અંધારામાં પ્રકાશ …

રાજ ગોસ્વામી
19મી સદીના અમેરિકામાં ઓહાયો રાજ્યમાં મિલાન ગામમાં જન્મેલા એક બાળકને અંધકારથી ખૂબ જ ડરતો લાગતો હતો અને રાત્રે તે પોતાના ઘરમાંથી બહાર નીકળવાની હિંમત પણ નહોતો કરતો.
તે નાનો હતો ત્યારે તેના ગામ પાસેથી એક નવી રેલવે લાઈન નંખાઈ હતી. તે અત્યંત જીજ્ઞાસાથી ટ્રેનના એન્જીનને જોઈ રહેતો. રાત્રે અંધારામાં તેને ટ્રેન પસાર થતી હોવાનો અવાજ સંભળાતો. તે દિવસે અખબાર વેચતો હતો અને સમય મળે લાઈબ્રેરીમાં જઇને પુસ્તકો વાંચતો હતો.
અંધારાના ડરના કારણે તેને શરૂઆતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ઘણી વખત તેના કામમાં નિષ્ફળ થવું પડ્યું હતું.
એવી રીતે તે મોટો થયો હતો. તેનું દિમાગ એક સંશોધકનું હતું અને તેણે જાતભાતની ચીજો બનાવી હતી. તેમાંની એક હતી ટંગસ્ટન ફિલામેન્ટના ઉપયોગથી સળગતો લાઈટ બલ્બ.
જી, હા. ફિલામેન્ટની શોધ કરનારા આ બાળકનું નામ હતું થોમસ અલ્વા એડિસન. તેણે લગભગ 1,000 નિષ્ફળ પ્રયાસો પછી બલ્બની શોધ કરી હતી. તેના સમયમાં, ગેસ અને કેરોસીનથી ચાલતા બલ્બો ઉપલબ્ધ હતા, પરંતુ માથા પર લટકતો હોય અને ઓછા કરંટથી ચાલતો હોય તેવો બલ્બ બનાવાનું શ્રેય તેને જાય છે.
1931માં, ન્યુજર્સીમાં તેનું અવસાન થયું, ત્યારે તેના એ વિશાળ ઘરમાં દરેક રૂમ લાઈટ બલ્બથી ઝળહળી રહ્યા હતા. એડિસનનો જન્મ અંધકારમાં થયો હતો અને મૃત્યુ પ્રકાશમાં થયું હતું.
***
અંગ્રેજીમાં એક જૂની અને જાણીતી કહેવત છે; આવશ્યકતા એ આવિષ્કારની જનની છે. માણસો જ્યારે જંગલમાં રહેતા હતા અને તેમને બચાવ કરવાની કે શિકાર કરવાની જરૂરિયાત મહેસૂસ થઇ, ત્યારે તેમણે તીર-કામઠાં, ભાલા કે તલવારની શોધ કરી હતી.
માણસોને જ્યારે પકાવેલું ખાવાની જરૂરિયાત ઊભી થઇ, ત્યારે તેમણે અગ્નિની શોધ કરી. તેમને જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ઝડપથી જવાની જરૂર લાગી, ત્યારે તેમણે પૈંડાની રચના કરી. તેમને રાતનું અંધારું દૂર કરવાનું ઉપયોગી લાગ્યું, ત્યારે તેમણે દીવા, ફાનસ અને બલ્બનું નિર્માણ કર્યું.
આપણા રોજિંદા જીવનનાં જેટલાં પણ આવશ્યક કાર્યો છે, તેની શોધ ત્યારે થઈ જ્યારે આપણને તેની જરૂરિયાતનો અનુભવ થયો હતો.
થોડા વખત પહેલાં, એક અંગ્રેજી સમાચારપત્રમાં, ફેવિકોલ બનાવતી કંપનીના ગુજરાતી માલિક બળવંત રાય પારેખનો પરિચય આવ્યો હતો. તેમાં એક સરસ વાત લખી હતી કે સામાન્ય રીતે અધેસિવ અને સીલન્ટ જેવાં કન્સ્ટ્રકશન તેમ જ ઇન્ડસ્ટ્રીઅલ કેમિકલ બનાવતી કંપનીનો ઉલ્લેખ બહુ બહુ તો કોમર્સિયલ હેન્ડબુક્સમાં હોય અથવા સુથારીઓ કે મિસ્ત્રીઓને તેની ખબર હોય, પરંતુ બલવંત રાયની પિડિલાઈટ એક માત્ર એવી કંપની છે, જે તેની ફેવિકોલ અને એમસીલ જેવી બ્રાન્ડ્સ મારફતે માર્કેટમાં આગેવાન બની ગઈ એટલું જ નહીં, તેનું નામ ભારતમાં ઘરે ઘરે જાણીતું થઇ ગયું.

આજે કોઈને ખ્યાલ પણ ના આવે કે ઘેર-ઘેર છોકરાઓના સ્ટડી ટેબલોના ખાનામાં અચૂક જોવા મળતી ફેવિકોલની ટ્યુબ, એક સમયે મુંબઈના સુથારીઓને ધ્યાનમાં રાખીને બનાવામાં આવી હતી. ફેવિકોલને આટલું માન-પાન આપવાની આ સિદ્ધિ બલવંત રાયે તેમની આગવી માર્કેટિંગ શૈલીથી હાંસલ કરી હતી.
75 વર્ષ થઇ ગયાં એ વાતને. 1959માં તેમણે આ કંપનીની શરૂઆત કરી હતી અને આજે તે 7,000 કરોડની બની ગઈ છે. તેમનું ફેવિકોલ રોજના 29 કરોડનું વેચાણ કરે છે. ફેવિકોલની આ મજબૂતી પાછળ એક ગુજરાતી સાહસિકનું ભેજું છે. કોણ છે આ બળવંતરાય પારેખ?
ગુજરાતના ભાવનગર જિલ્લાના મહુઆ શહેરમાં 1925માં જન્મેલા બલવંત રાય કલ્યાણજી પારેખનો પરિવાર ઇચ્છતો હતો કે તેઓ વકીલ બને. તેઓ કાયદાનો અભ્યાસ કરવા માટે મુંબઈ આવ્યા હતા. અહીં તેઓ મહાત્મા ગાંધીના પ્રભાવ હેઠળ આવ્યા હતા. કાયદાનું તો ભણ્યા, પણ વકીલ ના બન્યા. તેમણે ભારત છોડો આંદોલનમાં પણ ભાગ લીધો હતો.
આ દરમિયાન, તેઓ લાકડાના વેપારીની કચેરીમાં પ્યૂન બન્યા, જ્યાં તેઓ તેમની પત્ની સાથે વેરહાઉસમાં રહેતા હતા. પરંતુ બળવંત રાય પોતાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હતા, તેથી તેમણે મોહન નામના રોકાણકારની મદદથી પશ્ચિમી દેશોમાંથી ભારતમાં સાયકલ, સોપારી અને કાગળના રંગોની આયાત કરવાનો વ્યવસાય શરૂ કર્યો.
આ કામની વચ્ચે એક જર્મન કંપની હોચેષ્ટ તેમના સંપર્કમાં આવી. એમાં બલવંતભાઈને જર્મની જવાની તક મળી. ત્યાં તેઓ ઘણું શીખ્યા. જર્મનીથી પરત ફરીને તેમના ભાઈ સાથે ડાયકેમ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપની શરૂ કરી. તેમની કંપની મુંબઈમાં જેકબ સર્કલ ખાતે રંગો, ઔદ્યોગિક રસાયણો, રંગદ્રવ્ય મિશ્રણ એકમના ઉત્પાદન અને વેપારમાં સંકળાયેલી હતી.
તેમણે લાકડાં વચ્ચે ઘણો સમય પસાર કર્યો હતો. તેમણે જોયું હતું કે લાકડાંને ચોંટી રહેવામાં બહુ સમય લાગે છે. તે જોતા હતા કે ફર્નિચર બનાવતા સુથારીઓને એમાં બહુ અગવડ પડતી હતી અને તે જે ફર્નિચરો તૈયાર કરતા હતા તેનાં લાકડાં જલદી ઉખડી પણ જતાં હતાં.
એટલે તેમણે એક એવો ગુંદર બનાવવાનું શરૂ કર્યું જે અંતે ફેવિકોલ નામથી પ્રખ્યાત થયો. ફેવિકોલ આવી તે પહેલાં, ફર્નિચર ચોંટાડવા માટે પ્રાણીઓની ચરબીમાંથી ગુંદર બનાવામાં આવતો હતો. એમાં સુથારનો આખો દિવસ જતો હતો. તે પછી પણ તે ટકાઉ નહોતો અને તેમાંથી દુર્ગંધ આવતી હતી. બળવંત રાયે આ સમસ્યાના ઉકેલ વિશે વિચાર્યું હતું.
ફેવિકોલે લાકડાંનું કામ કરતા કારીગરોના કામને સરળ બનાવી દીધું. બળવંત રાયે સૌથી પહેલાં ફેવિકોલને સીધું સુથારને વેચવાનું શરૂ કર્યું હતું. આની પાછળનો તેમનો તર્ક એવો હતો કે ગ્રાહકો જ્યારે સોફા, ટેબલ અથવા દરવાજો ખરીદે અથવા બનાવડાવે, ત્યારે તેમને એ ચિંતા નથી હોતી કે તેમાં કયો ગુંદર વાપર્યો છે. તેઓ તો સુથાર કહે તે સામાન લાવી આપતા હતા અથવા સુથાર જે સૂચવે તે ચલાવી લેતા હતા.
બળવંત રાયને ખ્યાલ આવ્યો કે આ ધંધામાં સૌથી મહત્ત્વની કડી સુથાર છે. સુથારને જો સાધી લઈએ તો ફેવિકોલનું બજાર ઊભું થાય. એટલે તેમણે સુથારીઓને નિશાન બનાવ્યા અને એક-એક સુથારીઓ સુધી ફેવિકોલ પહોંચાડ્યું. ધીમે ધીમે, તેમની આ રીત સફળ થઈ અને ફેવિકોલ માટે એક મોટું બજાર બની ગયું.
બલવંત રાય સુથારીઓને ખુશ રાખતા હતા. તેમની સાથે બેઠકો કરતા, તેમને ચા-નાસ્તો કરાવતા, તેમને યાત્રાસ્થળોએ મોકલતા, તેમના માટે પતંગ સ્પર્ધા યોજતા. તેમણે એ રીતે સુથારીઓને નવા પ્રકારના ગુંદરનો ઉપયોગ કરવાનું શીખવાડ્યું હતું.
તે તેમની પાસેથી ફીડબેક પણ મેળવતા હતા. એકવાર એક સુથારીએ તેમને કહ્યું કે ફર્નિચર પર પાણી લાગે તો સમસ્યા થાય છે, ત્યારે તેમણે ફેવિકોલ મરીન બનાવ્યું. સુથાર સાથે મળીને તેમણે નવું ઉત્પાદન શરૂ કર્યું અને તેના દ્વારા તેનું માર્કેટિંગ કર્યું.
પાછળથી કંપનીનું નામ બદલીને પિડિલાઇટ કરવામાં આવ્યું હતું. કંપનીએ તે પછી ક્યારે ય પાછળ વળીને જોયું નહીં. બદલાતી દુનિયા સાથે, ફેવિકોલથી લઈને ફેવિકવિક સુધીની ચીજો બનાવવાની શરૂઆત થઈ. આ ઉપરાંત કંપની એમસીલ જેવી ઘણી પ્રોડક્ટ્સ બજારમાં લાવી હતી.
પિડિલાઈટ કંપનીની વેબસાઈટ પર, બલવંતરાયના પરિચયમાં લખવામાં આવ્યું છે કે તેમને મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઇનનું એક વિધાન ગમતું હતું; હું દિવસમાં અનેક વખત મને યાદ કરાવું છું કે મારું આંતરિક અને બાહ્ય જીવન બીજા જીવિત કે મૃત લોકોના પરિશ્રમ પર નિર્ભીત છે, અને મારે એટલા જ પ્રમાણમાં પાછું આપવા માટે પ્રયાસ કરવો જોઈએ જેટલા પ્રમાણમાં મને પ્રાપ્ત થયું છે અને હજુ થઇ રહ્યું છે.
1934માં જર્મનમાં અને 1954માં અંગ્રેજીમાં પ્રકાશિત, આઇન્સ્ટાઇનના પુસ્તક ‘ધ વર્લ્ડ એઝ આઈ સી ઈટ’માં આ વિધાન છે. આઇન્સ્ટાઇન તેમાં એમ કહેવા માંગતા હતા કે માનવ જીવનની બુનિયાદ પારસ્પરિક સંબંધ અને નિર્ભરતા છે.
કેવું કહેવાય છે કે બળવંતરાય માનતા હતા કે અંગત જીવન હોય કે વ્યવસાયિક, તે એક બીજાના સહકાર અને આદાનપ્રદાન પર જ પ્રગતિ કરે છે, અને તેમની ફેવિકોલ બ્રાન્ડ પણ ચીજવસ્તુઓને જોડવાનો દાવો કરે છે. વ્યક્તિનું હોય કે વસ્તુનું, જીવન અંતે તો આવી જુગલબંધીઓનું જ પરિણામ છે. તેમને સુથારીઓની સમસ્યામાં અવસર દેખાયો હતો.
બળવંત રાય પારેખની આ કહાનીમાંથી એક મહત્ત્વનો બોધપાઠ એ છે કે જીવનમાં અવસરો અને સફળતા સમસ્યાઓને ઓળખવામાં અને તેનાં ક્રિએટિવ સમાધાનો શોધવામાંથી આવે છે. બળવંત રાય પહેલા માણસ હતા જેમણે સુથારીઓને નડતી ગુંદરની સમસ્યા જોઈ હતી. કોઇપણ બિઝનેસ અંતત: તો લોકોની સમસ્યા ઉકેલવામાંથી, તેમની જરૂરિયાત પૂરી કરવામાંથી આવે છે.
આ વાત જીવનને પણ લાગુ પડે છે. સુખ એટલે સમસ્યાઓની ગેરહાજરી નહીં, પણ સમસ્યાઓનું સમાધાન છે. કોઇને આર્થિક સમસ્યા છે, કોઇને સ્વાસ્થ્યની સમસ્યા છે, કોઇને સંબંધની સમસ્યા છે અથવા કોઇને કામકાજની સમસ્યા છે. સમસ્યા વિહીન જીવન નથી હોતું. જે સૌથી સુખી છે તેને પણ કોઇને કોઇ સમસ્યા હોય છે. આપણે છેલ્લા શ્વાસ સુધી નાની-મોટી સમસ્યાઓનો સામનો કરતા રહીએ છીએ.
અંતત: આપણું સુખ કે દુઃખ એ વાત પર નિર્ભર કરે છે કે સમસ્યાઓ હલ થાય છે કે એકત્ર થાય છે. જીવન પઝલ જેવું હોય છે. એ રોજ નવી ચેલેન્જ આપતું રહે છે અને આપણે તેનો ઉચિત ઉપાય શોધતા રહેવાનું હોય છે. એટલા માટે, હું જેટલી વધુ સમસ્યાઓનાં સમાધાન કરું, મારા સુખનો અહેસાસ એટલો વધે છે.
(પ્રગટ : “ચિત્રલેખા”, ‘સુખોપનિષદ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ; 24 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

