ફૂલોં કે રંગ સે, દિલ કી કલમ સે તુઝ્કો લિખી રોજ પાતી
કૈસે બતાઉં કિસ કિસ તરહ સે હર પલ મુઝે તૂ સતાતી
તેરે હી સપને લે કર કે સોયા તેરી હી યાદોં મેં જાગા
તેરે ખયાલોં મેં ઉલઝા રહા યું જૈસે કિ માલા મેં ધાગા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર
ઈતના મદિર, ઇતના મધુર તેરા મેરા પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …
સાંસોં કી સરગમ ધડકન કી બીના સપનોં કી ગીતાંજલિ તૂ
મન કી ગલી મેં મહકે જો હરદમ ઐસી જૂહી કી કલી તૂ
છોટા સફર હો, લંબા સફર હો, સૂની ડગર હો યા મેલા
યાદ તૂ આયે મન હો જાયે ભીડ કે બીચ અકેલા
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …
પૂરબ હો પશ્ચિમ, ઉત્તર હો દક્ષિણ તૂ હર જગહ મુસ્કુરાયે
જિતના ભી જાઉં મૈં દૂર તુઝસે ઉતની હી તૂ યાદ આયે
આંધી ને રોકા, પાની ને ટોકા દુનિયા ને હસ કર પુકારા
તસવીર તેરી લેકિન લિયે મૈં કર આયા સબસે કિનારા લેકર
બાદલ બિજલી ચંદન પાની જૈસા અપના પ્યાર
લેના હોગા જનમ હમેં કઈ કઈ બાર …
રિહર્સલ ચાલતું હતું. એસ.ડી. બર્મન કિશોરકુમારને ‘બડી સૂની સૂની હૈ’ ગાતા સાંભળી રહ્યા હતા. આંખો ભીની હતી, હોઠ ખામોશ હતા. થોડી વારે કિશોરકુમાર વિદાય થયા. બર્મનદા ઊઠવા ગયા પણ પડી ગયા. ડૉક્ટરે આવીને કહ્યું, ‘હૉસ્પિટલ લઈ જવા પડશે.’ બર્મનદાએ ના પાડી, ‘કાલે રેકૉર્ડિંગ છે, એ પછી જ હૉસ્પિટલ જઈશ.’
ખબર પડી એટલે કિશોરકુમાર આવ્યા. બર્મનદાને હૉસ્પિટલમાં મોકલવા બહાનું કાઢ્યું. ‘દાદા, મારું ગળું ખરાબ છે. તમે હૉસ્પિટલ જાઓ. તમે સાજા થશો ત્યાં સુધીમાં મારું ગળું પણ બરાબર થઈ જશે, પછી રૅકૉર્ડિંગ કરીશું.’
‘દેખો, કિશોર. ગલા ઠીક હોને પર ફૌરન રેકૉર્ડિંગ હોના ચાહિયે. મૈં આ નહીં પાયા તો ભી. ઔર ઐસે ગાના જૈસે મૈં તુમ્હારે સામને હી ખડા હૂં. વાદા કરો.’ આટલું કહી, બર્મનદા હૉસ્પિટલ ગયા. રેકૉર્ડિંગ એમના વિના જ થયું, પણ કિશોરકુમારે સતત એમની હાજરી અનુભવી. ટેપ સંભળાવવામાં આવી ત્યારે બર્મનદાના ફિક્કા મોં પર સંતોષની સુરખી છવાઈ. એમણે પુત્રને કહ્યું, ‘મૈં ન કહતા થા, કિશોર હી યહ ગા સકતા હૈ. બિલકુલ વૈસા, જૈસા મૈં ચાહતા થા.’ અમીન સાયાનીને ઈન્ટરવ્યૂ આપતી વખતે કિશોરકુમારે પોતે આ વાત કહી હતી.
રેકૉર્ડિંગ સાંભળ્યા પછી તરત બર્મનદા કોમામાં સરી પડ્યા હતા. 31 ઑક્ટોબરે 69 વર્ષની ઉંમરે એમનું અવસાન થયું. કિશોરકુમાર-એસ.ડી. બર્મનના આ અનોખા અનુબંધને યાદ કરતાં આજે માણીએ ‘પ્રેમ પૂજારી’નું સદાબહાર, ઑલ ટાઈમ ફૅવરિટ રોમેન્ટિક ગીત ‘ફૂલોં કે રંગ સે દિલ કી કલમ સે …’ આ ગીતમાં અનુબંધ-ત્રિકોણનો ત્રીજો ખૂણો પણ છે, દેવ આનંદ. દેવ આનંદનો વૉઈસ મહંમદ રફી ગણાતા હતા ત્યારે એમને માટે કિશોરકુમારનો કંઠ પસંદ કરનાર અને એક એકથી ચડિયાતાં ગીતો આપનાર એસ.ડી. બર્મન જ હતા.
આજે અડધી સદી વીતી ગઈ છતાં શરદ પૂનમની રાત્રે ‘યે રાત યે ચાંદની ફિર કહાં’ અને ‘ખોયા ખોયા ચાંદ, ખુલા આસમાન’ અચૂક યાદ આવે જ છે. જેમ દુ:ખી હોઈએ ત્યારે ‘દિન ઢલ જાયે’, ક્લબ સૉંગ સાથે થિરકવાનું મન થાય ત્યારે ‘તદબીર સે બિગડી હુઈ તકદીર બના લે’, ક્લાસિકલ સંગીત માણવાની ઇચ્છા થાય ત્યારે ‘પૂછોના કૈસે મૈંને રૈન બિતાઈ’ અને ફિલોસોફીના મૂડમાં ‘ઓ રે માઝી …’ યાદ આવે છે તેમ જ.
1906માં જન્મેલા બર્મનદા ત્રિપુરાના રાજવંશના હતા. 1937થી બંગાળી ફિલ્મોમાં અને 1947થી હિંદી ફિલ્મોમાં (પહેલું ગીત ‘મેરા સુંદર સપના બીત ગયા’) ચાર દાયકાથી વધારે સમયમાં એમની કારકિર્દી વિસ્તરી હતી. 100થી વધારે ફિલ્મોમાં સંગીત આપ્યું, અર્ધશાસ્ત્રીય અને બાઉલ શૈલીમાં પોતે પણ ગાયું. એમનાં પત્ની મીરાં દાસગુપ્તા સંગીતકાર અને લેખિકા હતાં.
બર્મનદા એકમાત્ર એવા સંગીતનિર્દેશક છે જેમણે કિશોરકુમાર અને મહમ્મદ રફી પાસે લગભગ સરખા પ્રમાણમાં ગીતો ગવડાવ્યાં છે. કિશોરકુમારની કારકિર્દીને વેગ આપવામાં બર્મનદાનો મોટો ફાળો હતો. કિશોરકુમારને તેઓ પોતાનો દીકરો જ ગણતા અને પુત્ર પંચમ જેટલો જ પ્રેમ કરતા. અનેક વાર નવી ધૂન સૂઝી હોય ત્યારે ભાંગતી રાત્રે કિશોરકુમારને ફોન કરી જગાડતા અને ધૂન સંભળાવતા, ‘કેવી બની છે?’ ‘અદ્દભુત. હવે સૂઈ જાઉં, દાદા?’ ‘ના. પહેલા મારી સાથે ગા જોઉં.’ બંગાળી બાઉલ સંગીતથી લઈ શાસ્ત્રીય સંગીતની બારીકીઓ સુધી વિસ્તરતી બર્મનદાની સંગીતશૈલીને વર્ણવવી સહેલી નથી. એવરગ્રીન દેવ આનંદ હોય કે શાલીન વિજય આનંદ, વિરક્ત બિમલ રૉય હોય કે અજંપ ગુરુ દત્ત, બર્મનદા બધા સાથે જામે. પોતાનું અને એમનું નવું શિખર સર કરી બતાવે.
પણ જિદ્દી, વધુ પડતા ચોક્કસ પણ ખરા. બિમલ રૉય અને સાહિર લુધિયાનવી સાથેના તેમના મતભેદો છાપે ચડ્યા હતા, પણ ગુરુ દત્ત અને દેવ આનંદ સાથેનું જોડાણ દીર્ઘ નીવડ્યું હતું. પાનના અઠંગ પ્રેમી. સચિન તેંડુલકરના પિતા એસ.ડી.ના એવા પ્રેમી હતા કે એમના નામ પરથી દીકરાનું નામ સચિન પાડ્યું!
‘પ્રેમ પૂજારી’ 1970ની ફિલ્મ હતી. તેનું લેખન, નિર્માણ, દિગ્દર્શન અને અભિનય દેવ આનંદનાં હતાં. દિગ્દર્શક તરીકેની દેવ આનંદની આ પહેલી ફિલ્મ હતી. દેવ આનંદ સ્ટાઈલની નવીનતા અને તાજગી સાથે દિગ્દર્શક તરીકે કથળી જતી માવજત અને છૂટી જતી પકડ પણ એમની પછીની અનેક ફિલ્મોની જેમ આમાં દેખાય છે.
કહાણી સૈનિક પિતા (નાસીર હુસેન) અને શાંતિપ્રિય પુત્ર(દેવ આનંદ)ની છે. પિતાના કહેવાથી એ લશ્કરમાં ભરતી થાય છે, કૉર્ટ માર્શલ થઈ ગુમ થઈ જાય છે, જાસૂસી કરે છે ને અંતે યુદ્ધમાં પરાક્રમ પણ કરે છે. આ બધા સાથે પ્રેમિકા(વહીદા રહેમાન)ને દિલોજાનથી ચાહે છે.
દેવ આનંદના રોમાન્સમાં રમતિયાળપણું અને સચ્ચાઈનો જે સંગમ હતો તે ‘ફૂલોં કે રંગ સે’માં બરાબર ઊભર્યો છે અને એમાં બર્મનદા જેટલો જ હાથ તેના શાયર ગોપાલદાસ ‘નીરજ’ના શબ્દોનો પણ છે. ગીતનું ફિલ્માંકન જ્યાં થયું છે તે સ્વીત્ઝરલૅન્ડ જેટલું જ સ્વચ્છ-સુંદર આ કવિએ કરેલું પ્રેમની મસ્તી અને ઊંડાણનું સંયોજન છે. એને માણવા ખાતર પણ આ ગીત જરૂર જોવું જોઈએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : લેખિકાની સાપ્તાહિક કોલમ, ‘મલ્ટિપ્લેક્સ’ પૂર્તિ “જન્મભૂમિ”, 29 ઑક્ટોબર 2025
![]()

