
રવીન્દ્ર પારેખ
ગુજરાતની સાહિત્યિક સંસ્થાઓ વેન્ટિલેટર પર હોવાનો વહેમ પડે છે. તે વખતના ગુજરાતના મુખ્ય મંત્રી નરેન્દ્ર મોદીએ સુરતમાં એક સાહિત્યિક કાર્યક્રમમાં કહેલું કે હું તો પાર્ટ ટાઈમ રાજકારણી છું. તેમનો ઈશારો એ હતો કે સાહિત્યકારો ફૂલ ટાઈમ રાજકારણી છે. એમાં અતિશયોક્તિ હોય તો પણ, એ ઈશારો તથ્ય વિહીન ન હતો. ‘ગુજરાત સાહિત્ય અકાદમી’ અને ‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ વચ્ચે સ્વાયત્તતાને મુદ્દે વર્ષોથી ગજગ્રાહ ચાલે છે, એથી અકાદમીનો તો કાંગરો ય ખર્યો નથી, પણ પરિષદ છાશવારે તેના સભ્યોને, પદાધિકારીઓને પદ પરથી દૂર કરતી આવી છે. તેનું કારણ એટલું જ છે કે જે તે સભ્યે અકાદમીના કોઈ કાર્યક્રમમાં ભાગ લીધો હોય કે કોઈ ઇનામ અકરામ લીધાં હોય. એમાં પાછા અપવાદો છે. પરિષદના કોઈ ટ્રસ્ટી કે પૂર્વપ્રમુખ અકાદમીમાં ઉપસ્થિત રહે તો તે ક્ષમ્ય છે.
આ જ કારણથી છેલ્લે પરિષદના ચૂંટાયેલા ઉપપ્રમુખને અકાદમીમાં હાજરી પુરાવવા બદલ ખદેડી મૂકવામાં આવ્યા ને ગમ્મત તો એ થઈ કે એ ઉપપ્રમુખની ચૂંટણીમાં, એ જ ઉપપ્રમુખની સામે હારી ગયેલા સભ્યને ઉપપ્રમુખ પદે આરૂઢ કરવામાં આવ્યા. આવા તો ઘણાં સભ્યોને અકાદમીના કાર્યક્રમમાં હાજરી આપવા બદલ ભૂતકાળમાં હાંકી કાઢવામાં આવ્યા છે. એ જ ગુજરાત સાહિત્ય અકાદમીની લાખોની સહાય પરિષદે ભૂતકાળમાં લીધી છે ત્યારે, અકાદમી સામે વાંધો નથી પડ્યો. અકાદમીમાં ઉચ્ચ હોદ્દે રહી ચૂકેલા હોદ્દેદારો પરિષદમાં હાલ હોદાઓ પર છે, તે પણ પરિશુદ્ધ થયા હોય તેમ ચાલે છે, પણ બીજું કોઈ કામ ન હોય તેમ થોડે થોડે વખતે સ્વાયત્તતાનું ભૂત પરિષદમાં ધૂણતું રહે છે. અકાદમી સ્વાયત્ત હોય તે અપેક્ષિત છે, પણ તેને માટે પરિષદની સ્વાયત્તતા દાવ પર ન લાગવી જોઈએ, એ તો ખરું કે કેમ ?
એક બાબત સ્પષ્ટ છે કે એક વખતે પરિષદમાં અધ્યાપકો પણ ચૂંટાઈને આવતા હતા, (અત્યારે પણ હશે જ) એ વખતે (ને અત્યારે પણ) પરિષદ, કોઈ અધ્યાપકે તેની સંસ્થામાં સાહિત્યિક કાર્યક્રમો કરવા હોય તો આર્થિક સહયોગ કરી શકતી નથી, એવે વખતે જે તે અધ્યાપકે આર્થિક સહયોગ મેળવવા અકાદમી તરફ જ હાથ લંબાવવો પડે. એવું થાય તો તે પરિષદને પરવડે નહીં, કારણ અકાદમીમાં હાજરી આપવાથી જ જો પરિષદના સભ્યોને હાંકી કઢાતા હોય, તો પરિષદનો કોઈ સભ્ય તેની આર્થિક સહાય લે તે તો સાંખી જ કેમ શકે? પરિષદે જરૂર પડે તો બંધારણમાં સુધારા કરીને પણ આ મામલે ગંભીર વિચારણા કરવા જેવી છે.
પરિષદના જ મુખપત્ર ‘પરબ’ના ઓક્ટોબર, 2025ના અંકમાં ચંદ્રકાંત ટોપીવાળાનો એક પત્ર પ્રગટ થયો છે. એમાં તેમણે ‘છેલ્લાં કેટલાંક વરસોથી ગુજરાત ક્ષેત્રે નોબેલ ગણાતા ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અપાતો અટકી ગયો છે’, એવું યાદ અપાવતાં ઉમેર્યું છે, ‘૨૦૧૬માં છેલ્લે કુમારપાળ દેસાઈએ નાટ્યાત્મક રીતે લીધેલા રણજિતરામ ચંદ્રક પછી આ ચંદ્રક અદૃશ્ય થઇ ગયો છે.’ આ વિધાન સૂચક છે. રણજિતરામ ચંદ્રક ગુજરાત વિદ્યાસભા તરફથી અપાય છે. 2015 પછી રણજિતરામ અને ચંદ્રકનો હેતુ પૂરો થઈ ગયો હોય તેમ ચંદ્રક અપાવો બંધ થઈ ગયો છે. ગુજરાતના નીવડેલાં સર્જકોનું એ રીતે સન્માન થતું અટકી જાય તે ચિંત્ય છે. એવું નથી કે ગુજરાતમાં 2015 પછી સર્જકો નથી થયા. 2025 સુધીના બીજા દસેક સર્જકો ચંદ્રકથી પોંખી શકાયા હોત, પણ કમનસીબે તેવું થયું નથી. 2015 સુધીમાં દર વર્ષે 1928થી માંડીને 88 સર્જકોને રણજિતરામ ચંદ્રક એનાયત થયો હોય ને પછી 10 વર્ષ સુધી એક પણ ચંદ્રક જાહેર જ ન થાય, એ કેવું? વારુ, ગુજરાત સાહિત્ય સભા તરફથી ચંદ્રક ન આપવા પાછળનાં કોઈ કારણો પણ જાહેર થયાં નથી, એ બાબત સંસ્થા વિષે અને ચંદ્રક વિષે અનેક તર્કવિતર્ક કરવા પ્રેરે છે. ટોપીવાળાના પત્રમાં અપાયેલી વિગતમાં એવું જણાવાયું છે કે, ‘વિશ્વકોશ આ નવી જવાબદારી સ્વીકારવા તૈયાર નથી.’ એ પરથી પણ વિશ્વકોશે ચંદ્રક ન આપવા પાછળનાં કારણોનો ખુલાસો કરવો જોઈએ. 88 ચંદ્રકો જાહેર થયા પછી એવું તે શું થયું કે એકાએક ચંદ્રકો જાહેર કરવાનું બંધ થયું?
ટોપીવાળાએ પરિષદ પાસેથી ચંદ્રકને ‘જીવતદાન’ મળે એ અંગે સક્રિયતા દાખવવાની વાત કરી છે, પણ પરિષદ નાનાંમોટાં અનેક ઇનામો જાહેર કરે છે, એ પરથી નથી લાગતું કે તે રણજિતરામ ચંદ્રક જાહેર કરવાની નવી જવાબદારી તે ઉપાડે. ખરેખર, તો આ જવાબદારી ગુજરાત સાહિત્ય સભાએ જ ઉપાડવી જોઈએ અથવા તો જવાબદારી ન ઉપાડી શકવાનાં કારણોની જાહેરાત કરવી જોઈએ. એ તો થાય ત્યારે ખરું, પણ અત્યારે તો ચંદ્રક ખાડે ગયો હોય એવું લાગે છે. ગુજરાત સાહિત્ય સભા તરફથી ‘ધનજી કાનજી ચંદ્રક’ પણ અપાય છે, એ પણ જાહેર થતો હોય એવું લાગતું નથી. એ અંગેની પણ જે સ્થિતિ હોય તેનો ખુલાસો ગુજરાત સાહિત્ય સભાએ કરવો જોઈએ. શક્ય હોય તો આ ચંદ્રકોની બધાં વર્ષની જાહેરાત એક સાથે જ થવી જોઈએ, જેથી લાભાર્થીઓએ વધુ ટટળવું ન પડે.
સમય સર ચંદ્રકો અને પારિતોષિકો જાહેર કરવાની ઉદાસીનતા ગુજરાતની સાહિત્ય સંસ્થાઓમાં જગજાહેર છે. ‘કુમાર ચંદ્રક’, કુમાર ટ્રસ્ટ, અમદાવાદ તરફથી 1944થી અપાય છે. એમાં પણ 2016 પછી ચંદ્રક જાહેર થયો હોય તો તેની વિગતો વિકિપીડિયા પર નથી. બને કે વિગતો અપડેટ કરવાની રહી ગઈ હોય, પણ એક કિસ્સો ડો. મહેબૂબ દેસાઈનો, તેમના જ બ્લોગ પર વાંચવામાં આવ્યો. તે વખતના ‘કુમાર’ના તંત્રી ડો. ધીરુ પરીખની પ્રેરણાથી મહેબૂબ દેસાઈએ ‘કુમાર’માં ગાંધીજીને અપાયેલાં માનપત્રોની શ્રેણી શરૂ કરી. ત્રણેક વર્ષ ચાલેલી એ શ્રેણી, પછી પુસ્તક આકારે પ્રગટ થઈ ને એ પુસ્તકને 2019નો ‘કુમાર’ ચંદ્રક જાહેર થયો. તેની જાહેરાત ‘કુમાર’ના 1118ના અંકમાં એપ્રિલ, 2021માં કરવામાં આવી. એ વાતના ઉલ્લેખ સાથે બ્લોગમાં જ મહેબૂબ દેસાઈ લખે છે, ‘આજે એ ઘટનાને પાંચ વર્ષ વીતી ગયા છે. છતાં ન તો કુમાર તરફથી ‘કુમાર’ ચંદ્રક મળ્યો છે, ન કોઈ તે અંગેનું પ્રમાણપત્ર મળ્યું છે.’ એ અંગે ખાતરી કરવા ડો. દેસાઈને મોબાઈલ પર પૂછ્યું, તો તેમણે રોકડું કર્યું કે એ ચંદ્રક અપાયો જ નથી. ‘કુમાર’ની આ ઉદાસીનતા બધી રીતે શરમજનક છે.
ખબર નથી પડતી સાહિત્યિક સંસ્થાઓને કયા પ્રકારનો લૂણો લાગ્યો છે? મોટે ઉપાડે સાહિત્યિક સંસ્થાઓ પારિતોષિકો, ચંદ્રકો, એવોર્ડ્સની જાહેરાતો કરે છે, શરૂઆતમાં તે નિયમિતપણે અપાય પણ છે, પછી ખબર નહીં, હોદ્દેદારો બદલાતા કે પ્રમાદને કારણે પ્રવૃત્તિઓ સંદર્ભે મેલી ઉદાસીનતા પ્રવર્તે છે ને બધું જ ખોરંભે ચડે છે. સુરતની સાહિત્યિક સંસ્થા ‘નર્મદ સાહિત્ય સભા’ પણ પાંચેક પ્રકારમાં નર્મદચંદ્રક આપે છે. તે ઉપરાંત જ્યોતીન્દ્ર દવે ચંદ્રક કે મનહરલાલ ચોકસી પારિતોષિક જેવાં પારિતોષિકો પણ આપે છે. એમાં પણ વચમાં ઘણી લાલિયાવાડી ચાલી. ચંદ્રકોની અંદરોઅંદર લહાણી થઈ, તો જે પ્રકારમાં ચંદ્રક એનાયત કરવાનો હતો, તેને બદલે અન્ય પ્રકારમાં જાહેર થયો, તો પણ 2022 સુધીનો ચંદ્રક જાહેર થયો છે, એટલું આશ્વાસન જરૂર લઈ શકાય.
ઘણી સાહિત્યિક સંસ્થાઓ પ્રવૃત્તિને નામે વેઠ જ ઉતારે છે. ક્યાં તો કાર્યક્રમો થતા જ નથી ને થાય છે તો તેમાં વિત્ત હોતું નથી. કાર્યક્રમો થાય જ નહીં, એ ખોટું છે, એમ જ સંખ્યા વધારવા કાર્યક્રમોનો ખડકલો થતો રહે એ પણ બરાબર નથી. સાચી વાત તો એ છે કે હવે કાર્યક્રમોમાં કોઈને રસ જ રહ્યો નથી. ગંભીર ભાષણો કોઈને માફક આવતાં નથી. સાહિત્યિક પ્રકારો વિષે કે તેનાં સ્વરૂપ વિષે જાણીને લખનારો વર્ગ ઘટતો આવે છે. સોશિયલ મીડિયા પર આવતાં લખાણોને સાહિત્ય ગણનારો ને ગણાવતો વર્ગ નવાં માપદંડો ઊભાં કરી રહ્યો છે, એવે વખતે સાહિત્યિક સંસ્થાઓનું શૈથિલ્ય ઘાતક પુરવાર થાય એમ બને. બાકી હતું તે AIનું આક્રમણ જુદી જ વિભાવનાઓ વિકસાવી રહ્યું છે, ત્યારે સાહિત્યિક સંસ્થાઓને મીંઢાપણું પરવડવું ન જોઈએ … વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 05 ડિસેમ્બર 2025
![]()

