
રાજ ગોસ્વામી
મમ્મી બાળકને કોળિયા ભરાવતી હોય, ત્યારે બાળક થાળીને બદલે સ્ક્રીન તરફ ઝુકેલું હોય એવું ‘મધુર’ દૃશ્ય હવે બહુ ઘરોમાં જોવા મળે છે, પણ તે આપણી પારિવારિક આદતો અને બાળકોના વિકાસને લઈને ઊંડા નિહિતાર્થનો સંકેત પણ છે. બાકી રાજ્યોને પણ આ દિશામાં વિચારવાની પ્રેરણા મળે તેવા એક અભ્યાસમાં, ઇન્ડિયન એકેડમી ઓફ પેડિયાટ્રિક્સના કેરલ વિભાગે કહ્યું છે કે રાજ્યમાં બે વર્ષની નીચેનાં 89.1 ટકા બાળકો સ્ક્રીનનાં વ્યસની થઇ ગયાં છે. અને તેનું પ્રમુખ કારણ એ છે કે તેમને ખવડાવવા માટે, ઊંઘાડવા માટે કે રડતાં હોય તો શાંત કરવા માટે તેમની સામે સ્ક્રીન ધરી દેવામાં આવે છે.
આ અભ્યાસ, કેરળ હેલ્થ સર્વિસિસમાં નિઓનેટોલોજિસ્ટ અને આઈ.એ.પી.ના કોલ્લમ જિલ્લા અધ્યક્ષ ડૉ. મનોજ મોનીએ કર્યો હતો. તેમના સરકારી ક્લિનિકમાં નિયમિત 18-મહીનાના રસીકરણ માટે લાવવામાં આવતાં બાળકોની તપાસ દરમિયાન તેમણે આ અભ્યાસ કયો હતો.
નિષ્કર્ષ સ્પષ્ટ હતો. જે પરિવારોમાં માતાઓ ખાલી હાઈ-સ્કૂલ સુધી ભણી હતી તે ઘરોમાં તમામ (100 ટકા) બાળકો સ્ક્રીનનાં વ્યસની હતાં. તેનાથી વિપરીત, જે માતાઓ પોસ્ટ-ગ્રેજ્યુએટ હતી ત્યાં સ્ક્રીન ટાઇમ 80 ટકા હતો. અર્થાત, માતાઓનું શિક્ષણ જેટલું વધુ હોય, બાળકોનો સ્ક્રીન-ટાઇમ ઓછો હોય. છતાં તે સુરક્ષિત તો ન જ કહેવાય. ભણેલા-ગણેલા પરિવારોમાં પણ આ સ્થિતિ વ્યાપક છે.
સંયુક્ત પરિવારોમાં રહેતા બાળકોમાં 91.5 ટકા સ્ક્રીન એક્સપોઝર જોવા મળ્યું હતું. વિભક્ત પરિવારોમાં આ આંકડો થોડો ઓછો, 78.9 ટકા છે. મતલબ: સંયુક્ત પરિવારોમાં બાળકો વધુ સ્ક્રીન જોવે છે. તેનું કારણ એ હોઈ શકે કે વધુ સભ્યો હોવાને કારણે બાળક અનેક લોકોની દેખરેખમાં રહે છે, અને સૌની વ્યસ્તતા અથવા સંભાળ રાખવાના પડકારને કારણે સ્ક્રીન સરળ વિકલ્પ બની જાય છે, અથવા વિવિધ સભ્યો બાળકોને શાંત કરવા માટે કે મનોરંજન માટે તેમને સ્ક્રીન આપે છે.

ભારતમાં જનસામાન્ય સમસ્યાઓ અને નાનાં બાળકો પર થયેલા ઘણા અભ્યાસોમાં વારંવાર એવું જાણવા મળ્યું છે કે બાળકોમાં સ્ક્રીનનું એક્સપોઝર વ્યાપક છે. કેટલાક મોટા શહેરોમાં અને વિશિષ્ઠ સર્વેમાં જાણવા મળ્યું છે કે ક્વોલિટી ટાઈમના બહાને બાળકોને સ્ક્રીન પર વળગાળી દેવાનું ચલણ સૌથી મોખરે છે. એક અભ્યાસમાં બાળકોને ખવડાવાનાં મુખ્ય કારણોમાં સ્ક્રીનનો ઉપયોગ લગભગ 46 ટકા હતો. બીજો એક અભ્યાસ કહે છે 80 ટકાથી વધુ પરિવારોમાં બાળકોને ટી.વી. સામે બેસાડીને ખવડાવવામાં આવે છે.
આવી આદતોની બાળકોના વિકાસ પર અસર પડે છે. અમેરિકન મેડિકલ એસોસિએશનના જર્નલ જામા પેડિયાટ્રિક્સનો રિપોર્ટ કહે છે કે એક વર્ષની ઉંમરમાં વધુ પડતા સ્ક્રીન-એક્સપોઝર પછી બાળકમાં કોમ્યુનિકેશન અને પ્રોબ્લેમ-સોલ્વિંગની ક્ષમતા વિલંબથી વિકસે છે – એટલે કે શરૂઆતની ઉંમરમાં આવી જતી સ્ક્રીનની નિર્ભરતા બાળકોમાં બોલવા-સમજવાના અવસરો ઓછા કરે છે.
કેમ? કારણ આસાન છે : જ્યારે બાળક સ્ક્રીન સાથે વ્યસ્ત રહે, ત્યારે તે તેની આસપાસના વયસ્ક લોકો સાથે વાતચીતનો અવસર ગુમાવી દે છે. સવાલ-જવાબ કરવા, નામ વાંચવાં, ઈશારાઓથી પ્રતિક્રિયા આપવી, આઈ-કોન્ટેક્ટ કરવો જેવી નાની-નાની ક્રિયાઓ બાળકોમાં ભાષા-વિકાસ માટે પાયાના પથ્થર સમાન છે. બાળકો જેટલાં વહેલાં અને જેટલાં વધુ સ્ક્રીનના સંપર્કમાં આવે છે, તેમની ભાષાઈ કુશળતા પર એટલો જ નકારાત્મક પ્રભાવ જોવા મળે છે.
બાળકોનું મોઢું સ્ક્રીનમાં રાખીને તેમને ખવડાવાની ટેવથી તેમનું ધ્યાન આહારને બદલે વિજ્યુઅલ-ઉત્તેજના પર રહે છે. તેનાથી તેમની સતર્કતા (એટેન્શન) ક્ષમતા પર અસર પડે છે, ભોજન સાથે જોડાયેલી સ્વાદ, ગંધ અને તેની બનાવટને સમજવાની સમજ ઘટે છે અને ખાવાની ખાવું તે યંત્રવત બાનીમ જાય છે. લાંબા સમય સુધી આવી આદત એટેન્શન સંબંધિત સમસ્યાઓ, ખાવા-પીવાની અનિયમિતતા અને આહાર સંબંધી અસંતુલિત ટેવોને જન્મ આપે છે. અનેક અભ્યાસોમાં એવું પણ જાણવા મળ્યું છે કે સ્ક્રીન સામે રાખીને ખાવાથી બાળકોમાં સ્થૂળતા અને પેટની બીમારીઓ પણ થાય છે.
ખાતી વખતે પેરેન્ટ્સ અને બાળક વચ્ચે ‘કેમ નથી ખાતો?’ અથવા ‘આ ખાવાનું કેવું છે?’ અથવા ‘ચાવીને ખા’ જેવા નાનકડા સંવાદો બાળકોના સામાજિક-ભાવનાત્મક વિકાસ માટે જરૂરી છે. જો તેની જગ્યા સ્ક્રીન લઈ લે, તો બાળકો અને તેમની દરકાર કરનારાઓ વચ્ચેની ઘનિષ્ઠતા ઓછી થઇ જાય છે. પછી પરંપરાગત પેરેન્ટિંગની જગ્યાએ સ્ક્રીન-પેરેન્ટિંગ આવી જાય છે. જેના કારણે બાળકની ભાવનાત્મક સુરક્ષા અને આત્મ-નિયંત્રણ ક્ષમતાઓ પર અસર પડી શકે છે. એટલે, ખાવાનું ખાવાની રીત જ નહીં, બાળક અને પેરેન્ટ્સના સંબંધની વિકાસ પણ પ્રભાવિત થાય છે. પિતા/માતા સંબંધોનું નિર્માણ પણ પ્રભાવિત થાય છે.
પેરેન્ટ્સ આની બહુ દરકાર નથી કરતાં તેનું કારણ એ છે કે તેઓ પોતે જ મોબાઈલ ફોનનાં વ્યસની છે. તેઓ પણ તેમનું ખાવાનું ખાતી વખતે મોબાઈલ જોતાં રહે છે. જૂના સમયમાં કાર્ટૂન આવતાં હતાં, જેમાં ઘરનો મુખ્ય માણસ ડીનર ટેબલ પર સમાચાર પત્રમાં મોઢું ઘાલી રાખીને બાકી પરિવારની ઉપેક્ષા કરતો હોય. આ જ કામ હવે મોબાઈલ કરે છે.
ભોજનનો સમય પરિવારોમાં બાળકો અને પેરેન્ટ્સ વચ્ચે ઘનિષ્ઠતા વધારવાનો છે. આપણું વર્તમાન જીવન આમ પણ ઘણું વ્યસ્ત રહે છે. ખાતી વખતે એકબીજા સાથે વાતો કરવી એ સદીઓ જૂની પરંપરા રહી છે અને તેના ચોક્કસ ભાવનાત્મક લાભ પણ છે. હવે પેરેન્ટ્સ અને બાળકો સ્ક્રીનમાં મોઢું ઘાલી રાખે છે.
એવું નથી કે સ્ક્રીન શેતાન છે, પણ આપણે તેની સાથે કેવી રીતે પનારો પાડવો તેની શિસ્ત નથી વિકસાવી. કેટલીક ડિજીટલ સામગ્રીઓ અને વીડિયો-કોલ ક્યારેક ઉપયોગી હોઈ શકે છે, અને વ્યસ્ત માતાપિતાઓ માટે સ્ક્રીન અસ્થાયી સહારો પણ હોઈ શકે છે. પરંતુ મુખ્ય મુદ્દો છે તેની શિસ્ત – બાળકો માટે સરળતાથી સ્ક્રીનની ઉપલબ્ધિ તેમના માનસિક વિકાસ માટે જોખમી છે. વિશ્વ આરોગ્ય સંગઠન અને બાળકોના વિશેષજ્ઞ ઓછી ઉંમરના બાળકો માટે સ્ક્રીન-સમયને કડક રીતે મર્યાદિત કરવાની સલાહ આપે છે. કેરલનો અભ્યાસ કહે છે પૂરા ભારતમાં આ અંગે વ્યાપક જાગૃતિની જરૂર છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 16 નવેમ્બર 2025
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

