સોક્રેટિસનો માર્ગ રસ્તો તૈયાર કરી એ ચીંધી દેવાનો નહોતો, તેનો માર્ગ લોકોના મનમાં પરેશાની જાગે, સવાલો ઊભા થાય, લોકો પોતાની મેળે વિચારતા અને મૂલ્યપરિવર્તન કરતા થાય એ હતો. ગ્રીસની ઊછરતી લોકશાહી માટે એ જેટલું અનિવાર્ય હતું, તેટલું જ આજે જે પ્રકારની લોકશાહી ઊછરી ગઈ છે તેને માટે પણ અનિવાર્ય છે
કેટલીક ઉક્તિઓ યાદ કરીએ : પ્લેટો કહે છે, ‘સત્ય બોલનાર જેટલો ધિક્કારપાત્ર બીજો કોઈ બનતો નથી’ ઝેનઓફઓન કહે છે, ‘પોતાના વિષે ન જાણનાર સૌથી મોટો અજ્ઞાની છે’ એન્ટિસ્થેનિસ કહે છે, ‘દુ:શ્મનો પર ધ્યાન આપો. તમને શોધનારાઓમાં પ્રથમ એ જ છે’ અને એરિસ્ટિપસ કહે છે, ‘સાચી સ્વતંત્રતા મહત્ત્વાકાંક્ષાના ગુલામ થયા વિના એને પસંદ કરવામાં છે’ આ બધા ઈ. સ. પૂર્વે થઈ ગયેલા ગ્રીક ચિંતકો છે. એમનાં વિધાનો આજે પણ આપણને માર્ગ ચીંધી શકે એટલાં સમર્થ છે. આ મહાન ચિંતકોના જબરદસ્ત ગુરુનું નામ સોક્રેટિસ.
સોક્રેટિસના બીજા પ્રતિભાશાળી શિષ્યોમાં એલ્સિબાયડિસ અને ક્રિશ્યસનું નામ આવે. આ બંને સોક્રેટિસ પાસે તૈયાર થયા, સાથે યુદ્ધો લડ્યા, પણ સોક્રેટિસ નૈતિકતા અને નૈષ્ઠિકતાને સર્વસ્વ ગણતો રહ્યો જ્યારે એલ્સિબાયડિસે રાજકીય અને અંગત પ્રાપ્તિઓ માટે પહેલા જુદો અને પછી વિરોધી માર્ગ અપનાવ્યો. ક્રિશ્યસે તો એથેન્સની લોકશાહીને જ કચડી નાખી.
સોક્રેટિસનો જીવનકાળ ઈ.સ. પૂર્વે 400 આસપાસ મનાય છે. આ પ્રાચીન ગ્રીક ફિલોસોફરનાં જીવન, વ્યક્તિત્વ અને વિચારોએ પશ્ચિમની વિચારણા પર બહુ મોટો અને કાયમી પ્રભાવ પાડ્યો છે. આજથી અઢી હજાર વર્ષ પહેલા સોક્રેટિસે જે કર્યું તે આજે પણ ઉદાહરણરૂપ છે. લોકશાહીનું ટોળાશાહીમાં, ઘેટાશાહીમાં, લાંચરૂશ્વતથી ખરડાયેલી મતશાહીમાં પરિવર્તન ન થાય તેને માટે નાગરિકોને તૈયાર કરવા માટે, લોકો પોતાના અધિકારોની સુરક્ષા માટે સક્ષમ કરવા માટે સોક્રેટિસ જીવનભર ઝઝૂમ્યા.
સોક્રેટિસ – શિક્ષણનો માર્ગ રસ્તો તૈયાર કરી એ ચીંધી દેવાનો નહોતો – સોક્રેટિસનો માર્ગ લોકોના મનમાં પરેશાની જાગે, સવાલો ઊભા થાય, લોકો પોતાની મેળે વિચારતા અને મૂલ્યપરિવર્તન કરતા થાય એ હતો. ગ્રીસની ઊછરતી લોકશાહી માટે એ જેટલું અનિવાર્ય હતું, તેટલું જ આજે જે પ્રકારની લોકશાહી ઊછરી ગઈ છે તેને માટે પણ અનિવાર્ય છે અને એથી એ માટેની કેળવણીની જરૂર પણ આજે એટલી જ છે જેટલી ત્યારે હતી.
આજની યુનિવર્સિટીઓએ, શાળાઓએ, શિક્ષકોએ આ જ કામ કરવાનું છે. છેલ્લા બે દાયકામાં શિક્ષણમાં ‘સોક્રેટિક ક્વેશ્ચનિંગ’ પર બહુ વિચાર થયો છે, કાર્ય પણ થયું છે અને પરિણામો પણ નીપજ્યાં છે. છતાં ઘણુંબધું કરવાનું બાકી છે. નવી શિક્ષણનીતિમાં બાળકની વિચારક્ષમતા અને સમસ્યાઉકેલક્ષમતા પર બહુ ભાર મુકાયો છે અને એકથી વધારે વાર ‘ક્રિટિકલ થિંકિંગ’ શબ્દો વપરાયા છે. ‘સોક્રેટિક ક્વેશ્ચનિંગ’ને તાર્કિક વિચારણા-લૉજિકલ થિંકિંગ-રેશનલ થિંકિંગ-ક્રિટિકલ થિંકિંગ સાથે સીધો સંબંધ છે.
વેદ, ઉપનિષદથી માંડી બૌદ્ધકાલીન શિલાલેખો ને નાલંદા-તક્ષશિલા વિશ્વવિદ્યાલયો સુધીની આપણી પ્રાચીન શિક્ષણપરંપરા પ્રશ્નમૂલક, જિજ્ઞાસા જગાડતી-સંતોષતી અને ચર્ચાવિચારણા, મત-પ્રતિમત, વાદવિવાદ આધારિત હતી. નચિકેતાના પ્રશ્ન પર આખી વિચારશાખા ઊભી થઈ શકે ને નાસ્તિક એવા ચાર્વાક પણ તેમની તર્કનિપુણતાને લીધે ઋષિ ગણાય એટલી મુક્તતા એમાં હતી. ત્યાર પછી પશ્ચિમની અસર નીચે હોય કે અન્ય પરિબળોને કારણે શિક્ષણ વર્ગખંડોમાં કેદ થયું અને શિક્ષક શીખવે ને વિદ્યાર્થી શીખે એમ વન વે બની ગયું. વિદ્યાર્થીએ પ્રશ્નો પૂછવાની સત્તા ગુમાવી અને વર્ગખંડો પર આજ્ઞાંકિતતાનો પુરસ્કાર કરતી વડીલશાહી સંસ્કૃતિનું સામ્રાજ્ય સ્થપાયું. શિક્ષકને બધાને એક જ લાકડીએ હાંકવાની સુવિધા મળી, પણ વિદ્યાર્થીની મૌલિકતા, સહજસ્ફૂરણા અને નૈસર્ગિક શક્તિનો ભોગ લેવાઈ ગયો. આમ કરીને આપણે શું સિદ્ધ કર્યું એ પ્રશ્ન આપણને ધૂંધળા વર્તમાન અને ભયાનક ભવિષ્યની સામે હતબુદ્ધ ભાવે ઊભા કરી દે છે.
દરેક જમાનામાં બુદ્ધિશાળીઓ અને બુદ્ધિવાદીઓ બન્ને હોય છે. સોક્રેટિસના સમયમાં આવા બુદ્ધિવાદીઓ સૉફિસ્ટો કહેવાતા. તેમનો પ્રભાવ ઓછો નહોતો. આ સૉફિસ્ટોને શબ્દો વડે, છટાઓ વડે ચાતુરીભરી દલીલો કરતા, લોકોને આકર્ષતા, ભુલાવામાં નાખતા, આંજી નાખતા. સમર્થકોનો સમુદાય એકઠો કરતા એમને આવડતું. એમાંના કેટલાક તો વળી એમની આ કલા ઘણા બધા પૈસા લઈ ઉચ્ચ વર્ગના લોકોને શીખવતા પણ ખરા. સોક્રેટિસ આ બધાને ‘બુદ્ધિની વારાંગનાઓ’ કહેતા. લોકશાહીમાં સૉફિસ્ટોની કમી કદી નથી હોતી, સોક્રેટિસની કમી ખૂબ હોય છે.
બાળક વહુ વહેલી વયે તાર્કિક વિચારણા કરતું થઈ જાય છે. જરૂર હોય છે તેને દિશા આપવાની, કેળવવાની. જો તેની જિજ્ઞાસા જાગે, સવાલો ઊઠે અને એના જવાબની શોધ એ જાતે જ કરી શકે એવું વાતાવરણ બંધાય તો તો તેને જે શીખવા મળે તે તેની સાથે સહેજે સહેજે જીવનભર રહે. પરીક્ષાઓની જટિલતા અને તેનું ભારણ નીકળી જાય. ભણતર ભાર વગરનું, જીવનલક્ષી અને વધારે અર્થપૂર્ણ બને. તેની મૌલિક બુદ્ધિ ખીલે જે તેને જીવનના તમામ પ્રશ્નોમાં સાચો માર્ગ ચીંધે.
‘આમ શા માટે?’, ‘આના સિવાય બીજું શું વિચારી શકાય?’, ‘આ સાબિતી પૂરતી છે?’, ‘આને બીજી કઈ રીતે જોઈ શકાય?’, ‘તો પછી પરિણામ શું આવશે?’, ‘આ પ્રશ્ન શા માટે પૂછવો જરૂરી છે?’ – આવા પ્રશ્નોથી તાર્કિક વિચારણા ખીલે છે. અર્થપૂર્ણ પ્રશ્નો ઉઠાવવા એ પણ એક કલા છે. એ શીખવી જોઈએ. આખી પ્રક્રિયાની મઝા એ છે કે આવા આવા પ્રશ્નોથી વિદ્યાર્થીઓની તાર્કિક વિચારણા ખીલવતા ખીલવતા શિક્ષક પોતે પણ સતત શીખતો રહે છે. સાચા શિક્ષકમાં આવું સોક્રેટિક એલિમેન્ટ હોય છે, હોવું જોઈએ.
સોક્રેટિસે કહ્યું છે કે શિક્ષણ એટલે જ્યોત પ્રગટાવવી. ખાલી વાસણ ભરી દેવું એને સોક્રેટિસ શિક્ષણ કહેતા નથી. જ્યારે આપણને પ્રતીતિ થાય કે આપણે જિંદગી વિશે, જાત વિશે ને જગત વિશે કેટલું ઓછું જાણીએ છીએ ત્યારે સાચા જ્ઞાનનું પ્રગટીકરણ થાય છે. જ્ઞાનનો ઉદય અજ્ઞાનની ઓળખથી જ થાય છે. મનને ખાલી કરીને પછી તેને તાર્કિક વિચારણાથી ભરવાનું છે. નિરીક્ષણપરીક્ષણ વિનાનું જીવન નકામું છે, નૈતિકતાથી વધારે અગત્યનું બીજું કંઈ નથી અને સાચા માણસનું કોઈ કંઈ બગાડી શકતું નથી કારણ કે તેને કોઈ ડર, કોઈ અસલામતી હોતાં નથી. તે પોતાની પ્રતિભા બતાવવા પ્રયાસો કરતો હોતો નથી. તેને પદપ્રતિષ્ઠાની પરવા હોતી નથી. તે રાજકીય પ્રભાવ પાડવાની મહત્ત્વાકાંક્ષા સેવતો હોતો નથી. ગરીબી, પીડા કે મૃત્યુ પણ તેના ગુણો પર કોઈ અસર કરી શકતાં નથી. આવા સામર્થ્યપૂર્ણ નાગરિકો જ દેશની સાચી શક્તિ છે અને એમને તૈયાર કરવામાં શિક્ષણ અને શિક્ષકનું યોગદાન સૌથી મોટું છે.
સોક્રેટિક શિક્ષક વિદ્યાર્થીને તૈયાર ભાણું આપતો નથી. જવાબો આપી દેવાને બદલે તે તેને પ્રશ્નો કરતા શીખવે છે. તેના પૂર્વગ્રહો ઓગાળે છે. તેનામાં ખુલ્લું મન, જિજ્ઞાસા, વસ્તુલક્ષિતા, પૃથક્કરણશક્તિ, તર્ક, સતર્કતા ખીલવે છે. શિક્ષક આવો હોવો જોઈએ. ‘માસ્તર’ નહીં પણ ‘માસ્ટર’. શિક્ષણ પદ્ધતિમાં થતા રહેતા ફેરફારોને પહોંચી વળે, વિદ્યાર્થીઓને તાર્કિક વિચારણાના રસ્તે લઈ જાય અને તેમને જવાબદાર નાગરિકો તરીકે તૈયાર કરે તે માટે શિક્ષક સોક્રેટિસ જેવો જિનિયસ હોવો જોઈએ. આવા શિક્ષકોને મોકળાશથી કામ કરવા મળે તેવી શિક્ષણવ્યવસ્થા ઊભી કરવી ને ટકાવવી એ સરકારની ને સમાજની જવાબદારી છે.
સોક્રેટિસ કહે છે, ‘સક્ષમ માણસ વિચારો ચર્ચે છે. સામાન્ય માણસ ઘટનાઓ ચર્ચે છે અને નબળો માણસ લોકોની ટીકાઓ કરે છે.’ ‘ધન અને જ્ઞાન આ બેમાંથી જ્ઞાનને પસંદ કરો કેમ કે ધન અનિત્ય છે, જ્ઞાન નિત્ય છે.’ ‘પરિવર્તન કરવા માટે તમામ શક્તિ એકાગ્ર થવી જોઈએ. અને માત્ર જૂનું બદલવું એ પરિવર્તન નથી. પરિવર્તન એટલે નવું સર્જવું.’ ‘દુનિયામાં શુભ એક જ છે, જ્ઞાન. અને અશુભ એક જ છે, અજ્ઞાન.’ ‘જેવું શૈક્ષણિક વાતાવરણ હોય, લોકશાહી તેવી બને છે.
આપણને છટાદાર સોફિસ્ટો જોઈએ છે કે પછી વિચારતા શીખવનાર સોક્રેટિસો – આ પ્રશ્નના જવાબ પર આપણું ભવિષ્ય નિર્ભર છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 12 ઑક્ટોબર 2025
![]()

