
રાજ ગોસ્વામી
ધરમ સિંહ કેવલ કિશન દેઓલે આઠમા ધોરણમાં, લુધિયાણાના મિનરવા થિયેટરમાં, દિલીપ કુમારની ‘શહીદ’ ફિલ્મ જો ન જોઈ હોત, અને એ ફિલ્મનો રાષ્ટ્રવાદી કિરદાર ‘રામ’ તેના દિલમાં ઉતરી ગયો ન હોત, તો તેણે ત્યાં ખેતરમાં ટ્રેક્ટર ચલાવીને જિંદગી પૂરી કરી નાખી હોત. પણ એવું ન થયું. દિલીપ કુમાર અને તેમના ‘રામ’નો એવો જબ્બર પ્રભાવ પડ્યો હતો કે ફિલ્મ પૂરી થતાં સુધીમાં તો મનમાં એક વિચાર વીજળીની જેમ ચમકી ગયો હતો – મુંબઈ જઈને દિલીપ કુમાર જેવા એક્ટર બનવું છે. તે એક્ટર બન્યો એટલું જ નહીં, યુસૂફ સા’બનો લાડકો નાનો ભાઈ પણ બની ગયો.
શાયર-ગીતકાર મજરૂહ સુલતાનપુરીએ એક વાર કહ્યું હતું – ધર્મેન્દ્ર વગર ભારતીય સિનેમાનો સંસાર અધૂરો હોત. ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના આકાશમાં ધ્રુવના તારા જેવા હતા. નાના ગામડાઓમાંથી મોટા શહેરમાં જઈને મીર મારવાની ધુઆઁધાર કહાનીઓ જેટલી હિન્દી સિનેમામાંથી આવી છે, એટલી બીજા કોઈ વ્યવસાયમાંથી નથી આવી. ધર્મેન્દ્ર આવી જ એક ‘જવાંમર્દ’ વારતા છે, જે ફિલ્મ પત્રકાર રાજીવ વિજયકરના તાજા જીવનચારિત્ર્ય ‘ધર્મેન્દ્ર : નોટ જસ્ટ હી-મેન’માં વિસ્તારથી માંડવામાં આવી છે.
નસરાલી ગામમાં ૮ ડિસેમ્બર, ૧૯૩૫માં એનો જન્મ. નજીકમાં ૧૭ હજારની વસ્તીવાળા સાહનેવાલ ગામમાં પિતા કેવલ કિશન સિંહ સ્કૂલના ટીચર. માતા સતવંત કૌર ગૃહિણી. ધરમ લાલ્ટન કાલન ગામની સેકન્ડરી સરકારી સ્કૂલમાં પ્રાથમિક અને ફગવારાની રામગઢિયા કોલેજમાં ઇન્ટરમીડીએટ ભણેલો. હિન્દુસ્તાનનાં લાખો ગામડિયા છોકરાઓને જેમ ફિલ્મ સ્ટાર બનવાની ખ્વાહીશ હોય છે, એમ ધરમને પણ ‘શહીદ’ ફિલ્મ જોયા પછી ફિલ્મો અને ફિલ્મી સામયિકોનો ચસ્કો લાગી ગયો હતો અને દિલીપ કુમાર, રાજ કપૂર, નરગીસ, મધુબાલા અને વૈજયન્તીમાલાના મુંબઈમાં જવું હતું.
તે સમયના અનેક છોકરાના પિતાઓની જેમ ધરમના પિતાને પણ આ સિનેમાના કામનો ભરોસો ન હતો. માતાને ધરમની વાતમાં સહાનુભૂતિ. દરેક છોકરાની મા પણ આવી જ હોય છે – એનો લાડ સિનેમાના પડદે આવે એવી ઇચ્છા એ પણ દિલમાં દબાવીને બેઠી હોય.

એ દરેક છોકરાનું નજીકમાં એક શહેર પણ હોય, જ્યાં દોસ્તો સાથે એ સિનેમા જોવા જાય. ધરમનું લુધિયાણા હતું, જ્યાં એ સિનેમા હોલમાં જઈને ખુદને પડદા પર કલ્પના કરતો. આ છોકરામાંથી ઘણા પરણી પણ ગયા હોય. ધરમને પણ ૧૯માં વર્ષે પ્રકાશ કૌર સાથે પરણાવી દેવામાં આવ્યો હતો. પિતાએ એટલા માટે જ નાની ઉંમરે ધરમને પરણાવી દીધો હતો કારણ કે તેમને તેની ફિલ્મ સ્ટાર બનવાની ઇચ્છાની અને ફિલ્મી દુનિયાની અનિશ્ચિતતાઓની ખબર હતી. ૩૫ વર્ષ પછી ધરમે હેમા માલિની સાથે બીજા લગ્ન કર્યા, ત્યારે એ હિન્દી સિનેમાનો હી-મેન સ્ટાર ધર્મેન્દ્ર હતો.
ગામડામાંની ઉબડખાબડ જમીનમાંથી મુંબઈ આવતા લાખો છોકરાઓમાંથી, બધાના ઘોડા માયાનગરીની આસ્ફાલ્ટની સડકો પર સડસડાટ દોડતા નથી. ઘણાના ગડથોલિયાં ખાઈ જાય છે. ધર્મેન્દ્ર એમાંથી બચી ગયો, અને એટલે જ એ ‘જવાંમર્દ’ સ્ટારડમ સુધી પહોંચ્યો. એનો પહેલો જ અકસ્માત મીના કુમારી.
રાજીવ વિજયકરના પુસ્તકમાં ધર્મેન્દ્રના જીવનનો આ હિસ્સો રસપ્રદ છે, જે આમ પણ બહુ જ વગોવાયેલો છે. ‘વગોવાયેલો’ એ અર્થમાં કે, ટ્રેજેડી-ક્વીન પ્રત્યેની સહાનુભૂતિ કહો કે પછી ‘પુરુષો તો આવા જ હોય’વાળી માનસિકતા કહો, એવી એક લોકપ્રિય માન્યતા છે કે ધર્મેન્દ્રએ, વ્યવસાયિક અને અંગત રીતે, મીનાનો ઉપયોગ કર્યો હતો. આ પુસ્તક એનો છેદ ઉડાડે છે.
‘પૂર્ણિમા’ (૧૯૬૫) મીના સાથેની ધર્મેન્દ્રની પહેલી ફિલ્મ. એ નર્વસ હતો કારણ એ નવો હતો. મીના એકદમ ટોચની સ્ટાર. એણે કોઈ દોસ્તને પૂછ્યું પણ હતું કે, “મીના કેવી છે?” પેલાએ એને વધારે ગભરાવ્યો,”એ તો નજર ફેરવીને, હોઠોને કે સંવાદને ટ્વીસ્ટ કરીને તને મ્હાત કરી દેશે.” સલાહ પણ આપી કે મીના સામે આવે તો ચરણસ્પર્શ કરજે.
ચાંદીવલી સ્ટુડીઓમાં ધરમ પૂરા સન્માન, નમ્રતા અને શિષ્યભાવથી મીનાને મળેલો. પગે લાગ્યો કે નહીં, એ ખબર નથી પણ મીનાએ એવું જરૂર કહેલું કે, “એ લડકા આગે જાયેગા. એ રૂટીન એન્ટ્રી નહીં હૈ.” મીનાને એ વખતે સ્થિર અને સમર્પિત વ્યક્તિની જરૂર હતી. યુવાન ધર્મેન્દ્ર ખરા વખતે જ મળ્યો હતો.
અંગત જીવનમાં સંબંધો અને શરાબની અનેક તકલીફોમાંથી પસાર થઇ રહેલી મીના, શોહરત અને સફળતાની ટોચ પરથી નીચે ગબડી રહી હતી અને ધર્મેન્દ્ર ઉપર ચઢી રહ્યો હતો. વચ્ચે બંનેનો ભેટો થઇ ગયો. મીના ફૂલની જેમ નાજૂક અને કરમાયેલી હતી. ધર્મેદ્ર જીવનની કરુણતાઓથી અછૂતો હતો. મીના કુમારીને જે પ્રેમની તલાશ હતી તે જીવનમાં મળ્યો નહોતો, પરંતુ ધર્મેન્દ્રના રૂપમાં તેને એક એવો સહારો મળ્યો હતો, જેના ટેકે તેને સારું લાગતું હતું.
૧૯૬૬માં ‘ફૂલ ઔર પથ્થર’માં બંનેની કહાની ભેગી થઇ ગઈ હતી. ફિલ્મમાં વિધવા અને બીમાર દેવી તરછોડાયેલી હતી. તેને સહારાની જરૂર હતી અને તારણહારના રૂપમાં તેને એક ચોર શાકા ભટકાઈ ગયો હતો. આ એ ફિલ્મ હતી, જ્યાંથી ધર્મેન્દ્રની ‘હી-મેન’ ઈમેજ બની.
ધર્મેન્દ્રએ આગળ વધવા મીનાનો સહારો લીધો એવી ગોસિપ એટલા માટે ખોટી છે કે કારણ કે ‘પૂર્ણિમા’ પછી પાછળ પાછળ જ ‘ મૈં લડકી હું,’ ‘કાજલ’ અને ‘ફૂલ ઔર પથ્થર’ ફિલ્મો આવી હતી. બધી જ ફિલ્મોએ ધૂમ મચાવી હતી. એમાં ધર્મેન્દ્ર ટોપ બ્રેકેટમાં આવી ગયો હતો. એ પછી આવેલી બીજી ત્રણ ફિલ્મો ચંદન કા પાલના,’ ‘મજલી દીદી’ અને ‘બહારોં કી મંજિલ’ પીટાઈ ગઈ.
‘ફૂલ ઔર પથ્થર’ ધરમના કામ અને જવાંમર્દ દેખાવના કારણે હીટ ગયેલી. ‘મૈં લડકી હું’ વાળા મોટા ગજાના એ.વી.એમ. પ્રોડક્શન કે ‘ફૂલઔર પથ્થર’ વાળા ઓ.પી. રાલ્હન કે ‘મજલી દીદી’ વાળા ઋષિકેશ મુખરજી મીના કુમારીના કહેવાથી ધરમને કામ આપે એવા ન હતા. ધર્મેન્દ્રને બહુ ઝડપથી ઉડવાનું મળ્યું હતું, અને તેણે કૌવત પણ એવું જ બતાવ્યું હતું.
કેવો યોગાનુયોગ કહેવાય કે ધરમ લુધિયાણામાં ભણતો હતો અને રેલવે સ્ટોલ પરથી ફિલ્મફેર સામયિક ખરીદતો હતો, ત્યારે ૨૫ ઓક્ટોબર, ૧૯૫૭ના અંકમાં કવર પેજ પર સૌન્દર્યમૂર્તિ મીના કુમારીનો ફોટો હતો અને અંદર એક્ટરો માટે ‘ઓલ ઇન્ડિયા ટેલેન્ટ કોન્ટેસ્ટ’ની જાહેર ખબર હતી! કોન્ટેસ્ટમાં ફિલ્મકાર બિમલ રોય અને ગુરુ દત્ત જજ હતા.
ધરમની માતાની છુપી પ્રાર્થના ભગવાને સાંભળી હોય તેમ માતાએ તેને સરળ રીતે કહ્યું – તું દેખાવડો છે, ફોર્મ ભરીને મોકલ, તને બોલાવશે! માલેર કોટલામાં રહેતા તેના એક ફોટોગ્રાફર મિત્ર જાન મહોમ્મદે ધરમના સરસ ફોટા પાડી આપ્યા હતા. ફોટા સાથે તેણે ફોર્મ ભરીને ફિલ્મફેરમાં મોકલી આપ્યું. બે મહિના પછી કાગળ આવ્યો – મુંબઈ આવો.
પિતા અને એક મિત્રએ ભારે હૃદય સાથે લુધિયાણા રેલવે સ્ટેશન પર ધરમને ફ્રન્ટીઅર મેઈલમાં વિદાઈ આપી હતી. મુંબઈમાં ફિલ્મફેરની એ કોન્ટેસ્ટમાં ભારતમાંથી અનેક યુવાઓ આવ્યા હતા. તેમાંથી અંતિમ રાઉન્ડમાં પાંચની પસંદગી થઇ : સુરેશ પૂરી, નિમ્મા જયસિંઘાની, આશા રાની, ઈવા અને ધરમ દેઓલ.
મુંબઈના તારદેવમાં સેન્ટ્રલ સ્ટુડીઓમાં પાંચેનું ઓડિશન થયું. ગુરુ દત્તના મિત્ર અને લેખક અબ્રાર અલ્વીએ એ ટેસ્ટ લીધો. બિમલ રોય ત્યારે ‘બંદિની’ ફિલ્મ બનાવી રહ્યા હતા. તેમણે ધરમને કહ્યું કે હું તને બોલાવીશ, અત્યારે પાછો ઘરે જા. મુંબઈમાં સાત દિવસ અને એક મૌખિક ખાતરી પછી ધરમ ગામ પાછો આવ્યો.
એ પછી, ફિલ્માલય સ્ટુડીઓના માલિક શસધર મુખર્જી માટે એક સ્ક્રીન ટેસ્ટ માટે ધરમ પાછો મુંબઈ ગયો. એ ફિલ્મ તો ન મળી અને બીજા બે વર્ષ સુધી તે સ્ટુડીઓ અને નિર્માતાઓનાં ચક્કર કાપતો રહ્યો. એ વખતે, ભારતની પહેલી સિંધી ફિલ્મ બનાવનારા અર્જુન હિંગોરાની એક હિન્દી ફિલ્મનું આયોજન કરી રહ્યા હતા. તે એકવાર બસમાં ધરમને ભેગા થઇ ગયા. ધરમ કામ માટે વધુ એક ચક્કર મારવા જતો હતો. હિંગોરાનીએ ત્યારે ધરમને કહ્યું હતું કે તેમના નિર્માતા, ટી.એમ. બિહારી, માનશે તો તે ચોક્કસ તેમની ફિલ્મમાં લેશે.
બિહારીએ ‘ફિલ્મફેર’ના એડિટર એલ.પી. રાવને ફોન કર્યો અને આ નવા છોકરા વિશે પૂછ્યું. રાવે પણ ધરમની જોરથી ભલામણ કરી. તે વખતે ધરમ તેના ગામની છોકરી અને તેની ધરમની બહેન સાથે માટુંગા રેલવે ક્વાટર્સમાં રહેતો હતો અને પાછો ગામ જતો રહેવાની તૈયારીમાં હતો. મનોજ કુમાર પણ ત્યારે સંઘર્ષરત હતા અને ધરમના દોસ્ત હતા. તેમણે માટુંગાના ઘરે જઈને ધરમને ફિલ્મકાર રમેશ સાઈગલ માટે કામ કરતા રાજ ગ્રોવરને મળવા મનાવ્યો. ગ્રોવરે ધરમને સાઈગલને મળાવ્યો. સાઈગલ એ વખતે ‘ફિર સુબહ હોગી’ ફિલ્મ માટે હીરોની તલાશમાં હતા.
એ પછી પાંચ સાધારણ ફિલ્મો આવીને ગઈ, પણ અસલી જાદુ આવ્યો 1963માં ‘બંદિની’ ફિલ્મમાં. ફિલ્મ આમ તો હિરોઈન (નૂતન) કેન્દ્રિત હતી, પણ તે વર્ષની એ સૌથી હિટ સાબિત થઇ. એ ધરમની ધર્મેન્દ્ર બનવાની શરૂઆત હતી.
(પ્રગટ : ‘સુપરહિટ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, “સંદેશ”; 19 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

