
જેઇન ઑસ્ટિન
આ વર્ષે ૧૬મી ડિસેમ્બરે બ્રિટિશ નવલકથાકાર જેઈન ઑસ્ટિનની ૨૫૦મી જન્મજયંતી ઉજવાશે. અંગ્રેજીભાષી વિશ્વમાં મોટા ભાગના વાચકો માટે આ નામ પરિચિત છે. ઑસ્ટિનની યથાર્થવાદી નવલકથાઓ એમના સમયના સમાજ પરની વિનોદી, વ્યંગાત્મક ટિપ્પણી છે. એમની નવલકથાઓ મહદઅંશે સ્ત્રીઓ અને લગ્ન, આવક અને રીતભાત વિશે છે.
જેઈન ઑસ્ટિન એક ગરીબ પાદરીનું સૌથી નાનું સંતાન હતાં અને મોટા ભાગે ઘરે જ શિક્ષણ પામ્યાં હતાં. નિશ્ચયાત્મક અને સ્વતંત્ર આવકનાં મહત્ત્વ અને મૂલ્યથી ઑસ્ટિન અજાણ નહોતાં. એમના પિતાના અવસાન બાદ જેઈન, એમનાં બહેન અને માતાએ ‘સૅન્સ ઍન્ડ સૅન્સીબીલિટી’માં આલેખાયેલી ડૅશવૂડ સ્ત્રીઓની માફક એમના ભાઈઓની, ખાસ કરીને એમના ધનાઢ્ય ભાઈ ઍડવર્ડની નાણાંકીય સહાય પર આધાર રાખવો પડતો.
આશ્રિત અને અપરણિત ફોઈ પાસેથી અપેક્ષિત હોય એવી કૌટુંબિક જવાબદારીઓથી બંધાયેલું, ભત્રીજીઓ અને ભત્રીજાઓથી ઘેરાયેલું જીવન જેઈનનું હતું. એમના સમયમાં સ્ત્રીઓ માટે આજીવિકા તકોનો અને એમની પોતાની આવકના અભાવને લીધે ઑસ્ટિનને એમના સમયમાં સ્ત્રીઓની નિમ્ન અને ગૌણ દરજ્જાનો પ્રત્યક્ષ અનુભવ હતો.
એમની નાયિકાઓની માફક એમના નસીબમાં પ્રેમ વાટે સંપત્તિનો સંયોગ સધાય એવું લગ્ન નહોતું. ખાસ્સી એવી ગરીબી, અંગત અવકાશનો અભાવ અને ફરજિયાત કૌટુંબિક જવાબદારીઓનાં દબાણો વચ્ચે પણ સામાજિક જીવનનું ઝીણવટભર્યું નિરીક્ષણ અને આંતરસૂઝ પર આધારિત નવલકથાઓ એ લખી શક્યાં એ ખૂબ જ નોંધપાત્ર છે.
સમગ્ર અંગ્રેજીભાષી વિશ્વ (અને કદાચ એની પાર પણ) ઑસ્ટિનની ૨૫૦મી જન્મ જયંતી શા માટે ઉજવીને એમને સંભારવામાં આવે છે? ભારતમાં આપણા માટે એમની ખાસ પ્રસ્તુતતા કઈ છે? શું એમની નવલકથાઓમાં રાજકીય વાસ્તવિક્તા તેમ જ સામાજિક યથાર્થવાદનો સમાવેશ છે? એમને નારીવાદી ગણવા શું યોગ્ય છે? વસાહતી ઇંગ્લૅન્ડની બૂ ધરાવતી કોઈ પણ બાબત સામે સખત પ્રતિભાવ અપાતો હોય એવા સમયે આપણી યુનિવર્સિટીઓમાં સાહિત્યના અભ્યાસક્રમમાં શું ઑસ્ટિનની નવલકથાઓ મુખ્યત્વે સમાવિષ્ટ કરવી ઉચિત છે? “It is a truth universally acknowledged that a single man in possession of a good fortune must be in the want of a wife.” ઉપરના પ્રશ્નોનો જવાબ મેળવવાનો પ્રયાસ હંમેશાં લોકપ્રિય રહેલી ઑસ્ટિનની નવલકથા ‘પ્રાઈડ ઍન્ડ પ્રૅજ્યુડીસ’ના આ જાણીતા વ્યંગાત્મક પ્રથમ વાક્ય થકી કરી શકાય એમ છે. સ્ત્રીઓ, લગ્ન, સામાજિક દરજ્જો, સંપત્તિ અને વર્તન-વ્યવહારની કૉમૅડી જેવાં ઑસ્ટિનનાં લેખનના મુખ્ય વિષયો વિશ્વવ્યાપી છે. સમાજમાં સ્ત્રીઓના સંદર્ભમાં ઑસ્ટિને એવા પરિપેક્ષ્યથી લેખન કર્યું જ્યાં સ્ત્રીઓને અંગત અને સામાજિક પસંદગી કરવાની અને પોતાની અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય અને તેમની મનુષ્ય તરીકે સ્વીકૃતિ થાય એ બાબત પર ભાર મૂક્યો. સાથોસાથ ૧૯મી સદીના ઈંગ્લૅન્ડમાં સ્ત્રીઓની વાસ્તવિક્તાની સ્પષ્ટ સમજણ સાથે એમણે લેખન કર્યું. એ સમય એવો હતો જ્યાં આર્થિક સ્થિરતા અથવા સામાજિક દરજ્જો મેળવવા સ્ત્રીઓ પાસે લગ્ન સિવાય કોઈ તક પ્રાપ્ય નહોતી.
પોતાની સમજણ, બુદ્ધિચાતુર્ય, બુદ્ધિશક્તિ, સમાધાન અને પ્રામાણિકતાના બળે વાસ્તવિક વિશ્વ એમના અનવરત અસ્તિત્વને ટકાવી રાખતી નાયિકાઓનો વહેવાર ઑસ્ટિને એમની ૬ નવલકથાઓમાં દર્શાવ્યો છે. ઑસ્ટિનના અવાજમાં સ્ત્રીઓને વર્ચસ્વના સ્થાને મૂકવાનો ઉગ્ર નારીવાદ નહીં, પરંતુ સ્ત્રીને પુરુષ સમોવડું સ્થાન અને એના પરિણામે પુરુષો જેવી જ સ્વીકૃતિ અને માન્યતા મળે એવો દૃઢ, સ્પષ્ટ અને ભારપૂર્વકનો દાવો વર્તાય છે. આ એવો વિષય અને દૃષ્ટિકોણ છે જેને યુગો પર્યન્ત પુનરાવર્તનની જરૂર રહ્યા કરવાની.
રાજકીય પરિસ્થિતિ, ધર્મના દાર્શનિક પ્રશ્નો અથવા સામાજિક સમાનતા, ન્યાય, આર્થિક પ્રશ્નો અથવા મનુષ્યના હકો પર કેન્દ્રિત તે સમયે થતી ચર્ચાઓ વિશે ઑસ્ટિને પ્રગટપણે લખ્યું નથી. આમ છતાં, સામાજિક-આર્થિક સંબંધો, સંપત્તિ કે સત્તા કે મોભા માટેના સંઘર્ષ પર આધારિત માનવ સંબંધોનું એમનું ઉત્કૃષ્ટ આલેખન સામાજિક વ્યવહારોને આકાર આપતી અને અસર કરતી રાજકીય વાસ્તવિક્તા અને સમાજના આર્થિક માળખાંને અપ્રગટ રીતે એમણે ઉપસાવી આપ્યા છે.
અમુકને એવું લાગે કે સ્ત્રીઓની સમાનતા સંદર્ભે વિશ્વએ આજે હરણફાળ ભરી છે. ઑસ્ટિનના ૧૯મી સદીના ઇંગ્લૅન્ડમાં સ્ત્રીઓ જેટલા બંધન અને અંકુશમાં હતી એટલી ૨૧મી સદીમાં સ્ત્રીઓ સીમિત નથી કારણ કે એમને શિક્ષણની તક, સવેતન રોજગારી, રાજકારણ-ઉદ્યોગ-વિજ્ઞાન અને અનેક વ્યવસાયોની તક ઉપલબ્ધ છે. તો પછી પિતૃસત્તા, લગ્ન અને સ્ત્રીઓના નિમ્ન સામાજિક દરજ્જાના વિષયો હજુ પણ કેમ પ્રસ્તુત છે? જવાબ એ છે કે પુરુષો સમાન સ્ત્રીઓના હકનું સમર્થન કરવામાં વિશ્વએ જબરદસ્ત પ્રગતિ કરી છે, આમ છતાં, સૈદ્ધાંતિક રીતે સમાજની ચાલતી આવતી માનસિક્તા સ્ત્રીઓ પ્રત્યેનો રાજકીય દૃષ્ટિકોણ અને જાહેર સ્થળોમાં પુરુષોની સરખામણીએ સ્ત્રીઓની સંખ્યામાં આંખે ઊડીને વળગતી અસમાનતા દર્શાવે છે કે પિતૃસત્તા જીવંત છે અને પાંગરી રહી છે.
ઑસ્ટિનના વિશ્લેષણ મુજબ લગ્ન અને લગ્નજીવનમાં પ્રવેશવાનો વ્યવહાર ગમવા જેવા, ઇચ્છનીય વિજાતીય પાત્ર સાથે સામાજિક કરાર કરવાનો નહીં, પરંતુ થોડો ઘણો આર્થિક આધાર અને સામાજિક મોભો મેળવવા સ્ત્રી માટેનું એક માત્ર માધ્યમ છે. પુરુષ માટે નાણાં અને આવક સમાજમાં એનું સ્થાન નક્કી કરે છે, સ્ત્રી માટે આરામદાયક આવક મેળવતા પુરુષ સાથે લગ્ન કરવાથી સમાજમાં સ્થાન નક્કી થાય છે.
ઑસ્ટિનની નવલકથાઓમાં દર્શાવાતા સંઘર્ષના કેન્દ્રમાં પોતાની શરતો પર સમાજમાં સ્થાન બનાવવા ઝંખતી સ્વતંત્ર વિચાર ધરાવતી નાયિકાઓ છે કે જેમને આર્થિક અને સામાજિક રીતે સમાધાન કરવાનું આવે છે. પરિણામે બુદ્ધિશાળી અને સમજદાર સ્ત્રીઓ તરીકેનો તેમનો વ્યક્તિગત દરજ્જો તેમની નિર્ધારિત સામાજિક ભૂમિકા સામે ગૌણ બની જાય છે.
ભારતીય સમાજમાં ‘ગોઠવાયેલાં’ લગ્નોના અસુવિધાજનક પાસાઓ અને ‘રીજન્સી’ (જ્યોર્જ IVના ૧૮૧૧-૨૦ દરમ્યાનનો શાસનકાળ) સમયના સમાજના ‘યોગ્ય’ લગ્નો વચ્ચે સામ્ય વર્તાય છે. પરંતુ ઑસ્ટિનની ટીકાનું મહત્ત્વ આપણા માટે આથી ઘણું વધુ છે. વિસ્તૃત મુદ્દો એ છે કે શું ભારતમાં આજે સ્ત્રીઓને આત્મનિર્ધારણનો હક ધરાવતી વ્યક્તિઓ તરીકે જોવામાં આવે છે? જવાબ, દુઃખ સાથે મોટી ના છે.
શાસન કરનારા અને નીતિ ઘડનારા એટલે કે ભારતની સરકારોના મનમાં સ્ત્રીઓ પ્રત્યેની સામાન્ય ધારણાના ચોક્કસ દાખલા સાથે મારો મુદ્દો રજૂ કરવા ઇચ્છું છું. જ્યાં સુધી આપણી કેન્દ્રિય, રાજ્ય અને સ્થાનિક સ્તરની સરકારો લોકતાંત્રિક ઢબે ચૂંટાય છે, એમનામાં નિ:સંકોચપણે આપણા સમાજ અને લોકોની માનસિક્તાનું આબેહૂબ પ્રતિબિંબ દેખાય છે.
ભારતીય સંવિધાને તમામ નાગરિકોને સ્વતંત્રતા અને સમાનતા તેમ જ સાર્વત્રિક પુખ્ત મતાધિકારની ખાતરી આપ્યાથી સ્ત્રી-પુરુષ સમાન છે તે બાબતે પ્રચંડ સમર્થન મળેલું છે, પરંતુ જ્યારે વ્યાપાર કે ઉદ્યોગની વાત આવે, સરકારી નીતિઓ સભાનતાપૂર્વક સ્ત્રીઓને સમૂહ તરીકે પ્રોત્સાહન આપે છે, વ્યક્તિઓ તરીકે નહીં. સ્ત્રીઓ જૂથ બનાવે ત્યારે બેંક અથવા નાણાંકીય ધિરાણ સુધીની પહોંચ એમને વધુ સહેલાઈથી ઉપલબ્ધ થાય છે. આર્થિક વિકાસ માટે સ્વસહાય જૂથોનો ખ્યાલ પુરુષો કરતાં સ્ત્રીઓને વધુ લાગુ પાડવામાં આવે છે.
અનુભવથી સિદ્ધ થયેલું છે કે ગરીબી નિવારણ માટે સવેતન રોજગાર કરતાં સ્વ-રોજગાર ઘણો કઠિન માર્ગ છે. આમ છતાં, લગભગ દરેક સરકારી લાભાર્થી યોજનાઓ સવેતન રોજગારને બદલે સ્વ-રોજગારને પ્રોત્સાહન આપવાની દિશામાં કાર્યરત છે. આવું શા માટે? એનું કારણ એ છે કે સ્ત્રીઓની ગૃહિણી અને પ્રજનનક્ષમ માધ્યમની ભૂમિકા કરતાં એમના લાભકારી બજારલક્ષી રોજગારને ગૌણ ગણવામાં આવે છે, માટે, જો ગૃહસ્થીની ફરજોને પ્રાધાન્ય આપવાનું હોય તો સ્વ-રોજગારથી કાર્યના સમયપત્રકમાં પરિવર્તનક્ષમતાનો અવકાશ રહે છે. આથી એવું ન બને કે લગ્ન કે ગૃહસ્થીની ફરજોને અવગણીને કોઈ પણ સ્ત્રી લાભકારી રોજગારી કે કારકિર્દીને પ્રાધાન્ય આપે.
સવેતન રોજગારનો અર્થ એટલે સ્ત્રીઓ માટે જાહેર જગ્યાઓમાં સુરક્ષા અને પ્રવેશ-હકની ખાતરી આપવી, સાથોસાથ સ્ત્રીઓ અને પુરુષોના વેતનમાં અસમાનતાનાં કારણોના મુદ્દા પણ સતત ઉઠાવતા રહેવું.
ભારતમાં સ્ત્રીઓના શિક્ષણની હિમાયત કરતું સૂત્ર છે ‘દીકરી ભણાવો એટલે એક આખું કુટુંબ ભણાવો’. આ સૂત્રથી એક સ્ત્રીનો વ્યક્તિ તરીકેનો શિક્ષણ મેળવવાના હકનો નકાર થાય છે. સ્ત્રીઓને કુટુંબના સંબંધમાં મનુષ્ય તરીકે જોવામાં આવે છે, કુટુંબ એટલે મુખ્યત્વે પુરુષ સગાવહાલાં. એ જ રીતે તાજેતરની આર્થિક સહાય યોજનાઓ સંદર્ભે જેવી કે મુખ્ય મંત્રી લાડલી યોજના (મધ્ય પ્રદેશ), અને મુખ્ય મંત્રી માઝી લાડલી બહીન યોજના (મહારાષ્ટ્ર), સ્ત્રીઓને પુરુષ સગાંવહાલાં સંલગ્ન વ્યક્તિઓ તરીકે જ જોવામાં આવે છે. સરકારી યોજનાઓની લાભાર્થીઓ તરીકે સ્ત્રીઓની પસંદગી તેમના સાસરીના ગામના સંબંધમાં કરવામાં આવે છે, તેમના પિયરના ગામના સંબંધમાં નહીં.
રાજકીય સંદર્ભે સ્ત્રી ઉમેદવારના પ્રચાર માટેના પોસ્ટરમાં એના પતિ કે ભાઈ કે પિતાને આગવી રીતે દર્શાવવામાં આવે છે. પાલવથી માથું ઢાંકી સ્ત્રી પોસ્ટરના એક ખૂણામાં ઓછી જગ્યામાં દર્શાવવામાં આવે છે. ચૂંટાયેલી સ્ત્રી પ્રતિનિધિ માટે બેઠકોમાં ૩૩% અનામતનો બહુ પ્રચલિત કાયદો હોવા છતાં તમામ રાજકીય પક્ષોમાંથી કુલ સભ્યપદોના ૧૦%થી પણ કદાચ ઓછી સ્ત્રી સભ્યો હશે.
સંવિધાને અનિવાર્યપણે ભિન્ન રીતે વિચારવા અને વર્તવાની અનુમતિ આપી છે એ બધાં પણ જ્યારે પિતૃસત્તાનું અચેતન સમર્થન કરતા હોય તો સ્પષ્ટ થાય છે કે સ્ત્રીઓની સમાનતાની સ્વીકૃતિ સધાઈ શકી નથી. સ્વ-નિર્ધારણના અને ઘર કે સામાજિક સ્થળોમાં સુરક્ષાના સ્ત્રીઓના હક માટે આ અહિતકર છે. આપણે એવા વિશ્વમાં જીવીએ છીએ જ્યાં સ્ત્રીઓ પ્રત્યેની તાલીબાનની અસહિષ્ણુતાને ભારતની મૂક સંમતિ મળે છે.
સ્ત્રીઓ પ્રત્યેનાં અને સ્ત્રીઓનાં વલણોને અગ્રિમતા આપતી ઑસ્ટિનની નવલકથાઓ આપણા સમાજને પણ આયનો ધરે છે. આપણને ઑસ્ટિન જેવી બુદ્ધિશાળી સ્ત્રીની અને તેના લખાણોની જરૂર છે જેમાં હુંફાળા, વિનોદી પરંતુ ધારદાર અને વેધક નિરીક્ષણો દ્વારા વાસ્તવિક્તાને કુશળતાથી અને ચોક્કસ રીતે વર્ણવવામાં આવેલી છે અને જેમાં તમામ વિપરિત સંજોગો વચ્ચે અમુક સ્ત્રીઓ અડીખમ રહી શકે છે.
સમાજ અને વ્યક્તિઓ માટે સમાનતા, ગૌરવ, સભ્યતા અને શિષ્ટાચારને ઇચ્છનીય ગુણ માનવામાં આવશે ત્યાં સુધી ઑસ્ટિન ભારતમાં અને સર્વત્ર પ્રસ્તુત રહેશે. સામાજિક અન્યાયોની અપ્રિય વાસ્તવિક્તા આપણને એવી કળા અને કુશળતાથી પહોંચાડવામાં આવે છે કે બેવકૂફીઓ અને મિથ્યાભિમાનના ધારદાર આલેખન પર આપણે મલકાતા હોઈએ એવામાં એનો ડંખ વધુ તીક્ષ્ણ બને છે.
૨૫૦મી જન્મ જયંતીની ઉજવણી કદાચ રૂપેરી પડદા પર દર્શાવાતા એમની નવલકથાઓ પરથી રૂપાંતરીત આકર્ષક ચલચિત્રો અને ઑસ્ટિનની નવલકથાઓનું પ્રણય કથાઓ તરીકેનું સરળ વાંચન હોઈ શકે છે. પરંતુ ઉજવવાનું ખરું કારણ એમની નવલકથાઓમાંથી સદાને માટે મળતો લાભદાયી, સમૃદ્ધ કરનારો અનુભવ છે.
(સ્રોત : “ધ વાયર”; 07 નવેમ્બર 2025)
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

