ભારતની પ્રજ્ઞાચક્ષુ (અંધ) મહિલાઓની ક્રિકેટ ટીમે રવિવારે (23 નવેમ્બર) T20 World Cupમાં વિશ્વવિજેત્રી બનીને ઇતિહાસ સર્જ્યો છે. તેણે ફાઇનલમાં નેપાળની ટીમને સાત વિકેટે હરાવી. કપ્તાન દીપિકાએ શનિવારે કહ્યું હતું : ‘We want to make it a double this month.’
આ જીત એટલા માટે પણ મહત્ત્વની છે કે આપણા દેશના સમાજનો મોટો હિસ્સો દૃષ્ટિની (કે કોઈપણ પ્રકારની શારિરીક કે માનસિક) ઊણપ ધરાવનારી વ્યક્તિઓ તરફ સહજસાધ્ય હોય તો અહંપોષક દયાનું, અન્યથા ઉપેક્ષા-નિષ્ક્રિયતાનું વલણ ધરાવે છે.
તેનો આ વર્લ્ડ કપ બિલકુલ તરતનો દાખલો છે – ચાર વાગ્યાના સુમારે આપણે વર્લ્ડ કપ જીત્યા. તે દરમિયાન, તેના પહેલાં અને તરત પછી, માધ્યમોમાં તેનું કવરેજ તો લગભગ ન હતું; અને આવી ઇવેન્ટ બની રહી છે, હોય છે, તેની ખબર પણ કેટલાક લોકોને હતી ? સોમવાર અને તે પછીનું કવરેજ જોતા રહીએ !
પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ પ્લાસ્ટિકના બનેલા અને અંદર નાખેલા છરાને કારણે અવાજ કરનારા સફેદ દડાથી અન્ડરઆર્મ બૉલિંગથી રમે છે.
દુનિયામાં સહુ પહેલી વાર યોજાયેલા T20 World Cupની ફાઇનલ રવિવાર 23 નવેમ્બરની બપોરે શ્રીલંકાના કોલંબોમાં રમાઈ હતી.
ભારતની ટીમે પહેલી બૉલિન્ગ પસંદ કરીને નેપાળની ટીમને વીસ ઓવરમાં પાંચ વિકેટ ખેરવીને 114 રનમાં અટકાવી દીધી. ભારતે આ લક્ષ્ય માત્ર 12.5 ઓવરમાં ત્રણ વિકેટે હાંસલ કર્યું.

ભારતીય ખેલાડીઓની મોટી સિદ્ધિ એ પણ છે કે તેણે શ્રેણીમાં ભાગ લેનાર દરેક ટીમને હરાવી છે. તેમણે પહેલાં શ્રીલંકા, ઑસ્ટ્રેલિયા, નેપાળ, યુનાઈટેડ સ્ટેટ્સ અને પાકિસ્તાનની ટીમોને પરાસ્ત કરી. ત્યાર બાદ આપણી ટીમે સેમિ-ફાયનલમાં ઑસ્ટ્રેલિયા પર નવ વિકેટે જીત મેળવી, જ્યારે નેપાળે સેમિ-ફાઇનલમાં પાકિસ્તાનને હરાવ્યું.
ભારત અને શ્રીલંકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા, અંધ મહિલાઓ માટેનો આ સહુ પ્રથમ T20 World Cup, 11 નવેમ્બરે નવી દિલ્હીમાં શરૂ થયો, અને તેની મૅચો બંગલુરુ અને કોલમ્બોમાં પણ રમાઈ.
ખેલાડીઓને ત્રણ વર્ગમાં વહેંચવામાં આવે છે. B1 વર્ગમાં fully blind એટલે કે પૂર્ણ અંધ અને B2, B3માં અંધાપાના પ્રમાણ મુજબના partially blind એટલે આંશિક અંધ ખેલાડીઓનો સમાવેશ થાય છે. B1 બૅટર રન લેવા માટે રનર રાખી શકે છે અને દોડીને કરેલા દરેક રન માટે સ્કોરમાં બે રન ગણવામાં આવે છે.
ભારતની પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ ગામડાં કે કસબાની છે, તે મોટે ભાગે ખેતી પર આધારિત કુટુંબોની છે અને છાત્રાલયોમાં રહીને ભણતર સાથે હજુ ગયાં બે-ત્રણ વર્ષમાં જ ક્રિકેટ રમતી થઈ છે. ઘણી ખેલાડીઓને ક્રિકેટ રમતી થઈ તેનો યશ શાળાનાં શિક્ષકો, સંસ્થાઓ અને રમતશિબિરોને આપી શકાય.
ખેલાડીઓ આ મુજબના રાજ્યોમાંથી આવે છે : આસામ, આંધ્ર પ્રદેશ, ઓડીશા, કર્ણાટક, જમ્મુ-કાશ્મીર, દિલ્હી, બિહાર, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાન. ટીમ મૅનેજર શિખા શેટ્ટી માહિતી આપે છે કે મોટા ભાગની ખેલાડીઓ ગ્રામીણ વિસ્તારોની છે. ઘણાં પરિવારો દીકરીઓનું રમતગમતમાં ભાગ લેવાનું પસંદ કરતા નથી. તદુપરાંત, પ્રજ્ઞાચક્ષુઓને બ્લાઈન્ડ ક્રિકેટના પાયાના નિયમો શીખવાડતા પણ સમય લાગે છે.
ટીમની કૅપ્ટન કર્ણાટકની દીપિકા ટી.સી. છે કે બાળપણમાં એક અકસ્માતમાં તેણે આંખો ગુમાવી હતી. ખેડૂત કુટુંબની આ દીકરી વિશેષક્ષમ બાળકો માટેની શાળામાં ભણી. ત્યાં તેને રમતગમતની બાબતે શરૂઆતમાં ખચકાટ હતો, પણ શિક્ષકોએ ધીરજ ન છોડી. પછી છેક ઉપલા તબક્કે જેમિમા રૉડરિગ્સ અને શુભમન ગિલે માર્ગદર્શન આપ્યું.
દીપિકાએ શનિવારે BBCને કહ્યું હતું : ‘This is the biggest moment of my and my team’s life. Earlier this month, the sighted Indian women’s cricket team won the World Cup in Navi Mumbai, and we want to make it a double this month.’
વાઇસ-કૅપ્ટન ગંગા કદમ મહારાષ્ટ્રની છે અને નવ ભાઈ-બહેનોમાંની એક છે. ખેડૂત પિતાએ તેને અંધશાળામાં મૂકી. ત્યાં તેને તદ્દન અમસ્તી જ ક્રિકેટ રમતી જોઈને સૂઝવાળા એક શિક્ષકે ક્રિકેટને ગંભીરતાથી લેવાનું તેને શીખવ્યું. તેની ગતિ ધીમી પણ મક્કમ હતી. અત્યારે ગંગા તેના પંથકની વિશેષક્ષમ છોકરીઓને રમતગમત તરફ દોરે છે.
જમ્મુ-કાશ્મીરની અનેખા દેવી જન્મજાત આંશિક દૃષ્ટિ ધરાવે છે. એવી જ ક્ષમતા ધરાવતા તેના કાકાએ અનેખાને શિક્ષણ પૂરું થયા બાદ દિલ્હીની એક તાલીમ શિબિરમાં મોકલી. ત્યાં શરૂઆતમાં તેણે અપાર મુશ્કેલી અને મૂંઝવણ અનુભવી. જો કે બે વર્ષ બાદ આખરે દેશની ટીમમાં સ્થાન પામી. તે ઇચ્છે છે કે તેને કોઈ રોલ-મૉડેલ મળી ન હતી, અને આ અભાવ બીજા માટે ખુદના થકી દૂર થાય.
ફુલા સરેન ઓડિશાના આદિવાસી સમુદાયની છે. અઢાર વર્ષની ફુલાએ પાંચ વર્ષની ઉંમરે આંખો અને મા બંને ગુમાવી. અંધશાળાના એક શિક્ષક થકી તે ક્રિકેટમાં પ્રવેશી. રમવાની મંજૂરી માટે પરિવારને સમજાવવો અને મૅચો માટે મુસાફરી કરવી બંનેમાં તેને પડકારોનો સામનો કર્યો. જે ટીમોમાં હતી તે ટીમોની જીત કરતાં દેશની ટીમમાં એને સ્થાન મળ્યું તેનું ફુલાને વધુ ગૌરવ છે.
મધ્ય પ્રદેશની સુનીતા સરાઠે શાળામાં ક્રિકેટ રમતી ન હતી, કૉલેજ પૂરી કર્યા પછી તે નોકરીઓ શોધતી હતી, તે દરમિયાન એક બહેનપણીના સૂચનને પગલે તે અંધજનો માટેના ક્રિકેટ કૅમ્પમાં જોડાઈ. આ રમત તેને ‘ઝડપી અને અટપટી’ લાગી, છતાં તે આમાં મોડી જોડાઈ હતી એટલે વધુ તાકાત લગાવીને તૈયાર થઈ અને સહુથી ભરોસાપાત્ર ફીલ્ડર બની.
પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ માટે 1996 સ્થપાયેલા World Blind Cricket Council(WBCC)નું મુખ્ય મથક લંડનમાં છે. તેમાં પચાસ ઓવરનો વર્લ્ડ કપ 1998માં, પહેલો T20 World Cup 2012માં અને હવે મહિલાઓ માટે T20 World Cup રમાયો.
ભારતમાં Cricket Association for the Blind in India (CABI)2011માં સ્થપાયું. તે મહિલા ક્રિકેટ માટે 2019માં સક્રિય બન્યું. મહિલા ટીમ 2023માં આંતરરાષ્ટ્રીય મૅચ રમી અને એ જ વર્ષે બર્મિન્ગહામ ખાતે IBSA World Gamesમાં સુવર્ણ ચન્દ્રક પણ લાવી.
CABIના વડા મહન્તેશે જણાવ્યું કે સંસ્થાને એમ થતું હતું કે પ્રજ્ઞાચક્ષુ મહિલા ખેલાડીઓને પણ પુરુષો જેટલી જ તક મળવી જોઈએ. તેમણે એ પણ માહિતી આપી કે, ‘ટુર્નામેન્ટ યોજવાનું બહુ જ કપરું હતું, પણ અમે કોશિશો ચાલુ જ રાખી. હવે બધેથી ટેકો મળવા લાગ્યો છે – રાજ્ય સરકારો અને કેન્દ્ર, સ્પોન્સર્સ, કૉર્પોરેટ વર્લ્ડ અને લોકો બધાં નોંધપાત્ર રસ લઈ રહ્યાં છે. ભવિષ્ય ઘણું ઊજળું છે.’
[કોલાજ સૌજન્ય : સંજના, પ્રાજક્તા]
24 નવેમ્બર 2025
e.mail : sanjaysbhave@yahoo.com
![]()

