
ચંદુ મહેરિયા
અંગ્રેજોના જમાનાના સો વરસ જૂના સંસદભવનને સ્થાને રાજધાની દિલ્હીમાં ૨૦૨૩થી નવું સંસદભવન કાર્યરત છે. ભારતીય વાસ્તુકલા પર આધારિત ત્રિકોણીય આકારનું સંસદભવન ૬૪,૫૦૦ વર્ગમીટરમાં બનેલું છે. લોકસભા ભવન રાષ્ટ્રીય પક્ષી મોર અને રાજ્યસભા ભવન રાષ્ટ્રીય ફૂલ કમળની થીમ પર ડિઝાઈન કર્યું છે. જૂના સંસદભવનની તુલનાએ નવામાં ભવિષ્યમાં સાંસદોની સંખ્યા વધશે તેને ધ્યાનમાં રાખીને વધુ બેઠકોની વ્યવસ્થા કરવામાં આવી છે. તે વધુ મોકળાશ ધરાવતું, આધુનિક સગવડોથી સજ્જ તો છે જ લોકસભા ગૃહમાં અધ્યક્ષના આસન નજીક રાજદંડ (સેંગોલ) સ્થાપિત કરવામાં આવેલ છે. ૧૯૨૭માં જૂના સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૭ લાખ થયો હતો. ૨૦૨૩માં નવા સંસદભવનના નિર્માણનો ખર્ચ રૂ.૮૬૨ કરોડ થયો છે.
આંધ્ર પ્રદેશના વિભાજનથી રચાયેલા બે રાજ્યો પૈકી તેલંગણાના ફાળે હૈદરાબાદ આવ્યું એટલે આંધ્રને નવા પાટનગરની જરૂર પડી. નવું પાટનગર અમરાવતી ભારતનું સૌથી આધુનિક પાટનગર હોવાના દાવા થાય છે. અમરાવતીમાં આકાર લઈ રહેલું વિધાનસભા ભવન દેશમાં સૌથી ઊંચું હશે. કોહિનૂર આકારની વિધાનસભાની ઈમારત ૨૫૦ મીટર ઊંચા શિખરનુમા ભવન તરીકે નિર્માણ પામી રહી છે. નવા વિધાનસભાના બિલ્ડીંગનો નિર્માણ ખર્ચ અંદાજિત રૂ. ૧,૮૧૬ કરોડ છે.
૧૯૮૨થી ગાંધીનગરના વિઠ્ઠલભાઈ પટેલ ભવનમાં ગુજરાતની વિધાનસભા કામ કરે છે. સાડા ત્રણ દાયકે ૨૦૧૮માં તેનું રૂ. ૧૩૫ કરોડના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું હતું. દર બે દાયકે ગુજરાત વિધાનસભાના સભ્યો માટેના નિવાસસ્થાનો નવા બાંધવામાં આવે છે. આરંભે ધારાસભ્યોના આવાસો 1BHK હતા. નવા 5BHK છે. સદસ્ય નિવાસ જેવા સાદા નામે ઓળખાતા નવા નિવાસો લક્ઝુરિયસ ફુલ્લી ફર્નીશ્ડ ફ્લેટ છે. જેમાં ત્રણ બેડરૂમ, લિવિંગ રૂમ, કિચન, ઓફિસ રૂમ અને સર્વન્ટ -ડ્રાઈવર રૂમની સગવડ છે. સદસ્ય નિવાસ ૨૮,૫૭૬ ચોરસમીટરમાં વિસ્તરેલું સંકુલ છે. ૨૧૬ સભ્યો માટે તે બાંધ્યા છે. કપડાં સુકવવાની દોરીથી માંડીને નહાવાધોવાની ડોલ, ટમ્બલર, ફ્લોર ક્લીનર અને ફિનાઈલ પણ માનનીયોને સરકાર પૂરી પાડવાની છે. લગભગ રૂ. દોઢસો કરોડના ખર્ચે બંધાયેલા નવા ધારાસભ્ય આવાસો માનનીયોને નિ:શુલ્ક આપવાના નથી. માસિક રૂ. ૩૭ ભાડુ લેવાશે.
પંજાબ અને દિલ્હી વિધાનસભાએ નવી પહેલ કરી છે. દિલ્હી વિધાનસભા ભવન હવે પૂર્ણપણે સૌર ઉર્જા સંચાલિત દેશનું પહેલું વિધાનસભા ભવન છે. પંજાબ ભારતનું એવું પહેલું રાજ્ય છે જેની વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં પણ થાય છે. પંજાબે મૂક બધિર વ્યક્તિઓ માટે વિધાનસભાની કાર્યવાહીનું પ્રસારણ સાંકેતિક ભાષામાં શરૂ કરીને તેમના માટે પણ તે સુલભ બનાવી છે. બજેટ સત્રનું રાજ્યપાલનું અભિભાષણ અને અન્ય મહત્ત્વની ચર્ચાઓ સાંકેતિક ભાષામાં પ્રસારિત થઈ હતી. દિલ્હી વિધાનસભાની વાર્ષિક વીજળી જરૂરિયાત ૭,૦૦,૦૦૦ યુનિટ છે, પરંતુ સૌર ઉર્જાથી ૮,૨૦,૦૦૦ યુનિટ વીજળી ઉત્પન થશે. એટલે સરપ્લસ વીજળી વેચી શકાશે અને વીજળીનો ખર્ચ બચશે. વળી સૌર ઉર્જા સંયંત્રો લગાવવાનો ખર્ચ બે કરોડ જ થયો છે. વૈકલ્પિક ઉર્જાના ઉપયોગની દિશામાં આ મહત્ત્વની પહેલ છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓના બાહ્ય રૂપરંગ બદલાય છે તેને કલાત્મક વાઘાઓથી સજાવાય છે પરંતુ શું તેનાથી તેની કાર્યવાહીમાં કોઈ બદલાવ આવે છે ખરો? દેશની અર્ધી આબાદી એવી મહિલાઓના પ્રતિનિધિત્વના મુદ્દે હજુ પણ કશો ફેર પડ્યો નથી. અઢાર અઢાર લોકસભા ચૂંટણીઓ પછી સંસદમાં હાલમાં ૭૪ મહિલા સાંસદો છે. દેશના કુલ મતદારોમાં મહિલા મતદારો ૪૮ ટકા છે પરંતુ લોકસભામાં માત્ર ૧૩ ટકા જ મહિલા સાંસદો છે. હરિયાણા વિધાનસભાના ૯૦ ધારાસભ્યોમાં ૧૩ મહિલા (૧૪ ટકા) ધારાસભ્યો છે જે દેશમાં સૌથી વધુ છે. પરંતુ નાગાલેન્ડની ધારાસભામાં એકપણ મહિલા ધારાસભ્ય નથી. સામંતી અને લિંગાનુપાતમાં તળિયે રહેલા હરિયાણામાં સૌથી વધુ મહિલા પ્રતિનિધિત્વ અને માતૃપ્રધાન, શિક્ષણ અને સ્ત્રી-પુરુષ સમાનતામાં આગળ નાગાલેન્ડમાં કોઈ મહિલા ધારાસભ્ય ન હોય તે ભારતીય લોકતંત્રની સામાજિક બલિહારી છે.
ધારાગૃહોની કામગીરીમાં પ્રશ્નકાળ સૌથી મહત્ત્વનો છે. તેમાં પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ પ્રધાનોને જાહેર હિતના પ્રશ્નો પૂછે છે. તેના લેખિત જવાબો તો અપાય છે તેના પર પૂરક પ્રશ્નો મારફતે ચર્ચા પણ થાય છે. પરંતુ સંસદ અને વિધાનસભાઓનો પ્રશ્નકાળ હોબાળામાં વેડફાઈ જાય છે. પરંતુ પ્રશ્નકાળની ઉપયોગિતા સમજીને તેને સાર્થક બનાવવાનું કોઈને સૂઝ્યું નથી. સંસદના બંને ગૃહોની શરૂઆત અગિયાર વાગ્યે પ્રશ્નકાળથી થાય છે. એક અંદાજ મુજબ પ્રશ્નકાળની એક મિનિટનો ખર્ચ અઢી લાખ રૂપિયા છે. છતાં તેનો યોગ્ય ઉપયોગ થતો નથી.
૨૦૧૪માં તત્કાલીન રાજ્યસભા અધ્યક્ષ અને ઉપરાષ્ટ્રપતિ હામીદ અન્સારીએ ગૃહનો આરંભ શૂન્યકાળથી અને તેના એક કલાક પછી બાર વાગે પ્રશ્નકાળનો આરંભ કરવાનો નિર્ણય કર્યો હતો. આટલો નાનો ફેરફાર કરતાં દેશને સાઠ વરસો લાગ્યા છે. પરંતુ આ બદલાવથી ઘણો ફેર પડ્યો છે. ધારાગૃહોની કામગીરીમાં આવા બદલાવ તેના બાહ્ય રૂપરંગમાં બદલાવ જેટલા જ મહત્ત્વના છે.
સંસદીય કામગીરીમાં ગંભીરતાનો અભાવ અને સભ્યોની ગેરહાજરી એવો જ બીજો સવાલ છે. ૧૯૫૨થી ૧૯૭૦ના સમયગાળામાં લોકસભાની કામગીરી સરેરાશ ૧૨૦ દિવસની હતી. પરંતુ હવે તેમાં સતત ઘટાડો થતો રહ્યો છે. ૨૦૨૨માં ૫૬ દિવસો માટે જ લોકસભાની બેઠકો યોજાઈ હતી. બ્રિટનની સંસદ ૧૫૦ અને અમેરિકાની સંસદ ૧૦૦ દિવસો કામ કરે છે. પરંતુ વિશ્વના સૌથી મોટા લોકશાહી દેશમાં લોકસભાની કામગીરીના દિવસો જ બહુ ઓછા છે. છેલ્લા બે દાયકામાં લોકસભાની કામગીરીની ઉત્પાદકતા સરેરાશ ૧૪ ટકા અને રાજ્યસભાની ૨૨ ટકા જેટલી નીચી છે.
સંસદ અને રાજ્યોની વિધાનસભાઓમાં જ્યારે બેઠક ચાલુ હોય ત્યારે લોબીમાં મુકવામાં આવેલ રજિસ્ટરમાં સભ્યોએ સહી કરી હાજરી પૂરવાની હોય છે. લોબીમાં મૂકેલ રજિસ્ટરમાં સહી કર્યા પછી માનનીયો ગૃહમાં જાય છે કે કેમ તે નહીં પૂછવાનું. પેપરલેસ સંસદને અનુલક્ષીને હવે સાંસદો તેમની બેઠક પર બેસીને મલ્ટી મીડિયા ડિવાઈસથી હાજરી નોંધાવી શકે છે. જો કે હાજરી નોંધાવવામાંથી સમગ્ર પ્રધાનમંડળને મુક્તિ મળી છે. એટલે વડા પ્રધાન અને મંત્રીઓ કેટલા દિવસ સંસદમાં હાજર હતા તે જાણી શકાતું નથી.
બંધારણ સમીક્ષા પંચ(૨૦૦૨)ની ભલામણ હતી કે ૭૦થી ઓછા સભ્યો ધરાવતી વિધાનસભાની બેઠકો ઓછામાં ઓછા ૫૦ દિવસો અને તેનાથી વધુ બેઠકો ધરાવતી વિધાનસભાની બેઠકો ૯૦ દિવસો માટે મળવી આવશ્યક છે. પરંતુ બે વરસ પૂર્વેના આંકડા જણાવે છે કે ૨૦૨૩માં રાજય વિધાનસભાઓ સરેરાશ ૨૩ દિવસો માટે જ મળી હતી. ૧૨ રાજ્યોની વિધાનસભાઓએ તો ૧૦૦ કલાકથી ઓછું કામ કર્યું હતું. ૪૪ ટકા વિધેયકો ગૃહમાં રજૂ થયા તે જ દિવસે કે બીજા દિવસે ખાસ કશી ચર્ચા વિના પસાર થયા હતા. કૃષિ બિલ અને શ્રમ સુધારા બિલ જ નહીં બજેટ પણ લોકસભામાં વિના ચર્ચાએ પસાર થયું હતું. સંસદની બેઠકોની ગેરહાજરીમાં સંસદીય સમિતિઓ વિધેયકો પર ગહન ચર્ચા કરે છે. પરંતુ તેમાં પણ ઘટાડો થયો છે. ૧૫મી લોકસભામાં ૭૧ ટકા બિલો સંસદીય સમિતિઓને ચર્ચા માટે આપવામાં આવ્યા હતા. સત્તરમી લોકસભામાં માત્ર ૧૩ ટકા બિલો જ સંસદીય સમિતિના હવાલે થયા હતા..
સંસદ અને ધારાગૃહો ઈંટ પથ્થરથી ચમકતી શાનદાર ઈમારતો નથી. તેણે આ દેશના ભાવિનું ઘડતર કરવાનું છે. એટલે બાહ્ય રંગરોગાન સાથે ભીતરી લોકતંત્ર પર પણ ધ્યાન આપવાની તાતી જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

