Opinion Magazine
Number of visits: 9539345
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

સંવિધાન દિવસ : ઇતિહાસ, વિરાસત અને વર્તમાન પડકારો

પ્રકાશ ન. શાહ|Opinion - Opinion|27 November 2025

આપણે બંધારણના સિદ્ધાંતો અને આંબેડકરના વિચારોને ખરેખર ઊજવીએ છીએ? કે ખરા અર્થમાં સમજીએ છીએ ખરા?

પ્રકાશ ન. શાહ

બરાબર દસ વરસ થયાં આજે ન.મો. સરકારે હર 26મી નવેમ્બરે સંવિધાન દિવસ મનાવવાનો ચાલ શરૂ કર્યાને. 2015નું વરસ આંબેડકરનું એકસો પચીસમું વરસ હતું એ નિમિત્ત પકડીને ત્યારે સરકારે આ ગેઝેટબદ્ધ જાહેરાત કરી હતી.

સંવિધાન કહેતાં બંધારણ વિશે, એની આણ-આમન્યા-અવકાશ વિશે શાસનકર્તાઓમાં તેમ નાગરિકોમાં પરસ્પર સમજ ને સમાદર રહે તેમ જ યથાપ્રસંગ ભિન્નમત અને વિરોધ સારુ મોકળાશ રહે એ વાસ્તે આ પ્રકારનાં આયોજનોની અવશ્ય એક ભૂમિકા છે. સ્વરાજ લડત સાથે સીધા સંબંધ વગરનાં બળો આજે સત્તારૂઢ છે ત્યારે પશ્ચાદવર્તી ધોરણે તેઓ સુડતાલીસ પૂર્વ સંધાનની કોશિશમાં હોય પણ સ્વાભાવિક જ છે.

જેના ઘડતરમાં આંબોડકરનો અગ્રફાળો હતો તે સંવિધાન અમલમાં આવ્યું 1950ના જાન્યુઆરીની છવ્વીસમીએ. પસાર તો થઈ ગયું હતું આશરે ત્રણેક વરસ જેટલી કવાયત પછી 1949ના નવેમ્બરની 26મીએ. પ્રજાસત્તાક તરીકે વિધિવત અમલમાં આવવાનું થયું તે 1950ના જાન્યુઆરીની 26મીએ, કેમ કે 1929માં જવાહરલાલ નેહરુના પ્રમુખપદે, ત્યારે તો રાષ્ટ્રીય ચળવળવત કાઁગ્રેસે મુકમ્મલ આઝાદીનો ઠરાવ કર્યો એને પગલે 1930થી હર 26મી જાન્યુઆરીએ પૂર્ણ સ્વરાજ દિવસ મનાવવાનું શરૂ થયું હતું. હાલ શાસનમાં બેસેલ વિચાર પરિવાર, આ બધા છૂટી ગયેલા તાંતણા સાથે જોડાય એથી રૂડું શું.

આંબેડકર 125નું ઓઠું લેવાઈ જ રહ્યું છે ત્યારે એ સંભારવું રસપ્રદ એટલું જ દિશાપ્રદ પણ બની રહેશે કે 26મી નવેમ્બરના પૂર્વ દિવસે, 25મી નવેમ્બરે, એમણે ગૃહમાં શું કહ્યું હતું. એમણે કહ્યું હતું કે રાજકીય સમાનતા, એક માથું – એક મત, અમલમાં આવે છે, પણ આર્થિક સામાજિકતા વિષમતા બરકરાર હોય એનું શું. દેખીતી રીતે જ, બંધારણે બક્ષેલ મૂળભૂત અધિકારો તેમ જ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોના ઉજાસમાં સમતા ને ન્યાયની બાકી અગર ચાલુ લડાઈનો ઊહાપોહભેર એક સંકેત એમાં પડેલો હતો.

હાલનો સત્તા પરિવાર એટલે કે એના તત્કાલીન પુરોગામીઓ સંવિધાન નિર્માણની પ્રક્રિયા પરત્વે શું વિચારતા હશે? સંઘના મુખપત્ર ‘ઓર્ગેનાઈઝર’ની ફાઈલો જોઈએ તો હાય રામ, આ બંધારણમાં મનુસ્મૃતિનો ન તો મહિમા છે, ન તો તેને કોઈ સ્થાનમાન સુદ્ધાં છે. સાવરકર સમગ્રમાં તેમ બીજા સરસંઘચાલક ગોળવલકરના ‘બન્ચ ઓફ થોટ્સ’માં આ વાત ઊના ઊના નિસાસા કરતાં વધુ તો આક્રોશી ઢબે ઇતિહાસદર્જ છે.

1946-49ના ગાળામાં બંધારણ સભાની જે કામગીરી ચાલી એને અંગે દિશાસૂચક સામગ્રી પણ સ્વરાજ લડતમાં પડેલી હતી. કાઁગ્રેસે સોંપેલ કામગીરી સર મોતીલાલ નેહરુએ ઘડેલ બંધારણ મુસદ્દો 1928માં બહાર આવ્યો એમાં સાર્વત્રિક પુખ્ત વય મતાધિકાર, સ્વતંત્રતા ને સમાનતા તેમ લઘુમતીઓના અધિકારી વગેરે વાનાં કાનૂની પરિપાટીમાં અક્ષર રૂપ પામ્યાં હતાં. 1930માં મીઠાની લડત સાથે નાત-જાત-કોમ-લિંગ એકે ભેદ વગરનો મુદ્દો કેન્દ્રમાં આવ્યો. 1931માં ભગતસિંહની શહાદત સાથે ક્રાંતિની વ્યાખ્યા નકરા બોમ્બવાદમાં નહીં અટવાતા આર્થિક-સામાજિક ન્યાયમાં ઠરી. એ જ વરસે વલ્લભભાઈના પ્રમુખપદે કરાચી કાઁગ્રેસે મૂળભૂત અધિકારોનો ઠરાવ પસાર કર્યો. 1931માં પુના કરાર સાથે સર્વસમાવેશી રાજકીય પ્રથાપૂર્વક સામાજિક બદલાવની દિશામાં કદમ ભરાયું. 1946-1949ની ચર્ચાઓની પૂંઠે પડેલી આ ઇતિહાસ સામગ્રી વિશે, મોડે મોડે એની સાથે સંધાન શોધનારને કશીક તો ખબર હોવી જોઈશે.

ગાંધીની સલાહ સાથે જેમાં મુખર્જી ને આંબેડકર જેવા કાઁગ્રેસ વિરોધીઓ પણ હોઈ શકે એવા સમાવેશી અભિગમપૂર્વક નેહરુ પ્રધાનમંડળે સ્વરાજ કૂચ આદરી તેમાંથી કાળક્રમે આંબેડકર છૂટા થયા, કેમ કે અબઘડી હિંદુ કોડમાં સુધારાની એમની તીવ્રતા અને તાલાવેલી અંગે સત્તામાં કેટલાંક તત્ત્વો ને પરિબળો સંમત નહોતા. બહારનાં બળોમાં રામલીલા મેદાનમાં મોટી વિરોધ રેલી યોજનારાઓમાં સંઘ પરિવારની પહેલ ભાગીદારી હતી.

આંબેડકરનું સ્પષ્ટ માનવું હતું કે હિંદુ સમાજમાં વર્ણ અને લિંગ ગત ઊંચનીચ તેમ જ ભેદભાવ લગભગ પ્રાણરૂપ મહત્ત્વ ધરાવે છે. એની નાબૂદી વગર અમથા અમથા કાયદા ઘડ્યે કશો શક્કરવાર વળવાનો નથી. નેહરુ અલબત્ત પ્રગતિશીલો સાથે હતા અને એમણે કટકે કટકે કોડ બિલ પસાર કરાવી જાણ્યું.

વર્તમાન શાસન એના પૂર્વસૂરિઓની પેઠે સત્તાવારપણે મનુસ્મૃતિની હિમાયતમાં જણાતું નથી એ સાચું, પણ બંધારણ દિવસના ગર્જનતર્જન સાથે પોતે ક્યારેક ક્યાં હતા ને કેવી ખોટી લાઈન પકડી હતી એવી કોઈ આત્મનિરીક્ષણની ઈન્દ્રિય એની કને છે કે કેમ તે તો આપણે જાણતાં જાણીશું.

હમણે હમણે સંઘ વર્તુળોએ ફેરઉછાળેલો મુદ્દો બંધારણના આમુખમાંથી સેક્યુલર ને સોશ્યલિસ્ટ એ સંજ્ઞાઓ પડતી મૂકવાનો છે. એક વાત સાચી કે આમુખમાં આ બે શબ્દો કટોકટીકાળે ઉમેરાયા હતા તે વાતે કંઈક અસુખને અવકાશ હોઈ શકે છે. પણ આ પક્ષ પરિવારના વિચારબંધુઓએ સર્વોચ્ચ અદાલતનાં દ્વાર ખટખટાવ્યાં ત્યારે તત્કાલીન વડા ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાના વડપણ હેઠળની ખંડપીઠે સ્પષ્ટ કર્યું જ હતું કે બંધારણીય સુધારાની જોગવાઈ હેઠળ આમુખમાં ઉમેરો વૈધ છે. ઉપરાંત, આપણને અભિમત અર્થ સેક્યુલર કહેતાં સર્વ ધર્મ માટે સમાદરનો અને સોશ્યલિસ્ટ કહેતાં આર્થિક-સામાજિક શોષણમાંથી મુક્તિનો છે. એ રીતે આ બંને સંજ્ઞાઓ સંવિધાનના બુનિયાદી માળખાનું અભિન્ન અંગ છે.

આ બધું સમજીને આત્મનિરીક્ષણપૂર્વક આગળ ચાલવું તે ખરો પડકાર છે. સંવિધાન હત્યા દિવસ જેવાં ઉજવણાં દાખલ કરીને કટોકટીવિરોધ જેવા સાચા મુદ્દાને પક્ષીય ઓજાર તરીકે વાપરવાનું રાજકારણ આ સંદર્ભમાં પુનર્વિચાર માગે છે.

Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 26 નવેમ્બર  2025

Loading

27 November 2025 Vipool Kalyani
← બંધારણનું અદ્વિતીય આમુખ અને અમે ભારતના લોકો
ના, એ સવાર આ તો નથી : સંવિધાન, તું ક્યાં  છો, ભલા? →

Search by

Opinion

  • ના, એ સવાર આ તો નથી : સંવિધાન, તું ક્યાં  છો, ભલા?
  • બંધારણનું અદ્વિતીય આમુખ અને અમે ભારતના લોકો
  • ૨૫૦ વર્ષે પણ જેઈન ઑસ્ટિન આધુનિક ભારતમાં શા માટે પ્રસ્તુત છે?
  • ધારાગૃહોના બાહ્ય રૂપરંગ તો બદલાય છે પણ આંતરસત્વનું શું?
  • હે શ્રીમાન હર્ષ સંઘવી,

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ‘મન લાગો મેરો યાર ફકીરી મેં’ : સરદાર પટેલ 
  • બે શાશ્વત કોયડા
  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ

Poetry

  • ગઝલ
  • મારી દુનિયાનાં તમામ બાળકો
  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved