
અહીં ગાંધીજીના આહાર સાથો-સાથ આહાર બનાવવાની રીતરસમ પણ આવરી લેવાઇ છે.
હમણાંથી ફાસ્ટ ફૂડ અને લારી ભોજનનો મહિમા વધ્યો છે. શનિ રવિ ગૃહિણી સમેત સહુ રાંધવાની ઝંઝટમાંથી મુક્ત થઈ, તૈયાર અને સ્વાદિષ્ટ ભોજન તરફ વળ્યા છે, ત્યારે પ્રાણપોષક આહારની ચર્ચા અત્યંત જરૂરી બની છે. આ પુસ્તક ગાંધીજીના જીવનપ્રથા સ્વભાવના ઓછાં જાણીતાં પાસાઓને ઉજાગર કરે છે, જે ખાવા પીવાની આદતો વિશે ચિંતન કરવા માટે પ્રેરણાદાયક અને માર્ગદર્શક બનશે.
ગાંધીજીના આહાર સબબ નોંધપાત્ર બાબત – તેમના શાકાહારી (વેજીટેરિયન) ખોરાકનો આગ્રહ અંગેની છે. ઇંગ્લેન્ડ આવવાની મુસાફરી પહેલાં માતા સમક્ષ લીધેલ પ્રતિજ્ઞા પાલન મિશે શરૂ થયેલી આકરી કસોટી લંડન વસવાટમાં ય એમને છોડતી નથી. સ્વાદ, રુચિ, સોડમ અને પરંપરિત રાંધણ … સઘળું ત્યજવું સહેલું ન હતું, વળી, હાડ ગાળી નાખે એવી ઠંડી, પડકારજનક વાતાવરણમાં ગાંધીજી જે રીતે માંસાહાર ત્યજીને ટક્યા રહ્યા તે પ્રેરણાદાયી ને અનુકરણીય છે.
વિપુલભાઈએ ચીવટપૂર્વક ગાંધીજીના વિચારોમાં આવેલા રચનાત્મક પરિવર્તનોને રસપૂર્વક વણ્યાં છે. આ પુસ્તક ગાંધીજીનાં જીવન તથા સ્વભાવનાં ઓછાં જાણીતાં પાસાંઓ ઉજાગર કરે છે.
વિચારપૂર્વક, વીસ વર્ષની ઉમ્મરે નવા આહાર રૂપી ધર્મમાં પ્રવેશતા યુવાનની મૂંઝવણ અને મુશ્કેલીઓ સમજવા જેવી છે. માછલી ને ઈંડા શાકાહારી ગણાય એ યક્ષપ્રશ્ન ત્યારે ય હતો અને આજે પણ છે. સ્વાતંત્ર્યના લડવૈયા મોહનદાસ કરમચંદ ગાંધીની મહાત્મા સુધીની સફરમાં એમને હિમ્મતવાન અને બળવાન બનાવવામાં આહારની નિમિતત્તા ચુકવા જેવી નથી.
નિમક સત્યાગ્રહ(દાંડીકૂચ)થી આહારમાં નિમક(મીઠું)ના પ્રમાણનો યાત્રાપથ વિપુલભાઈએ ચીંધી આપ્યો છે. તો સાથોસાથ ચોકલેટ, ચા કોફી ઉપરાંત, ખાંડ, દૂધ ને દૂધની બનાવટો અને એની શારીરિક અસરો વિશે વિચારશીલ વાર્તાલાપ ગમે એવો છે.
વળી, વણરાંધેલા ખોરાક, કાચાંધાન અને માત્ર ફળાહારના પ્રયોગો અંગેની માહિતિ સમજવા સરખી છે.
બાપુના ખોરાકના પ્રયોગો કરવાનો શોખ ખાસ્સો પ્રસિદ્ધ છે, પણ એની પાછળનાં કારણો, મુશ્કેલીઓ, સફળતા-નિષ્ફળતાની તારવણી અહીં મળી રહે છે.
આશા છે સહુને, ખાસ તો, યુવાનોને .. ‘ઝેન જી’ પેઢી આ વાંચશે અને પોષક આહારની આ જૂની મૂડી એમને ગાંધીજીને જાણવા, સમજવાની વાટ અને સક્ષમતા આપશે.
એટલે જ, વાંચીએ, સમજીએ અને વંચાવીએ એ મનસા સાથે અટકું.
‘પ્રાણપોષક આહાર માટે ગાંધીની ખોજ’, લેખ : વિપુલ કલ્યાણી કેતન રૂપેરા, પ્રકાશક : ૩એસ પ્રકાશન, અમદાવાદ મૂલ્ય: ૧૦૦ રૂપિયા
07 ડિસેમ્બર 2025
e.mail : anilvyas34@gmail.com
![]()

