
રાજ ગોસ્વામી
કલ્પના કરો કે એક સવારે તમે ઊઠો છો અને જુવો છો કે તમારા શહેરમાં, ઘરમાં, ઓફિસમાં, દુકાનમાં અનગિનત નવા લોકો વસી ગયા છે – એ લોકો કામ કરે છે, બોલે છે, લખે છે, વિચારે છે, નિર્ણય લે છે, પણ કોઈએ તેમને જોયા નથી. આ નવા લોકો ન તો હવાઈ જહાજોમાં ઉડીને આવ્યા છે, ન સ્ટીમરોમાં બેસીને આવ્યા છે કે ન તો સરહદો લોંઘીને આવ્યા છે. એ આવ્યા છે ‘પ્રકાશની ગતિ’એ – ઇન્ટરનેટની અદૃશ્ય લહેરો પર સવાર થઈને આ લોકો તમારી આસપાસ ગોઠવાઈ ગયા છે. આ લોકો છે – એ.આઈ. ઇમિગ્રન્ટ્સ (કૃત્રિમ બુદ્ધિવાળા વસાહતીઓ).
તાજેતરમાં, લંડનમાં, એક કાર્યક્રમમાં, ઇઝરાયેલી ઇતિહાસકાર અને ‘હોમો સેપિયન્સ’ પુસ્તકના લેખક યુવલ નોઆ હરારીએ આ એક નવો શબ્દ (અથવા વિચાર) આપ્યો હતો; AI immigrants. તેમણે કહ્યું હતું કે આજકાલ યુરોપ-અમેરિકામાં ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ અભિયાન ચાલી રહ્યું છે અને ત્યાંના લોકોને લાગે છે કે તેમની સંસ્કૃતિ, સમાજ, અર્થવ્યવસ્થા પર બહારથી આવેલા લોકોનું મોટું જોખમ છે, પણ અસલી ખતરો તો એ.આઈ. ઇમિગ્રન્ટ્સનો છે જે લોકોને દેખાતો નથી.

યુવાલ હરારી
હરારી કહે છે કે એ.આઈ.ની લહેર માત્ર તકનીકી ક્રાંતિ નથી, પરંતુ એક સંસ્કૃતિગત ઈમિગ્રેશન (civilizational migration) પણ છે. માનવ સમાજમાં પહેલીવાર એવું થઇ રહ્યું છે કે આપણી દુનિયામાં એક નવી ‘પ્રજાતિ’ અથવા ‘બુદ્ધિ’ પ્રવેશી રહી છે – તે ન જન્મ લે છે, ન મૃત્યુ પામે છે, ન પાસપોર્ટ રાખે છે, ન વિઝા મેળવે છે, ન કોઈની મંજૂરી લે છે. ગુલઝાર સાબની મશહૂર રચનાની ભાષામાં કહીએ તો, ‘AI કો વિઝા નહીં લગતા, AI કી સરહદ નહીં હોતી.’ અને મહત્ત્વની વાત એ છે કે – તેના આગમનનો સામનો કરવા માટે કોઈ તૈયાર પણ નથી.
હરારી એક ગંભીર ચેતવણી આપવા માટે આ શબ્દનો ઉપયોગ કરે છે – જો આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બધું કામ કરવાની હોય, તો પછી માણસોને સરહદો પાર કરીને બીજા દેશોમાં જવાની જરૂર શી રહેશે? માણસો જ્યારે એક દેશથી બીજા દેશમાં પ્રવાસ કરે છે, ત્યારે તેઓ કામ, આજીવિકા અથવા બહેતર જીવન માટે સીમાઓ પાર કરે છે. તેમના આગમનથી જે તે દેશમાં સાંસ્કૃતિક, આર્થિક અને રાજકીય ફેરફાર આવે છે. હવે વિચારો – જો લાખો AI એજન્ટ્સ કોઈ સમાજ, અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિમાં ઘૂસવા લાગ્યા તો શું થશે?
તેઓ નોકરીઓ ખાઈ જશે, મહત્ત્વના નિર્ણયો લેશે, વિચારધારાઓને પ્રભાવિત કરશે, રાજકીય મુદ્દાઓ બદલશે અને તેઓ સત્તા ભાગીદારી પણ શોધશે. આ એક એવું ઈમિગ્રેશન છે જે ન તો દેખાય છે કે ન તો રોકાય તેવું છે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે AI ઘણાં ક્ષેત્રોમાં માણસોની ભૂમિકા લઇ રહી છે – લેખન, કોડિંગ, ગ્રાફિક ડિઝાઇન, ગ્રાહક સેવા, મેડિકલ નિદાન અને ભાવનાત્મક થેરાપિ સુદ્ધાં તેના હાથમાં છે. આ એક એવું મૌન આર્થિક વિસ્થાપન છે જેને આપણે કદાચ સમજી શકતા નથી.

હરારીનો તર્ક છે કે આ જ ક્ષણ છે જ્યારે આપણે ‘રાજકીય અને સામાજિક વ્યવસ્થા’ને નવી રીતે વિચારવી જોઈએ. જો લાખો ડિજિટલ એજન્ટ્સ આપણી આર્થિક અને સામાજિક પ્રણાલીઓમાં કામ કરવા લાગશે, તો શું તે લોકો ટેક્સ ભરશે? શું તેમના માટે કાયદા હશે? શું તેમના ‘અધિકાર’ હશે? આ પ્રશ્નના જવાબ કોઈની પાસે નથી.
હરારી કહે છે કે માનવ જાતિ માટેનું ખરું જોખમ AIની શક્તિ નથી, જેની અત્યારે દુનિયાભરમાં ચર્ચા ચાલી રહી છે, તેનું અસલી જોખમ AIની સામાજિક ભૂમિકા છે. માનવ સમાજ હંમેશાં નવી ટેકનોલોજી અપનાવી છે – જેમ કે આગ, વ્હીલ, એન્જિન, વીજળી, ઈન્ટરનેટ. પરંતુ આ દરેક ટેકનોલોજીએ આપણા હાથમાં એક ‘સાધન’ આપ્યું હતું. અર્થાત, એ સાધનનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં હતું.
AI પહેલી તકનીક છે જે સ્વયં નિર્ણય લેવાની ક્ષમતા ધરાવે છે. એ જ કારણથી AI immigrants શબ્દ સાર્થક છે – કારણ કે આ માત્ર મશીનો નથી, પરંતુ ડિજિટલ વ્યક્તિત્વો છે, જે હવે માનવીય સમાજ વચ્ચે રહેશે, તેમની સાથે વાતચીત કરશે અને તેમને પ્રભાવિત કરશે. માણસ અને મશીનની સીમા ભૂંસાઈ રહી છે – કોઈ પણ AI હવે તમારી ભાષામાં કવિતા લખી શકે છે, તમારા ઇ-મેલનો જવાબ આપી શકે છે, તમારી અવાજમાં ગીત ગાઈ શકે છે, ત્યાં સુધી કે તમારા સોશ્યલ મિડિયા એકાઉન્ટ પર પોસ્ટ પણ કરી શકે છે.
અર્થાત્ તેઓ માણસોની જગ્યા લઇ રહ્યાં છે. પ્રશ્ન એ છે – જ્યારે માણસ-મશીનની ઓળખ ધૂંધળી થઇ જાય, તો ‘માનવતા’ની વ્યાખ્યા શું રહેશે? હરારીનો આ વિચાર ફક્ત દાર્શનિક નથી, રાજકીય પણ છે. તેઓ કહે છે કે વિશ્વના કોઈપણ દેશમાં હજુ સુધી AI-ગવર્નન્સ ફ્રેમવર્ક તૈયાર થયું નથી. જ્યારે લાખો AI immigrants આપણી અર્થવ્યવસ્થા અને સંસ્કૃતિમાં જોડાશે, ત્યારે તેઓ કોના નિયંત્રણમાં હશે? કોઈ સરકારના? કોઈ કોર્પોરેશનના? કે પોતાના નિર્ણયોના?
આ પ્રશ્ન ફક્ત ટેકનિકલ નથી, તે લોકશાહી સાથે જોડાયેલો પણ છે. જો AI એજન્ટ્સ આપણી ચૂંટણીઓને પ્રભાવિત કરે, અમારાં બાળકોને શિક્ષણ આપે, અથવા આપણા ન્યાય-વ્યવસ્થાનો ભાગ બને – તો પારદર્શિતા અને જવાબદારી કોણ સુનિશ્ચિત કરશે?
AIની ક્રાંતિ માત્ર ‘નોકરી ખાઈ’ જવાની કહાની નથી, પરંતુ ઓળખ છીનવી લેવાની કહાની પણ છે. ઘણા લોકો પોતાના કામથી જ પોતાની અસ્તિત્વનો અર્થ શોધે છે – જેમ કે એક શિક્ષક, એક લેખક, એક ડૉક્ટર, એક કલાકાર. જ્યારે એ જ કામ મશીનો કરવાનું શરૂ કરશે, ત્યારે માણસના આત્મ-સન્માન અને જીવનના ઉદ્દેશ્યની ભાવના પર સંકટ ઊભું થશે. જેમ ઐદ્યોગિક ક્રાંતિના સમયમાં મજૂરોમાં બેરોજગારીનો ડર હતો, હવે બુદ્ધિજીવી વર્ગમાં ‘બૌદ્ધિક બેરોજગારી’નો ડર ઊભો થઈ રહ્યો છે. સમાજે જો આ માનસિક પરિવર્તનનો સામનો કરવાની તૈયારી ન કરી, તો તે અસંતોષ, અસમાનતા અને સામાજિક વિભાજનને જન્મ આપશે.
AIનું આ ઈમિગ્રેશન માત્ર કામ કે રાજકારણ સુધી સીમિત નહીં રહે. એ આપણા સાંસ્કૃતિક માળખામાં પણ પ્રવેશ કરશે. હવે AI ગીતો બનાવી રહી છે, નવલકથાઓ લખી રહી છે, ધાર્મિક ગ્રંથોની વ્યાખ્યા કરી રહી છે, ત્યાં સુધી કે AI-guru અને AI-spiritual bots પણ આવી ગયા છે.
જ્યારે મશીનો ધર્મ, કલા અને દાર્શનિકતામાં પ્રવેશ કરશે, ત્યારે ‘અર્થ’ કોણ વ્યાખ્યાયિત કરશે? શું માનવીય અનુભવની જગ્યા ડેટા-અનુભવ લઈ લેશે? આ પ્રશ્ન ઊંડો અને ચિંતાજનક છે – કારણ કે માનવ સંસ્કૃતિ સદીઓથી ‘કથા કથન’ (સ્ટોરી ટેલિંગ) પરંપરાની પર આધાર રાખે છે. હવે AI પણ કથા કહેવા લાગ્યું છે, અને તે પણ વધુ સારી રીતે.
હરારીની વાત આપણને આ વિચાર કરવા માટે મજબૂર કરે છે કે આવતી શતાબ્દીમાં ‘માનવ સંસ્કૃતિ’ શું માનવીય રહેશે? કે પછી તેએક મિશ્રિત દુનિયા હશે – જ્યાં માણસ અને AI સાથે સાથે કામ કરશે, પ્રેમ કરશે, ઝઘડશે અને શાસન કરશે? આ માનવ ઇતિહાસનો નવો યુગ છે; પોસ્ટ-હ્યુમન યુગ. તેમની સાથે રહેવા માટે આપણે આપણી સીમાઓ, આપણાં મૂલ્યો અને આપણા બંધારણને નવેસરથી તૈયાર કરવા પડશે.
(પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 16 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

