
હિતેશ રાઠોડ
આજકાલ જ્યાં જુઓ ત્યાં સાવ ક્ષુલ્લક મુદ્દે અમુક ચોક્કસ પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓને સરકારના અમુક પગલાં સામેની તેમની અસહમતિને લઈને દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી અને જન-વિરોધી ચિતરી પ્રજામાનસમાં એમની છબીને ઈરાદાપૂર્વક મલિન કરવાનું અભિયાન ચાલી રહ્યું હોય એમ લાગે છે. ઘણી વાર તો તદ્દન વાહિયાત મુદ્દે પણ કોઈ લક્ષિત પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થાઓ માટે દેશ-વિરોધી, રાષ્ટ્ર-વિરોધી, ભારત-વિરોધી, સરકાર-વિરોધી, સેના-વિરોધી વગેરે જેવા વિશેષણોનો ઈરાદાપૂર્વક મારો ચલાવવામાં આવે છે. આમ કરવા પાછળ આસુરી શક્તિના છદ્મ વેશમાં કહેવાતા દેશભક્તો કે રાષ્ટ્રપ્રેમીઓનો આશય જે તે વ્યક્તિ કે સંસ્થાની નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્વચ્છ છબીને લોકોની નજરે દૂષિત કે કલંકિત કરી પોતાની અથવા જેમના માટે તેઓ આ કૃત્ય કરે છે એમની મેલી મુરાદ બર લાવવાનો હોય છે. આસુરી શક્તિના આવા દુષ્પ્રચારી કૃત્યો સામે સરકારનું મૌન અને સહેતુક નિષ્ક્રિયતા એ સરકારની એમાં મૂક સંમતિ દર્શાવે છે. સરકાર કે સરકારમાં સામેલ અન્ય કોઈ પક્ષ કે વ્યક્તિને લગતી કોઈપણ બાબતમાં જરાક જેટલી અસહમતિને પણ સરકારનો વિરોધ માની લઈ જોરશોરથી એવો પ્રચાર કરવામાં આવે છે કે અમુક પક્ષ, વ્યક્તિ, વ્યક્તિ-સમૂહ કે સંસ્થા દેશ વિરોધી છે અને દેશહિત વિરુદ્ધના કાર્યો કરે છે, આવા લોકો પર યેનકેન પ્રકારેણ દેશદ્રોહીનું લેબલ લગાવી પ્રજામાનસમાં એમના વિરુદ્ધ ઝેર ભરવાની વિધ્વંશક પ્રવૃત્તિ પૂરજોશમાં ચાલી રહી છે.
લોકશાહીમાં લોકો અને લોકોનો અવાજ સર્વોપરી છે, પછી એ અવાજ અસહમતિ કે આક્રોશનો કેમ નથી. ઘણી વાર વિરોધ વ્યક્ત કરવાની રીત કદાચ અયોગ્ય હોય તો પણ એ વિરોધમાં રહેલ સચ્ચાઈના સૂરને દબાવી શકાય નહીં. સરકારોને ચૂંટીને મોકલનારા લોકો હોય છે એટલે સરકાર સાથે અસહમત થવાનો એમને હક છે, એમાં સરકારના વિરોધી હોવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી. વસ્તુત: કોઈ ચોક્કસ હેતુ સાથે સમાજમાં વૈમનસ્ય ફેલાવનારા, સમાજસેવાનો અંચળો ઓઢી ફરતા અને રાજકીય પક્ષોનો હાથો બની ફરતા દૂષિત તત્ત્વોને ખુદને જ વિરોધ અને અસહમતિ વચ્ચેના ભેદની ખબર હોતી નથી, એટલે કોઈની વ્યાજબી અસહમતિને પણ વિરોધના વાઘા પહેરાવી લોકોને ગેરમાર્ગે દોરી સમાજમાં વિખવાદની આગ લગાડી એમાં પોતાના સ્વાર્થનો રોટલો શેકી લેતા હોય છે. વાસ્તવમાં તેમની આવી ખંડનાત્મક પ્રવૃત્તિમાં કોઈ દેશહિત હોતું જ નથી, જે હિત હોય છે એ એમનું પોતાનું વ્યક્તિગત હોય છે. આવા ફસાદી તત્ત્વો દ્વારા સમાજમાં ચારેકોર નર્યાં જૂઠાણાં અને ભ્રામક વાતોનો એટલો મારો ચલાવવામાં આવી રહ્યો છે કે સાચા-ખોટાનો ભેદ પારખવાનું લોકો માટે મુશ્કેલ બન્યું છે. આવા સંજોગોમાં લોકોએ હવે આવા લેભાગુ, તકસાધુ અસામાજિક તત્ત્વોને ઓળખવા પડશે. કોઈની પણ વાતો પર આંધળો વિશ્વાસ મૂકતા પહેલા પોતાની સાદી સમજ અને સ્વ-વિવેકનો ઉપયોગ કરી તથ્યો અને હકીકતોને આધારે સત્ય અને અસત્યને અલગ પાડતા શીખવું પડશે, અને તો જ સાચા-ખોટા વચ્ચેનો ભેદ પારખી શકાશે.
પરિવારની ઘરેલું બાબતોમાં ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયમાં પરિવારનો કોઈ સભ્ય અસહમતિ દર્શાવે તો એનો અર્થ એવો જરા ય નથી થતો કે એ વ્યક્તિ પરિવારના વડાની કે પરિવારની વિરોધી છે. ઘરના વડાએ લીધેલ અમુક નિર્ણયોના કારણે પરિવારમાં એવી ઘણી બાબતો આકાર લેતી હોય છે જેમાં પરિવારના કોઈ સભ્ય સંમત ન પણ હોય. આવા સંજોગોમાં એ સભ્ય ઘરના વડા કે પરિવારનો વિરોધી છે એવું અર્થઘટન વાહિયાત છે. સમાજના પ્રાથમિક એકમ એવા પરિવારમાં પણ પરિવારના સભ્યને પણ એટલી સ્વતંત્રતા તો છે જ કે પરિવારની અમુક બાબતોમાં તે અસહમતિ દર્શાવી શકે, ત્યારે સરકારના કોઈ પગલાં કે નિર્ણય વિશે અસહમતિ દર્શાવવી એટલે સરકારના વિરોધી હોવું એ તર્કહીન, વાહિયાત અને સગવડિયું અર્થઘટન છે. પારિવારિક બાબતોનું સંચાલન કરતી વખતે પરિવારના વડાએ જેમ ઘરના અમુક સભ્યોની અસહમતિને ધ્યાને લેવાની હોય છે એમ દેશનો વહીવટ ચલાવતી સરકારે બધી બાબતોમાં પોતાની મનમાની કરવાને બદલે દેશના અદના નાગરિકનો અવાજ પણ કાને ધરવો જોઈએ, પછી ભલે એ અવાજ અસહમતિ અને વિરોધનો કેમ નથી. વળી, સરકાર એ દેશ કે રાષ્ટ્રનો એક ભાગ છે તે સ્વયં દેશ કે રાષ્ટ્ર નથી. દેશની એકેક વ્યક્તિ, સમુદાય, સમાજ, એકમ, સંસ્થાઓ, સંગઠનો, વ્યવસ્થાઓ, તંત્રો અને સંસાધનો વગેરેથી એક દેશ કે રાષ્ટ્ર બને છે. આમાં પાંચ-પાંચ વર્ષે આવ-જા કરતી એવી સરકારનાં કોઈ પગલાં કે કાર્ય સાથે અસહમતિ દાખવવી એ દેશ કે રાષ્ટ્રનો વિરોધ કોઈ કાળે નથી જ નથી. સરકારના નિર્ણય કે પગલાં સાથે અસહમતિ એ સરકાર સાથે અસહમતિ છે, એમાં દેશનો, રાષ્ટ્રનો કે કોઈ વ્યક્તિનો વિરોધ જરા ય નથી. સરકાર પ્રજાથી, પ્રજા માટે અને પ્રજા વતી ચૂંટાય છે. સરકાર કામચલાઉ છે, પ્રજા કાયમી છે. સત્તાધિશોએ એક વાત સમજી લેવી પડશે કે પ્રજાએ એમને પાંચ વર્ષ માટે શાસન ચલાવવા મોકલ્યા છે, કંઈ હમેશ માટે શાસન લખી નથી આપ્યું. સરકાર જે કાંઈ કરે એ બધું સાચું, કાયદેસર, બંધારણીય અને લોકહિતમાં જ હોય એમ માની લેવાને કોઈ કારણ નથી. પ્રજાની સાચી વાત કે અસહમતિને જો અન્યથા લેવામાં આવશે તો પ્રજાના પ્રતિકારનો સામનો કરવાની તૈયારી સત્તાએ રાખવી પડશે.
લોકશાહી શાસનપ્રણાલિનું સૌથી મજબૂત પાસુ હોય તો એ વિરોધ છે. જો કોઈ વિરોધ જ ન હોય તો શાસન કરવામાં વળી શાણપણ કેવું! સાચો શાસક એ છે જે વિરોધીઓને પણ પોતાની સાથે લઈને ચાલે. વિરોધ અને વિરોધીઓનો ડર એ નબળા શાસકની નિશાની છે. દરિયો ખેડતા નાવિકે દરિયામાં કોઈ મોજું એની સામે ન આવવું જોઈએ એમ માનવું એ એની બાલિશતા છે. વિરોધ હોય તો પણ વિરોધથી ડર્યા વિના વિરોધનું સમાધાન કરવાનું કૌવત પણ સરકારે દાખવવું જોઈએ. પોતાના પક્ષીય હેતુઓથી પોતાને અલગ કરી પ્રજાહિત અને લોક-કલ્યાણની દિશામાં કામ કરતી સરકારો જ સાચા અર્થમાં પ્રજાપ્રિય થઈ શકે છે અને લાંબા ગાળા સુધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખી શકે છે.
ભારત એક બિનસાંપ્રદાયિક દેશ છે જેમાં તમામ વ્યક્તિ, સંપ્રદાય અને ધર્મને સમાન મહત્ત્વ આપવામાં આવ્યું છે. અહીં દરેક વ્યક્તિનો સૂર એકસરખું મહત્ત્વ ધરાવે છે, કોઈના પણ સૂરને અવગણી શકાય નહિ, પછી એ સૂર સંમતિનો હોય કે અસંમતિનો. અમુક મુદ્દા પર હું કોઈની સાથે અસહમત છું તો એનો અર્થ એ જરા ય નથી કે હું એમનો વિરોધી છું. અસહમતિને વિરોધમાં ખપાવવાની પ્રવૃત્તિ પાછળ વાસ્તવમાં સત્યને દબાવવાની મંશા છે. અસહમતિને વિરોધના વાઘા પહેરાવી સત્યને બિહામણું દેખાડવાની વૃત્તિ એ વાસ્ત્વમાં સત્ય સામેનો ડર છે.
સરગાસણ, ગાંધીનગર
e.mail : h79.hitesh@gmail.com
![]()

