એ એકઠાં થશે એક દિવસ અને ભેગાં મળીને રમશે
એ સાફ સુથરી દીવાલો પર પેન્સિલની અણી ઘસશે
એ કૂતરાં સાથે,
બકરીઓ સાથે,
લીલા ટીનસા સાથે,
અને કીડીઓ સાથે પણ વાતો કરશે …
એ બે-લગામ દોડશે
પવન અને તડકાની સતત દેખરેખ હેઠળ
અને ધરતી ધીરે ધીરે ફેલાતી જશે
એમના પગની આસપાસ
જો જો
એ તમારી બખ્તર ગાડીઓમાં રેતી ભરી દેશે
અને તમારી બંદૂકો માટીમાં ઊંડે દાટી દેશે
એ રસ્તાઓ પર ખાડા ખોદશે અને એમાં પાણીથી ભરી દેશે
અને પાણીમાં થઈ છપા-છપ કરતાં પાછાં ફરશે …
એક દિવસ એ એમને પ્રેમ કરશે
જેમને તમે નફરત કરવાનું શિખવ્યું છે
એ તમારી દીવાલોમાં
કાણું પાડી દેશે એક દિવસ
અને આરપાર જોવાનો પ્રયત્ન કરશે
ઓચિંતી ચીસ પાડી ઊઠશે!
અને કહેશે —
“જુઓ! પેલે પાર પણ મોસમ આપણે ત્યાં છે એવી જ છે”
એ પવન અને તડકાનો અનુભવ
એમના ગાલ પર લેવા ચાહશે
અને એ દિવસે તમે એમને નહીં રોકી શકો!
એક દિવસ તમારાં સુરક્ષિત ઘરોમાંથી બાળકો બહાર ચાલ્યાં આવશે
અને વૃક્ષો પર માળા બનાવશે
એમને ખિસકોલીઓ ખૂબ પસંદ છે
એમની સાથે એ મોટાં થવા ચાહશે …
એ દરેક ચીજને વધુ સુંદર બનાવવા
ઊંધી-ચત્તી કરશે એ તમે જોશો …
એક દિવસ મારી દુનિયાનાં બધાં બાળકો
કીડી, જીવજંતુ,
નદી, પહાડ, સમુદ્ર
અને તમામ વનસ્પતિની સાથે મળીને હલ્લો બોલાવશે
અને તમારી બનાવેલી દરેક વસ્તુને
રમકડું બનાવી દેશે ….
e.mail : rupaleeburke@yahoo.co.in
![]()

