
રમેશ સવાણી
અખબારો / ટી.વી. ચેનલોને ગોદી બનાવ્યા પછી પણ મોદીજીને સંતોષ થતો નથી. ચૂંટણીઓમાં જબરજસ્ત સફળતા મળે છતાં તેમને સંતોષ થતો નથી. મોદીજી રાહુલ ગાંધીનું ચરિત્રહનન સતત કરે છે. કેમ કે મોદીજીને રાહુલ ગાંધી સતત સવાલો કરે છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચના ગોટાળાઓનો પર્દાફાશ કર્યો તેથી મોદીજીને પેટમાં ભયંકર દુખાવો ઉપડ્યો છે. આ દુખાવાને બિહાર વિધાનસભાની ચૂંટણીની જીત પણ શાંત કરી શકી નથી.
મોદીજીએ બીજું એક હથિયાર રાહુલ ગાંધી સામે ઉગામ્યું છે. પૂર્વ ન્યાયાધીશો, IAS-IPS અમલદારો, રાજદૂતો સહિત 272 હસ્તીઓએ રાહુલ ગાંધીને 18 નવેમ્બર 2025ના રોજ ખુલ્લો ‘પ્રાયોજિત પત્ર’ લખ્યો છે. આ પત્રમાં 272 લોકોએ સહી કરી છે, જેમાં 16 નિવૃત્ત ન્યાયાધીશો, 123 ભૂતપૂર્વ અમલદારો, 133 નિવૃત્ત લશ્કરી અધિકારીઓ અને 14 ભૂતપૂર્વ રાજદૂતોનો સમાવેશ થાય છે.
શું છે આ પત્રમાં?
[1] રાજકીય હતાશા છુપાવવા માટે રાહુલ ગાંધી ચૂંટણી પંચને નિશાન બનાવે છે.
[2] ભારતની લોકશાહી પર હુમલો થઈ રહ્યો છે. આ હુમલો બળ દ્વારા નહીં, પરંતુ લોકશાહી સંસ્થાઓ પર ઝેરીલાં ભાષણો દ્વારા કરવામાં આવે છે.
[3] કોઈ વાસ્તવિક નીતિગત વિકલ્પો આપ્યા વિના તેમની નાટકીય રાજકીય વ્યૂહરચનાના ભાગ રૂપે ઉશ્કેરણી અને પાયાવિહોણા આરોપોનો આશરો લઈ રહ્યા છે.
[4] ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સિદ્ધિઓ પર પ્રશ્ન ઉઠાવીને; ન્યાયતંત્રની નિષ્પક્ષતા પર પ્રશ્ન ઉઠાવીને; અને સંસદ અને તેના અધિકારીઓ પર પ્રશ્ન ઉઠાવીને; તેની છબીને કલંકિત કર્યા પછી, હવે ભારતના ચૂંટણી પંચ પર હુમલો થઈ રહ્યો છે.

રાહુલ ગાંધી
[5] રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા છે, અને દાવો કરી રહ્યા છે કે તેમની પાસે મત ચોરીના પુરાવા છે. છતાં તેમના દ્વારા કોઈ ઔપચારિક ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. કાઁગ્રેસ અને અન્ય પક્ષો, ડાબેરી NGO વગેરે SIR વિરુદ્ધ છે.
[6] ચૂંટણી પંચ બેશરમીથી ભા.જ.પ.ની બી-ટીમ તરીકે કામ કરી રહ્યું છે તેવો આક્ષેપ રાહુલ ગાંધી કરે છે. ચૂંટણી પંચે SIR પદ્ધતિને જાહેરમાં શેર કરી છે, કોર્ટ દ્વારા નિર્ધારિત પ્રક્રિયાઓ અનુસાર તેનું નિરીક્ષણ કર્યું છે, અયોગ્ય નામો દૂર કર્યા છે અને નવા પાત્ર મતદારો ઉમેર્યા છે. આ સૂચવે છે કે આ આરોપો રાજકીય હતાશાને છુપાવવા માટે એક ઢાંકપીછોડો છે.
[7] કાઁગ્રેસના નેતાઓનું વર્તન વારંવારની ચૂંટણી નિષ્ફળતાઓ અને હતાશાથી જન્મેલા ગુસ્સાને આભારી હોઈ શકે છે. જ્યારે રાજકારણીઓ સામાન્ય નાગરિકોની આકાંક્ષાઓ ભૂલી જાય છે, ત્યારે તેમની વિશ્વસનીયતા ફરીથી બનાવવાને બદલે, તેઓ સંસ્થાઓ પર પોતાનો ગુસ્સો ઠાલવે છે. વિશ્લેષણનું સ્થાન નાટકે લીધું છે. જાહેર સેવાનું સ્થાન તમાશાએ લીધું છે. વિડંબના એ છે કે, જે થોડા રાજ્યોમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના પક્ષો સરકાર બનાવે છે, ત્યાં ચૂંટણી પંચની ટીકા બંધ થઈ જાય છે. જ્યારે કેટલાક રાજ્યોમાં પરિણામો તેમના પક્ષે ન જાય, ત્યારે પંચ ખલનાયક બની જાય છે.”
થોડાં મુદ્દાઓ :
[1] રાહુલ ગાંધી વિપક્ષના નેતા છે. સરકારની અને બંધારણીય સંસ્થાઓની ભૂલ દર્શાવવી એ તેનું કામ છે. શું આ 272 મહાનુભાવોને એ યાદ નથી કે મોદીજી ગુજરાતના મુખ્ય મંત્રી હતા ત્યારે મનમોહન સિંહની સરકારની ભયંકર આલોચના કરતા ન હતા? ત્યારે CBI પર આક્ષેપો કરતા ન હતા? માની લઈએ કે રાહુલ ગાંધી રાજકીય હતાશા છુપાવવા માટે આક્ષેપો કરે છે, તો લોકોને નક્કી કરવા દો કે તે આક્ષેપો રાજકીય હતાશા છુપાવવા માટે છે કે નહીં?
[2] માની લઈએ કે ‘લોકશાહી સંસ્થાઓ પર ઝેરીલાં ભાષણો દ્વારા હુમલો રાહુલ ગાંધી કરે છે’ તો લોકોને નક્કી કરવા દો કે રાહુલ ગાંધી ઝેરીલાં ભાષણ આપે છે કે મોદીજી? ‘તમારી પાસે બે ઓરડા હોય તો એક ઓરડાનો કબજો ઘૂસપેઠિયા કરી લેશે’ ‘અમે પાંચ અમારા પચ્ચીસ’ આવું નફરતી ઝેર આ 272 મહાનુભાવોને દેખાયું નહીં હોય?
[3] જો રાહુલ ગાંધી ‘ઉશ્કેરણી અને પાયાવિહોણા આરોપોનો આશરો’ લેતા હોય તો તેમની વિરુદ્ધ FIR કરી કાયદેસર કાર્યવાહી કરોને ! મોદીજીને નેહરુ રોકે છે?
[4] રાહુલ ગાંધીએ ‘ભારતીય સશસ્ત્ર દળોની હિંમત અને સિદ્ધિઓ પર પ્રશ્ન ઉઠાવ્યો’ હોય તો તેનો કોઈ પુરાવો છે? જો હોય તો દેશદ્રોહ સબબ તેમની સામે કાર્યવાહી કેમ કરતા નથી?
[5] જો ‘રાહુલ ગાંધી વારંવાર ચૂંટણી પંચ પર હુમલો કરી રહ્યા હોય’ તો તેમની સામે ચૂંટણી પંચ સ્પષ્ટતા કેમ કરતું નથી? તેના બદલે ભા.જ.પ.ના નેતાઓ કેમ સ્પષ્ટતા કરે છે? શું ચૂંટણીપંચની જવાબદારી નથી કે વિપક્ષી નેતાએ ઉઠાવેલ સવાલોની સ્પષ્ટતા કરવી? શું રાહુલ ગાંધી ગોટાળા અંગે FIR નોંધાવે તો જ ચૂંટણી પંચે જાગવાનું છે? તો જ કાર્યવાહી કરવાની છે? પ્રશ્નો પૂછે એટલે NGO ડાબેરી થઈ જાય? ડાબેરી હોવું ગુનો છે? ભગતસિંહ / સુભાષચંદ્ર બોઝ પણ ડાબેરી હતા.
[6] SIR-Special Intensive Revision અંગે માત્ર રાહુલ ગાંધીએ જ સવાલો કર્યા નથી, કેટલાક જાગૃત નાગરિકોએ પણ સવાલ કર્યા છે, જેઓ કદી ચૂંટણી લડતા નથી. તેમના સવાલોની સ્પષ્ટતા ચૂંટણી પંચ કેમ કરતું નથી?
[7] જો રાહુલ ગાંધી નાટક કરતા હોય / તમાશો કરતા હોય તો આ 272 મહાનુભાવોને ચિંતા કરવાની જરૂર કેમ પડી હશે? ‘જે રાજ્યોમાં વિપક્ષના નેતૃત્વ હેઠળના પક્ષો સરકાર બનાવે છે, ત્યાં ચૂંટણી પંચની ટીકા બંધ થઈ જાય છે’ આ વાત તદ્દન ગેરમાર્ગે દોરનારી છે. કર્ણાટકમાં કાઁગ્રેસની સરકાર છે ત્યાં ચૂંટણીમાં કેવી ગેરરીતિ થઈ હતી તે અંગે રાહુલ ગાંધીએ પુરાવા સહિત રજૂઆત કરી હતી.
આ 272 મહાનુભાવો ત્યારે કેમ ચૂંપ હતા જ્યારે 12 જાન્યુઆરી 2018ના રોજ સુપ્રીમ કોર્ટના ચાર વરિષ્ઠ ન્યાયાધીશોએ પ્રેસ કોન્ફરન્સ કરીને લોકશાહી બચાવોની હાકલ કરી હતી ! આ ચાર ન્યાયાધીશોએ કેસ ફાળવણી ઉપરાંત, ન્યાયાધીશ બી.એચ. લોયાના મૃત્યુની તપાસ બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. શું આ ચાર ન્યાયાધીશોએ લોકશાહી સંસ્થા પરના હુમલાનો પર્દાફાશ કર્યો ન હતો? શું આ 272 લોકો એવું કહેવાની હિંમત એકઠી કરી શકે છે કે ચૂંટણી આચારસંહિતા દરમિયાન મતદારોને કરોડો રૂપિયાનું વિતરણ કર્યુ તે ખોટું હતું? શું ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી ન હોવી જોઈએ? ઈલેક્ટોરલ બોન્ડની યોજના સુપ્રીમ કોર્ટે ગેરકાયદેસર ઠરાવી તે અંગે આ 272 લોકો કેમ ચૂપ રહ્યા હશે? શું તે યોજના ચૂંટણી-ભ્રષ્ટાચારનો પુરાવો ન હતી? શું દેશમાં પ્રવર્તતી મોંઘવારી, વધતી જતી બેરોજગારી, ગગડતો રૂપિયો, મહિલાઓની અસુરક્ષા, બળાત્કારીઓ-હત્યારાઓને જેલમુક્ત કરવા, આશારામ-રામરહિમને જામીન મળવા, બેજવાબદાર વર્તન અને સરમુખત્યારશાહી સામે આ 272 પ્રભાવશાળી લોકોએ કેમ અવાજ ઊઠાવ્યો નહી હોય? જ્યારે ભા.જ.પના સંસદસભ્યે ગૃહયુદ્ધ માટે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને દોષી ઠેરવ્યા ત્યારે આ પૂર્વ ન્યાયાધીશો ક્યાં છૂપાયેલા હતા? જ્યારે મોદી-સરકાર બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરી રહી હતી ત્યારે આ પૂર્વ અમલદારો કેમ ચૂપ હતા? જ્યારે ચૂંટણી કમિશનરની નિમણૂક કમિટીમાંથી ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયાને મોદીજીએ કાઢી નાંખ્યા ત્યારે આ 272 પ્રતિષ્ઠિત લોકો કેમ ચૂપ રહ્યા હતા? શું આ ચૂંટણી કમિશનર તરીકે ચાપલૂસ-ભગતડાને નિમવાનું કાવતરું ન હતું? ઈલેકશન કમિશનર પર કોઈપણ પ્રકારનો કેસ કે કોર્ટમાં કોઈપણ પ્રકારની ફરિયાદ ન થઈ શકે એવો મોદીજીએ કાયદો બનાવ્યો ત્યારે આ 272 મહાનુભાવો કેમ ચૂપ રહેલ?
આ 272 જજ અને નોકરશાહો સામે જો સાચી તપાસ થાય તો 90%થી વધુ પાસેથી અઢળક સંપત્તિ મળે. તેઓ લોકશાહી સંસ્થાઓને બચાવવાનો ઢોંગ કરી રહ્યા છે. આ 272માં ગુજરાતના કોઈ પૂર્વ IAS-IPS / જજ કેમ નથી? વળી આ 272માં 90%થી વઘુ ચોક્કસ વર્ણના જ કેમ છે? SC / ST / OBC વર્ગના કેમ નથી? શું આ 272 મહાનુભાવો RSSના Sleeper Cells તો નથી?

272 મહાનુભાવોમાંથી કોઈએ ચૂંટણી કમિશનર તરીકેનો અનુભવ નથી. પરંતુ ત્રણ પૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસા / ઓ.પી. રાવત / એસ.વાય. કુરેશીએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારના વલણની આલોચના કરી છે; એ પણ ખોટા? લોકશાહીમાં, પ્રશ્નો પૂછવા એ ગુનો નથી, પણ ફરજ છે. વિરોધ લોકશાહીનું હૃદય છે. પ્રશ્નો પૂછવા એ લોકશાહીનો શ્વાસ છે. અને રાહુલ ગાંધી એવા પ્રશ્નો પૂછી રહ્યા છે જેનો શાસક પક્ષને ડર લાગે છે. આ 272 લોકોમાં આ વાસ્તવિકતાનો સામનો કરવાની હિંમતનો અભાવ છે; તેથી, તેઓ બંધારણનું રક્ષણ કરનારાઓ પર આંગળી ચીંધી રહ્યા છે. કોઈ પણ સ્વતંત્ર નાગરિક, કોઈ પણ સાચી લોકશાહી-પ્રેમી વ્યક્તિ, લોકો દ્વારા ચૂંટાયેલા સૌથી મોટા વિપક્ષી અવાજ પર આ રીતે હુમલો ન કરી શકે. 272 લોકોએ લખેલો ‘પત્ર’ વાસ્તવમાં જાહેર પ્રશ્નો ટાળવા માટેનું રાજકીય કાવતરું નથી? કોના ઇશારે આ ચૂંટણીપંચ સતત જાહેર પ્રશ્નો ટાળી રહ્યું છે? જ્યારે વોટ ચોરીના વીડિયો, EVM સાથે છેડછાડ અને પોસ્ટલ બેલેટની અનિયમિતતાઓ અંગે ગંભીર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા ત્યારે આ 272 લોકો કેમ ચૂપ રહ્યા? જ્યારે ચૂંટણીપંચ પ્રેસ કોન્ફરન્સથી દૂર રહ્યું અને પારદર્શિતા ટાળી, ત્યારે શું લોકશાહી ખતરામાં ન લાગી? લોકશાહી માટે ખરો ખતરો વિપક્ષ તરફથી નથી, પરંતુ એ લોકો તરફથી છે જેઓ ડર અથવા સત્તાના લોભથી ચૂંટણીપંચના મૌનને નૈતિકતાનું પ્રમાણપત્ર તરીકે રજૂ કરી રહ્યા છે. જો લોકશાહી સંસ્થાઓની ગરિમા માટે ખરેખર ચિંતા હોય, તો પહેલા જવાબદાર લોકોને પૂછો : તેઓ લોકોના પ્રશ્નોથી કેમ ડરે છે? લોકશાહીને પ્રશ્નો પૂછનારાઓથી નહીં, પરંતુ પ્રશ્નોથી ભાગી જનારાઓથી ખતરો છે ! લોકશાહી સંસ્થાઓની આબરુ કોણ લઈ રહ્યું છે? રાહુલ ગાંધી કે મોદીજી?
20 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

