ગ્રંથયાત્રા – 18
જવાહરલાલ નેહરુ (૧૮૮૯-૧૯૬૪) જો કોઈ જુદા સમય ગાળામાં જીવ્યા હોત તો તેમણે પોતાનું સમગ્ર જીવન કદાચ લેખનને જ અર્પણ કર્યું હોત. નેહરુએ પોતાનું જીવન પ્રવૃત્તિઓની આંધીમાં વિતાવ્યું, પણ પોતાની આસપાસ તેમણે પ્રવૃત્તિઓની આંધી કરતાં ય વધારે તો વિચારોની વધુ મોટી આંધી સર્જી. અને આ બધા કરતાં વધુ મોટી આંધી તો તેમના ચિત્તમાં ચાલી રહી હતી. આ ચિત્તની આંધીનો થોડો પરિપાક આપણને તેમના સ્મરણીય ગ્રંથોમાં મળ્યો.
લોક સમુદાયને જોઈને જવાહરલાલ નેહરુ જેટલું નવું જોમ મેળવતા તેટલું જ નવું જોમ પુસ્તકોના સહવાસમાંથી પણ તેઓ મેળવતા. સ્વરાજ માટેની લડતનું આહ્વાન ન હોત તો પંડિતજીએ પોતાનું જીવન કદાચ લેખનને જ અર્પણ કર્યું હોત. નેહરુનું સૌથી મહત્ત્વનું અને જાણીતું પુસ્તક છે તેમની અત્મકથા. તેમનું બીજું મહત્ત્વનું પુસ્તક તે ‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા.’ ૧૯૪૬માં પ્રગટ થયેલા આ પુસ્તકનો મણિભાઈ નિ. દેસાઈએ ‘મારું હિંદનું દર્શન’ નામે કરેલો અનુવાદ ૧૯૫૧માં નવજીવન તરફથી પ્રગટ થયો હતો. આત્મકથાની જેવી જ વિશાળ, સ્વસ્થ અને વિવિધલક્ષી શૈલીમાં લખાયેલું આ પુસ્તક આત્મકથા કરતાં વધુ ગંભીર અને ચિંતનાત્મક છે.
‘ક્વિટ ઇન્ડિયા ચળવળ દરમિયાન નેહરુ અહમદનગર જેલમાં હતા ત્યારે તેમણે આ પુસ્તક લખેલું. એટલે સંદર્ભ માટેનાં બહુ ટાંચાં સાધનો તેમની પાસે હતાં, અને એટલે તેમણે મુખ્યત્વે પોતાની સ્મૃતિ પર જ આધાર રાખવો પડેલો. પણ ભારતના ઇતિહાસના તેઓ કેવા તો મરમી જાણતલ હતા એનો ખ્યાલ આ પુસ્તક વાંચતાં આવ્યા વગર રહે નહીં. વિગતોમાં કશુંક ખૂટતું હોય, કે માહિતીમાં કશું થોડું આઘુંપાછું થયું હોય એવું ક્યાંક ક્યાંક લાગે, પણ ભારતના ઇતિહાસનું જે અખંડ દર્શન અહીં જોવા મળે છે તે ભલભલા ઇતિહાસકારોને પણ આશ્ચર્ય પમાડે એવું છે.
‘ડિસ્કવરી ઓફ ઇન્ડિયા’માં ભારતનો ઇતિહાસ આલેખાયો છે ખરો, પણ તે માત્ર ઇતિહાસનું પુસ્તક નથી. હકીકતમાં એ ઇતિહાસ-ચિંતનનું પુસ્તક છે. નેહરુની દૃષ્ટિ ઐતિહાસિક છે ખરી, પણ તે માત્ર ઇતિહાસકારની નથી. તેમની દૃષ્ટિ એક બહુશ્રુત વિદ્વાન, અર્વાચીન માનસ ધરાવતા પ્રતિભાશાળી વિચારકની છે. પુસ્તકમાં તેમણે અનેક વિષયો પરના પોતાના વિચારો પ્રગટ કર્યાં છે. પણ તે બધામાં એક સૂત્ર સળંગપણે જોવા મળે છે : ભારતની સંસ્કૃતિ અને સમાજનાં વિશિષ્ટ ગુણો અને શક્તિઓ તથા ભૂત, વર્તમાન અને ભાવિમાં હિંદના વિદેશો સાથેના સંબંધો અંગેની તલસ્પર્શી અને તટસ્થ શોધ.
આ પુસ્તક ત્રણ ભાગમાં વહેંચાયેલું છે : ઉપોદ્ઘાત, ભારત-દર્શન, અને ઇતિહાસ ચિંતન. તેમાં ઉપોદ્ઘાતને અને તે પછીના કમળા નેહરુ વિશેના પ્રકરણને અગાઉ પ્રગટ થયેલી આત્મકથાના અનુસંધાન રૂપે જોઈ શકાય તેમ છે. ઉપોદ્ઘાતમાં નેહરુએ પોતાનાં મનોમંથનો, વિચારો અને ઊર્મિઓ તેમની સાહજિક મનોહર શૈલીમાં પ્રગટ કર્યાં છે. ઉપોદ્ઘાત વાંચતાં સમજાય છે કે નેહરુને ઐહિક, આ પૃથ્વી પરના, જીવનમાં જ રસ છે. પારલૌકિક જીવનમાં નથી. તેઓ નાસ્તિક નથી પણ પરંપરાવાદી ધાર્મિક માન્યતાઓ અને ક્રિયાકાંડો પ્રત્યે તેમને સૂગ છે. તેમની માન્યતા અનુસાર ‘જીવંત ફિલસૂફીએ સાંપ્રત સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ.’
જ્યારે તેઓ ઇતિહાસ તરફ વળે છે ત્યારે તેમને ભારતની શક્તિઓ અને નબળાઈઓનું દર્શન થાય છે. દેશની અવનતિનું મુખ્ય કારણ ધર્મભાવના પર અતિશય ભાર અને વૈજ્ઞાનિક કે શાસ્ત્રીય દૃષ્ટિનો અભાવ હોવાનું તેઓ માને છે. પણ નેહરુ ભારતના ભાવિ અંગે પૂરેપૂરા આશાવાદી છે. કહે છે : “જે રીતે હિન્દની રચના થઈ છે તે જોતાં એ જગતમાં બીજા દરજ્જાનું કે ગૌણ સ્થાન લઈ શકે નહીં. કાં તો તેની ગણના મહાન દેશોમાં થશે, નહીં તો તેની અવગણના થશે. આ બે વિકલ્પો વચ્ચેનું બીજું કોઈ સ્થાન મને આકર્ષતું નથી, તેમ જ એવું ગૌણ સ્થાન શક્ય પણ નથી.”
ભારતના ઇતિહાસના નિરૂપણનો આરંભ મોહે-જો-દડોની સંસ્કૃતિથી કરીને નેહરુ વેદકાલીન ભારતનું ચિત્ર રજૂ કરે છે. ભારતીય તત્ત્વજ્ઞાનના મુખ્ય સિદ્ધાંતો તેઓ તપાસે છે અને લાક્ષણિક રીતે ‘હિંદુ’ શબ્દની વ્યુત્પત્તિ કઈ રીતે થઈ તે સમજાવે છે. બુદ્ધ અને મહાવીર અને તેમના ધર્મોની તથા હિંદુ ધર્મ પરની તેમની અસરની તેઓ ચર્ચા કરે છે. પુસ્તકનો આ ભાગ વાંચતાં જણાય છે કે નેહરુને ભગવાન બુદ્ધ અને બુદ્ધ ધર્મ પ્રત્યે સવિશેષ પક્ષપાત છે. આ ખંડમાં નેહરુએ દેશનાં કલા અને સાહિત્યના વિકાસની અને વારસાની આલોચના પણ કરી છે. મુસ્લિમ હકૂમત અને બ્રિટિશ શાસનને પણ તેમણે અહીં આવરી લીધાં છે. ૧૯૪૨માં ‘હિન્દ છોડો’નો ઠરાવ પસાર થયો ત્યાં સુધી આવીને આ પુસ્તકમાંનું ઇતિહાસનું નિરૂપણ અટકે છે.
ત્રીજો ખંડ ઇતિહાસ ચિંતનનો છે. નેહરુ માને છે કે પશ્ચિમના દેશો પ્રગતિશીલ દૃષ્ટિ, કાર્યદક્ષતા, અને સાહસિકતા ધરાવતા હતા અને તેમને ઇહ લોકની જ ચિંતા હતી, પરલોકની નહીં. નેહરુ માને છે કે ભારત અને ચીને પશ્ચિમના દેશો પાસેથી આ અંગે બોધપાઠ લેવો જોઈએ. આ ખંડમાં તેઓ ફરી ધર્મ અને વિજ્ઞાન વચ્ચેના વિસંવાદનો ઉલ્લેખ કરે છે, અને વૈજ્ઞાનિક પદ્ધતિ અને જ્ઞાનને વિકસાવવાનો આગ્રહ કરે છે. નેહરુના આદર્શો બે છે : માનવતાવાદ અને વૈજ્ઞાનિક તાસીર. આ બંને વચ્ચે સમન્વય થતાં તેમાંથી વૈજ્ઞાનિક માનવતાવાદનો જન્મ થયો છે.
આઝાદી પછી દેશના શાસનનાં સૂત્રો નેહરુ જેવી ચિંતનશીલ અને વિદ્વાન વ્યક્તિએ સંભાળ્યાં અને ૧૯૬૪ના મે મહિનાની ૨૭મી તારીખે તેમનું અવસાન થયું ત્યા સુધી સતત સાચવ્યાં એ આપણા દેશનું એક પરમ સદ્ભાગ્ય હતું. એક ગાંધીજીને બાદ કરતાં બીજા નેતાઓની નજર જ્યારે માત્ર આઝાદી મેળવવા સુધી જ પહોંચતી હતી ત્યારે નેહરુની આંખ સામે સ્વતંત્ર ભારતના ભાવિ વિકાસની બ્લુપ્રિન્ટ હતી. આઝાદી મળી તે પછી એ બ્લુપ્રિન્ટને શક્ય તેટલી હદે સાકાર કરવાનો સંનિષ્ઠ પ્રયત્ન તેમણે કર્યો. આજે દુનિયાના ઘણા દેશો માનની અને અપેક્ષાની નજરે આપણા દેશને જોતા થયા હોય તો તેના પાયામાં જવાહરલાલ નેહરુનું આર્ષદર્શન રહેલું છે. આ વાત લોકો ભૂલી જાય એ માટે દેશમાં જ અથાક પ્રયત્નો થઈ રહ્યા છે. પણ એ વાત ભૂલવા જેવી નથી.
XXX XXX XXXX
14 નવેમ્બર 2025
e.mail : deepakbmehta@gmail.com
![]()

