
રવીન્દ્ર પારેખ
10 નવેમ્બર, 2025ની ઠંડી સાંજે 6.52 વાગ્યે દિલ્હીના લાલ કિલ્લા મેટ્રો સ્ટેશનનાં ગેટ નંબર 1 નજીક ચાલતી કારમાં બોમ્બ બ્લાસ્ટ થયો અને આજુબાજુનાં વાહનોનો કૂચો વળી ગયો તો, તેર લોકોનાં ચીંથરાં ઊડી ગયાં. વીસથી વધુ લોકો ગંભીર રીતે ઘવાયાં ને તેઓ અત્યારે સારવાર હેઠળ છે. ભૂતાન પ્રવાસેથી આવીને વડા પ્રધાને ઘાયલોનાં ખબરઅંતર પૂછ્યાં, તો કેન્દ્રીય ગૃહ મંત્રી મીટિંગ પર મીટિંગ કરીને આ બ્લાસ્ટ આતંકી કાવતરું છે કે નહીં એની તપાસમાં લાગેલા છે. ગઈ કાલના સમાચારમાં વડા પ્રધાને એ સ્પષ્ટ કર્યું છે કે આ આતંકી હુમલો છે અને જવાબદાર કોઈને પણ બક્ષવામાં નહીં આવે, એવી રાબેતા મુજબની જાહેરાત પણ તેમણે કરી છે.
પહેલગામમાં જાતિ પૂછીને આતંકીઓએ થોડા હિંદુ પુરુષોને મોતને ઘાટ ઉતાર્યા ને એનો બદલો લેવા ઓપરેશન સિંદૂર દ્વારા પાકિસ્તાનને પાઠ ભણાવાયો, તો આતંકીઓએ દિલ્હીના લાલ કિલ્લા નજીક બોમ્બ બ્લાસ્ટ કરી તેર નિર્દોષ લોકોના જીવ લીધા. હવે ભારત આતંકીઓને સબક શીખવવા કંઇ કરશે તો આતંકીઓ વળી ક્યાંક બ્લાસ્ટ કરશે અને એમ ચાલ્યા કરશે. દિલ્હી હુમલાની સમાંતરે 6 લિટર રાઈઝિન નામનું કાતિલ ઝેર પાઈને હજારોની કતલ કરવાનો પર્દાફાશ થયો છે એ પરથી લાગે છે કે આ દેશમાં આતંકીઓ ઝેરની જેમ ફેલાયેલા છે ને એને આ દેશના ગદ્દારોનો સાથ છે, એટલે આતંકીઓને ફાવતું આવ્યું છે. આ વખતના આતંકી હુમલામાં આઘાતજનક વાત એ છે કે આમાં ડોકટરો આતંકવાદી તરીકે પ્રગટ થયા છે. જો કે, ડોક્ટર હોય કે અભણ, આતંકીઓ સરખી જ ઉગ્રતા ને આક્રમકતા ધરાવતા હોય છે.
આખો ઘટના ક્રમ જોવા જેવો છે. રવિવારે ગુજરાતમાંથી ત્રણ આતંકીઓ પકડાય છે. સોમવારે સવારે હરિયાણાના ફરીદાબાદમાંથી 2,900 કિલો વિસ્ફોટકો મળે છે ને એ જ સાંજે દિલ્હીના લાલ કિલ્લા નજીક કારમાં વિસ્ફોટ થાય છે. એમ લાગે છે કે ગુજરાત, હરિયાણા અને દિલ્હી આતંકવાદીઓનાં નિશાના પર છે. આ તો જાહેર થયું છે એટલે, બાકી, ખબર ન પડે એવી કેટલી જગ્યાઓ પર આતંકીઓ હુમલા માટે સજ્જ હશે તેની તો અટકળ જ કરવાની રહે છે. દુનિયા જાણે છે કે આ હુમલા પાછળ પાકિસ્તાન અને તેના પાળેલા આતંકીઓનો હાથ છે. હવે તો કોઈ પણ બ્લાસ્ટમાં પાકિસ્તાન સંડોવાયું હશે એવું આંખ મીંચીને કહી શકાય એમ છે. વિશ્વ આખામાં આતંકી પ્રવૃત્તિઓમાં પાકિસ્તાનનો હાથ રહ્યો છે. આટલા હુમલાઓ પછી પણ ભારત સર્જિક્લ સ્ટ્રાઈક કે ઓપરેશન સિંદૂરથી સંતોષ માને તે અપૂરતું છે. ખરેખર તો ઓપરેશન સિંદૂર વખતે જ આ પાર કે તે પાર કરવાની જરૂર હતી, તેને બદલે યુદ્ધવિરામ કરી લીધો તે ઠીક ન થયું. યુદ્ધ જ ન હતું, તો યુદ્ધવિરામ કેવો? એમાં અમેરિકી પ્રમુખ ટ્રમ્પને ભાવ ખાવાનું થયું કે યુદ્ધવિરામ તેમણે કરાવ્યો ને એ પાછું અનેક વખત અનેક ઠેકાણે તેમણે ગાયું પણ ખરું. મોડું કે વહેલું, પાકિસ્તાન નકશા પરથી નહીં ભૂંસાય, તો તે થોડે થોડે વખતે સરહદ પર કે શહેરોમાં આતંકી ઉત્પાત કર્યા વગર રહેવાનું નથી ને આટલો વખત આતંકી હુમલાઓ દ્વારા યુદ્ધ માટે ઉશ્કેરતું હોવા છતાં, ભારત લડી લેવા તૈયાર જ ન થાય તે બરાબર નથી.
આતંકી હુમલાઓ દ્વારા છાશવારે પાકિસ્તાન ભારતીય સૈનિકોને અને નિર્દોષ નાગરિકોને મોતને ઘાટ ઉતારે છે, તો ભારત પણ સામે સર્જિકલ સ્ટ્રાઈક કરીને કે ઓપરેશન સિંદૂર દ્વારા કાળો કેર વર્તાવે છે. એમાં પાકિસ્તાનને તો જાનમાલની જે હાનિ થતી હશે તે હશે, પણ એમાં આપણા સૈનિકો અને નાગરિકો કારણ વગર મરે છે તે ભૂલવા જેવું નથી. વગર યુદ્ધે, યુદ્ધ જેટલો સંહાર થતો હોય તો યુદ્ધથી દૂર રહીને નિર્દોષોનાં લોહી ક્યાં સુધી વહાવીશું તે વિચારવા જેવું છે.
ઓપરેશન સિંદૂર હાથ ધરાયેલું ત્યારે એવા દાવાઓ કરાયેલા કે હવે પછી પાકિસ્તાન આતંકી હુમલાઓ કરતા પહેલાં હજાર વાર વિચાર કરશે ને ગમ્મત જુઓ કે બીજો આતંકી હુમલો કરવામાં પાકિસ્તાને 6 મહિના પણ રાહ જોઈ નથી. ભારતના બધા દાવાઓને લેખામાં લીધા વિના પાકિસ્તાને સામે પડકાર ફેંક્યો છે કે અમારે હજાર વાર વિચારવાનું જ નથી, અમે તો દિલ્હી જેવો હુમલો કરતા આવ્યા છીએ ને કરતા રહીશું, તમે હજાર વાર વિચારો કે અમને કેવી રીતે પહોંચી વળશો? એ ભારતે નક્કી કરવાનું છે કે તેણે ઓપરેશન સિંદૂરથી અટકી જવું છે કે પાકિસ્તાનને જમીનદોસ્ત કરવું છે? એ ખરું કે આંતર રાષ્ટ્રીય સ્તરે ભારતે વિચારવાનું રહે, પણ ટ્રમ્પ જેવા તળિયા વગરનાં લોટા આમથી તેમ લોટતા રહેતા હોય, ઘડીમાં ભારતને વખાણતા હોય, તો ઘડીમાં પાકિસ્તાનને ખોળે લીધું હોય તેમ તેની આરતી ઉતારતા હોય, ત્યારે તેમનું માનવા કરતાં સ્વતંત્ર નિર્ણય લઈ પાકિસ્તાનનો ઘડો લાડવો કરી નાખવો જોઈએ, એવું નહીં? પાકિસ્તાને દિલ્હીમાં બ્લાસ્ટ કર્યો ત્યારે અમેરિકા કે ચીનને પૂછ્યું નથી, તો ભારતે શું કામ કોઈની પણ શરમે જાતે વેઠતાં રહેવું જોઈએ?
ભારતને પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશનો પડોશ આજ સુધી ફળ્યો નથી. બાકી, હતું તે બાંગ્લાદેશ અને પાકિસ્તાન નજીક આવી રહ્યાં છે. તે ય ઓછું હોય તેમ 11 નવેમ્બરે ઈસ્લામાબાદમાં ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં આત્મઘાતી હુમલામાં બારેક લોકોનાં મોત થાય છે અને પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફ દોષનો ટોપલો ભારતને માથે નાખે છે ને દિલ્હી બોમ્બ બ્લાસ્ટને રહસ્યમય હુમલો ગણાવી હાથ ઊંચા કરી દે છે. પાકિસ્તાન એટલું જૂઠું રાષ્ટ્ર છે કે પોતાના દેશમાં જ આતંકી હુમલો કરાવીને ભારતને જવાબદાર ઠેરવતાં તે સહેજે શરમાય એમ નથી.
અધૂરામાં પૂરું પ્રાપ્ત માહિતી પ્રમાણે આતંકીઓ બાબરીનો બદલો લેવા માંગતાં હતા ને દેશભરમાં 32 કારોથી વિસ્ફોટ કરવાનું તેમનું કાવતરું હતું. દિલ્હીનો બ્લાસ્ટ એ કાવતરાનો જ એક ભાગ હતો. ટૂંકમાં, પાકિસ્તાન, ચીન અને બાંગ્લાદેશ ઉપદ્રવો કરીને ભારતની ઊંઘ હરામ કરવાનો જ હેતુ ધરાવે છે, તો, જેનો સફાયો કરી શકાય એમ છે, તે પાકિસ્તાનની શરમ ભારતે શું કામ રાખવી જોઈએ? ભારતે હુમલો કરવા દરેક વખતે પાકિસ્તાન હુમલો કરે એની રાહ જોવાનું કોઈ કારણ છે?
એ સાથે જ ભારતમાં જ ભારતના ગદ્દારો આતંકી હુમલાની તકો ઊભી કરી આપે છે, તે પણ ધ્યાને લેવાની જરૂર છે. દિલ્હી બ્લાસ્ટમાં કાશ્મીરના ડોક્ટરની ભૂમિકા કેન્દ્રમાં રહી છે. એ સાથે જ આતંકી ડોકટરોનાં નામ પહેલી વાર સામે આવ્યાં છે. આતંકીઓને અહીંનો સાથ ન હોય તો 2,900 કિલો વિસ્ફોટકો ફરીદાબાદ સુધી પહોંચે કઈ રીતે? કમનસીબી એ છે કે આતંકી ડોકટરોમાંની એક ડો. શાહીન શાહિદ લખનૌની છે ને મહિલા જમાત-ઉલ મોમિનીનની હેડ છે. આવા તો કેટલા ય ભારતમાં રહીને ભારતની ઘોર ખોદતાં હશે. બહારના આતંકીઓને તો મારી પણ ભગાવીએ, આ તો ઘરનાં દીવા આગ લગાડે છે, તે કેમ હોલવવી એ પ્રશ્ન છે.
આમ તો સરકારે દિલ્હી બ્લાસ્ટ આતંકવાદી કૃત્ય છે, એવું પ્રમાણિત કરી દીધું છે, પણ આ હુમલો કયાં આતંકી સંગઠને કરાવ્યો છે તે બહાર આવ્યું નથી. આ અગાઉ આતંકી હુમલો થતો, તો કોઈને કોઈ આતંકી સંગઠન હુમલો તેણે કરાવ્યો છે, એવો લહાવો લેતું હતું, પણ આ વખતે કોઈ સંગઠને જવાબદારી લીધાનું બહાર આવ્યું નથી. એમાં કોઈ શક નથી કે એ પાકિસ્તાનનાં પાળેલ સંગઠનનું જ કામ છે, એટલે ફોડ પડે કે ન પડે, ભારતે પ્રતિકાર કરવા તત્પર રહેવું જ જોઈએ. ભારતની એ કરુણતા છે કે કોઈ એજન્સી, હુમલાના પાંચ દિવસ થવા આવ્યા પછી પણ તેનાં મૂળ સુધી નથી પહોંચી. ભારતીય એજન્સીઓ એટલું જ શોધી શકી છે કે બ્લાસ્ટ થયેલ કાર જમ્મુ કાશ્મીરનો ડો. ઉંમર ચલાવતો હતો. 2,900 કિલો વિસ્ફોટકો સાથે સંકળાયેલા આતંકી ડોકટરો સાથેનું ડો. ઉંમરનું કનેક્શન પણ એજન્સીઓ કબૂલે છે, પણ આ ડોકટરોનો હેન્ડલર કોણ છે, એની કોઈ માહિતી બહાર આવી નથી.
એ પણ છે કે 2,900 કિલો વિસ્ફોટકો રોકવામાં આપણું તંત્ર સરિયામ નિષ્ફળ ગયું છે. વિસ્ફોટકો એક સાથે ભારતમાં ઘૂસ્યા નથી. તે અમુક અંતરે પ્રવેશ્યા છે ને છતાં, પોલીસ તે પકડવામાં સફળ થઈ નથી. ભારતને લડવાનું બહાનું ન મળે એટલે પણ આતંકી સંગઠનો મગનું નામ મરી ન પાડતાં હોય એમ બને. મીડિયામાં અનેક વાતો વહેતી થઈ છે, પણ હકીકતે તો દિલ્હી બ્લાસ્ટમાં તેર લોકોનો ભોગ લેવાયો છે. જે પાંચ ડોકટરો ઝડપાયા છે, એમની મદદથી આતંકનું આખું નેટ વર્ક હાથે લાગી શકે, પણ આજ સુધી આપણે કોઈ આતંકી નેટવર્કનો ભુક્કો બોલાવીને તેને ખતમ કરી શક્યાં નથી. એ જ કારણ છે કે ત્રણેક દાયકાથી આપણે આતંકી હુમલાનો ભોગ બનતા આવ્યા છીએ. સવાલોનો સવાલ એ છે કે કોઈ પણ કારણ વિના ભારતે આતંકી હુમલાઓનો ભોગ શું કામ બનવું જોઈએ? આપણે ગમે એટલી ઉદારતાથી જોઈએ તો પણ એ સમજી લેવાની જરૂર છે કે આ જાત સમજાવટથી માને એમ જ નથી. લાતોં કે ભૂત બાતોં સે નહીં માનતે – એ અમથું નથી કહેવાયું …
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 14 નવેમ્બર 2025
![]()

