Opinion Magazine
Number of visits: 9520662
  •  Home
  • Opinion
    • Opinion
    • Literature
    • Short Stories
    • Photo Stories
    • Cartoon
    • Interview
    • User Feedback
  • English Bazaar Patrika
    • Features
    • OPED
    • Sketches
  • Diaspora
    • Culture
    • Language
    • Literature
    • History
    • Features
    • Reviews
  • Gandhiana
  • Poetry
  • Profile
  • Samantar
    • Samantar Gujarat
    • History
  • Ami Ek Jajabar
    • Mukaam London
  • Sankaliyu
    • Digital Opinion
    • Digital Nireekshak
    • Digital Milap
    • Digital Vishwamanav
    • એક દીવાદાંડી
    • काव्यानंद
  • About us
    • Launch
    • Opinion Online Team
    • Contact Us

દેરિદા અને વિઘટનશીલ ફિલસૂફી – ૯ (સાહિત્યવિશેષ : ગાયત્રી સ્પિવાક)

સુમન શાહ|Opinion - Literature|13 November 2025

દેરિદાનાં ઘનિષ્ઠ અધ્યયનકાર, અનુવાદક અને સદ્ સમીક્ષક ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક સુખ્યાત ભારતીય વિદુષી છે, (1942 – ). મૂળે ફ્રૅન્ચમાં લખાયેલા દેરિદાના De la grammatologieનો સ્પિવાકે 1967માં અંગ્રેજીમાં અનુવાદ શરૂ કર્યો ત્યારે એમની ઉમ્મર ઉત્તર ‘વીસીનાં વરસોની હતી. ત્યારથી માંડીને કહો કે આજ સુધી તેમનો દેરિદાની વિઘટનશીલ ફિલસૂફી સાથેનો વિદ્યાકીય અનુબન્ધ સતત વિકસ્યા કર્યો છે. એ અનુવાદ તે, Johns Hopkins University Press દ્વારા 1976માં પ્રકાશિત, Of Grammatology. 

દેરિદા અને ગાયત્રી ચક્રવર્તી સ્પિવાક (યુવા વયે)

એ વર્ષોમાં સ્પિવાક અમેરિકાની University of Lowaમાં 1965થી આસિસ્ટન્ટ પ્રૉફેસર હતાં. સ્વાભાવિક છે કે યુવા-વયે જ્ઞાનભૂખી વ્યક્તિ બૌદ્ધિક ઉત્તેજના માટે કશોક ખોરાક શોધે. એવી શોધને પરિણામે 1967માં સ્પિવાકને એક કૅટલોગમાંથી દેરિદાના એ મૂળ પુસ્તકની માહિતી મળી જાય છે અને નકલ મેળવવા તેઓ ઑર્ડર મોકલે છે. સ્પિવાકે પોતે કહ્યું છે કે પોતાને દેરિદાના નામની ય ખબર ન્હૉતી, તે સમયે પોતાને ફ્રૅન્ચ ખાસ આવડતું ન્હૉતું, એમ પણ થતું હતું કે શું જોઈને ઑર્ડર મોકલેલો …પુસ્તક એમને અટપટું લાગે છે તેમ છતાં ફિલસૂફીની એ અતિ સંકુલ સૃષ્ટિના અનુવાદનું પડકાર રૂપ કાર્ય શરૂ કરી દે છે.

ફિલસૂફીના વિષયક્ષેત્રમાં આ પુસ્તક સીમાચિહ્નરૂપ ગણાય છે અને તેનું વિશ્વભરમાં સ્વાગત થયું છે. પુસ્તકમાં દેરિદા અનેક ચિન્તકો વિશે વાત કરે છે અને સાથોસાથ, પોતાના વિચારોને વિકસાવે છે. મુખ્યત્વે એમણે રૂસો, સૉસ્યૂર અને લૅવિ-સ્ટ્રૌસનાં મન્તવ્યો તેમ જ વિચારોની સમીક્ષા કરી છે. આપણે જેની ચર્ચા કરી તે લેખન, વાણી, પશ્ચિમની અધિભૌતિકવિદ્યા વગેરે વિશેના દેરિદાનાં મન્તવ્યો અને વિચારપક્ષને સમજવા માટે એ પુસ્તક મહત્ત્વનું ગણાય છે. 

દેરિદાનું દર્શન, સમજો, ફિલસૂફી ભાષાવિજ્ઞાન અને સાહિત્ય ઉપરાન્ત નૃવંશવિજ્ઞાન વગેરે વિદ્યાશાખાઓ તેમ જ વિવિધ સિદ્ધાન્તોની સંકુલતાઓ સાથે વિકસેલું છે, અને તેથી, સ્વરૂપે અતિ ગાઢ છે. દેરિદાનો વિઘટનશીલ અભિગમ અને એમણે રચી કાઢેલી différance જેવી નવી વિભાવનાઓ તેમ જ પ્રયોજેલી નવ્ય તર્કપદ્ધતિઓ – neologisms – કોઈપણ વાચકને હંફાવે એવાં છે, અને અનુવાદના પ્રસંગમાં તો દેખીતું છે કે એ કઠિનાઇ અનેકગણી વધી જાય. 

સ્વાભાવિક છે કે દેરિદાનું ફ્રૅન્ચમાં ગદ્ય સ્તરીય હોય કેમ કે એમાં અર્થ પર અર્થની અનિવાર્ય સૂક્ષ્મતાઓ હોય. એ ગદ્ય સંસ્કૃત કાવ્યશાસ્ત્ર અનુસાર કહીએ તો ‘નારિકેલપાક રીતિ’ અનુસારનું લાગે. મહા પ્રયાસે નારિયેળ છોલો તોડો એ પછી જ ગર્ભ અને મીઠા રસપાનની તક જનમે. એમના કેટલાક વિચારો અનુવાદમાં સીધેસીધા ન ઊતરે એવા હશે અને એટલે ધારણા કરી શકીએ કે સ્પિવાક માટે શબ્દોના પર્યાય શોધવાનું કામ કેટલું અઘરું થઈ ગયું હશે. અનેક વિભાવનાઓને પૂરેપૂરી અર્થવિશેષતા સાથે અંગ્રેજીમાં સમજવાનું કેટલું દુષ્કર નીવડ્યું હશે. 

તેમ છતાં સ્પિવાકે જણાવ્યું છે કે અનુવાદ માત્રભાષાવિષયક મામલો નથી હોતો, ખાસ્સો ફિલસૂફીવિષયક હોય છે. કહે છે કે ગ્રન્થના અનુવાદ માટે પોતે less colonized subjectivity સાથે જોડાયાં હતાં, તાત્પર્ય, પોતે ફ્રૅન્ચમાં ખાં ન્હૉતાં પરન્તુ તેથી જ ભાષિક અને સાંસ્કૃતિક મોટાઈથી ઘડાયેલાં વિભાવના-માળખાંઓથી મુક્ત રહી શકાયેલું. કેમ કે વ્યક્તિ પાસે ભાષાને વિશેનું પ્રભુત્વ ભલે હોય પણ ભાષા ઐતિહાસિક અને વિચારધારાવિષયક ભારના પોટલા વિનાની ક્યારે ય હોતી નથી. એ પોટલું ઉપાડીને અનુવાદ કરવાનું કામ દેખીતું છે કે કપરું થઈ પડે. સ્પિવાકને એ પ્રકારે મદદ મળી ગયેલી.

આ અનુવાદ-પુસ્તક માટે એમણે સુન્દર આમુખ લખ્યો છે, જે દેરિદાસૃષ્ટિનું મૂલ્યવાન પ્રવેશદ્વાર પુરવાર થયો છે. એ ઔપચારિક લખાણ નથી પણ એક સ્વરૂપનો ઉપકારક બૌદ્ધિક હસ્તક્ષેપ છે. પુસ્તકથી સ્પિવાકની યશગાથાનો શુભારમ્ભ થયેલો અને એ અનુવાદથી દેરિદા અંગ્રેજીભાષી વિદ્વાનોમાં અને ફિલસૂફીના પરભાષી અધ્યેતાઓમાં પહેલી વાર ખ્યાત થયા હતા.

સ્પિવાકે ૨૦૦૫માં દેરિદાની ૭૫મી વર્ષગાંઠ નિમિત્તે Touched by Deconstruction લેખ લખેલો. એમાં એમણે પોતાનું એ અનુવાદકાર્ય કેવું તો પડકાર રૂપ હતું વગેરે પ્રારમ્ભિક અનુભવોની વાતો કરી છે: 

એમને પ્રશ્ન થયેલો કે લેખનું શીર્ષક શું રાખવું. કહે છે, સૌથી પ્હૅલું મનમાં આવ્યું – touched by deconstruction. ઉમેરે છે, અને એ શીર્ષકને મારે સાર્થક કરવું જોઈશે. જાતને પૂછે છે – આ પૂર્ણત: કઠિન ગ્રન્થને મેં પૂરો વાંચ્યો છે ખરો? જો કે હું બરાબર સમજું છું કે ત્યારે લખાયેલા શબ્દો મને બરાબર લાગેલા. સ્પિવાક લખે છે : અને એવું બધું બન્યા જ કરેલું. થોડાક મહિનામાં મને અનુવાદ કરવા માટેનો કૉન્ટ્રાક્ટ મળી ગયેલો, અને હું મચી પડેલી. મેં આમુખ લખ્યો અને ડીકન્સ્ટ્રક્શન જેવો પદાર્થ હમ્મેશ માટે મને સ્પર્શી ગયો. જો કે ગૅરન્ટી આપી શકેલી નહીં કે હું બધી જ બાબતે સાચી હોઈશ. છતાં સ્પિવાક આત્મગૌરવથી લખે છે, no one has taught me deconstruction. ઉમેરે છે કે દેરિદા ફિલસૂફીના પાયા હચમચાવે છે એ ખરું છે, પણ એટલું જ નથી. એ તપાસ થવી જોઈએ કે એ હકીકતને પાયાની ગણી લેવાઇ તે કયા અને કેવા સ્થિતિસંજોગોને કારણે.

દેરિદાસૃષ્ટિ સાથેના પોતાના લાક્ષણિક અનુબન્ધ સંદર્ભે સરસ વાત કરે છે : દેરિદા વિઘટનકાર્યને necessité périlleuse ગણે છે, એટલે કે જોખમી આવશ્યકતા. દેરિદાએ કહ્યું છે કે વિઘટનશીલ ફિલસૂફી સાથે પાનું પાડીએ ત્યારે એ વસ્તુ આપોઆપ એક જોખમ બની જાય છે કેમ કે વિઘટનકાર ભાષાની પાયાની વિભાવનાઓ સંરચનાઓ અને નિશ્ચિતતાઓ વિશે ઊંડા પ્રશ્નો કરીને વિશ્લેષણો કરતો હોય છે, અને તેથી વૈચારિક નુક્સાનો થવાનો સંભવ રહે છે. તેમ છતાં દેરિદાનો આગ્રહ રહ્યો છે કે એ જોખમ ઉઠાવવું એક જરૂરિયાત છે. આમ ‘જોખમી આવશ્યકતા’ શબ્દો વિઘટનની અકાટ્ય છતાં પડકાર રૂપ પ્રકૃતિ સૂચવે છે. 

લેખમાં સ્પિવાક કહે છે કે પોતે એ જોખમી અને બૌદ્ધિક પડકાર રૂપ કાર્યમાં ઉતાવળથી ઝંપલાવશે નહીં; ગ્રન્થની સઘળી સંકુલતાને પોતાના શબ્દોમાં સારવી લેશે. એટલે કે, તેઓ મર્યાદામાં રહેશે. લેખમાં સ્પિવાકે એમને દેરિદા તરફથી મળેલા ત્રણ પ્રતિભાવોની નૉંધ લીધી છે. લખે છે : 

૧ – પોતે દેરિદાને વિઘટનના વિનિયોગ બાબતે ૧૩ મુદ્દાનું લિસ્ટ મોકલેલું. ઉત્તરમાં દેરિદાએ મશ્કરીમાં પણ બરાબર કહેલું કે – તમારે એ પ્રકાશિત કરવું જોઈએ. 

૨ – એમણે કરેલી કાર્લ માર્ક્સ વિશેની મારી ટીકાટપ્પણી મેં વાંચી ન્હૉતી એ મેં એમને બીકના માર્યા જણાવેલું નહીં. તો એમણે કહેલું, ગાયત્રી! મારે શું કહેવું તમને? હું પ્રકાશિત કરું છું ને તમે વાંચતાં નથી! 

૩ – મેં એમને જણાવેલું કે વિઘટનક્ષેત્રે હું forme tachee છું, (ભાવાર્થ- મને વિઘટનની પાક્કી જાણકારી નથી). તો એમણે ધીમેથી કહેલું lache-નો એક બીજો અર્થ પણ થાય છે. (ભાવાર્થ- તમે જાણકાર છો જ.) 

લેખમાં સ્પિવાકે વિઘટનની ઉપયોગીતા વિશે કહ્યું છે : ભાષા, સાહિત્ય કે સંસ્કૃતિવિષયક અધ્યયનોમાં વિઘટનને એક સમીક્ષાત્મક ઑજાર રૂપે પ્રયોજી શકાય. કૃતિઓ વિશેની આપણી ધારણાઓ કે અર્થઘટનની આપણી રીત વિશે નિરન્તર પ્રશ્નો કરીએ એ બહુ જરૂરી છે. ગર્ભિત અભિગ્રહો અને કૃતિને ઘાટ આપનારી સત્તાકીય ગતિવિધિઓને – power dynamicsને – વિઘટન ખોલી આપશે અને તેથી કૃતિના જુદા જ અર્થઘટનની શક્યતા જનમશે. 

વિઘટન અને અનુસંસ્થાનવાદ -postcolonialism- સંદર્ભે કહ્યું છે કે વિઘટનશીલ યુક્તિઓ – strategies – પ્રયોજીને આપણે સંસ્થાનપરક કથાનકો અને ઇતિહાસનું વિશ્લેષણ કરીને તેની સમીક્ષા કરી શકીએ. તેઓ જણાવે છે કે વિશ્વ વિશેની આપણી સમજને વિઘટન નવા માળખામાં મૂકીને તે વિશે પુનર્વિચાર કરવા માટેનું સામર્થ્ય બક્ષે છે. એથી અર્થ અને અર્થઘટનની નવી સંભાવનાઓ ખૂલે છે. 

સ્પિવાકે એમના The Politics of Translation લેખમાં અનુવાદકાર્ય વિશે સરસ વાતો કરી છે. તેઓ અનુવાદકર્મને જ વિઘટન કહે છે કેમ કે કોઈપણ અનુવાદ બે ભાષાઓની સાંસ્કૃતિક ઉચ્ચાવચતાઓને પડકારતો હોય છે. એમણે દર્શાવ્યું છે કે અનુવાદ અર્થોના સ્થાનબદલની યન્ત્રવત્ પ્રવૃત્તિ નથી, એટલા માટે કે મૂળ કૃતિનું નીતિ તેમ જ રાજકારણ સાથે ધ્યાનપાત્ર સાયુજ્ય હોય છે, અને એ સાયુજ્યને વીસરી શકાય નહીં.

તેઓ અનુવાદકના નૈતિક દાયિત્વની વાત કરતાં કહે છે કે અનુવાદકે ભારે ભારે સંરચનાઓ લાદવાને બદલે ભાષાનાં વાગ્મિતા-તત્ત્વોને લક્ષમાં લેવાં જોઈશે, નહિતર, મૂળ કૃતિનાં અલંકરણો તેમ જ સાંસ્કૃતિક અનુરણનો નંદવાઈ જશે. મૂળ કૃતિ અન્તર્ગત અર્થચ્છાયાઓ તેમ જ મૌન વિશે અનુવાદકે સંવેદનશીલ રહેવું જોઈશે, એને પરિણામે, અનુવાદકર્મથી મૂળ કૃતિનું રક્ષણ અને રૂપાન્તરણ બન્ને થશે. 

સ્પિવાકે અનુવાદોમાં જોવા મળતી યુરપકેન્દ્રી પૂર્વધારણાઓની સમીક્ષા કરીને દર્શાવ્યું છે કે પશ્ચિમના નારીવાદી વિચારવિમર્શોમાં ન-યુરોપીય સ્ત્રીઓના અવાજને મોટે ભાગે છાયાવૃત કરી દેવાય છે. તેથી સ્પિવાક આગ્રહ રાખે છે કે અનુવાદક મૂળ કૃતિને વળગી રહે, તરજૂમો ન કરે. એમણે ઉમેર્યું છે કે મૂળ કૃતિ વિશેની વફાદારી અને અનુવાદપરક સાનુકૂળતા, બન્ને વચ્ચે પ્રવર્તતી તંગ અવસ્થામાં અનુવાદક કામ સરળતાથી કરી શકવો જોઈએ. 

દેરિદાનાં વિઘટનશીલ મન્તવ્યોને સ્પિવાકે વિકસાવ્યાં છે, દૃઢ કર્યાં છે :

દેરિદાએ દર્શાવ્યું છે કે વિષય અને વિષયી વચ્ચે (અથવા પ્રમાતા અને પ્રમેય વચ્ચે) ભેદ કરતાં પહેલાં વિભાવનીકરણ માટે જગ્યા નથી મળતી, એટલે કે, એમ કરી શકાતું નથી. સ્પિવાકે આ સૂઝને અનુ-સંસ્થાનવિષયક સિદ્ધાન્ત લગી વિકસાવીને કહ્યું છે કે પાયાની કહી શકાય એવી કોટિઓની, દાખલા તરીકે, વિષયીની કાર્યકર્તાની કે રજૂઆતકારની પરીક્ષા-સમીક્ષા થવી જોઈએ. આ ભૂમિકાએ એમને પ્રશ્ન થાય છે કે પેલો છેવાડાનો જણ, subaltern, બોલી શકે છે ખરો. વાણીને અને કાર્યકર્તાને વિશેષાધિકાર આપનારી સંરચનાઓનું આયોજન જ એવી રીતે થયું હોય છે કે પેલો બોલી શકે જ નહીં, બહારનો બહાર જ રહે.    

દેરિદા વિવિધ કૃતિઓમાં અર્થના નિર્ણયની અશક્યતા પર ભાર મૂકે છે. આ મન્તવ્યને સ્પિવાક મહત્ત્વનું લેખે છે. તેઓ જણાવે છે કે કૃતિના સઘન વાચનને પરિણામે સમજાશે કે અર્થો શી રીતે અનિર્ણયનીય રહી ગયા છે. ઉમેરે છે કે સમીક્ષાત્મક વાચનથી જાણી શકાય કે, એમ કયા કારણોથી થાય છે. મુખ્ય કારણ દર્શાવતાં કહે છે કે કૃતિમાં રહેલા વિરોધો અર્થને અસ્થિર કરે છે એટલું જ નહીં પણ એથી અર્થઘટન માટેનાં માળખાં આકસ્મિક – contingent – થઈ જાય છે, એટલે કે, અમુક સંજોગો અને સંદર્ભો હોય તો જ કાર્યકર થઈ શકે એવાં સગવડિયાં કે કાકતાલીય થઈ જાય છે. સ્પિવાક આ અનિર્ણયનીયતાને વિધાયક અને સંયોજક ગણે છે કેમ કે એ વિરોધી દ્વૈતોને ઢીલાં કરી નાખે છે અને વર્ચસ્વી કથાનકો વિશે સમજણના અવનવા વિકલ્પો સૂચવે છે.

દેરિદા કોઈપણ ethico-political agenda વિશે – નીતિપરક અને રાજકારણીય હેતુતા વિશે – હમેશાં કંઈ ને કંઈ કહેતા હોય છે. એમ કે ફિલસૂફી તેમ જ સાહિત્યની કૃતિઓમાં વિચારધારાવિષયક કે રાજકારણીય હેતુઓનાં પ્રેરણ – motivations – પડ્યાં હોય છે, છતાં, ઘણી વાર કૃતિઓ એ અંગે નિષ્પક્ષ દીસતી હોય છે. જો કે ઉમેરે છે કે અર્થ કદી નિર્દોષ હોતો નથી કેમ કે ભાષામાં તો ઇતિહાસ-સંલગ્ન અને સંરચનાગત અભિગ્રહો પહેલેથી રસાઈ ગયા હોય છે. દાખલા તરીકે, હું આ સ્થાને ‘અસ્પૃશ્યતાનિવારણ’ શબ્દ પ્રયોજું તો એ દેખાશે નિર્દોષ પણ સૌ જાણે છે કે એનો એક દુ:ખદ ઈતિહાસ છે. એ હેતુતા અને એ પ્રેરણોને પડકારવાં જોઈશે. સ્પિવાક એને છતાં કરવા પર ભાર મૂકે છે કેમ કે તો જ બાદ કરાયેલા નીતિવિષયક સંકેતાર્થોને અને સંલગ્ન પદાર્થોને પ્રકાશિત કરી શકાય. 

દેરિદાનું મન્તવ્ય દૃઢ કરતાં સ્પિવાક દર્શાવે છે કે કૃતિઓ માત્રભાષિક સંઘટનાઓ નથી, તે રાજકારણીય ઑજારો પણ છે. કૃતિ ભલે ફિલસૂફીવિષયક ઇતિહાસવિષયક કે સાહિત્યવિષયક હોય, બહુધા એમાં એવી વિચારધારાવિષયક જુક્તિઓ છુપાયેલી હોય છે જે અમુક જ અર્થ ઘડી આપે ને અમુકનો બહિષ્કાર કરે. વાચન અને વિશ્લેષણથી એ સઘળી હેતુતા છતી થવી જોઈએ. એથી અર્થઘટનકારની નૈતિક જવાબદારી પર પણ પ્રકાશ પડશે. સ્પિવાક કૃતિનાં વાચન વિશ્લેષણ કે અર્થઘટનને કૃતિની ભાષા પૂરતાં સીમિત નથી ગણતાં પણ રાજકારણીય પરિણામો સંદર્ભે એ દરેકને મૂલ્યવાન નૈતિક કર્મ ગણે છે. 

દેરિદા અનુસાર, નિશ્ચિત અર્થ અને વિરોધી દ્વૈતો વિશે પ્રશ્નો અને તેમને વિસ્થાપિત કરનારી સમીક્ષારીતિ તે વિઘટન. સ્પિવાક અનુસાર, વિઘટન માત્રફિલસૂફી પીરસનારી પદ્ધતિ નથી પરન્તુ વ્યવહારમાં સતત ચાલુ રહેનારા કાર્યની રીતિ છે. સ્પિવાક વિઘટનને નીતિ કે રાજકીય સંવેદનશીલતાપરક પડકાર અને દાયિત્વ ગણે છે. એમના દૃષ્ટિદોર પ્રમાણે, સત્તા-સંરચનાઓ હાંસિયાકરણ સામાજિક વાસ્તવિકતાઓ અને ન્યાયસંગતતાને સાંકળી લેનારો વિચારપરામર્શ તે વિઘટન.

સ્પિવાકનો વિઘટનને વિશેનો અભિગમ ભાષાનાં નૈતિક પરિમાણને સવિશેષે લક્ષમાં લે છે. વર્ચસ્વી વિચારપરામર્શોની સમીક્ષામાં એમણે દર્શાવ્યું છે કે મોટેભાગે એમાં હાંસિયામાં ધકેલાયેલા અવાજોને કાં તો ઝાંખા કે બાદ કરી દેવાયા હોય છે. એમણે દર્શાવ્યું છે કે પશ્ચિમની ફિલસૂફીવિષયક પરમ્પરાઓએ અને સાહિત્યવિષયક સિદ્ધાન્તોએ – canonsએ – એવી સત્તાશીલ સંરચનાઓને દૃઢ કરી કે એથી subaltern perspectives દબાઈ ગયા – એટલે કે મોટેરી અને નિયન્તૃ સામાજિક સંરચનાની બહાર હતા તે અવાજો દબાઈ ગયા. સ્પિવાક એવી કશીક વાચન-જુક્તિનો આગ્રહ રાખે છે કે જે વડે એ બહિષ્કારોને પ્રકાશમાં લાવી શકાય, છતા કરી શકાય.

દેરિદા અનુસાર, ભાષા અન્તર્ગત અર્થની તફાવત અને વિલમ્બન સ્વરૂપની પ્રકૃતિ પર ભાર મૂકનારી વિભાવના તે différance. સ્પિવાક એને વિઘટનની greatest gift તરીકે ઘટાવે છે. કેમ કે અર્થની અસ્થિર પ્રકૃતિને એ પ્રકાશિત કરે છે. એને કારણે નિશ્ચિત ખયાલોથી મુક્ત થવાય છે. 

દેરિદા અનુસાર, વિરોધી દ્વૈત વિવિધ પદ્ધતિઓમાં તેમ જ textsમાં અર્થના સંઘટન માટે પ્રયોજાય છે. દ્વૈતનાં બન્ને પદ વ્ચ્ચે ઉચ્ચાવચતા પ્રવર્તતી હોય છે. કેન્દ્રમાં રહેલા પદને હાંસિયામાં અને હાંસિયામાં રહેલા પદને કેન્દ્રમાં મૂકી શકાય છે. પરન્તુ દેરિદા જણાવે છે કે એવા સ્થાનબદલથી કશો ફર્ક નહીં પડે, સંરચના એ-ની-એ જ રહેશે. સ્પિવાકે દેરિદાના આ મન્તવ્યને વિકસાવ્યું છે. સાચું છે કે સ્થાનબદલથી – reversalથી – સંરચના અકબંધ રહે છે, મેલ કરવત મોચીના મોચીવાળો ઘાટ! 

સ્પિવાક સ્થાનબદલ ઉપરાન્ત બન્ને પદ વિશે પ્રશ્ન કરીને તેમના સ્થાનભંગનો – displacementનો – આગ્રહ રાખે છે, જેથી એ સંરચનાને જ પડકારી શકાય. દાખલા તરીકે, પુરુષ/સ્ત્રી વિરોધી દ્વૈતમાં પુરુષપદને સ્ત્રીપદના સ્થાને ખસેડવાથી એટલે કે સ્ત્રીપદને વિશેષ મહત્તા આપવાથી ફર્ક નથી પડવાનો. એ કાજે સ્પિવાક સૂચવે છે કે પ્રશ્નો કરવા જોઈશે: સ્ત્રી એટલે શું? સ્ત્રીની વ્યાખ્યા કોણ કરે છે? નિશ્ચિત ઓળખ સ્ત્રી છે કે સત્તાઓએ અવારનવાર ઘડી કાઢેલી વિભાવના નિશ્ચિત છે? સ્પિવાક કહે છે કે આ પ્રશ્નોથી સંરચના સમગ્રને હચમચાવી શકાશે. 

એ મન્તવ્યને સ્પિવાકે અનુ-સંસ્થાનવિષયક સમીક્ષા – postcolonial critique – લગી વિકસાવ્યું છે. સ્થાનબદલ અને સ્થાનભંગથી તેઓએ એક એવું કર્મ સૂચવ્યું જેને ઉચ્ચાવચતા સામે સયુક્તિક ગણી શકાય. એમના સુખ્યાત લેખ Can the Subaltern Speak?માં તેઓએ સાવ છેટે અને છેવાડે મુકાયેલાંઓના – subtlernના – માત્ર ઉન્નતિહેતુથી નહીં, પણ તેમને એ હાંસિયામાં ધકેલનારા વિચારપરામર્શોને જ ઉઘાડા પાડ્યા છે, કેમ કે એ વર્ચસ્વી માળખાંઓમાં એ મનુષ્યોને બોલવાની પણ તક અપાયેલી નહીં. સમજાશે કે સ્પિવાક વિઘટનને માત્ર ફિલસૂફીપરાયણ દર્શન નથી ગણતાં પણ તેના સીધા વિનિયોગનો આગ્રહ રાખે છે. 

એ અર્થમાં મને એમ સમજાય છે કે વિઘટન એમને મન એક સત્કર્મ છે. 

સ્પિવાકે દેરિદાના એ મન્તવ્યને રેખાન્કિત કર્યું છે કે વાણીની તુલનામાં લેખન દ્વૈતીયિક નથી એટલું જ નહીં ભાષા સ્વયંની સંરચનાનો એ પાયો છે. સંસ્થાનવાદ અને ન-પશ્ચિમી જ્ઞાનમીમાંસાઓના હાંસિયાકરણ અંગે દેરિદાએ કરેલી સમીક્ષાના સંકેતોને પણ સ્પિવાકે રેખાન્કિત કર્યા છે. એમણે ભારપૂર્વક જણાવ્યું છે કે વિદ્વાનોએ જ્ઞાનવિષયક તન્ત્રોના વાચન અને અર્થઘટનનું સામર્થ્ય વિકસે એવી translational literacy – અનુવર્તી સાક્ષરતા – વિકસાવવી જોઈએ. પશ્ચિમી સિદ્ધાન્ત-કોટિઓમાં ન-પશ્ચિમી વિચારની ઐતિહાસિક કે સાંસ્કૃતિક સમજોને જ જોગવ્યા કરવી જોઈએ નહીં. 

સ્પિવાકે ભારતીય જ્ઞાનમીમાંસાની માંડીને વાત નથી કરી પણ દર્શાવ્યું છે કે તળનાં તેમ જ સબલ્ટર્ન કથાનકોએ પશ્ચિમનાં વર્ચસ્વી વૈચારિક માળખાંને કેવાં તો પડકાર્યાં છે. ઉદાહરણાર્થે એમણે મહાશ્વેતા દેવીના જીવનકાર્યનો નિર્દેશ કર્યો છે.  

સ્પિવાકે પોતાના તરફથી માત્ર પૂર્વ/પશ્ચિમનો નહીં પણ પૃથ્વીગ્રહપરક નીતિમત્તાનો – planetary ethicsનો – મુદ્દો રજૂ કર્યો છે. એનો આગ્રહ રાખી તેઓ કહે છે કે સમગ્ર ગ્રહને લક્ષમાં લેનારો પરિપ્રેક્ષ્ય સંસ્કૃતિઓ દરમ્યાન વિકસેલી જ્ઞાનમીમાંસાઓના વૈવિધ્યને આવકારે છે, પણ ગ્લોબલિઝેશન homogenized knowledgeની, એટલે કે, ધૉરણસરના એકસમાન જ્ઞાનની તરફદારી કરે છે, જેમાં, પરિપ્રક્ષ્યોની વિવિધતાને કે વૈકલ્પિક દૃષ્ટિબિન્દુઓને ખાસ જગ્યા નથી અપાતી, સૂક્ષ્મને સ્થાને હેતુ પાર પડે એવા સાદા તરીકાઓનો આગ્રહ રખાય છે.

(ક્રમશ:)

વિશેષ વાચન માટે સૂચિ:

“Touched by Deconstruction” by Gayatri Chakravorty Spivak was written by The MIT Press for their publication Grey Room, No. 20 (Summer 2005).

= = =

[ગુજરાતી સાહિત્ય પરિષદ : “પરબ”; નવેમ્બર ૨૦૨૫માં પ્રકાશિત લેખ]
સૌજન્ય : સુમનભાઈ શાહની ફેઇસબૂક દીવાલેથી સાદર

Loading

13 November 2025 Vipool Kalyani
← કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે

Search by

Opinion

  • કામના કલાકો વધે, ઉત્પાદન વધે, કામદારો ઘટે
  • જેન્ડર સ્ટીરિયોટાઈપ્સ – આરુષિ અને મેઘાની વાર્તા
  • દલિત સાહિત્ય અંગે પ્રભાવશાળી અને ઐતિહાસિક રીતે મહત્ત્વપૂર્ણ આંદોલન
  • ટ્રમ્પ, ગુલામીનો ઇતિહાસ, ભેરપ્પા અને ‘આવરણ’ 
  • બાવલાનાં પરાક્રમો 

Diaspora

  • ઉત્તમ શાળાઓ જ દેશને મહાન બનાવી શકે !
  • ૧લી મે કામદાર દિન નિમિત્તે બ્રિટનની મજૂર ચળવળનું એક અવિસ્મરણીય નામ – જયા દેસાઈ
  • પ્રવાસમાં શું અનુભવ્યું?
  • એક બાળકની સંવેદના કેવું પરિણામ લાવે છે તેનું આ ઉદાહરણ છે !
  • ઓમાહા શહેર અનોખું છે અને તેના લોકો પણ !

Gandhiana

  • ગાંધીનું રામરાજ્ય એટલે અન્યાયની ગેરહાજરીવાળી વ્યવસ્થા
  • ઋષિપરંપરાના બે આધુનિક ચહેરા 
  • રાજમોહન ગાંધી – એક પ્રભાવશાળી અને ગંભીર વ્યક્તિ
  • ભારતીય તત્ત્વજ્ઞાન અને ગાંધીજી 
  • માતા પૂતળીબાઈની સાક્ષીએ —

Poetry

  •  ૨૧ સદીને સ્મૃતિપત્ર
  • ભૂખ
  • ગઝલ
  • નદી
  • ગઝલ

Samantar Gujarat

  • ખાખરેચી સત્યાગ્રહ : 1-8
  • મુસ્લિમો કે આદિવાસીઓના અલગ ચોકા બંધ કરો : સૌને માટે એક જ UCC જરૂરી
  • ભદ્રકાળી માતા કી જય!
  • ગુજરાતી અને ગુજરાતીઓ … 
  • છીછરાપણાનો આપણને રાજરોગ વળગ્યો છે … 

English Bazaar Patrika

  • “Why is this happening to me now?” 
  • Letters by Manubhai Pancholi (‘Darshak’)
  • Vimala Thakar : My memories of her grace and glory
  • Economic Condition of Religious Minorities: Quota or Affirmative Action
  • To whom does this land belong?

Profile

  • સરસ્વતીના શ્વેતપદ્મની એક પાંખડી: રામભાઈ બક્ષી 
  • વંચિતોની વાચા : પત્રકાર ઇન્દુકુમાર જાની
  • અમારાં કાલિન્દીતાઈ
  • સ્વતંત્ર ભારતના સેનાની કોકિલાબહેન વ્યાસ
  • જયંત વિષ્ણુ નારળીકરઃ­ એક શ્રદ્ધાંજલિ

Archives

“Imitation is the sincerest form of flattery that mediocrity can pay to greatness.” – Oscar Wilde

Opinion Team would be indeed flattered and happy to know that you intend to use our content including images, audio and video assets.

Please feel free to use them, but kindly give credit to the Opinion Site or the original author as mentioned on the site.

  • Disclaimer
  • Contact Us
Copyright © Opinion Magazine. All Rights Reserved