વિશ્વના મહાન કવિઓમાંના એક એવા ‘કાન્ત’ની કલમ 1891માં શા માટે અટકી, અને તેમનું મન કાવ્યમાર્ગને બદલે ધર્મ અને સત્યની કઈ ખોજમાં ચકરાવે ચડ્યું?

જોગાનુજોગ, ‘કાન્ત’ના 158મા જન્મદિવસે (વીસમી નવેમ્બરે), ગુજરાતી સાહિત્ય પરિષદના રા.વિ. પાઠક સભાગૃહમાં જય ખોલિયાનું ‘કાન્ત’ વિષયક દસ્તાવેજી ચિત્ર જોવાનું બન્યું. પૂર્વાલાપ ફાઉન્ડેશન દ્વારા પ્રાપ્ત સર્વપ્રથમ ફેલોશિપ અતંર્ગત નિર્મિત આ ફિલ્મ જોતો હતો અને એમાં ‘કાન્ત’ના પુત્ર મુનિકુમાર ભટ્ટનો ઉલ્લેખ આવ્યો, તે સાથે હું સહસા પાંચેક દાયકા પાછળ ચાલ્યો ગયો. ભાવનગરમાં મુનિકુમારના ‘તપોવન’ બંગલામાં મિત્ર અજય પ્રિયવદન પાઠકના સ્નેહવશ એક રાત ગાળવાનું બન્યું હતું. એ રાતે ચિત્ત કંઈક જુદા જ ચગડોળે ચડી ગયું હતું.
એ રાત્રિ મારે સારુ એક મોટા કવિની નહીં, પણ ધર્મચિંતકની મનોમન મુલાકાતની હતી. ત્યારે અને અત્યારે ય બને કે કંઈક ઓછી માહિતીવશ પણ મારી લાગણી એ રહી છે કે ‘કાન્તે’ 1900માં ‘પવિત્ર ભોજન’પૂર્વક ખ્રિસ્તમતનો જાહેર અંગીકાર કીધો એની પૂંઠે એમનું જે મંથન રહ્યું હશે એને આપણે ઘટતો ન્યાય આપી શક્યા નથી. કદાચ, આખી ચર્ચા એમના મંથન અને ચિંતનને બદલે ચકચારી રીતે એમના ધર્મપરિવર્તન આસપાસ ચકરાવે ચડી ગઈ છે. જે કવિહૃદયે 1888માં એક એલ્ફિન્સ્ટોનિયનને નાતે બી.એ. થવા વાસ્તે ચહીને લોજિક અને મોરલ ફિલોસોફી જેવા વિષયો લીધા હતા, તેણે કરેલ નિર્ણયની પૂંઠે કંઈક તો વજૂદ હશે જ. હવે ફ્રિન્જ લાઈન ચર્ચોમાં જ ક્યાંક રહી ગયેલી ને ખરીખોટી વગોવાયેલી વટાળ પ્રવૃત્તિનો સામાન્ય કિસ્સો તો એ ન જ હોય. પણ બ.ક.ઠા. સરખા વિદ્યાવારિધિ નિકટમિત્ર સુદ્ધાં એમના મનોમંથનની રગ પકડવામાં ઊણા પડ્યા ને એક ગાળા માટે એમની મૈત્રીમાં મુદ્દત પડી ગઈ હતી.
મુદ્દે, સતત સંભારાતા ‘કાન્ત’ એમણે 1886થી 1891 દરમ્યાન જે સર્જનયજ્ઞ માંડ્યો તે કવિ ‘કાન્ત’ છે. પણ ગુજરાતી પાઠ્યપુસ્તક કે સાહિત્યિક પુસ્તકની જરી બહાર જઈએ તો તે પછીનાં વરસો એમના ધર્મમંથનનાં છે. ક્યાં ક્યાં નથી વિહર્યા ને વિચર્યા, એ! બુદ્ધ કને જાય છે અને એમની કરુણા ને વર્ણાશ્રમવિરોધને હૈયે ધરે છે. જો ખ્રિસ્તમતનું કલ્યાણ સ્વરૂપ એમને વસે છે તો ઈસ્લામનો ભ્રાતૃભાવ (અને ધાર્મિક આવેશ) પણ સ્પર્શે છે. સંતપરંપરાના હૃદયબોલમાંયે એ ઊંડા ઊતર્યા છે. છેવટે, 1897-98 લગી પહોંચતે પહોંચતે એકત્રીસમે એમને દિલનો કરાર સાંપડ્યો હોય તો એ સ્વીડનબોર્ગમાં છે.
રા.વિ.એ ‘પૂર્વાલાપ’ની બીજી આવૃત્તિ વેળાએ જે ઉપોદ્દઘાત લખ્યો, સપ્ટેમ્બર 1926માં, તે અધ્યાપિ બિલકુલ મેરુદંડવત છે. પાઠકસાહેબે લખ્યું છે કે કવિએ ફિલસૂફી અને ધર્મની શોધમાં ન પડતાં કાવ્યમાર્ગે જ પ્રગતિ કરી હોત તો સારું એમ કહેવું સહેલું છે. ‘પણ આપણે જાણવું જોઈએ કે એ કાવ્યો પણ, જે સત્યની ખોજ તેઓ કરતા હતા તેમાંથી જ ઉદ્દભવતાં હતાં.’ પહેલાં પત્ની નર્મદા (નદી) પાછાં થયાં, 1891માં, અને કવિની કલમ જાણે અટકી ગઈ. ‘કોઈ વસમી આપત્તિથી હૃદય ઘાયલ થાય ત્યારે મૃદુ થઈ દ્રવે.’
પાઠકસાહેબ લખે છે, ‘પણ કાન્તનાં કાવ્યોમાં માત્ર આમ થતું નથી … તેમાં જગતની યોજનાની અપૂર્ણતા છે એ સામે કવિમાનસની ફરિયાદ છે, પોકાર છે.’ આ માનસને અને આ હૃદયને પતિ-પત્ની સ્વર્ગમાં મળી શકે એવો સધિયારો સંપડાવતાં સ્વીડનબોર્ગીય દર્શનમાં સમાધાન અનુભવાયું, 1898 પહોંચતે પહોંચતે અને આગળ ચાલતાં એમણે ઉપવીત છોડ્યું, ને 1900માં તો ‘પવિત્રભોજન!’ ‘કાન્ત’-સંપર્કે કલાપીએ પણ સ્વીડનબોર્ગીય સૃષ્ટિમાં કંઈક પ્રવેશ કીધો છે. જો કે, સ્નેહે ઝૂરતા કવિ માટે નિકટના સ્વજનોથી વંચિત અવસ્થામાં (નાત બહાર) રહેવું આકરું ને અકારું હતું એટલે વિધિવત્ પ્રાયશ્ચિતપૂર્વક પાછા ફર્યા પણ દિલનો કરાર તો ખ્રિસ્ત સાથે હતો તે હતો. નાતના જમણવાર વખતે એ જગન્નાથના મરાલકુલનાયક જેવા પોતે બગલાંથી ઘેરાયેલા જેવું અનુભવતા એવું એક સમકાલીન સ્મરણ નોંધાયેલું છે.
છેલ્લાં વર્ષોમાં એમણે મુંબઈથી સ્વીડનબોર્ગીય પત્રિકા પ્રકાશનમાં રસ લીધો ત્યારે એક સમજ જરૂર પાકી હતી કે એના અનુસરણ માટે ધર્મપરિવર્તન જરૂરી નથી. ગાંધીને શ્રીમદ્ રાજચંદ્રનો ભેટો થયો એવી કોઈ બીનાથી ‘કાન્ત’ વંચિત છે. પણ એમની વિચારરૂખમાં આર્યસમાજના અંશો, ઋગ્વેદના કોઈક સૂક્ત વગેરે મૂળભૂત સ્વીડનબોર્ગીય આરત સાથે સંકળાયેલ વરતાય છે. કલ્પનાને જરી છૂટો દોર આપું તો ગાંધીને પોતાની તરેહના વિશ્વવત્સલ ખ્રિસ્તમતીલા તોલ્સ્તોય મળ્યા તે જો ‘કાન્ત’ને મળ્યા હોત તો?
હવે સંકેલો કરું તે પહેલાં મને ગમતી એક ‘કાન્ત’-છવિ નાનાભાઈ ભટ્ટની આત્મકથામાંથી સંભારું. પ્રો. નૃસિંહપ્રસાદ ભટ્ટ, ટૂંકમાં ને માનથી શ્રીમન નથુરામ શર્માના વર્તુળમાં પ્રસાદજી- એમણે ભાવનગરનાં પ્રોફેસરી પરહરી છાત્રો માટે દક્ષિણામૂર્તિની શરૂઆત કરી ત્યારે ગુરુપૂર્ણિમાએ નથુરામ શર્માનું પૂજન છાત્રાવાસમાં કરતા.
એક વાર પૂજન વખતે ડંગોરો ખખડાવતા ‘કાન્ત’ પ્રવેશ્યા અને એમણે નાનાભાઈને શબ્દે શબ્દે ઝૂડ્યા કે તારો ગુરુ હોય તેમાં આ છોકરાને શું. પરંપરાગત માળખામાંથી નૃસિંહપ્રસાદને નાનાભાઈ બનવા ભણી લઈ જતો એ નવી કેળવણીનો ઇતિહાસધક્કો હતો.
હમણેના દાયકાઓમાં ગુજરાત એ વાતે રળિયાત છે કે સતીશ વ્યાસના ‘જળને પડદે’ નાટકથી આપણે ‘કાન્ત’ સાથે મુખોમુખ થયા અને હવે જયની આ ડોક્યુમેન્ટરી પણ આપણી વચ્ચે છે. અને હા, ‘કુમાર’માં સિલસિલાવાર પ્રગટ થયેલું કાન્તચરિત્ર પણ પ્રફુલ્લ રાવલના આખરી ઓપ સાથે ગ્રંથસ્થ થવામાં છે. ઇચ્છું કે ગુજરાતની પ્રસંગોપાત પ્રગટ થવા કરતી, વચ્ચે વળી વળીને ખોડંગાતી રેનેસાં મથામણને ‘કાન્ત’ના જીવનસમગ્રના પરિચયે લગરીક પણ ચાલના મળે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 03 ડિસેમ્બર 2025
![]()

