આરુષિ સંયુક્ત કુટુંબમાં રહેતી યુવાનીના ઉંબરે ડગ માંડતી કન્યા છે, જેણે હમણાં જ ૧૨મું ધોરણ પાસ કર્યું છે. આરુષિની ઇચ્છા આગળ ઉચ્ચ અભ્યાસ કરી પાઈલટ બનવાની છે, પણ તેના દાદીને લાગે છે કે આરુષિ હવે પરણવા લાયક થઈ ગઈ છે તેથી સારો મુરતિયો જોઈ તેની સાથે લગ્ન કરી દેવા જોઈએ, જેથી તેમના દીકરાને જવાબદારીમાંથી છુટકારો મળે.
આરુષિની ગાઢ સખી મેઘા ખુલ્લા અને સ્વતંત્ર વાતાવરણમાં ઉછરેલ સુશિક્ષિત પરિવારની એકની એક દીકરી છે જે આરુષિના મનોભાવોને બહુ સારી રીતે સમજે છે, અને દરેક મૂંઝવણમાં આરુષિને મદદ કરે છે.
દૃશ્ય: ૧
[ઘરના એક રૂમની અંદર આરુષિ અને તેના દાદીમા વચ્ચે વાર્તાલાપ ચાલી રહ્યો છે]
આરુષિ : “દાદી, મારે આગળ વધુ અભ્યાસ કરીને પાઈલોટ બનવું છે, અને એ માટે ગમે તેટલી મહેનત કરવી પડશે તો પણ હું પાછી નહિ પડું.”
દાદી: “પણ, દીકરી એ માટે તો તારે હજી ઘણાં વર્ષો સુધી ભણવું પડશે, અને તારે વળી કમાઈને ક્યાં ઘર ચલાવવાનું છે કે તું પાઈલોટ બનવાની વાત કરે છે! તારા લગ્ન થઈ જાય પછી ઘર ચલાવવાની જવાબદારી તો તારા થનાર ઘરવાળાની રહેશે, તું શા માટે એ બધો ભાર તારા માથે લે છે?”
આરુષિ: “પણ દાદી…..!!!”
દાદી: “પણ અને બણ, એક વાર કહ્યું ને કે તારે હવે આગળ નથી ભણવાનું એટલે નથી ભણવાનું! વડીલ કંઈ કહેતા હોય તો તમારા ભલા માટે કહેતા હોય એટલી સમજ તો તને હવે પડવી જોઈએ.”
[આ ચર્ચા ચાલતી હોય છે એ દરમિયાન આરુષિની સખી મેઘા અંદર પ્રવેશે છે]
મેઘા: “બા, તમને કોઈ વાંધો ના હોય તો હું આમાં કંઈક કહું?”
દાદી: “હા, મને ખબર છે, તું તો આરુષિનો જ પક્ષ લઈશ, ના જોઈ હોય તો મોટી સલાહ આપવાવાળી, બોલ શું કહેવું છે તારે?”
મેઘા: “બા, જુઓ .., સમય હવે બદલાઈ ગયો છે, ઘર ચલાવવા માટે હવે પુરુષની સાથે સાથે સ્ત્રીએ કમાવું પણ એટલું જ જરૂરી છે.”
દાદી: “સ્ત્રી કમાવા જશે તો પછી ઘરનાં કામ કોણ કરશે?, પુરુષ થોડો કંઈ ઘરના કામ કરશે!”
મેઘા: “કેમ નહિ કરે, બા! જો સ્ત્રી બહારના બધાં કામો કરી શકતી હોય તો પુરુષ ઘરનાં કામ કેમ ના કરી શકે?? ઘર ચલાવવાની જવાબદારી એકલી સ્ત્રીની ઓછી છે, જો ઘર વસાવવા માટે સ્ત્રી અને પુરુષ બંનેની જરૂર પડતી હોય તો ઘર ચલાવવા અને ઘરનાં કામો કરવા માટે પણ બંને એકસરખાં જવાબદાર ગણાય.”
દાદી: “આરુષિના દાદાએ પણ મને ક્યારે ય ઘરની બહાર જવા દીધી નથી. મારે તો બસ એયને ઘરનાં નાનાં-મોટાં કામો કરવાના ને મોજમજા કરવાની.”
મેઘા: “બા, સાચું કહેજો, શું તમને પણ અંદરથી ક્યારે ય એવું થયું નહોતું કે હું પણ ઘરની બહાર નીકળું અને કંઈ કામકાજ કરી ઘરમાં આર્થિક ટેકો કરું?”
દાદી: “મેઘા, બેટા એવો વિચાર તો આવ્યો હતો, પણ પછી થયું કે જો હું કમાવા જઈશ તો ઘરનાં કામો કોણ કરશે, મારું ઘર રઝળી પડશે, એમ વિચારી મેં મારું મન વાળી લીધું. પણ મેઘા, તે મારા મનની વાત તે કેવી રીતે જાણી લીધી?”
મેઘા: “બા, આ વાત તમારાં એકલાની નથી, આ વાત દરેક સ્ત્રીની છે. ચાર દીવાલોની વચ્ચે કેદ દરેક સ્ત્રીને આ વાત લાગુ પડે છે. વાસ્તવમાં, આપણી સમાજ વ્યવસ્થા જ કંઈક એવી છે જેમાં સ્ત્રીને ખૂલીને પોતાના મનની વાત રજૂ કરવાની મોકળાશ નથી. ઘર હોય કે કુટુંબ, સમાજ હોય કે ગામ, સ્ત્રીના મનની અંદર શું ચાલી રહ્યું છે એ સાંભળવાની કોઈ કહેતા કોઈને દરકાર જ નથી. બા, શું તમે પણ એવું ઇચ્છો છો કે તમારા ઘરમાં એક દીકરીનાં અરમાનો, ઇચ્છાઓ અને આકાંક્ષાઓરૂપી પાંખોને ઉડવા માટે આકાશ મળે એ પહેલા જ તેની એ પાંખોને સંકુચિત વિચારશૈલીના દોરથી બાંધી ઘરની ચાર દીવાલોની અંદર તેને કેદ કરી દેવામાં આવે!”
દાદી: “ના બેટા, જરા ય નહીં. તારી વાત પરથી મને એમ લાગે છે કે મારી આરુષિ પણ હવે પોતાની ઇચ્છા મુજબ જેટલું ભણવું હશે એટલું ભણશે અને પોતાની મરજી મુજબ નોકરી કે વ્યવસાય કરશે. મારી જેમ એની ઇચ્છા, આકાંક્ષાઓ અને અરમાનોને હું હવે નહિ ગુંગળાવા કે મરવા નહિ દઉં. જરૂર પડશે તો હું એની પડખે ઊભી રહીશ.”
દાદી: “મને લાગે છે કે સ્ત્રીની અંદરની લાગણીઓને એક સ્ત્રી સિવાય બીજું કોઈ ના સમજી શકે. એક સ્ત્રી જો બીજી સ્ત્રીને મદદ કરશે તો પણ સ્ત્રીઓને થતા ઘણા અન્યાયો અને સ્ત્રી પ્રત્યેના અવિચારી પૂર્વાગ્રહો ઓછા કરી શકાશે. સ્ત્રીને પુરુષના સહકારની જેટલી જરૂર છે એથી વધુ જરૂર સ્ત્રીને સ્ત્રી તરફથી મળતા સહકારની પણ છે.”
[દાદીના મુખેથી આવા ચમત્કારિક શબ્દો સાંભળી એક આછા સ્મિત સાથે આરુષિની આંખના ખૂણા ભીના થયા].
મેઘા: “બા, મને લાગે છે કે આરૂષિનાં સપનાં હવે ઊંચી ઉડાન ભરશે.”
[ચહેરા પર આછેરા સ્મિતની રેખાઓ સાથે આરુષિ, મેઘા અને દાદી ત્રણેયની નજરો આકાશ તરફ લંબાય છે].
Email: h79.hitesh@gmail.com
![]()

