અમુક હદ સુધી સ્ટ્રેસ પૉઝિટિવ હોય છે. એ આપણને ચાલતા, દોડતા, કામ કરતા, પ્રગતિ કરતા કરે છે. પણ જ્યારે તેની અસર શારીરિક તકલીફરૂપે દેખાવા લાગે ત્યારે ચેતી જવું જોઈએ. તમે આવા અનહેલ્ધી સ્ટ્રેસના શિકાર તો નથી ને? એનાથી છૂટવા શું કરવું જોઈએ?

સોનલ પરીખ
આધુનિક જીવનશૈલીએ બે શબ્દોને ચલણી બનાવ્યા છે – એ બે શબ્દો છે ‘સ્ટ્રેસ’ અને ‘બર્ન આઉટ’. સ્ટ્રેસ એટલે તાણ. કોઈપણ પડકાર ઊભો થાય ત્યારે શરીર-મનમાં એક તાણ ઊભી થાય છે. આમ તો એ તાણને લીધે જ આપણે મહેનત કરવા પ્રેરાઈએ છીએ અને વિકસીએ છીએ. પણ જ્યારે તાણ એટલે કે સ્ટ્રેસ કાયમી બની જાય ત્યારે એ શરીર-મન માટે જોખમી બની જાય છે. એમાંથી જ બર્નઆઉટની પરિસ્થિતિ ઊભી થાય છે. બર્નઆઉટનો ભોગ બનેલો માણસ માનસિક રીતે અત્યંત થાકી જાય છે અને તેથી હતાશા અને શારીરિક થાકથી ઘેરાય છે. સ્ટ્રેસને લીધે માણસ વધારે કામ કરે છે, જ્યારે બર્નઆઉટથી પીડાતો માણસ કામ કરી શકતો નથી. તેનો પોતાના પરથી અને સ્થિતિ પરથી કાબૂ લગભગ ચાલ્યો જાય છે.
વર્ષ 2023માં ન્યૂયોર્કની મેકકિન્સે હેલ્થ ઇન્સ્ટિટ્યૂટે વિશ્વના 30 દેશોના 30 હજાર કર્મચારીઓ પર એક સર્વે કર્યો હતો. તેમાં જાણવા મળ્યું છે કે વિશ્વભરમાં સરેરાશ 20% કર્મચારીઓ બર્નઆઉટની ફરિયાદ કરે છે. જ્યારે ભારતમાં આ આંકડો 59% એટલે કે લગભગ ત્રણ ગણો વધારે છે. એ સર્વે મુજબ નાની કંપનીઓમાં કામ કરતા 18થી 24 વર્ષના યુવાનો સ્ટ્રેસ અને બર્નઆઉટનો વધુ શિકાર બની રહ્યા છે. જો કે સ્ટ્રેસે કોઈને છોડ્યા નથી. કોઈપણ વયની વ્યક્તિ તેનો શિકાર બની શકે છે.
આપણી આસપાસ આવાં અનેક ઉદાહરણો છે. મનોજભાઈ અને તરલાબહેન બંને પંચાવન પાર કરી ગયેલી વ્યક્તિઓ છે. મનોજભાઈ આમ તો સ્વસ્થ અને ધીરગંભીર, પણ ક્યારેક એમને સ્ટ્રેસની ખૂબ તકલીફ થાય. પછી તર્કથી, શ્રદ્ધાથી, ધીરજથી તેઓ તેમાંથી મુક્ત થાય. ક્યારેક પોતાને નાનો વિરામ આપી પ્રકૃતિને ખોળે ચાલ્યા જાય. તરલાબહેન એટલા નસીબદાર નથી. તેમને સ્ટ્રેસથી છૂટવા મેડિકલ હેલ્પ લેવી પડે છે.
સ્ટ્રેસ એવી સમસ્યા છે કે જો તેનું નિવારણ સમયસર કરવામાં ન આવે તો તેની અસર શરીરની તંદુરસ્તી પર પણ પડે છે. ચાલીસ વર્ષની કેયા રોજ સવારે ઊઠે ત્યારે ગળું અને ખભો જ્યાં મળે એ જ્ગ્યાએ કશુંક ગંઠાઈ ગયેલું લાગે. ઘણા દિવસ સુધી તો એને એમ લાગ્યું કે અમુક રીતે સૂવાને કારણે ખભો અને ગળું ખોટી રીતે દબાઈ જતાં હશે. એ ઘર અને જોબમાં ખૂબ વ્યસ્ત રહેતી. પેઈનકિલર લઈ લેતી અને કામે વળગતી. પણ પછી તો ખભો આખો ગંઠાઈ જવા માંડ્યો, દુ:ખાવો પેઈનકિલર-પ્રૂફ થઈ ગયો અને દિવસો સુધી રહેવા માંડ્યો. એક રાત્રે ગરમ પાણીની કોથળી ખભા પર દબાવતાં એણે પતિને કહ્યું, ‘એક તો આટઆટલાં કામ ઉપરથી આ દુ:ખાવો …’ ત્યારે પતિએ કહ્યું, ‘મને લાગે છે કે તારે ડિ-સ્ટ્રેસ થવાની જરૂર છે.’ એ ક્ષણે કેયાને પહેલી વાર એવું લાગ્યું કે એનું સ્ટ્રેસ અને ખભાનો દુખાવો બે જુદી ચીજો નથી.
માથાનો દુખાવો, અલ્સર, અપચો, બ્લડપ્રેશર – આ બધું સ્ટ્રેસનું સીધું પરિણામ હોઈ શકે. એ અચાનક થાય છે એમ પણ હોતું નથી. કેટલો ય વખત તો શરીરે મગજના દબાણ સાથે અનુકૂલન સાધ્યું હોય છે, પછી એ સંભવ ન રહે ત્યારે શરીર પર તેની અસર દેખાય છે. મેડિકલ સાયન્સ કહે છે કે મોટા ભાગના રોગો સાયકોસોમેટિક હોય છે. એટલે કે શરીરના કારણે મનને અને મનના કારણે શરીરને થાય છે.
કેયાએ ‘ડિ-સ્ટ્રેસ’ થવા શું કર્યું? સફળતાપૂર્વક સ્ટ્રેસમુક્ત થયા પછી એ કહે છે, જો તમે સ્ટ્રેસ સાથે લડી રહ્યા હો, તો આટલું પોતાની જાતને પૂછી લો, ‘કોની ચિંતા મારા માથા પર સવાર થઈ છે?’ – સ્ત્રી માટે કુટુંબના સૌનાં સુખદુ:ખ પોતાનાં જ હોય છે. વળી કોઈ કંઈ કહે એટલે એ સીધું મન પર લઈ લે છે. તેનાથી જીવનશક્તિ રુંધાતી જાય છે. અજાણે એ ખરીદી, ટેલીવિઝન, ખૂબ ખાવું જેવા ઉપાયો તરફ વળે છે. પુરુષને સ્ટ્રેસ આવે ત્યારે એ ખાવા-સૂવાની અનિયમિતતા ઉપરાંત સિગરેટ અને આલ્કોહોલનું શરણું શોધે છે.
જ્યારે સ્ટ્રેસ આવે, ચિંતાનું કારણ સમજી લો. બાળકને સ્કૂલમાં પ્રોબ્લેમ થયો છે? પતિને ઑફિસનું ટેન્શન છે? મિત્રો વચ્ચે બોલાચાલી થઈ છે? બાળકો, પતિ, મિત્રો માટે હમદર્દી, પ્રેમ, મહેનત બધું આવકાર્ય, પણ એનું ટેન્શન તમારું માથું કાણું કરે ત્યારે ચેતવું પડે. આવું થાય ત્યારે વિચારો, આ સ્ટ્રેસની તમારા મન પર શું અસર થઈ છે? જો તમે અચાનક ચિડિયા, અધીરા, અસ્થિર બન્યા હો તો સ્પષ્ટ થઈ જાઓ કે કઈ ચીજ તમારા કાબૂમાં છે અને કઈ કાબૂ બહાર છે. બન્ને પર તાત્કાલિક કામ શરૂ કરી દો. જે કાબૂમાં હોય તેને સરખી કરી લો, જે કાબૂ બહાર હોય તેની સાથે સમાધાન કરી લો. અદ્દભુત પરિણામ મળશે.
‘ચિંતા કરવાથી સ્થિતિ સુધરશે?’ આ પ્રશ્ન બહુ અગત્યનો છે. ચિંતાથી તાણ વધે છે, સ્વસ્થતા ચાલી જાય છે અને તમે સ્થિતિને સુધારી પણ શકતા નથી. એ પણ વિચારી જુઓ કે નાની ચિંતાને તમે બહુ મોટી તો બનાવી દીધી નથી ને? એની પાછળ વધુ પડતાં સમય-શક્તિ તો વેડફાતાં નથી ને? ખરાબ ભવિષ્યની આશંકા વર્તમાનમાં જે સારું છે તેને ઢાંકી દેતી તો નથી ને?
કેટલીક વાર ઘણુંબધું કરી લેવાની લ્હાય આપણો જીવ ઊંચો રાખે છે. એક દડો હવામાં ઉછાળ્યો હોય તો આસાનીથી પાછો ઝીલી શકાય છે, પણ જો આઠદસ દડા એકસાથે ઉછાળ્યા હોય તો? જિંદગી નાની છે, કેટલુંક થશે? શ્વાસ લેવાનો ય સમય ન મળે એટલું કામ એકઠું ન કરો. નિષ્ફળતાઓને પણ સ્વાભાવિક ગણી સ્વીકારો. કોઈ બાબત પાર ન પડે, કોઈ પાર પડતા સમય લાગે એવું થાય. શાંતિથી કામ કર્યા કરો, બાકીનું સમય પર છોડતાં શીખી જાઓ.
પોતાની કાળજી લો છો કે નહીં? પોતાની કિંમત કરવી, પોતાની જાતને પ્રેમ કરવો એનો અર્થ સ્વકેન્દ્રી કે સ્વાર્થી થવું એવો નથી. પોતાનો સમય, પોતાની શક્તિ, પોતાનું મૂલ્ય આ બધું રોજનાં દબાણો સામે બેલેન્સ કરનારું નીવડે છે.
ઉપરાંત, ઊંડા શ્વાસ લેવાથી મગજમાં ઓક્સિજનનું પ્રમાણ વધે છે, જે મનને શાંત કરે છે અને તણાવ ઓછો કરે છે. યોગ અને ધ્યાન ફક્ત શરીરને લવચીક જ નહીં, પણ મનને પણ સ્થિર કરે છે. દરરોજ ચાલવું – ખુલ્લી હવામાં ચાલવાથી તાજગી આવે છે. એન્ડોર્ફિન નામનું હોર્મોન મુક્ત થાય છે, જે તણાવ ઘટાડે છે. હાસ્ય સ્ટ્રેસ-થેરપી જેવું છે. હસતા રહેવાથી મન હળવું રહે છે. ઊંઘનો અભાવ તણાવ વધારે છે અને માનસિક થાક તરફ દોરી જાય છે. માનસિક સ્વાસ્થ્ય માટે દરરોજ 7-8 કલાક ગાઢ ઊંઘ લેવી જરૂરી છે. તે માટે સ્ક્રીનનો સમય ઓછો કરો અને સૂતા પહેલા આરામદાયક વાતાવરણ બનાવો. ચિત્રકામ, સંગીત, નૃત્ય, બાગકામ જેવા શોખને સમય આપી ખીલવો. તેનથી મન પ્રસન્ન રહે છે અને સ્ટ્રેસ લેવલ ઓછું થાય છે.
જીવવું છે એ રીતે કેમ જીવી શકાતું નથી? કરવું હોય છે એ કેમ કરી શકાતું નથી? લોકો, સંબંધો, પરિસ્થિતિઓ આખરે આટલી જટિલ કેમ હોય છે? આ સવાલોનાં કારણ બહાર હોઈ શકે પણ એનો જવાબ પોતાની અંદર જ છે. આખરે પરિસ્થિતિ તમારી છે, તમે પરિસ્થિતિના નથી અને યાદ રાખો કે હળવા ખભે ચાલવાનું એક સુખ હોય છે.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 14 સપ્ટેમ્બર 2025
![]()

