
નેહા શાહ
પાછલા એક વર્ષમાં થયેલ વિધાનસભા ચૂંટણીઓમાં લગભગ બધે જ સત્તા પક્ષને જ પાછી સત્તા મળી છે. મોટાભાગના રાજ્યોમાં મહિલાઓ માટે જાહેર કરાયેલ નાણાંકીય સહાયની ચૂંટણી પરિણામ પર નિર્ણાયક રહી છે. મહિલા મતદારોને આકર્ષવા મધ્ય પ્રદેશની લાડલી બહન યોજના, મહારાષ્ટ્રની માઝી લાડલી બહન યોજના, કર્ણાટકની ગૃહ લક્ષ્મી યોજનાની જેમ બિહારમાં પણ મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાની ભૂમિકા ચૂંટણી પરિણામની દિશા નક્કી કરવામાં નિર્ણાયક બની રહી. બિહારમાં મહિલા મતદાતાઓની સંખ્યા ૩.૫ કરોડ છે, એટલે કે લગભગ પચાસ ટકા. દરેક રાજકીય પક્ષ આટલા મોટા વર્ગને રીઝવવાના પ્રયત્ન કરતા રહે છે. જે સત્તામાં હોય એને ફાયદો વધારે મળે – જે વાયદો કરે એની યોજના બનાવીને ચૂંટણી ટાણે જ અમલમાં પણ મૂકી દે. એવું જ ‘દસ હજારી’ યોજનામાં થયું. મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજના હેઠળ આર્થિક-સામજિક રીતે પછાત વર્ગોની ૨.૭૭ કરોડ મહિલાઓને દસ હજાર રોકડનો લાભ સ્વ-રોજગાર ઊભો કરવા માટે મળ્યો.
બે દાયકાનો ઇતિહાસ બતાવે છે કે રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધી છે. બિહાર જેવા રાજ્યમાં તો નોંધપાત્ર રીતે વધી છે. પાછલા દોઢ દાયકામાં મહિલા મતદાતાનું પ્રમાણ પુરુષો કરતાં સતત ઊંચું રહ્યું છે. ૨૦૨૦ની ચૂંટણીની સરખામણીએ ૨૦૨૫માં ૪.૪ કરોડ વધુ મહિલા મતદાતા હતી અને પુરુષોની સરખામણીએ ૮.૮ ટકા વધુ મતદાન કર્યું ! એક સમયે મહિલાઓને મતદાન મથક સુધી લાવવી એ પડકાર હતો. વળી, પતિ કે કુટુંબના મોભીની છાયામાંથી બહાર આવીને એ પોતાનો આગવો નિર્ણય લે એ શક્ય લાગતું ન હતું. હવે, સમયની સાથે મહિલાઓ પોતાનો આગવો આભિપ્રાય વ્યક્ત કરે છે, એની આકાંક્ષા છે અને મતાધિકારનું મહત્ત્વ એ જાણે છે. મહિલાઓ બહાર આવી રહી છે અને ભારપૂર્વક પોતાનો હક દાવો રજૂ કરી રહી છે, તેમના મત ચૂંટણીના પરિણામ નક્કી કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. એટલે જ સત્તાધીશ પક્ષ રોકડ સહાય દ્વારા એમને આકર્ષે છે.
એ વાતમાં કોઈ શક નથી કે મહિલાઓમાં નીતીશ કુમારની લોકપ્રિયતા માત્ર આ દસ હજાર રૂપિયા પૂરતી મર્યાદિત નથી. બિહારમાં દારુબંધી આવી એને કારણે ઘરેલું હિંસા ઘટી તેમ જ બચત વધી જેનો ફાયદો સ્ત્રીઓની જિંદગી પર સીધો પડ્યો. આ ઉપરાંત પંચાયતી રાજની સંસ્થાઓમાં મહિલાઓ માટે ૫૦ ટકા અને સરકારી નોકરીઓમાં ૩૫ ટકા અનામત લાગુ થયું જેને કારણે તેમની રાજકીય ભાગીદારી અને આર્થિક તકોમાં ઘણો સુધારો થયો. આ ઉપરાંત સ્વ સહાય જૂથો ઊભા થયા જેનો કરોડો ગરીબ મહિલાઓને ફાયદો થયો. એટલે, જમીન પર કામ કરનારા અનેક રાજકીય વિશ્લેષકો કહેતા હતા કે જ્ઞાતિ-વર્ગથી ઉપર ઊઠીને મહિલા મત નીતીશકુમારની તરફેણમાં જશે. આમ છતાં ‘દસ-હજારી’ જેવી યોજના – જેનો અમલનો હેતુ વિકાસ નહિ પણ રાજકીય હતો એટલે એની નૈતિકતા અંગે ચર્ચા થવી જ જોઈએ. પૈસા ટ્રાન્સફર કરવાથી મહિલાઓને ભલે મદદ મળી હોય પણ ચૂંટણીની છેલ્લી ઘડીઓમાં મહિલાઓના સ્વરોજગારના નામે દસ હજાર રૂપિયાની આર્થિક મદદની યોજનાની જાહેરાત કરવી અને આચાર સંહિતા લાગુ પડ્યા પછી લાભાર્થીઓના ખાતામાં પૈસા જમા થાય અને ચૂંટણી પંચ આ અંગે મૌન રહે તો ચૂંટણીની નિષ્પક્ષતા અંગે સવાલ ઊઠવા વાજબી છે.
સરકાર દ્વારા અપાતી રોકડ સહાયના સારાં અને નરસાં બંને પાસાં છે. જેનો ઉલ્લેખ ‘રેવડી’ તરીકે થાય છે તેવા ખર્ચનું ભારણ સરકારી તિજોરી પર પડે છે. એનો લાભ સામાન્ય રીતે આર્થિક અને સામજિક રીતે નબળા વર્ગને મળતો હોય છે એટલે ‘ટેક્સ પેયર’ને આ ભાર પોતાના માથે લાગે છે. સરકારના નિરર્થક ખર્ચ સામે સવાલ થવા પણ જોઈએ. પણ, હકીકત એ છે કે કહેવાતું મુક્ત બજાર સૌને સરખી તક નથી આપતું. વિકાસના આ તબક્કામાં સમાજના ઘણાં વર્ગોને રાજ્ય તરફથી ટેકાની જરૂર છે. જ્યારે આવી યોજના મહિલા લક્ષી હોય તો સામાજિક અને આર્થિક બંને પક્ષે ફાયદા થઇ શકે છે. લોકોની સહાય માટે કરેલ ખર્ચની લાંબા ગાળાની અસર વિકાસ લક્ષી હોઈ શકે છે જો એની પાછળ યોગ્ય આયોજન હોય તો. દા.ત. કર્ણાટક સરકારની મહિલા સશક્તિકરણ માટેની પાંચ યોજનાની અસર અંગે તાજેતરમાં બહાર આવેલા અભ્યાસો બતાવે છે કે બસમાં મફત મુસાફરીને કારણે તેઓ કામની શોધમાં દૂર સુધી પ્રવાસ કરે છે, મફત રેશન અને દર મહીને આવતા બે હજાર રૂપિયાની મદદથી કુટુંબના પોષણનું સ્તર સુધર્યું છે તેમ જ ૨૦૦ યુનિટ સુધીની મફત વીજળીને કારણે જીવનધોરણ ઊંચું આવતું દેખાય છે, કન્યા શિક્ષણ પર મહિલાઓના રોજગાર પર પણ અસર દેખાય છે. જો મહિલાઓમાં રોજગાર સુધરશે તો રાજ્યની આવકમાં(જી.ડી.પી.)માં પણ સુધારો થશે. પણ, કોઈ યોગ્ય આયોજન વગર રાતોરાત એક જ વખત માટે હાથમાં આવેલ દસ હજાર જેટલી નાનકડી રકમનો ઉપયોગ સ્વરોજગાર ઊભો કરવા માટે થશે એવું માની લેવું પણ હાસ્યાસ્પદ છે. બિહારની નવી ચૂંટાયેલી સરકારે આ યોજના પાછળની તેમની દૃષ્ટિ સમજાવવી રહી, ત્યાં સુધી એ સવાલોના નિશાન પર રહેશે.
સૌજન્ય : ‘કહેવાની વાત’ નામક લેખિકાની સાપ્તાહિક કોલમ; નેહાબહેન શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

