
રાજ ગોસ્વામી
આ વર્ષે ઘોષિત થયેલા નોબેલ પારિતોષિકમાં, પહેલીવાર એક સાઉદી વૈજ્ઞાનિક ઓમર યાગીને કેમેસ્ટ્રીમાં ક્રાંતિકારી શોધ બદલ સન્માનિત કરવામાં આવ્યા છે. આરબ જગતમાં આ સીમાચિહ્નરૂપ ઘટના છે. તેમણે ધાતુ-કાર્બનિક બંધારણ પર કરેલું સંશોધન તો કમાલનું છે, જેના કારણે નોબેલ પારિતોષિકના મંચ પર પહેલી વાર આરબ વિજ્ઞાનને નામના મળી છે.
૮ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ રોયલ સ્વીડિશ એકેડેમી ઓફ સાયન્સે ઓમર યાગીને જાપાનના સુસુમુ કિટાગાવા અને ઓસ્ટ્રેલિયાના રિચર્ડ રોબસન સાથે કેમેસ્ટ્રીનો નોબેલ પુરસ્કાર આપ્યો હતો. આ શોધ રેગિસ્તાનની હવામાંથી પાણી કાઢવા સાથે જોડાયેલી છે. તેને મેટલ-ઓર્ગેનિક ફ્રેમવર્ક કહે છે. સાદા શબ્દોમાં કહીએ તો, આ એક એવી ટેકનિક છે વોટર હાર્વેસ્ટિંગને એક નવી જ ઊંચાઈ પર લઇ જશે. આ ટેકનિકની મદદથી હવામાં મોજુદ ભેજને શોષીને તેને પાણીમાં પરિવર્તિત કરી શકાય છે. યાગીએ સાથી વૈજ્ઞાનિકોના સહકારમાં અમેરિકાના એરિઝોના સ્થિત રેગિસ્તાનમાં આવી રીતે હાર્વેસ્ટિંગ કર્યું હતું.
મહત્ત્વની વાત એ છે કે ઓમર યાગીની યાત્રા જોર્ડનના શહેર અમ્માન સ્થિત એક રૂમના ઘરમાંથી શરૂ થઇ હતી. 1965ની સાલમાં, અમ્માનમાં એક પેલેસ્ટિનિયન શરણાર્થી પરિવારમાં જન્મેલા યાગીની કહાની આશા અને ઉમંગની દાસ્તાન છે. યાગી, 60ના દાયકામાં હિંસામાં ગિરફત પશ્ચિમ એશિયાના જોર્ડનમાં એક ગરીબ ઘરમાં જન્મ્યા હતા. તેમના માતા-પિતા પેલેસ્ટાઇનમાંથી ભાગીને અહીં આવ્યાં હતાં.
નોબેલ માટે તેમની પસંદગી થઇ, ત્યારે તેમણે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “અમારા ઘરમાં નળમાં પાણી પણ નહોતું આવતું, વીજળી તો દૂરની વાત હતી. મારા પિતા છઠ્ઠા ધોરણ સુધી ભણેલા હતા અને માને ન તો વાંચતાં આવડતું હતું, ન લખતાં.” પછી તેમણે ઉમેર્યું હતું, “જ્યારે મેં હવામાંથી પાણી કાઢે તેવા પદાર્થની શોધ કરી, તો તે મારા બાળપણની તરસનો જવાબ હતો.”

તેમની પાસે માત્ર એક રૂમનું ઘર હતું. એમાં કેટલાંક ઢોર હતાં અને આઠ બાળકો. તેમના પિતા કસાઈ હતા. પિતાને એટલી સમજ હતી કે ગરીબી અને હિંસાના આ માહોલમાં બાળકનું કોઈ ભવિષ્ય નથી. ભવિષ્ય હોય તો તે ભણવામાં છે. આર્થિક મુશ્કેલીઓ હોવા છતાં, પિતાએ ત્યારે યાગીને કહ્યું કે તારે બહાર જઈને ભણવું જોઈએ, જેથી આપણી આગળની પેઢીનું ભવિષ્ય બદલી શકે. આજે, આખા આરબ જગતની પેઢી યાગીના સન્માનથી ગદ્દગદ અને પ્રેરિત છે.
આ માહોલમાં 10 વર્ષની ઉંમરે યાગીનો વિજ્ઞાન સાથે પ્રેમ શરૂ થયો હતો. તે એક દિવસ સ્કૂલની લાઈબ્રેરીમાં પહોંચી ગયા હતા, જે લગભગ બંધ જ રહેતી હતી. અહીં તેમણે એક પુસ્તકમાં પહેલીવાર પરમાણુ રચનાના મોડેલની તસવીર જોઈ હતી. તે જોઇને તેમને અનેક પ્રશ્નો થયા હતા. તેઓ કહે છે, “મને ખબર પડે કે આ પરમાણુ છે તે પહેલાંથી મને તેની સાથે પ્રેમ થઇ ગયો હતો.”
પિતાના સલાહ અને મદદ પર યાગી 15 વર્ષની ઉંમરે અમેરિકા ગયા હતા. પિતા ગમાર હતા પણ દીકરાની ક્ષમતા પારખવાની કોઠાસૂઝ હતી. તે જ યાગીને અમેરિકા લઇ ગઈ હતી. અમેરિકા આવ્યા પછી દુનિયા ખૂલી ગઈ. યાગીમાં વિજ્ઞાનના પ્રેમનું બીજ તો રોપાયેલું હતું, અમેરિકાની શિક્ષણની દુનિયાએ તેમાં ખાતર-પાણી સીંચીને ફૂટવા માટે મજબૂર કરી દીધું.
અમેરિકામાં તે ટ્રોય (ન્યૂયોર્ક) ગયા હતા. ત્યાં તેમણે હડસન વેલી કમ્યુનિટી કોલેજ અને પછી સની અલ્બાનીમાં અભ્યાસ કર્યો હતો. અહીં તે ફાજલ સમયમાં ગ્રોસરીની દુકાનમાં ફર્શ સાફ કરતા હતા અને ભણવાના સમયે લેબમાં અસિસ્ટન્ટ બનીને પ્રયોગશાળામાં કામ કરતા હતા. “મને ક્લાસરૂમ નહીં, લેબ ગમતી હતી, જ્યાં હું ચીજવસ્તુઓ બનાવતો હતો,” તેઓ કહે છે, “મને કેમેસ્ટ્રીમાં પહેલેથી જ રસ હતો. તે વખતે હું એક જ સમયે ત્રણ પ્રોફેસરો સાથે ત્રણ ત્રણ પ્રોજેક્ટ પર કામ કરતો હતો.”
અહીંથી તેમણે પાછું વળીને જોયું નહોતું. આજે તેમના નામે ડઝનેક ઓનર્સ, પેપર્સ, પુસ્તકો અને એવોર્ડ્સ બોલે છે. તાજેતરમાં, નોબેલ પારિતોષિક જાહેર થયા પછી તેમણે આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, “હું સુંદર ચીજવસ્તુઓ બનાવવા માટે અને બૌદ્ધિક સમસ્યાઓ ઉકેલવા માટે સર્જાયો હતો.”
તેમની આ સફળતાનું શ્રેય યાગી પુસ્તકોને આપે છે. તેઓ યુવાન વિદ્યાર્થીઓને સંદેશ આપતાં કહે છે, “મને છોકરાઓ પૂછતા રહે છે કે કોઈ ચીજમાં કેવી રીતે પેશન આવે? તમે કેમેસ્ટ્રીના પ્રેમમાં કેવી રીતે પડ્યા? ત્યારે હું કહું છું કે તમારી આજુબાજુમાંથી કોઇપણ એક ચીજને પકડો અને તેના વિશે ઊંડું વિચારો કે આ શું છે, કેવી રીતે બન્યું હશે. તમે તેમાં જેટલા ઊંડા ઉતરશો તેમ તેમ તમને તેની રચના અંગેની સુંદર બાબતો સમજાતી જશે. મને એ રીતે કેમેસ્ટ્રીનું આકર્ષણ થયું હતું. મને ખબર નહોતી કે પરમાણુ શું હોય છે. હું તો એમ જ આકર્ષાયો હતો. પછીથી ખબર પડી કે આપણી દુનિયા તેનાથી બનેલી છે. એટલે શરૂઆતમાં કોઈ ભવ્ય યોજનાઓ કરવાની ન હોય, તમને જે કોઈ એક સમસ્યા કે ક્ષેત્રમાં રસ પડે તેમાં ઊંડા ઉતરો.”
૮મી તારીખે, યાગી સાનફ્રાન્સિસ્કોથી બ્રસેલ્સ જઈ રહ્યા હતા, અને ફ્રેન્કફર્ટમાં ફ્લાઈટ બદલવા માટે લગેજને લઈને ચાલવા જતા હતા, ત્યાં જ મોબાઇલ પર સ્વીડનની કોલ આવ્યો હતો અને સમાચાર આપ્યા હતા કે તેમને આ વર્ષનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવી રહ્યું છે. “આવી ક્ષણ માટે કોઈ તૈયાર ન હોય,” તેમણે તે ઘડીને યાદ કરીને કહ્યું હતું, “એ ફીલિંગ અવર્ણનીય પણ જબરદસ્ત ઉત્તેજનાવાળી હતી.”
પ્રગટ : ‘બ્રેકિંગ વ્યુઝ’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘સંસ્કાર’ પૂર્તિ, “સંદેશ”; 10 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

