
ચંદુ મહેરિયા
સિનેતારિકા દીપિકા પદુકોણે દીકરીના જન્મ પછી, તેની દેખભાળમાં વધુ સમય આપી શકાય એટલે ફિલ્મોના શુટિંગ માટે આઠ કલાકની વર્કશિફટની માંગણી કરી હતી. પરંતુ જે નિર્માતાઓને તે મંજૂર નહોતું, તેમની ફિલ્મો દીપિકાએ છોડવી પડી છે. ફિલ્મ ઉદ્યોગમાં આઠ કલાકની પાળી માંગનાર દીપિકાને અનપ્રોફેશનલ ગણવાયાં હતાં. જ્યાં આઠ કલાકની પાળી પ્રથા અસ્તિત્વમાં છે, તેવા સતત પ્રક્રિયા ધરાવતા ઉધોગો અને અન્ય વ્યવસાયોમાં અનેક રાજ્યોએ તાજેતરમાં બાકાયદા કામના કલાકો વધારી દીધા છે. ગુજરાતમાં તો કામના કલાકો હવે એક પાળીમાં બાર કરવામાં આવ્યા છે. પહેલા વટહુકમ અને પછી અતિ ટૂંકા વર્ષા સત્રના છેલ્લા દિવસે ગુજરાત વિધાનસભાએ ફેકટરી અધિનિયમ ૧૯૪૮માં સુધારા કર્યા છે. જે રાજ્યના શ્રમ કાયદા અને નીતિમાં નોંધપાત્ર પરિવર્તન આણનારા છે.
સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો, કારખાનાં, ખાનગી કંપનીઓ, મનોરંજનનાં સ્થળો, દુકાનો, હોટલો અને બીજા વ્યવસાયોમાં દૈનિક કામના કલાકોમાં મોટો વધારો કરનારું ગુજરાત એકમાત્ર રાજ્ય નથી. મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ગોવા, તેલંગાણા અને ઓડિશા સરકારોએ ખાનગી ક્ષેત્રના કર્મચારીઓ તથા ફેકટરી વર્કર્સના કામના કલાકો જે વરસોની શ્રમિક લડતો પછી આઠ મેળવ્યા હતા, તેને વધારીને દોઢા કરી દીધા છે. કામના કલાકોમાં વૃદ્ધિ કરનારમાં ભા.જ.પ., કાઁગ્રેસ જેવા રાષ્ટ્રીય પક્ષોની રાજ્ય સરકારો પણ છે અને નાના-મોટા પ્રાદેશિક પક્ષોની સરકારો પણ છે.
ગુજરાત અને બીજા રાજ્યોના શ્રમ કાયદાના વર્તમાન સુધારામાં બાર કલાકની પાળીની સતત પ્રક્રિયા ધરાવતા ઉદ્યોગો અને બીજા વ્યવસાયોને પરવાનગી આપતી જોગવાઈ છે. ત્રણ મહિને ૧૨૫ કલાકના હાલના ઓવરટાઈમને વધારીને ૧૪૪ કલાક કરવામાં આવ્યા છે. બાર કલાકની શિફટ હોય તો પાંચ ને બદલે છ કલાકે કામદારોને રિસેસ મળશે તેવી જોગવાઈ છે. મહિલાઓને રાત પાળીમાં કામ કરવાની પણ જોગવાઈ કાયદો કરે છે.
શ્રમ સુધારામાં કેટલીક મહત્ત્વની શરતો છે. જેમ કે બાર કલાક કામ માટે કામદારની સંમતિ લેવી આવશ્યક છે. મહિલાઓને રાતપાળીમાં કામ કરાવવા માટે વર્કપ્લેસને સુરક્ષિત અને સી.સી.ટી.વી.થી સજ્જ રાખવા, સલામત પરિવહનની વ્યવસ્થા કરવા તથા સતત ચાર દિવસ ૧૨ કલાક કામ કરનારને બે દિવસની રજા આપવાની પણ શરત છે. જો કે આ તમામ બાબતો તેના અમલીકરણના તબક્કે પોકળ સાબિત થતી હોય છે. કામદારોને નોકરી છૂટી જવાનો ડર એટલો બધો હોય છે કે તેઓ માલિકો ઇચ્છે તેવી સંમતિ આપતા હોય છે.
કામના કલાકો અને ઓવરટાઈમમાં વૃદ્ધિ સાથે મહિલાઓને રાતપાળીમાં કામ કરવાની છૂટ આપતા હાલના કાયદા કે કાયદામાં સુધારાના ઉમદા ઉદ્દેશો વર્ણવવામાં આવી રહ્યા છે. ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની નીતિને પ્રોત્સાહન, ઉદ્યોગો માટે રોકાણ આકર્ષવું, કામદારોની અછતનું નિવારણ, ઉદ્યોગોના સંચાલનમાં લવચીકપણું આણવું, ઉત્પાદનમાં વધારો કરવો, નવા રોજગારનું સર્જન અને આર્થિક વિકાસને વેગના હેતુથી આ કાયદા, નીતિ કે સુધારા થયા હોવાનો સરકાર પક્ષનો દાવો છે.
કામદાર-કર્મચારી મંડળો ભલે આ સુધારાઓને તેમના હિત વિરોધી અને મૂડીપતિઓના લાભાર્થે થયેલા ગણાવે સરકારો તો તેને શ્રમિકોના અધિકારોનું રક્ષણ, ઓદ્યોગિક નિયમોને વધુ સરળ અને કામદારોને અનુકૂળ બનાવવા, ઘણા ઉદ્યોગો અને ધંધાઓમાં આમે ય કામદારો પાસે બારબાર કલાકનું વૈતરું ઓછા પગારમાં કરાવાય છે, ત્યારે આ સુધારો તેમના વેતનમાં વધારા માટે અને સરવાળે તેમના લાભમાં ઘડાયાનું ગાણું ગાવા સાથે તે આંતરરાષ્ટ્રીય માપદંડો સાથેના જોડાણનો હેતુ ધરાવતા હોવાનું કહેવાનું પણ ચૂકતા નથી.
મહિલાઓને રાત્રે કામ કરવાની મંજૂરી મળે તે પહેલી નજરે મહિલા સમાનતાની દૃષ્ટિએ પ્રગતિશીલ પગલું લાગી શકે છે. પરંતુ તે વાસ્તવિક કેટલું છે તેવો સવાલ પણ થાય છે. ફેકટરી એક્ટ ૧૯૪૮માં જેમ મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવું પ્રતિબંધિત છે તેમ જોખમી અને ભારે શ્રમનાં કામો પણ પ્રતિબંધિત છે. એટલે જ્યારે મહિલાઓ માટે રાતપાળીમાં કામ કરવાની મંજૂરી મળે છે, ત્યારે બાકીના પ્રતિબંધો પણ રહેતા ન હોય તેમ બનશે. પુરુષોની તુલનામાં મહિલાઓને ઘરનાં કામનો અનેક ગણો બોજો ઉઠાવવાનો હોય છે એટલે તે દિવસે ઘરના, ખેતરના, પતિ, બાળકો, વડીલોની સંભાળના કામો કરે અને રાત્રે કારખાનામાં કામ કરે તો તેના માથે બેવડો બોજો આવશે.
આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાન (આઈ.એલ.ઓ.) આઠ કલાક કામ, આઠ કલાક આરામ અને આઠ કલાક કુટુંબ-સમાજ માટે તેમ ગણીને રોજના આઠ જ કલાકના કામને માન્ય ગણે છે. હાલ જે બાર કલાકની કામની પાળી નિર્ધારિત કરી છે તે કામદારો-કર્મચારીઓના શારીરિક, માનસિક અને કૌટુંબિક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. ગરીબ શ્રમિકો બે છેડા ભેગા કરવા વધુ કલાકો કામ કરશે તો ખરા પણ તે તેના આરોગ્યના ભોગે જ હશે. નિ:શંક ઉત્પાદનમાં વધારો થશે પણ તે નવા રોજગારનું સર્જન કરશે તેવા સરકારી દાવા સાચા નહીં ઠરે. જો હાલનો કામદાર બાર કલાક કામ કરવાનો હોય તો નવા ને માટે કોઈ તક રહેતી નથી. એટલે રોજગાર સર્જનનો દાવો ખોટો છે. ઉપરથી જો કામદારો બાર કલાક કામ કરે તો ત્રણને બદલે બે પાળી જ ચાલશે તેથી એક પાળીના કામદારોને બેકાર થવાનો વારો આવશે એટલે કામનાકલાકોની વૃદ્ધિ કામદારોમાં ઘટાડો અને ઉત્પાદનમાં વધારો બનશે.
કેન્દ્ર સરકારની શ્રમસંહિતા અને ગુજરાત સરકારે ૨૦૧૫માં મજૂર કાયદામાં કરેલા સુધારા પછી હાલના કાયદાથી કામદારોમાં વધુ નિરાશા સર્જાઈ શકે તેમ છે. ૨૦૧૫માં લઘુતમ વેતનના ભંગને સજાપાત્ર ગુનામાંથી મુક્તિ આપવામાં આવી છે. હવે કામના કલાકોમાં વૃદ્ધિ માલિકોને વધુ મનમાની કરાવશે અને કામદારોનું શોષણ થશે. અઠવાડિક ૪૮ કલાકના કામના વૈશ્વિક માપદંડને બદલે ભારતનો કામદાર કાયદેસર ૬૦ કે ૭૨ કલાક કામ કરશે.
ઈન્ફોસિસના ચેરપર્સન નારાયણ મૂર્તિ અને એલ. એન્ડ ટી.ના એમ.એન. સુબ્રમણ્યમે કામદારો-કર્મચારીઓને અઠવાડિયે તેમની જેમ ૭૦ થી ૯૦ કલાક કામ કરવા સૂચન કર્યું હતું. બેંગલુરુની મોબાઈલ ગેમિંગ એપ બનાવનારી એક કંપનીના સહસ્થાપક મોહન કુમારે તો તેમની કંપનીમાં બધા રોજ બાર કલાક કામ કરતા હોવાનું એક્સ (કે ટ્વીટર) પર જાહેર કર્યું છે. એટલે કામના કલાકોની વર્તમાન વૃદ્ધિ કેટલી કામદારોના હિતમાં છે અને કેટલી ઉદ્યોગપતિઓના હિતમાં છે તે વિચારણીય મુદ્દો રહે છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

