
રમેશ સવાણી
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથસિંહે 02 ડિસેમ્બર 2025ના રોજ, વડોદરાના સાધલી ગામમાં યુનિટી માર્ચ કાર્યક્રમમાં જૂઠનો મહાગોળો ફેંક્યો હતો : “નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા ! એ તો સારું થયું કે સરદાર પટેલે તેમને રોક્યા !”
થોડાં મુદ્દાઓ :
[1] આવું કોઈ અંધભક્ત કહી શકે, ટ્રોલ કહી શકે, કોઈ નફરતી કહી શકે. પરંતુ દેશના સંરક્ષણ મંત્રીના હોદ્દા પર બિરાજમાન નેતા આવું કહી શકે? જો કહે તો તેમની પાસે ઐતિહાસિક પુરાવા તો હોવા જોઈએ ને? કોઈ પત્રવ્યવહાર, કોઈ ઈન્ટરવ્યુ, કોઈ પુસ્તકોમાં આ અંગે ઉલ્લેખ છે? WhatsApp યુનિવર્સિટીના ગપ્પગોળાના આધારે મિનિસ્ટર આવું બોલી શકે? જૂઠ્ઠાણાં ફેલાવવામાં RSS / ભા.જ.પ.ના નેતાઓમાં હરીફાઈ થઈ રહી છે, કોણ વધુ અસરકારક જૂઠું બોલી શકે છે !
[2] નેહરુના સમયે બાબરી મસ્જિદ અસ્તિત્વમાં હતી જ. નેહરુ શું બાબરી મસ્જિદ ઉપર બીજી બાબરી મસ્જિદ બનાવવા ઇચ્છતા હતા? सजन रे झूठ मत बोलो, खुदा के पास जाना है, न हाथी है न घोड़ा है, वहाँ पैदल ही जाना है !
[3] નેહરુ બાબરી મસ્જિદને લગતા સાંપ્રદાયિક વિવાદના સખત વિરોધમાં હતા. આમાં તેમને ટેકો આપનારા સરદાર પટેલ હતા. તેઓ બન્ને હિન્દુ મુસ્લિમ સમુદાયો વચ્ચે પરસ્પર સહિષ્ણુતા અને સદ્દભાવના દ્વારા આ મુદ્દાને સૌહાર્દપૂર્ણ રીતે ઉકેલવા માંગતા હતા. 22 ડિસેમ્બર 1949ની રાત્રે, કેટલાક લોકો અયોધ્યામાં બાબરી મસ્જિદ સંકુલમાં ઘૂસી ગયા અને ભગવાન રામ અને દેવી સીતાની મૂર્તિઓ તેના મધ્ય ગુંબજ નીચે મૂકી. લગભગ તે જ સમયે, અયોધ્યા અને સમગ્ર ઉત્તર પ્રદેશમાં અન્ય સાંપ્રદાયિક ઘટનાઓ બની. ખૂબ જ વ્યથિત નેહરુએ ઉત્તર પ્રદેશના તત્કાલીન મુખ્ય મંત્રી ગોવિંદ વલ્લભ પંત સહિત અનેક નેતાઓને પત્રો લખ્યા. બધા પત્રો નેહરુ આર્કાઇવમાં ઉપલબ્ધ છે. તેમના પત્રો સ્પષ્ટપણે દર્શાવે છે કે નેહરુ પોતાના પક્ષમાં વધતી સાંપ્રદાયિક વૃત્તિઓથી ચિંતિત હતા અને આગળ એક ખતરો જોતા હતા. તેઓ માનતા હતા કે અયોધ્યાની પરિસ્થિતિ કાશ્મીર મુદ્દા અને આંતરરાષ્ટ્રીય મંચ પર પાકિસ્તાન સાથેના ભારતના સંબંધોને અસર કરશે.
[4] નેહરુએ પણ પોતાની લાચારી વ્યક્ત કરી હતી કે “મને ખબર નથી કે દેશમાં સારું વાતાવરણ બનાવવા માટે આપણે શું કરી શકીએ. જ્યારે લોકો ગુસ્સે હોય છે, ત્યારે સારી વાતો કહેવાથી તેમને ગુસ્સો આવે છે. બાપુ તે કરી શકતા હતા, પરંતુ આપણે આવી વાતો માટે ખૂબ નાના છીએ.” જુલાઈ 1950માં, નેહરુએ લાલ બહાદુર શાસ્ત્રીને એક પત્ર લખીને ડર વ્યક્ત કર્યો કે “આપણે બીજા સંકટ તરફ આગળ વધી રહ્યા છીએ. જેમ તમે જાણો છો, અયોધ્યામાં બાબરી મસ્જિદનો મુદ્દો આપણા માટે એક મુખ્ય મુદ્દો છે અને તેની આપણી સમગ્ર નીતિ અને પ્રતિષ્ઠા પર ઊંડી અસર પડે છે. પરંતુ આ ઉપરાંત, એવું લાગે છે કે અયોધ્યામાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. શક્ય છે કે આવી મુશ્કેલી મથુરા અને અન્ય સ્થળોએ પણ ફેલાઈ જાય.”
[5] બાબરી મસ્જિદ મુદ્દે સરદાર પટેલ શું ઇચ્છતા હતા? બાબરી મસ્જિદમાં મૂર્તિઓ મૂકાયા પછી નેહરુની જેમ, પટેલે પણ પંતને પત્ર લખ્યો હતો (સરદાર પટેલનો પત્રવ્યવહાર, ખંડ 9, દુર્ગા દાસ દ્વારા સંપાદિત). તેમણે કહ્યું, “વડા પ્રધાન તમને અયોધ્યાના વિકાસ અંગે ચિંતા વ્યક્ત કરતો ટેલિગ્રામ મોકલી ચૂક્યા છે. મેં લખનૌમાં તમારી સાથે આ વિશે વાત કરી હતી. મારું માનવું છે કે આ વિવાદ ખૂબ જ અયોગ્ય સમયે ઉઠાવવામાં આવ્યો છે. તાજેતરમાં વિવિધ સમુદાયો વચ્ચે પરસ્પર સંમતિ દ્વારા મુખ્ય સાંપ્રદાયિક મુદ્દાઓ ઉકેલાયા છે. મુસ્લિમોની વાત કરીએ તો, તેઓ હજુ પણ તેમની નવી વફાદારી સાથે સમાયોજિત થઈ રહ્યા છે. આપણે કહી શકીએ છીએ કે ભાગલાનો પ્રારંભિક આંચકો અને ત્યાર બાદની અનિશ્ચિતતાઓ હમણાં જ ઓછી થવા લાગી છે, અને વફાદારીમાં મોટા પાયે પરિવર્તન થવાની શક્યતા ઓછી છે. મારું માનવું છે કે આ એક એવો મુદ્દો છે જેનો ઉકેલ બંને સમુદાયો વચ્ચે પરસ્પર સમજણ અને સદ્દભાવનાથી સૌહાર્દપૂર્ણ રીતે થવો જોઈએ. હું સમજું છું કે લેવામાં આવેલા પગલાંમાં ઘણી લાગણીઓ સામેલ છે. વધુમાં, આવા મુદ્દાઓ ફક્ત ત્યારે જ શાંતિપૂર્ણ રીતે ઉકેલી શકાય છે જો આપણે મુસ્લિમ સમુદાયની સંમતિને ધ્યાનમાં લઈએ. બળજબરીથી આવા વિવાદોનો ઉકેલ લાવવાનો કોઈ પ્રશ્ન જ નથી. આવી પરિસ્થિતિઓમાં, કાયદો અને વ્યવસ્થા દળોએ દરેક કિંમતે શાંતિ જાળવી રાખવી જોઈએ. જો શાંતિપૂર્ણ અને સમજાવટભર્યા રસ્તાઓ અપનાવવા પડે, તો આક્રમકતા અથવા બળજબરી પર આધારિત કોઈ પણ એકપક્ષીય કાર્યવાહી સહન કરી શકાતી નથી. તેથી, હું દૃઢપણે માનું છું કે આ બાબતને આટલો મોટો મુદ્દો ન બનાવવો જોઈએ, અને વર્તમાન અયોગ્ય વિવાદોનો શાંતિપૂર્ણ રીતે ઉકેલ લાવવો જોઈએ, અને જે બન્યું છે તેને સૌહાર્દપૂર્ણ સમાધાનમાં અવરોધ બનવા દેવો જોઈએ નહીં.”
[6] ગમે તેટલાં જૂઠ્ઠાણાં ફેલાવો પણ RSS / ભા.જ.પ.માં કદી ગાંધીજી / નેહરુ / સરદાર પટેલ જેવું નેતૃત્વ ઊભું થઈ શકવાનું નથી. કેમ કે એના માટે કટ્ટરતા મુક્ત / દંગામુક્ત / સાંપ્રદાયિકતા મુક્ત વિચારસરણી જરૂરી છે, પ્રગતિશીલતા / બિનસાંપ્રદાયિકતા / વૈજ્ઞાાનિક અભિગમ / સામાજિક ન્યાયની ભાવના / લોકતાંત્રિક માનસ જરૂરી છે. જે RSS / ભા.જ.પ. પાસે નથી.
[7] સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ ગુજરાતમાં આવી સરદાર પટેલના નામે જૂઠાણાંનો મહાગોળો ફેંકે અને ગુજરાતના મીડિયા ચૂપ રહે, તેનું આશ્ચર્ય છે. ગુજરાતી ચેનલોના પત્રકારો બહુ ઓછું વાંચે છે, પરંતુ નિષ્ણાતનો ઈન્ટરવ્યૂ પણ ન કરે? સત્તાને જ ખુશ કરવાની લાલસા ! શું મીડિયાને એવો સવાલ ન થાય કે રાજનાથસિંહ, તમે અટલજીની સરકારમાં મંત્રી હતા ત્યારે કેમ કોઈ દિવસ નેહરુ વિશે જૂઠના મહાગોળા ફેંકતા ન હતા?
[8] માની લઈએ કે નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા. તો કેન્દ્રમાં મોદીજી 11 વરસથી સત્તામાં છે. તેમની પાસે બધાં જૂના દસ્તાવેજો છે, રેકોર્ડ છે, સરકારી નોંધો છે, આર્કાઇવ્સ છે. તેમાં નેહરુ સરકારી ખર્ચે બાબરી મસ્જિદ બનાવવા માંગતા હતા તે બાબત જાહેર કરવી જોઈએ, અને નેહરુનો પર્દાફાશ કરવો જોઈએ. મોદીજીને આવો પર્દાફાશ કરતા શું નેહરુ રોકતા હશે?
02 ડિસેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

