
રામધાર સિંહ ‘દિનકર’
રામધારી સિંહ દિનકર (૧૯૦૮-૧૯૭૪) ન માત્ર જનકવિ કે રાષ્ટ્રકવિ હતા, મહાદેવી વર્માએ તો તેમને વિશ્વકવિ ગણાવ્યા છે. જનસામર્થ્યને ઉજાગર કરતી તેમની ઘણી રચનાઓના કેન્દ્રમાં જનતા છે. દેશના પહેલા પ્રજાસત્તાક પર્વે લખાયેલી તેમની એક કવિતાની પંક્તિ, “સમય કે રથ કા ઘર્ઘર નાદ સુનો, સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ” ત્યારે અને આજે પણ લોક આંદોલનનો નારો છે. યુવા વયથી આઝાદી આંદોલનમાં સક્રિય કવિ દિનકરના દેશના પહેલા પ્રધાન મંત્રી પંડિત નહેરુ સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. જવાહરલાલ નહેરુ જ તેમને રાજનીતિમાં લઈ આવ્યા હતા. ૧૯૫૨થી ૧૯૬૪ સુધી તેઓ રાજ્યસભાના રાષ્ટ્રપતિ નિયુક્ત સભ્ય હતા. પરંતુ સરકાર કે સત્તાની નજીક રહેનારા આ કવિએ સત્તાવિરોધી કવિતા લખવાનું છોડ્યું નહોતું. ‘જો તટસ્થ હૈ સમય લિખેગા ઉનકે ભી અપરાધ’ના કવિ દિનકરે “લોકદેવ નહેરુ” પુસ્તકમાં નહેરુનાં સંભારણાં આલેખ્યાં છે.
આઝાદી આંદોલનની સ્વરાજ ત્રિપુટી ગાંધી-નહેરુ-સરદારમાં નહેરુની લોકપ્રિયતા એ હદની કે તે યુવા હ્રદય સમ્રાટ અને જન હ્રદય સમ્રાટ તરીકે ઓળખાતા હતા. નહેરુના અવસાન વખતે અંજલિ આપતાં વિનોબા ભાવેએ તેમને ‘લોકદેવ’ કહ્યા હતા. લોકદેવ નહેરુ લોકોની વચ્ચે કેવા હતા તે દિનકરે સગી આંખે જોઈને વર્ણવ્યું છે.

જવાહરલાલ નેહરુ
નહેરુને નજીકથી જોવાનો, તેમની સાથે મંચ પર બેસવાનો મોકો દિનકરજીને વતન રાજ્ય બિહારના મુજફ્ફરપુરની સભામાં ૧૯૪૮માં મળ્યો હતો. આ સભામાં કવિ દિનકરે કવિતાનો પાઠ કર્યો હતો. નહેરુની સભાઓ જ્યાં થતી ત્યાં તે મેળાનું રૂપ લેતી હતી. લાખોની જનમેદની ઉમટતી, તેમના આગમન સાથે લોકો આંદોલિત થઈ ઉઠતા. તેમનો જયજયકાર કરતી ભીડ ઘણી વાર બેકાબૂ પણ થઈ જતી હતી. આવી વિશ્રુંખલ ભીડને પંડિતજી લોકોની વચ્ચે કૂદી પડીને શાંત કરતા. ક્યારેક તે માટે હાથ જોડતા તો ક્યારેક હાથથી લોકોને મારતા.
૧૯૪૮ની મુજ્ફ્ફરપુરની સભામાં લોકો બેકાબૂ થતાં નહેરુએ બળપ્રયોગ કરીને લોકોને શાંત કરેલા. આ સભામાં હાજર એક વ્યક્તિએ કવિ દિનકરને કહ્યું હતું, “સારુ થયું કે પંડિતજીએ મને ધોલ મારી. હવે મારાં દુ:ખદારિદ્ર દૂર થઈ જશે.” એક સભામાં તો ભીડને ચીરતી એક મહિલા છેક પંડિતજી પાસે આવી ગઈ. તેણે પાલવ નીચે ઢાંકીને રાખેલો દૂધનો ગ્લાસ સામે ધર્યો અને વડા પ્રધાન નહેરુને કહ્યું ખાસ તમારા માટે જ લાવી છું. પંડિતજીએ પણ અંગરક્ષકોના પહેરાની અને આરોગ્યની પરવા કર્યા વિના, મહિલાના હાથમાંથી દૂધનો ગ્લાસ લઈ લીધો અને ગટગટાવી ગયા. તો આવી હતી નહેરુની લોકપ્રિયતા!
નહેરુ સંસદ અને બંધારણીય સંસ્થાઓનું પૂરતું માન જાળવતા. સંસદનું સત્ર ચાલુ હોય ત્યારે તેમાં પોતાની પૂર્ણ સમયની સક્રિય ઉપસ્થિતિ હોય તેનો ખ્યાલ રાખતા. રાજેન્દ્ર પ્રસાદ દેશના રાષ્ટ્રપતિ બન્યા એ જ દિવસે નહેરુના અભિનંદન ગ્રંથનું લોકાર્પણ થવાનુ હતું. આ કામ રાષ્ટ્રપતિના હસ્તે થાય તેવી સંપાદકોની ઇચ્છા જાણી વડા પ્રધાન નહેરુએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર બાબુને મળીને આદેશાત્મક ભાષામાં અરજ કરી : “હું નથી ચાહતો કે અભિનંદન ગ્રંથના વિમોચન જેવા ફાલતુ કામ માટે દેશના રાષ્ટ્રપતિ દિલ્હીની ઈમ્પીરિયલ હોટલમાં જાય કે આવો સમારંભ રાષ્ટ્રપતિ ભવનમાં પણ યોજાય”.
સવારના છ વાગ્યાથી રાતના એક વાગ્યા સુધી, તે સતત કાર્યરત રહેતા વડા પ્રધાન હતા. તેમની કર્મઠતાનાં મૂળમાં તેમનું સારું સ્વાસ્થ્ય પણ હતું. દિનકરજી લખે છે કે અમેરિકા અને રશિયાના રાષ્ટ્રપતિ કરતાં પણ ભારતના વડા પ્રધાનનું કામ મુશ્કેલ છે એટલે પથારીમાંથી ઊઠીને જેને તૈયાર થવામાં સમય લાગે તેણે ભારતના વડા પ્રધાનની ગાદી સંભાળવાની ઇચ્છા જ ન રાખવી જોઈએ.
જો કે ચીનના ભારત પરના આક્રમણ પછી તેમના આરોગ્ય પર પણ અસર થઈ હતી. ૧૯૫૪ની નહેરુની ચીન મુલાકાતનું સાંભરણ દિનકરે બ્રિટિશ પાર્લામેન્ટના લેબર સભ્ય ડેસમંડ ડોનેલીના હવાલેથી લખ્યું છે. પંડિતજી ચીનમાં હતા ત્યારે જ ડોનેલી પણ હતા. માઓ સાથેની તમારી મુલાકાત કેવી રહીના જવાબમાં નહેરુ કહે છે, માઓએ મને વારંવાર એ પ્રકારે બોલાવવાની કોશિશ કરી કે જાણે હું તેમનો મંત્રી હોઉં. એટલે પછી મેં પણ તેમનો એ ભ્રમ તોડ્યો અને સુણાવી દીધું.
નહેરુ વિશેનું દિનકરનું એક નિરીક્ષણ લાજવાબ છે. તેમણે લખ્યું છે : અત્યંત સજ્જન અને શિષ્ટ હોવા છતાં પંડિતજી વિનમ્ર નહોતા. પોતાની સીમાઓનું જ્ઞાન પણ મનુષ્યને થોડા વિનમ્ર બનાવે છે. બસ આટલી જ વિનમ્રતા નહેરુમાં હતી. મહાત્મા ગાંધીને બાદ કરતાં તેમણે પોતાના કરતાં કોઈને શ્રેષ્ઠ નથી સમજ્યા. તેઓ એક માત્ર ગાંધીજીના વિચારો સામે જ નતમસ્તક હતા.
ભારતના મનને આધુનિક બનાવવા પંડિત નહેરુએ અણથક પ્રયાસો કર્યા છે. એકાકી અને નિસંગ નહેરુ, દિનકરના મતે, ભારતના ઇતિહાસમાં એવા પહેલા વ્યક્તિ છે જેમને લોકોનો પ્રેમ ધર્મના લીધે નહીં, પણ ધર્મનિરપેક્ષ કે સેક્યુલર ગુણોના કારણે પ્રાપ્ત થયો છે. કોઈ ધાર્મિક નેતાની જયંતી મનાવવી ધર્મનિરપેક્ષ રાષ્ટ્રની નીતિથી વિરુદ્ધનું છે, તેવી નહેરુ સરકારની નીતિ હતી. એટલે વડા પ્રધાનના હોદ્દે રહેલા નહેરુ ધાર્મિક કાર્યક્રમોમાં જવાનું સભાનપણે ટાળતા હતા. દિલ્હીમાં યોજાનારા જૈન સંમેલનના ઉદ્દઘાટનનું નિમંત્રણ ફગાવતા તેમણે કહેલું, “મૈં રાજનીતિજ્ઞ હું. ધર્મ કો મૈં તભી પાસ આને દૂંગા, જબ વહ રાજનીતિ કી પોશાક મેં હો.”
રાષ્ટ્રકવિ દિનકર પોતાને નહેરુ ભક્ત માનતા હતા, પરંતુ ખુશામતખોર નહીં. જો કે આ બાબતે દિનકર કરતાં નહેરુ વધુ સભાન હતા. એક કવિસંમેલનમાં પંડિતજીની ઉપસ્થિતિમાં દિનકરે “જનતા અને જવાહર” કવિતા વાંચી જેમાં તેમણે નહેરુને “જનતા કે જ્યોતિર્નયન” ગણાવ્યા હતા, તે સાંભળીને પંડિતજીની કોઈ જ દાદ કવિને મળી નહોતી. પરંતુ એક અન્ય સમારંભમાં દિનકરની રાજર્ષિ-અભિનંદન કવિતાની અંતિમ પંક્તિઓ,
‘એક હાથ મેં કમલ
એક મેં ધર્મદીપ્ત વિજ્ઞાન
લેકર ઉઠનેવાલા હૈ
ધરતી પર હિંદુસ્તાન’
સાંભળીને પંડિતજી વાહવાહ પોકારી ઉઠ્યા હતા.
બસ, હવે આડા ચોવીસ જ કલાક છે, જવાહરલાલ નહેરુની વધુ એક જયંતીને. છેલ્લા દોઢેક દાયકાથી દેશમાં જમણેરી બળોના ઉભાર પછી વોટ્સઅપ યુનિવર્સિટીમાં ચીતરાતા નહેરુ કરતાં, નહેરુ કેટલા જુદા હતા, એનો થોડો પણ મહિમા થતો રહે તેવી આશા – અપેક્ષા સાથે નહેરુ અને તેમના સ્વપ્નના ભારતને મુબારકબાદી.
(તા.૧૨.૧૧.૨૦૨૫)
e.mail : maheriyachandu@gmail.com
![]()

