
રવીન્દ્ર પારેખ
વોટ્સએપ પર મહિન્દ્રા XUV500ની એક જાહેરાતમાં બ્લુ કારની જાહેરાત નીચે લખ્યું હતું કે અમારી પાસે કાઁગ્રેસ કરતાં (બિહાર રિઝલ્ટ્સ સંદર્ભે) વધારે સીટ્સ છે. ઈશારો એ હતો કે કાઁગ્રેસને બિહારમાં 6 સીટ્સ મળી એ કરતાં કારમાં વધારે જગ્યા છે. કોણ જાણે કેમ પણ વિપક્ષ તરીકે કાઁગ્રેસ ઉત્તરોત્તર તેનો પ્રભાવ ઘટાડતી જ જાય છે. કમ સે કમ તેનો ચૂંટણીનાં પરિણામો પર તો પ્રભાવ લગભગ ઓસરી જ ગયો છે ને તેનું સીધું કારણ કાઁગ્રેસી નેતાઓ અને કાર્યકરો અંદરોઅંદર છે, એટલા સંપર્કમાં પણ જનતા સાથે નથી. કાઁગ્રેસી નેતાઓ ભા.જ.પ.ને ભાંડે તે સિવાય ચૂંટણીમાં સ્પર્ધાનો મિજાજ ધરાવતા નથી. પોતાનામાં વધુ પડતો વિશ્વાસ રાખી ચૂંટણી સમયે જ કાઁગ્રેસી નેતા રાહુલ ગાંધી વિદેશ પ્રવાસે નીકળી જાય છે ને પરિણામમાં હાર સામે આવે છે તો આત્મનિરીક્ષણ કરવાને બદલે એ જ જૂની રેકર્ડ ઈલેકશન કમિશનની કામગીરીની કે વોટ ચોરીની વગાડ્યા કરે છે. બિહારની ચૂંટણી વખતે રાહુલ ગાંધીએ હાઇડ્રોજન બોમ્બ ફોડ્યો, પણ તેનો અવાજ તેમને પણ સંભળાયો હશે કે કેમ તે ખબર નથી, પણ લોકોમાં તેની કોઈ અસર વર્તાઈ નથી તે પરિણામોએ બતાવ્યું છે. બિહારમાં 6 સીટ મળી એ પછી પણ કાઁગ્રેસ તો એ જ જૂનો રાગ આલાપે છે કે બિહાર ચૂંટણીમાં ગેરરીતિ થઈ છે ને બે સપ્તાહમાં પુરાવાઓ આપીશું. અગાઉ પણ પુરાવાઓની વાત હતી. આ વખતે પણ એ જ છે, પણ પ્રજા પર તેની ધારી અસર વર્તાતી નથી. તેનું એક કારણ જનસંપર્કની ઓછપ અને પ્રજાનો કાઁગ્રેસ પરથી ઊઠતો જતો વિશ્વાસ છે. એમ પણ લાગે છે કે થોડી સીટો મેળવવા સિવાય કાઁગ્રેસને શાસન કરવાની જ લાલચ કદાચ નથી. 60 સીટ પર આ વખતે કાઁગ્રેસે ઉમેદવારો ઊભા રાખ્યા, જે 2020 કરતાં પણ 10 ઓછા છે. ધારો કે તે બધી સીટ પર જીતે તો પણ બિહારમાં તે સત્તા મેળવી શકે એવી તકો જ ક્યાં છે?
એના કરતાં તો પ્રશાંત કિશોરની જનસુરાજ પાર્ટીનું સાહસ જોવા જેવું છે. એ પાર્ટીએ 238 સીટો પર ચૂંટણી લડી. તેમાં એક વાત એ પણ ખરી કે પ્રશાંત કિશોર પોતે રણનીતિના જાણકાર છે અને બિહારના છે. આમ છતાં પ્રશાંત કિશોરે પોતે ઉમેદવારી ન કરી. તેઓ કિંગમેકર બનવા માંગતા હોય તો વાત જુદી છે, પણ માત્ર રણનીતિની જાણકારી ચૂંટણી જીતવા માટે પૂરતી નથી. સંગઠનનો વ્યાપ અને તેની મજબૂતી પણ જરૂરી છે. તેમાં ય બિહાર જેવું રાજ્ય હોય તો મતદારો સુધી પહોંચવું જ પડે. એ બાબત પ્રશાંત કિશોરને નડી ને પોતાનાં જ રાજ્યમાં સમ ખાવા પૂરતી એક પણ સીટ તેમને ના મળી. એમની પાર્ટીને એક પણ સીટ ના મળી તે તો ખરું જ, પણ આ સાહસે આર.જે.ડી. અને કાઁગ્રેસના મહાગઠબંધનના મતો કાપ્યા અને એનો લાભ એન.ડી.એ.ને આપોઆપ જ મળ્યો.
એની સામે ભા.જ.પ.ની ગ્રાઉન્ડ લેવલે પ્રજાના મત મેળવવાની કામગીરી જે રીતે થાય છે તે જોવા જેવી અને અનુકરણીય છે. અહીં કોઈને વખાણવા કે વખોડવાનો ઉપક્રમ નથી જ, પણ ભા.જ.પ. ચૂંટણી જીતવા જે સ્ટ્રેટેજી ગોઠવે છે તે તેની જીતનું કારણ બને છે. કોઈ સ્તરે ગરબડો ત્યાં ય હશે, પણ ચૂંટણી જીતવા વડા પ્રધાન, કેન્દ્રીય ગૃહ મંત્રી, મંત્રીઓ, નેતાઓ, સાંસદો, વિધાનસભ્યોથી માંડીને નાનામાં નાના કાર્યકરો જે મિશનરી સ્પિરિટથી કામે લાગે છે તે જીતનું કારણ બને છે. વિકાસના કામોની સાથોસાથ ચૂંટણીના પ્રચારને ભા.જ.પ. જરા પણ હળવાશથી નથી લેતો. એ સાથે જ બિહારમાં નીતિશકુમારની ચૂંટણી લક્ષી જે કામગીરીઓ થઈ છે, તેણે પણ બિહારમાં એન.ડી.એ.ની સ્થિતિ વધુ મજબૂત કરી છે. બિહારમાં ભા.જ.પે. જે રીતે 89 સીટ મેળવી છે, તેણે બિહારમાં જ, બિહારની જે.ડી.યુ.ને 85 સીટ સાથે બીજા નંબરે મૂકી છે. ભા.જ.પ.ના નેતાઓ સભામાં જે હવા ઊભી કરે છે તે ત્યાં જ અટકી જતી નથી, તેને નાના મોટા કાર્યકરો મતમાં ફેરવવામાં સફળ પણ થાય છે.
એન.ડી.એ. જીતે એવું તો લાગતું જ હતું, પણ તે એક્ઝિટ પોલની ધારણાથી પણ વધુ સીટ – 202 મેળવીને આટલી મોટી જીત મેળવશે તેણે સુખદ આશ્ચર્ય સર્જ્યું છે. જો કે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે 200થી વધુ સીટ મળવાની આગાહી કરી હતી. લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવને પણ મુખ્ય મંત્રી બનવાના ઓરતા હતા, પણ તેમનું તેજ ઓછું પડ્યું છે. આમ તો બહુમત સિદ્ધ કરવા 243માંથી 122 સીટ જોઈએ તેને બદલે એન.ડી.એ.ને 80 સીટો વધુ મળી છે. તેની સામે મહાગઠબંધન 35માં જ સમેટાઈ ગયું છે. 2020માં એન.ડી.એ.ને મળેલી બેઠકો કરતાં પણ આ વખતે 75 બેઠકો વધુ મળી છે, તો મહાગઠબંધનને લગભગ એટલી જ બેઠકોનું નુકસાન પણ થયું છે. છેલ્લી વખતે જે.ડી.યુ.ને 43 બેઠકો મળેલી, તેને આ વખતે 85 બેઠકો મળી છે. આમ છતાં 89 બેઠકો સાથે ભા.જ.પ. સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવ્યો છે તે નોંધવું ઘટે. નીતિશની છાપ પલટુરામની હતી, પણ અત્યાર સુધી એન.ડી.એ. સાથે રહેવાનો લાભ તેમને બિહારમાં મળ્યો છે. વડા.પ્રધાનનો પણ બિહારમાં પ્રભાવ વધ્યો છે ને મતદારોએ જાતિવાદનું ઝેર નકારીને વિકાસમાં વિશ્વાસ મૂક્યો છે.
એન.ડી.એ.ની જીતમાં નીતિશકુમારની મહિલા કેન્દ્રી યોજનાઓનો પણ મોટો ફાળો રહ્યો છે. સામાજિક સુરક્ષા પેન્શનમાં વધારો, સ્ટાઇપેન્ડના લાભો અને મુખ્ય મંત્રી મહિલા રોજગાર યોજનાનો પ્રચાર જે.ડી.યુ. અને એન.ડી.એ.ને પણ ફળ્યો છે. એક કરોડથી વધુ મહિલાઓના ખાતામાં 10.000 જમા થયા એનું પરિણામ એ આવ્યું કે પુરુષો કરતાં 5 લાખ વધુ મહિલાઓએ મતદાન કર્યું. દેખીતું છે કે એ મત મહાગઠબંધનમાં તો નહીં જ પડ્યા હોય. જો કે, જનસુરાજ પાર્ટીના સ્પોકસ્પર્સન પવન વર્માએ એવો આરોપ મૂક્યો છે કે એન.ડી.એ. સરકારે વર્લ્ડ બેન્કના અન્ય પ્રોજેક્ટ માટે આવેલા 14,000 કરોડ ઉપાડીને બિહારની છેલ્લી ચૂંટણીમાં 1.25 કરોડ મહિલાઓના ખાતામાં જમા કર્યા છે.
આવી રેવડીઓ અન્ય પક્ષો દ્વારા પણ અપાઈ છે. મહિલાઓના ખાતામાં મહિને મહિને અમુક રકમ આપવાનું પણ રાજકીય પક્ષો દ્વારા થાય છે, એટલે કોઈને જ એમાં કશું અજુગતું લાગતું નથી. એ પણ સ્પષ્ટ છે કે એનો હેતુ દયાદાન ધરમનો નથી જ. એ દ્વારા હેતુ તો રાજકીય લાભ ખાટવાનો જ છે. વારુ, મતદારો પણ માન-સ્વમાનને વચ્ચે લાવ્યા વગર ખાતામાં પડતી રકમને સ્વીકારી લે છે. આવી મદદ લેવાય કે કેમ, એવો સવાલ પણ ભાગ્યે જ કોઈને થાય છે. મફતનું અનાજ ખવાય, તો આવી રકમ પણ ખવાય જ, એવું મતદારો પણ સમજી ગયા છે. કંઇ પણ કર્યા વગર આમ મફતનું લેવાનો કોઈને જ સંકોચ થતો નથી, એટલે આ બધું પણ હવે કોઠે પડી ગયું છે. 10,000માં એક મત કંઇ મોંઘો ન ગણાય. આ સાર્વત્રિક છે એટલે એનો હરખ શોક પણ કોઈને ન હોય તે સમજી શકાય એવું છે.
ઠીક છે, મહિલાઓને મદદ નીતિશકુમારને મોંઘી નથી પડી ને એ દસમી વખત બિહારના મુખ્ય મંત્રી બને તો નવાઈ નહીં ! જો કે, 17 નવેમ્બરે નીતિશકુમાર રાજ્યપાલને રાજીનામું આપીને નવી સરકારનો દાવો રજૂ કરે એમ બને. બને કે 20મીએ નીતિશકુમાર મુખ્ય મંત્રી તરીકે શપથ લે ને તેમની સાથે બીજા અઢારેક મંત્રીઓ પણ શપથ લે. ડેપ્યુટી સી એ મ તરીકે ભા જ પ ના સમ્રાટ ચૌધરી, રામકૃપાલ યાદવ, મંગલ પાંડે જેવાં નામો પણ ચર્ચામાં છે. આ વખતે ચિરાગ પાસવાનની પાર્ટી એલ જે પી (આર.) પણ સરકારમાં એન્ટ્રી કરવાની વકી છે ને તેમના પણ ત્રણેક મંત્રીઓ સરકારમાં હોઈ શકે છે. એટલું ખરું કે ભા.જ.પ. અને જે.ડી.યુ.ના મંત્રીઓ સરખે હિસ્સે સરકારમાં હશે. એ તો સમય આવ્યે પાકું થશે.
આમાં રાહુલ ગાંધીનો ગેરરીતિનો મુદ્દો સ્વીકારીએ તો પણ, 202 સીટો એન.ડી.એ.ને ગેરરીતિથી જ મળી હોય તે શક્ય નથી. જો બધી જ ગેરરીતિઓ હોય તો કાઁગ્રેસની 6 સીટો પૂરતી તો ગેરરીતિઓ નથી થઈ એ સ્વીકારવું પડે, કારણ માત્ર ગેરરીતિઓ જ હોત તો 6 સીટો પણ ન મળી હોત. ખરેખર તો કાઁગ્રેસે એ વિચારવાની જરૂર છે કે 1995થી 2025 સુધીમાં 95 ચૂંટણી હારવાનું કેમ બન્યું? રાહુલ ગાંધીના આરોપોમાં તથ્ય હોય તો પણ, આટલી વખત ચૂંટણી હારવામાં દરેક વખતે વાંક સામે જ હતો એમ માનવા કરતાં પોતાને પક્ષે તો કોઈ ભૂલ થતી નથીને એ વિચારવાની જરૂર છે. આરોપો સામેનાને નબળો પાડે, પણ તેથી પોતાની નબળાઈ તંદુરસ્તીમાં ન ખપે તે સમજી લેવાનું રહે …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 17 નવેમ્બર 2025
![]()

