો નિહાળી રહ્યા છે!
નવી બનતી સરકારના વચનો, વાતો કે કામોમાં સામાન્ય લોકો માટેની ચિંતા, ફિકર, કાળજી, પરવા કે નિસબત ક્યાં ય દેખાતા નથી. સરકાર ગમે તેની આવે લોકો માટે નવી દિશા, નવી આશા કે નવા વિચારો દૂર ક્ષિતિજ સુધી ક્યાં ય ડોકાતા નથી. વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાની ઘેલછામાં લોકોના ભલા માટે, તેમની હાડમારીઓ ઓછી કરી તેમના જીવનને વધુ સરળ બનાવવા માટે શું કરી શકાય એ દિશામાં નવા વિચારોનો જાણે કે શૂન્યાવકાશ સર્જાયો છે. હાથે હાથે ગુલાલ નાખી રૂપાળા દેખાવાની શેખચલ્લી મનોવૃત્તિ, વ્યક્તિ-પૂજા અને વ્યક્તિ-પ્રશંસાની આંધળી પ્રથાએ લોકહિત, લોકકલ્યાણ અને લોકવિકાસની પરગજુ રાજનીતિનો સત્યાનાશ વાળી દીધો છે.
વિકાસની દિશામાં આગેકૂચ કરતા ભારત જેવા દેશ માટે આ સ્થિતિ બહુ સારી ન કહેવાય. કોઈપણ પક્ષની સરકાર બને, જૂના-નવા મંત્રીઓ સાથે નવું પ્રધાનમંડળ બને, નવી નીતિઓ બને, નવા કાયદા ઘડાય, નવી યોજનાઓ બને પણ લોકોની પરેશાનીઓ, વ્યથાઓ, મુશ્કેલીઓ, હાડમારીઓ કે સમસ્યાઓ ઠેરની ઠેર છે, એમાં તસુભાર જેટલો પણ ઘટાડો થયો નથી. પરિવર્તનના જે દૃષ્ટાંત પ્રયાસપૂર્વક લોકોને દેખાડવામાં આવે છે એ હકીકતમાં સુગર કોટેડ દૃષ્ટાંત હોય છે, વાસ્તવિક સ્થિતિ એનાથી તદ્દન વિરુદ્ધની હોય છે. સરકારના સુશાસન, વિકાસ પ્રક્રિયા કે વિકાસના ફળ ચાખવામાં આમજનતા ક્યાં છે, એ સૌથી મોટો પ્રશ્ન છે. સરકારના આંકડા સમર્થિત દાવા પ્રમાણે જો દેશમાં વિકાસ થઈ રહ્યો હોય, રોજગારી વધી રહી હોય, મોંઘવારી ઘટી હોય તો આમજનતાની રોજિંદી પરેશાનીઓ, મુશ્કેલીઓ, આર્થિક અને બીજી સમસ્યાઓ અને હાડમારીઓ કેમ ઓછી થવાનું નામ લેતી નથી!
પ્રજા જ્યાં સુધી દીર્ઘ તંદ્રામાંથી જાગશે નહિ અને આ દિશામાં કંઈક નક્કર પ્રયાસો કરવા સક્રિય નહિ થાય ત્યાં સુધી આ સ્થિતિમાં કોઈ ફેર નહિ પડે. લોકોએ હવે નક્કી કરવું પડશે કે ક્યાં સુધી તેઓ આ બધું સહન કર્યા કરશે અને આ સ્થિતિ બદલવા તેઓ શું કરી શકે એમ છે. અન્યથા આ સ્થિતિનો કદાપિ અંત આવશે પણ નહીં, એટલું જ નહિ આગળ જતા આ સ્થિતિ આનાથી પણ વધુ વિકટ બની શકે છે. પ્રગતિશીલ વિચારધારાને વરેલી લોકશાહી શાસનપ્રણાલિ માટે આ સ્થિતિ લોકો માટે કપરી અને સત્તા માટે પ્રાણઘાતક બની શકે છે. લોકશાહી શાસનમાં લોકોની જવાબદારી માત્ર મત આપવા સુધી સીમિત નથી, પરંતું વખત આવ્યે એ મતની તાકાતનો પરચો પણ તેમણે બતાવવો પડશે.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

