મુંબઈની મુલાકાત લેનારા બ્રિટિશ રાજવી કુટુંબના પહેલવહેલા નબીરાએ મુંબઈમાં શું શું જોયું?
મારી, તમારી, આપણા સૌની માનીતી મુંબઈ નગરીનો સૌથી જાણીતો ફુવારો કયો, એવો કોઈ સવાલ પૂછે તો એનો જવાબ એક જ હોઈ શકે : ફ્લોરા ફાઉન્ટન. પણ કોટ વિસ્તારમાં, આ ફ્લોરા ફાઉન્ટનથી બહુ દૂર નહિ એવો બીજો એક ફુવારો પણ આવેલો છે. જે બહુ ઓછો જાણીતો છે. એનું નામ છે વેલિંગ્ટન ફાઉન્ટન. એટલું જ નહિ, એ ફુવારાની આસપાસનો વિસ્તાર પણ વેલિંગ્ટન સર્કલ તરીકે ઓળખાતો. આઝાદી પછી એ સર્કલનું નામ બદલીને રખાયું છે શ્યામા પ્રસાદ મુખર્જી ચોક. પણ શું જૂનું નામ, કે શું નવું નામ, બેમાંથી એક્કે ક્યારે ય મુંબઈગરાની જીભે વસ્યું નથી. આ ફુવારો ૧૮૬૫માં બંધાયો હતો આર્થર વેલેસ્લી, ફર્સ્ટ ડ્યૂક ઓફ વેલિંગ્ટનના માનમાં. એમનો જન્મ ૧૭૬૯ના મે મહિનાની પહેલી તારીખે. અવસાન ૧૮૫૨ના સપ્ટેમ્બરની ૧૪મી તારીખે. ૧૭૯૭થી ૧૮૦૫ સુધી તેઓ હિન્દુસ્તાનમાં હતા. અંગ્રેજો અને મૈસૂર રાજ્ય વચ્ચેના યુદ્ધમાં ૧૭૯૯માં ટીપુ સુલતાનને હરાવવામાં તેમનો મોટો ફાળો. બીજા મરાઠા યુદ્ધમાં પણ તેમની મહત્ત્વની કામગીરી. તેવી જ રીતે વોટરલૂની લડાઈમાં નેપોલિયનને હરાવનાર બ્રિટિશ સૈન્યમાં પણ તેમનું આગળ પડતું સ્થાન. લશ્કરી વિજયો મેળવ્યા પછી તેઓ બ્રિટનના રાજકારણમાં પડ્યા અને ૧૮૨૮થી ૧૮૩૦ સુધી ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બન્યા. ૧૮૩૪માં ફરી થોડા મહિના માટે તેઓ ગ્રેટ બ્રિટનના વડા પ્રધાન બનેલા. બ્રિટિશ શાસન દરમ્યાન બંધાયેલી બીજી ઘણી ઈમારતોની જેમ વચમાં ઘણાં વરસ આ વેલિંગ્ટન ફાઉન્ટનની પણ માઠી દશા બેઠેલી. પણ પછી ૨૦૧૬-૨૦૧૭ દરમ્યાન આ ફુવારાનો પુનર્જન્મ થયો. બ્રિટિશ શાસન દરમિયાનની મુંબઈની ઘણી ઈમારતોનો જીર્ણોધ્ધાર કરનાર કોન્ઝરવેશન આર્ચિટેક વિકાસ દિલાવરી અને તેમની ટીમે આ કામ પાર પાડેલું.

વેલિંગ્ટન ફાઉન્ટન
પણ આપણે વાત કરવી છે તે તો આ ફુવારાથી થોડે દૂર આવેલી એક ઈમારતની. એ બંધાયેલી ૧૮૭૨થી ૧૮૭૬ દરમ્યાન. પણ આ ઈમારત વિષે વધુ વાત કરતાં પહેલાં એક સવાલ : વિક્ટોરિયા ટર્મિનસનું ભવ્ય મકાન, તેની સામેનું મુંબઈ મહાનગર પાલિકાનું મકાન, ચર્ચગેટ સ્ટેશન સામે આવેલું બી.બી.સી.આઈ. (વેસ્ટર્ન) રેલવેના વડા મથકનું મકાન, ફ્લોરા ફાઉન્ટન કહેતાં હુતાત્મા ચોક નજીક આવેલું ઓરિયેન્ટલ લાઈફ ઇન્સ્યુરન્સનું મકાન, અને આજે જે મકાનની વાત માંડવી છે તે મકાન – આ બધાં હીરા જેવાં મકાનો એક સમાન સૂત્ર વડે એકબીજા સાથે બંધાયેલાં છે. કયું હશે એ સૂત્ર?
એ સૂત્ર તે આ બધાં મકાનોના સ્થપતિ ફ્રેડરિક વિલિયમ સ્ટીવન્સ. ૧૮૪૭ના નવેમ્બરની ૧૧મી તારીખે ઇન્ગ્લંડમાં જન્મ. ૧૮૬૭માં ઇન્ડિયા પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટમાં એન્જિનિયર તરીકે નિમાઈને હિન્દુસ્તાન આવ્યા. પહેલું એક વરસ પૂણેમાં ગાળ્યા પછી તેમની બદલી મુંબઈ થઈ અને હિન્દુસ્તાનની સરકારના આર્ચિટેક તરીકે નિમણૂક થઈ. જી.આઈ.પી. (આજની સેન્ટ્રલ) રેલવેએ જૂના, લાકડાના બોરીબંદર સ્ટેશનને બદલે નવું ભવ્ય વિક્ટોરિયા ટર્મિનસ બાંધવાનું નક્કી કર્યું ત્યારે સરકારે તેમની સેવા એ રેલવેને ઊછીની (લોન) આપી. કહેવાય છે કે આગ્રાના તાજમહાલ પછી હિન્દુસ્તાનની બીજી કોઈ ઈમારતના સૌથી વધુ ફોટા લેવાયા હોય તો તે આ વિક્ટોરિયા ટર્મિનસ કહેતાં બોરી બંદર, કહેતાં છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસના. પાઘડી પને બંધાયેલા આ સ્ટેશન સામે આવેલું બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઊંચું મકાન એ પણ આ સ્ટીવન્સસાહેબનું જ સર્જન. એપોલો બંદર વિસ્તારમાં તેમણે બાંધેલું એક મકાન હતું પોસ્ટ ઓફીસ મ્યૂઝ. પણ આજે એનું ક્યાં ય નામોનિશાન જોવા મળતું નથી.
પણ એપોલો બંદરથી થોડે દૂર, વેલિંગ્ટન સર્કલ પર બંધાયેલું એક મકાન આજે પણ અડીખમ ઊભું છે. એનું અસલ નામ રોયલ આલ્ફ્રેડ સેલર્સ હોમ. ૧૯મી સદીમાં બ્રિટિશ નેવીની બોલબાલા આખી દુનિયામાં. મુંબઈનું અને આખા પશ્ચિમ કાંઠાનું રક્ષણ કરવા માટે બ્રિટિશ નેવીનાં જહાજો અને તેના ખલાસીઓ ખડે પગે રહે. આ ખલાસીઓ અને તેમના અધિકારીઓ માંદા પડે ત્યારે? તેમની સારવાર કરવા માટે મુંબઈમાં હોસ્પિટલ તો હતી જ. છેક ૧૭૫૬માં કોલાબા ખાતે બ્રિટિશ નેવીના માંદા ખલાસીઓ અને અફસરોની સારવાર માટે ‘ધ કિંગ્ઝ સીમેન હોસ્પિટલ’ શરૂ થયેલી. આઝાદી પછી ૧૯૫૧માં તે બની INHS અશ્વિની.
પણ હોસ્પિટલમાંથી બહાર નીકળેલા ખલાસી કે અફસરો સીધા ફરજ પર હાજર થઈ શકે એટલા નરવા તો થયા ન હોય. તેમને આરામની, પૌષ્ટિક આહારની, વગેરે સગવડો આપવી જોઈએ. એ આપી શકાય એ માટે એક ‘સેલર્સ હોમ’ બાંધવાનું નક્કી થયું. એપોલો બંદર જવાને રસ્તે. કોલાબા કોઝવે અને ફ્રેરે રોડના જંકશન આગળ. એટલે કે વેલિંગ્ટન સર્કલ પર, આજના શ્યામા પ્રસાદ મુખર્જી ચોક પર. અને એની ડિઝાઈન બનાવવાનું કામ પણ સોંપાયું સ્થપતિ ફ્રેડરીક વિલિયમ સ્ટીવન્સને.

પ્રિન્સ આલ્ફ્રેડ, ડ્યૂક ઓફ એડિનબરા
સેલર્સ હોમ તો જાણે સમજ્યા. પણ તેની સાથે ‘રોયલ આલફ્રેડ’ નામ કેમ જોડાયું? કોણ હતા આ રોયલ આલફ્રેડ? બ્રિટિશ સામ્રાજ્યનાં મહારાણી વિક્ટોરિયા અને પ્રિન્સ આલ્બર્ટને કુલ નવ સંતાન. પાંચ દીકરી અને ચાર દીકરા. તેમાંના એક તે પ્રિન્સ આલ્ફ્રેડ, ડ્યૂક ઓફ એડિનબરા. ૧૮૪૪ના ઓગસ્ટની છઠ્ઠી તારીખે જન્મ, ૫૫ વરસની ઉંમરે કેન્સરના રોગથી ઈ.સ. ૧૯૦૦ના જુલાઈની ૩૦મી તારીખે અવસાન. રાજવી કુટુંબના સભ્ય હોવા ઉપરાંત તેમણે રોયલ નેવીમાં પોતાની અલાયદી કારકિર્દી બનાવી હતી. ૧૮૬૭માં તેઓ વિશ્વપ્રવાસે નીકળ્યા. બીજા કેટલાક દેશોની મુલાકાત લીધા પછી ૧૮૬૭ના ઓક્ટોબરની ૩૧મી તારીખે તેઓ દક્ષિણ ઓસ્ટ્રેલિયા પહોંચ્યા. ૧૮૬૮ના માર્ચની ૧૨મી તારીખે એક સમારંભમાં એક માણસે તેમના પર પાછળથી ગોળીબાર કર્યો. ગોળીબાર એટલો નજીકથી થયેલો કે તે જીવલેણ જ નીવડે. પણ પ્રિન્સના સદ્ભાગ્યે તેમના પોશાકમાંના એક પિત્તળના બકલ સાથે ઘસાવાથી ગોળીનો વેગ ઘટી ગયો. જેને ખુદ ફ્લોરેન્સ નાઈટિંગેલે તાલીમ આપેલી એવી છ નર્સે બે અઠવાડિયાં સુધી તેમની સારવાર કરી. બીજી બાજુ પ્રિન્સ પર ગોળીબાર કરનાર પર અત્યંત ઝડપથી કેસ ચલાવીને ૧૮૬૮ના એપ્રિલની ૨૧મીએ તેને ફાંસીની સજા કરવામાં આવી.
થોડો વખત સ્વદેશ જઈને આરામ કર્યા પછી પ્રિન્સે પોતાનો વિશ્વ-પ્રવાસ આગળ વધાર્યો અને ૧૮૬૯ના ડિસેમ્બરમાં તેઓ હિન્દુસ્તાન આવી પહોંચ્યા. તેમની આ મુલાકાતની ખાસ વાત એ હતી કે ગ્રેટ બ્રિટનના શાહી કુટુંબના સભ્યોમાંથી હિન્દુસ્તાનની ધરતી પર પગ મૂકનારા તેઓ પહેલા હતા.

પરળ ખાતે આવેલો ગવર્નરનો બંગલો
મુંબઈમાં તેમનો ઉતારો પરળ ખાતે આવેલા ગવર્નરના બંગલામાં હતો. તેઓ મુંબઈ આવ્યા તે સાંજે ગવર્નરે આપેલી પાર્ટીમાં એક હજાર આમંત્રિત મહેમાનો હાજર હતા. બીજે દિવસે સાંજે પ્રિન્સની સવારી મુંબઈના મુખ્ય વિસ્તારોમાંથી પસાર થવાની હતી. એટલે એ વિસ્તારો તો ખરા જ, પણ આખા મુંબઈ શહેરને રોશની, તોરણો, અને ધજા-પતાકાથી શણગારવામાં આવ્યું હતું. એ દિવસે બપોરથી લોકોનાં ટોળાં રસ્તાની બંને બાજુ ઊભાં રહીને સવારીની આતુરતાથી રાહ જોઈ રહ્યાં હતાં. ૧૩ મે, ૧૮૭૦ના ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’માં પ્રગટ થયેલા અહેવાલ પ્રમાણે ગવર્નર્સ હાઉસને તો અભૂતપૂર્વ રીતે શણગારવામાં આવ્યું હતું અને આખા પરળ રોડની બંને બાજુ રોશની ઉપરાંત ઠેર ઠેર યુનિયન જેક ફરકાવવામાં આવ્યા હતા. ઓરિયેન્ટલ સ્પિનિંગ એન્ડ વિવિંગ મિલની ઈમારત પર પ્રિન્સની વિશાળકાય છબી ઉપરાંત બ્રિટિશ સામ્રાજ્ય પ્રત્યે આભાર વ્યક્ત કરતાં સૂત્રો લખવામાં આવ્યાં હતાં. તો બીજી બાજુ એલ્ફિન્સ્ટન કોલેજનું મકાન (જે એ વખતે પરળ વિસ્તારમાં આવેલું હતું) પણ રોશનીથી ઝગમગી ઊઠયું હતું. સવારી જ્યારે ભાયખળાના રેલવે બ્રીજ પર આવી પહોંચી ત્યારે સામે જે દૃશ્ય દેખાતું હતું તેને તો માત્ર એક જ શબ્દથી વર્ણવી શકાય : અદ્ભુત! એ જમાનામાં ‘ટ્રાન્સપેરન્સી’ ખૂબ લોકપ્રિય હતી. તેમાં મોટા પારદર્શક કાચ પર બહુરંગી ચિત્ર બનાવીને પાછળ રોશની કરવામાં આવતી. એટલે ચિત્ર આખું ઝળાંહળાં થઈ જાય. બ્રિજ પરથી નીચે ઊતરતી વખતે બંને બાજુ આવી સેંકડો ટ્રાન્સપેરન્સીમાં મૂકેલાં પ્રિન્સ અને ક્વીન વિક્ટોરિયા ઉપરાંત રાજવી કુટુંબના બીજા સભ્યોનાં ચિત્ર આખા વિસ્તારને ઝગમગતો કરી રહ્યાં હતાં. તેની સાથોસાથ હિન્દુસ્તાનની જુદી જુદી ભાષાઓમાં પ્રિન્સને આવકાર આપતાં સૂત્રો કપડાં પર લખીને રસ્તા વચ્ચે લટકાવ્યાં હતાં.

ફ્લોરા ફાઉન્ટન નજીક ઊભો કરેલો કામચલાઉ વેલકમ ગેટ
દિવાળીના દિવસોમાં પણ સાધારણ રીતે ભીંડી બજારમાં રોશની જોવા ન મળે. પણ પ્રિન્સને આવકારવા માટે તો ત્યાં પણ રોશની કરવામાં આવી હતી. મમ્માદેવી અને કાલબાદેવીનાં મંદિરો પર પણ રોશની કરવામાં આવેલી. એટલું જ નહિ તેના આગલા ભાગને ધજા-પતાકા અને ફૂલનાં તોરણોથી સજાવ્યા હતા. ત્યાંનાં વાસણ, કાપડ, વગેરે જણસોના વેપારીઓએ પોતપોતાની દુકાનની બહાર રસ્તા પર કમાનો બનાવીને તેને પોતે વેચતા માલ-સામાનથી સજાવી હતી. આગળ જતા એસ્પ્લનેડ રોડ બંને બાજુએ રોશનીથી ઝાલાહાલા થતો હતો. આગળ જતાં ફ્લોરા ફાઉન્ટનને પણ રંગબેરંગી રોશનીથી શણગાર્યો હતો. તેનાથી થોડે દૂર રસ્તા પર એક કામચલઉ દરવાજો બનાવ્યો હતો. તેના મથાળે મોટા અક્ષરોમાં WELCOME લખ્યું હતું અને તેની નીચે હિન્દુસ્તાનની વસતીના જુદા જુદા પ્રદેશ અને ધર્મના લોકોના પ્રતિનિધિ જેવાં ચિત્રો દોર્યાં હતાં. તેનાથી થોડે દૂર ઓરિએન્ટલ બેન્કના મકાનની ટોચ પર બહુ મોટી મેગ્નેશિયમ લાઈટ ઝગારા મારતી હતી. બી.બી.સી.આઈ. રેલવેના વડા મથક પર ત્રિરંગી રોશની કરવામાં આવી હતી. આ ત્રણ રંગો હતા રેલવે સિગ્નલમાં વપરાતા ત્રણ રંગો : લાલ, લીલો, અને પીળો. એલ્ફિન્સ્ટન સર્કલ પર ટાઉન હોલ, મિન્ટ, વોટસન હોટેલ અને ‘ટાઈમ્સ ઓફ ઇન્ડિયા’નું મકાન (જે પછીથી બોરી બંદર પાસે ખસેડાયું) એવી રીતે શણગાર્યાં હતાં કે આખો વિસ્તાર તેના વડે ઝળહળી રહ્યો હતો. અને એ અજવાળું જાણે ઓછું હોય તેમ આખા સર્કલ પર રસ્તાની વચ્ચોવચ મોટાં મોટાં ઝુમ્મરો લટકાવ્યાં હતાં. પરિણામે આખો વિસ્તાર પરીઓના પ્રદેશ જેવો લાગતો હતો. સર્કલની વચ્ચોવચ એક મોટા દરવાજા પર રાણીના રાજને પ્રતાપે હિન્દુસ્તાનને થયેલા ફાયદા અને મળેલા લાભ દર્શાવતાં ચિત્રો મૂક્યાં હતાં.
અને એલ્ફિન્સ્ટન સર્કલથી નીકળીને, લાયન ગેટ તરફ સવારી આગળ વધી. પ્રિન્સ આલ્ફ્રેડની સાથે આપણી સવારી પણ હવે આવી પહોંચી છે વેલિંગ્ટન સર્કલ. પ્રિન્સ આલ્ફ્રેડને અહીં આવવા માટે ખાસ કારણ હતું. કયું હતું એ કારણ?
એની વાત હવે પછી.
e.mail : deepakbmehta@gmail.com
XXX XXX XXX
પ્રગટ : “ગુજરાતી મિડ-ડે”; 06 ડિસેમ્બર 2025
![]()

