‘અહીં જ્ઞાનસૂર્ય સંચરે,
આપણું ચિત્ત પ્રકાશિત કરે …
અહીં જ્ઞાનયજ્ઞ સૌ કરે,
ચિત્તનું ચિત્ત વિકાસિત કરે …
આ યથાર્થ શબ્દો કવિ ચન્દ્રકાન્ત શેઠે જેના માટે લખ્યા છે તે ગુજરાતી વિશ્વકોશ, આજે 2 ડિસેમ્બરે, એકતાળીસમાં વર્ષમાં પ્રવેશે છે. ગુજરાતની એક અત્યુચ્ચ વિદ્યાકીય સિદ્ધિને કૃતજ્ઞભાવે વંદન.
વિશ્વકોશ થકી વિશ્વના જ્ઞાનનો રાશિ આપણી ભાષામાં હોવાનું અત્યંત ગૌરવ છે. ગયાં પાંચેક વર્ષથી તો આંગળીને ટેરવે ઇન્ટરનેટ પર છે. તેમાં કવિના શબ્દો જાણે પ્રત્યક્ષ થાય છે: ‘ગૂર્જરી વિશ્વરૂપને વરે!’
અત્યારના વાચકોના એક વર્ગને કહેવું જોઈએ કે વિશ્વકોશ એટલે encyclopaedia એટલે કાગળનાં પાનાં પર છાપેલો Wikipedia, એટલે કે એક પ્રકારનું google. વિશ્વકોશની લિન્ક છે : https://gujarativishwakosh.org/

ગ્રંથાલયમાં વિશ્વકોશના છવ્વીસ ગ્રંથો સામે મસ્તક નમે છે. મોટા કદના આ ગ્રંથોના 26 હજાર પાનાં દુનિયાભરના 170 જેટલા વિષયોને 24 હજાર જેટલા લેખોમાં આવરી લે છે. ‘અધિકરણ’ શબ્દથી ઓળખાતો દરેક લેખ એકંદર શિક્ષિત વાચકને સમજાય તેવી ભાષામાં પૂરા અભ્યાસ અને પદ્ધતિસરની રજૂઆત સાથે લખાયો છે. તેમાં આધારભૂત, વિશ્વસનીય અને સંપૂર્ણ માહિતી કેન્દ્રસ્થાને છે. વિશેષણો ઓછાં અને મંતવ્યો સંયત છે. કશું પણ ચૂકી જવું એ કચાશ, વ્યાપ આકાશ અને ધ્યેય : ‘પૃથ્વી પર સંચિત થયેલા સચરાચર સૃષ્ટિની માહિતીનો કોશ’.
વિશ્વજ્ઞાનની ઓળખ આપતો એક પ્રમાણભૂત સંચય એક રાજ્યની ભાષામાં પ્રકાશિત થાય એ કેટલી મોટી વાત છે તે ઉપયોગે જ સમજાય. જ્ઞાન-વિજ્ઞાન, ભાષા-સાહિત્ય-કલા તરફ ઓછો ઝૂકાવ ધરાવતા માહોલમાં તો ઉપયોગ અને કદર બંને પણ ઓછાં.
અને છતાં 1985માં સ્થપાયેલા ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટના તંત્રવાહકો સંસ્થાને સર્વાંગે વિકસતું રાખવા કુનેહપૂર્વકનો સાતત્યપૂર્ણ પરિશ્રમ કરતા રહ્યા છે. ટ્રસ્ટે શ્રેષ્ઠીઓ, વીસમી સદીના ‘સંતો’ અને સરકાર પાસેથી ભંડોળ મેળવીને તેનો ઉત્તમ રીતે વિનિયોગ કર્યો છે. ગુજરાતભરના વિદ્વાનો પાસેથી વિષયસાપેક્ષ શબ્દ મર્યાદામાં અને ચોક્કસ માળખામાં માહિતીપ્રદ તથા તાટસ્થ્યપૂર્ણ લેખો લખાવીને, તેમનું સંપાદકીય સંમાર્જન કરીને (એટલે કે તેમને મઠારીને) એટલા ભૂલ વિનાના હજ્જારો પાનાં પ્રસિદ્ધ કરવા એ પડકારને ઝીલવામાં વિશ્વકોશ ખૂબ સફળ રહ્યો છે.
આટલું ઓછું હોય તેમ વિશ્વકોશે ચાર અન્ય કોશ પ્રસિદ્ધ કર્યા છે – દસ ખંડોનો બાળ વિશ્વકોશ, તબીબી વિજ્ઞાન પરિભાષા કોશ, ગુજરાતના સ્વાતંત્ર્ય સૈનિકોનો માહિતી કોશ અને પરિભાષા કોશ. બે ભાગનો નારીકોશ નજીકના ભવિષ્યમાં આવશે અને ગ્રંથાલયવિજ્ઞાન કોશનું કામ ચાલી રહ્યું છે.
કોશકાર્ય ઉપરાંતની વિશ્વકોશ ટ્રસ્ટની પ્રવૃત્તિ એટલે પુસ્તક-પ્રકાશન. તેની હેઠળ મુખ્યત્વે સાહિત્યેતર વિષયો પરના 115 જેટલાં પ્રમાનભૂત પુસ્તકો પ્રસિદ્ધ થયાં છે. વળી,વિશ્વની ગતિવિધિઓને સ્પર્શતું ટ્રસ્ટનું મુખપત્ર ‘વિશ્વવિહાર’ અને મહિલાઓ દ્વારા ચાલતું સાહિત્ય-જ્ઞાન-કળાનું ત્રૈમાસિક ‘વિશ્વા’ પણ બહાર પાડવામાં આવે છે.
વિશ્વકોશ ભવન બારે ય મહિના પ્રવૃત્તિઓથી ધબકતું બહુરુચિસંપન્ન સાંસ્કૃતિક કેન્દ્ર છે. આખા વર્ષ દરમિયાન ગીત-સંગીત, વાદ્ય-નૃત્ય, શિલ્પ-સ્થાપત્ય, નાટક-સિનેમાના નિવડેલા કાર્યક્રમો માણવા મળે. અનેક સાહિત્યકારો અને વિષય-નિષ્ણાતોને સાંભળવા મળે છે. તેમાં અગિયાર વ્યાખ્યાનશ્રેણીઓ અને એટલી જ સંખ્યામાં સન્માન પ્રદાનના ઉપક્રમો ચાલે છે. કાર્યશિબિરો અને પ્રવૃત્તિકેન્દ્રોની નોંધ લેવી ઘટે, લલિતકલાકેન્દ્ર અને કલાવિથિ (આર્ટ ગૅલરી) અલંકારો છે. રવિવાર(30 નવેમ્બર)થી એક અઠવાડિયા માટે વિશ્વકોશ સ્થાપના દિનના ઉપલક્ષ્યમાં સંસ્કૃતિ પર્વની ઉજવણી હેઠળ વિશ્વકોશ ભવનમાં દરરોજ એક કાર્યક્રમ થઈ રહ્યો છે.
બાય ધ વે, વિશ્વકોશ ભવનના કાર્યક્રમોમાં કોઈ સભ્યપદ કે ટિકિટ તો છોડો રજિસ્ટ્રેશન કે એવું કશું જ હોતું નથી. બધા કાર્યક્રમો બધાં માટે વિના અપવાદ ખુલ્લા હોય છે. પ્રવેશદ્વાર પર સલામતી ચેકિન્ગ નહીં માણસની અંદરની સારપ પરના વિશ્વાસથી બધું ચાલતું હશે એમ ધારી શકાય. પાર્કિંન્ગ માટેની સીટીઓ, ભભકો, દેખાડો, કોઈ પણ પ્રકારનું ગ્લૅમર હોતું નથી. પૈસો-પદ-પ્રતિષ્ઠા-સત્તાને અહીં સ્થાન નથી. આ ભવનના ભાવાવરણમાં જ એવું કંઈક છે કે ઉપર્યુક્ત બધું અહીં પ્રકટતું જ નથી. અહીં હોય છે સાદગી અને સમાનતા, નમ્રતા અને સંસ્કારિતા.
સમયની સાથે ચાલતી આ જ્ઞાનસંસ્થા ડિજિટલ માધ્યમો પણ પ્રયોજે છે. ઑનલાઈન ગુજરાતી લેક્સિકન અર્થાત્ શબ્દકોશમાં 45 લાખ શબ્દો છે. વિશ્વકોશ માહિતી અને આનંદથી ભરપૂર સૂઝપૂર્ણ સામગ્રી તૈયાર કરીને યુટ્યૂબ ચૅનલ તેમ જ વૉટ્સૅપ દ્વારા પણ સર્વસુલભ બનાવે છે.
એક સમયે ગુજરાતી સાહિત્યના ઇતિહાસલેખક-વિવેચક ધીરુભાઈ ઠાકર (1918-2014) વિશ્વકોશનો પર્યાય હતા. તેઓ ટ્રસ્ટના સ્થાપક, મુખ્ય સંપાદક અને તેના સમગ્ર કાર્યના કર્ણધાર હતા. અત્યારનો પર્યાય સાહિત્યકાર અને કટારલેખક કુમારપાળ દેસાઈ છે. વીતેલા પંદરેક વર્ષમાં વિશ્વકોશમાં જે ઉન્મેષો પ્રગટ્યા તેમાં ત્યાસી વર્ષના બિલકુલ ન જણાતાં કુમારપાળભાઈનાં દૃષ્ટિ ,મહેનત, લોકસંગ્રહ, શાલિનતા, નેતૃત્વ અને સમર્પણભાવનો મોટો ફાળો છે. વિશ્વકોશને અનેકવિધ ક્ષેત્રોના ઉત્તમ જનોને જે સંયોજકો, હિતચિંતકો, સલાહકારો, સંપાદકો અને લેખકો મળતા રહ્યા છે તેમાં ધીરુભાઈ તેમ જ કુમારપાળભાઈનાં પરખ અને પ્રેમાગ્રહનો ઘણો ફાળો છે. વિશ્વકોશ ભવનને સંશોધકો, સંપાદકો, સહાયકો, સેવકો અને આઈ.ટી.ના જાણકાર કર્મચારીઓની નિષ્ઠાવાન ટુકડી મળી છે. દરેક કાર્યક્રમ અને આખા ય વિશ્વકોશની ગુણવત્તામાં આ આ કાર્યક્ષમ અને સૌજન્યશીલ ટુકડીનો મોટો ફાળો છે. તેમાંથી દરેકને હૃદયપૂર્વક ધન્યવાદ.
વિશ્વકોશના કાર્યક્રમો એ જાહેર કાર્યક્રમો કેવી રીતે યોજાવા જોઈએ તેનો પદાર્થપાઠ પૂરો પાડે છે. પસંદગી, આયોજન, સમયપાલન, સુરુચિ જેવી બાબતો ભાર વિના ચીવટપૂર્વક જાળવવામાં આવે છે. વળી, વિશ્વકોશના ઉપક્રમે કાર્યક્રમ આપવો એ તો ગૌરવ, સૌહાર્દ અને ગુણાનુરાગિતાનો અનોખો અનુભવ હોય છે.
વિશ્વકોશ ભવનમાં જ્ઞાનની સાધના એક યા બીજા રૂપે સતત ચાલતી જ હોય છે. જ્ઞાન ગતિશીલ છે તેની પાકી સમજ સાથે વિશ્વકોશના લેખોને revise અને update કરવાની પ્રક્રિયા થતી રહે છે. તે મુજબ અદ્યયાવત માહિતી સાથે પહેલાં નવ ગ્રંથોનું નવસંસ્કરણ પ્રસિદ્ધ થયું છે. હવે ગ્રંથો સીધા ઑનલાઈન વર્ઝનમાં અપડેટ થતા રહે છે. વિશ્વકોશના ગ્રંથોની કે તેના કાર્યક્રમોની મર્યાદાઓ પણ દુર્ભાવ વિના બતાવનારા હોઈ શકે અને તે મંતવ્યો કોશ માટે ઉપકારક પણ બની શકે.
વિશ્વકોશ ભવનમાં હોવું ‘વિશ્વકોશની એવી સૃષ્ટિ’ની મનભર અનુભૂતિ કરાવે છે. જ્ઞાન-પ્રવૃત્તિ વ્યક્તિ અને વાતાવરણમાં સંસ્કાર સીંચે એટલે શું થાય તે આ શાતાદાયી વાસ્તુમાં અનુભવવા મળે છે.
વિશ્વકોશના દરેક કાર્યક્રમના આરંભે ગાવામાં આવતું, અમર ભટ્ટે સ્વરાંકિત કરેલું ચાર કડીનું વિશ્વકોશ-ગીત કાનમાં ગૂંજે છે. જેની છેલ્લી કડી છે :
‘રેવા-જળ શી શક્તિદાયિની
સત્ય-સંમુદા મુક્તિદાયિની !
વિશ્વવિહાર જ કરે
ગુર્જરી વિશ્વરૂપને વરે!’
[કોલાજની છબિઓ, ક્લૉકવાઇઝ : વિશ્વકોશના ગ્રંથો, ધીરુભાઈ ઠાકર, વિશ્વકોશ ભવન, વિશ્વકોશનું ચિહ્ન]
02 ડિસેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

