બરોબર અગિયાર વાગે ભારતનાં એક નાની કક્ષાનાં શહેરમાં, અચાનક, બધાનાં મોબાઈલમાં, કમ્પ્યુટરમાં, લેપટોપ કે બીજા અન્ય ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાં એક કોલર ટ્યુન વાગવા માંડી. બધાં જ માણસો કોલરટ્યુન સાંભળવામાં તલ્લીન થઈને રોકાઈ ગયા, માનો કોલર ટ્યુનનાં નશામાં મસ્ત થઈને ઝૂમવા લાગ્યા. પરિણામે અચાનક રસ્તા પરના વાહનો સ્થંભી જતાં કેટલાં ય અકસ્માત થયાં. કેટલા ય માણસો ઘવાયા કે મૃત્યુ પામ્યાં. માણસો જાણે મીણનાં પૂતળા હોય એમ ઊભા રહી ગયાં, સ્થંભી ગયાં. બરોબર બે મિનિટ સુધી કોલર ટ્યુન વાગતી રહી. બે મિનિટ પછી કોલર ટ્યુન વાગતી બંધ થઈ ગઈ એટલે બધું જ પૂર્વવત થઈ ગયું. પણ ત્યાં સુધીમાં કેટલા ય લોકો ઘવાયા અને મૃત્યુ પામ્યાં હતાં. આ ભયાવહ દૃશ્ય જોઈને માણસો રઘવાયા થઈ અહીં તહીં દોડવા લાગ્યાં. રસ્તા પર જ્યાં ત્યાં અફડાતફડી મચી ગઈ હતી. કોઈને કંઈ જ ન સમજાયું કે આવું કેમ બની ગયું. એવું તે શું બન્યું? કે આવો અરાજકતાનો માહોલ ઊભો થઇ ગયો હતો. કોઈ કોઈને આશ્વાસનનાં બે શબ્દો બોલી શકે એવી સ્થિતિમાં નહોતા. પાછી નવાઈની વાત એ હતી કે કોઈને કોલર ટ્યુન સાંભળી હતી એ યાદ જ નહોતું. બધાં જ બાઘાની જેમ આમ તેમ આથડતાં હતાં. પ્રશાસનની બધી જ ઓફિસો પણ મૂંઝવણમાં હતી. કારણ કે ત્યાં પણ આવો જ માહોલ હતો. ત્યાં પણ બધાએ કોલર ટ્યુન સાંભળી હતી પણ એ વિશે કોઈને કંઈ જ યાદ નહોતું રહ્યું. બે મિનિટ માટે કોલર ટ્યુન દ્વારા કોઈ અદૃશ્ય શક્તિએ આખા શહેરનો કબજો લઈ લીધો હતો. આખા ય દેશમાં આ બાબતની ચર્ચા હતી. જુદા જુદા ક્ષેત્રમાંથી વિવિધ મતો આવતાં હતાં. ક્યાંક કેટલી ય સારી-ખરાબ ચર્ચાઓ થતી હતી. બધાનાં મનમાં એક જ વાત હતી કે આ એલિયન્સનું તો કારસ્તાન નહીં હોય ને? બધાં ચિંતા અને દ્વિધામાં હતાં. કારણ કે ભૂતકાળમાં આવા કિસ્સા બન્યાની વાતો લોકોએ સાંભળી હતી. જે લોકવાયકા પ્રમાણે અલિયન્સનું કામ હતું એમ બધાં માનતા હતા. ભલે તેનો કોઈ દાર્શનિક પુરાવો નહોતો મળ્યો પણ એલિયન્સ દ્વારા આવું બન્યું છે અને બને છે એમ બધાં માનતા હતા.
બે દિવસ પછી ભારતનાં એક બીજા નાની કક્ષાનાં શહેરમાં બરોબર અગિયાર વાગે કોલર ટ્યુન વાગી ને બધાં જ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સમાં અગાઉના શહેરમાં થઇ હતી તેવી જ પરિસ્થિતિ ઊભી થઈ ગઈ. હવે બધાં જ ન સમજી શકાય એવી ચિંતામાં પડી ગયા. એક વાત સમજાઈ ગઈ કે આ કોઈ અજાણી વ્યક્તિ કે સંગઠનનું કૃત્ય લાગે છે. કોઈ અજાણ્યા ગ્રહનું કે પછી એલિયન્સનું કૃત્ય હોય એમ લાગે છે. એ જે હોય તે પણ છે જોખમી અને ચિંતાજનક પરિસ્થિતિ. જો આ એલિયન્સનું કૃત્ય હશે તો તે બીજા દેશનાં શહેરોમાં પણ આવી જ કાર્યવાહી કરશે અથવા તો થઈ હશે. ભારતને એકને જ ટાર્ગેટ બનાવે એવું ન બને. અને જો કોઈ કારણવશાત આવી ઘટનાઓ ભારતમાં જ બને છે તો શા માટે બને છે? એ શોધવું જ પડે. હવે આગળ શું થાય છે. બીજા દેશ કે શહેરની શું સ્થિતિ છે? તેની ઉપર આ બનતી ઘટનાનો આધાર છે. અને એ રિપોર્ટ પરથી આગળનું પ્લાનિંગ થઇ શકે.
આ સમય દરમ્યાન ટોપ લેવલની મિટિંગઓમાં વૈજ્ઞાનિકો, આઈ.ટી. એક્સપર્ટ, ઇલેક્ટ્રોનિક્સ એક્સપર્ટ, સોફ્ટવેર એન્જીનિયર અને અન્ય સુરક્ષા એજન્સીઓ સાથે ચર્ચા, વિચાર વિમર્ષ કરવામાં આવ્યો. એક્સપર્ટનો મત હતો કે કોઈ સોફ્ટવેર પ્રોગ્રામર દ્વારા લોકલ કોમ્યુનિકેશન સિસ્ટમ હેક કરવામાં આવી હોય એવું બની શકે? એક જ ક્ષેત્રને અત્યારે તો ટાર્ગેટ કરીને આ પરિસ્થિતિ ઊભી કરવામાં આવી છે. બીજી શક્યતા એ છે કે સેટેલાઇટ દ્વારા ઓપરેટ થતી કોમ્યુનિકેશન સિસ્ટમ હેક કરવામાં આવી હોઈ શકે? અથવા કોમ્યુનિકેશન માટેનાં સેટેલાઇટને જ હેક કરવામાં આવ્યો હોઈ શકે? આખી ય સિસ્ટમને કન્ટ્રોલ કરી, હેક કરી, કોઈ એક શહેરની કોમ્યુનિકેશન સિસ્ટમનાં અલોટેડ કોડ ઉપર હાઈપાવર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝ કોલર ટ્યુન દ્વારા માણસોને સંમોહિત કરવામાં આવ્યા હોય એવું બની શકે. તેમ જ સેટેલાઈટ નેટવર્ક કમ્યુટર સિસ્ટમ હેક કરી ફ્રીઝ કરી દેવામાં આવી હોય. જેથી બધાં જ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ કામ કરતા બંધ થઇ ગયા હોય. આ બધી જ શક્યતાઓ છે જે યોગ્ય રીતે તપાસવી પડે ત્યાર પછી જ કોઈક નિર્ણય ઉપર આવી શકાય. અત્યારે આપણે બધાએ બને તેટલું સતર્ક રહેવું પડશે. કારણ કે આ એક સોશિયલ મીડિયા હેવોક છે જે જાણી શકાશે પણ રોકી નહિ શકાય.
એક વિચારવાની એ બાબત પણ છે કે એક એક કરીને નાની કક્ષાનાં શહેરને લઈને સિસ્ટમને તપાસવામાં આવી રહી છે. સફળતા મળતા એક સાથે ઘણાં શહેરોને આવરી લઈ અંધાધૂંધી ફેલાવાની સાઝિશ પણ હોય શકે. એટલે બને એટલી ત્વરાથી આ પ્રશ્નનો ઉકેલ શોધવો પડે. જાસૂસી સંસ્થાનો ઉપયોગ કરવો પણ જરૂરી લાગે છે. આ બાબત કદાચ ઇન્ટરનેશનલ લેવલની પણ હોઈ શકે?
બધી જ ચર્ચા વિચારણા પછી પ્રખ્યાત જાસૂસ મુકુલરાયની મદદ લેવાનું નક્કી થયું. હોમ ઓથોરિટીને એ કામ સોંપવામાં આવ્યું. હોમ ઓથોરિટીનાં ચીફ અગરવાલસાહેબે મુકુલરાયને ફોન કરી ઓફિસે બોલાવ્યા ….
“મુકુલરાયજી આપનું અગત્યનું કામ પડ્યું છે. તમારી સેવાની જરૂર છે. તમે મારી ઓફિસે આવી શકો છો? એક ગંભીર પ્રકારનો પ્રશ્ન ઊભો થયો છે. જેનો હલ તાત્કાલિક શોધવો પડશે નહીંતર લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાઈ જશે. હું જે વાત કરું છે એ વિશેનાં સમાચાર તમે પણ જાણ્યા હશે.”
“હા, સાહેબ, મેં પણ આ સમાચાર જાણ્યા છે. તમે કહો છો તેમ વાત છે તો ગંભીર. બોલો, અગરવાલસાહેબ, હું આપને શું મદદ કરી શકું? હું તો આપની સાથે કામ કરવા સદા તૈયાર રહું છું. હું હમણાં જ તમારી ઓફિસે પહોચું છું.”
મુકુલ્રરાય અગરવાલ સાહેબની ઓફિસે પહોંચી ગયા. અગરવાલ સાહેબે કહ્યું, “મુકુલરાયજી, તમે સમાચાર તો જાણ્યા હશે કે આપણા ગુજરાતનાં બે નાની કક્ષાનાં શહેરોને કોલર ટ્યુન દ્વારા બે મિનિટ માટે બધાં જ ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ હેક કરી માણસોને સંમોહિત કરી સ્થિર પૂતળા જેવા બનાવી દીધા હતા. તેના પરિણામે રોડ ઉપર ઘણાં અકસ્માત થયાં. સેંકડો માણસ ઘાયલ થયા કે મૃત્યુ પામ્યા. પણ આ કામ શહેરમાં કોઈ જાતની ચોરી કરવા માટેનું આ કામ હોય તેમ લાગતું નથી. અત્યાર સુધી જે બે નાનાં શહેરમાં આ બનાવ બન્યો છે ત્યાં કોઈની પણ ચીજ વસ્તુઓની ચોરી થઇ હોય એવા કોઈ સમાચાર નથી. આમ કેમ બન્યું? અને શું કામ બને છે? એ કોઈને સમજાતું નથી. બધાં જ અત્યારે જુદી જુદી ધારણાઓ બાંધીને બેઠાં છે. એક મત પ્રમાણે આ કાર્ય એલિયન્સનું છે એમ મોટા ભાગના લોકો માને છે. પણ મને એ વાત ગળે ઉતરતી નથી કારણ કે એલિયન્સ નાના નહીં મોટા શહેરને ટાર્ગેટ કરે. મારે આ પ્રશ્નને જલદી ઉકેલવો છે એટલે આપની મદદની જરૂર છે. આપને જે કંઈ સપોર્ટ જોઈતો હશે તે આપવામાં આવશે. આપણે સાથે રહીને કામ કરશું.”
“ઓકે સાહેબ હું મારું જાસૂસીનું કામકાજ શરૂ કરી દઉં છું. આપની સાથે હું સતત સંપર્કમાં રહીશ. તમે મને જાણકારી અને માર્ગદર્શન આપતા રહેજો. તમારી ટેકનીકલ ટીમને પણ મદદ માટે તૈયાર રાખજો.”
મુકુલરાયે ઓફિસે આવી તેના સ્ટાફ સાથે આખી ય પરિસ્થિતિની ચર્ચા કરી. એક વાત તો ચોક્કસ છે કે હવે જો કોઈ શહેરમાં આવી બાબત બને તો બહુ મોટું ષડયંત્ર આકાર લઈ રહ્યું છે એ વાત નક્કી છે. કોઈ વ્યક્તિ, માફિયા ગેંગ કે કોઈ માથાફરેલ ટેકનોક્રેટ પોતાનો પ્રયોગ સફળ થયે શહેર પછી શહેરને બાનમાં લઈને દેશમાં ભય ફેલાવી દેવા માંગે છે. એ આપણા દેશનો પણ હોઈ શકે અને કોઈ વિદેશી પણ હોઈ શકે. તમે ચારેતરફ તપાસ કરીને જેટલી બને તેટલી જલદીથી કોઈક મહત્ત્વની કડી શોધી કાઢો, જેથી આ સાઝિશની/ષડયંત્રની જડ સુધી પહોંચી જવાય. બાકી આપણી પાસે સમય બહુ ઓછો છે. જેમ જેમ એ પ્રયોગોનું ક્ષેત્ર વધારતો જશે તેમ તેમ લોકોમાં ભયનું સામ્રાજ્ય ફેલાતું જશે. જે આપણે થવા દેવું નથી.
મુકુલરાયે તેના આસિસ્ટંટ અભયને પૂછ્યું, “અભય, આ આખી ય ઘટના ટેકનોલોજીકલ હોય એમ મને લાગે છે. કારણ કે જે રીતે બે નાનાં શહેરની જ સિસ્ટમ કોડને હેક કરી આખી ય કમ્યુનિકેશન સિસ્ટમને કંટ્રોલ કરવામાં આવી છે એ કોઈ સાધારણ વ્યક્તિનું કામ ન હોય શકે. કોઈ માથાફરેલ ટેકનોક્રેટનું તો કામ નહીં હોયને? આપણે આવા જ ટેકનિકલ એક્ષ્પર્ટ, સોફ્ટવેર એન્જીનિયર કે આઇ.ટી. એક્ષ્પર્ટની મદદ લેવી પડશે. તું કોઈને જાણે છો તો તેની સાથે વાત કર. અભય, એક વસ્તુનું ધ્યાન રાખવું પડશે આપણે જે કંઈ એક્ક્ષન લઈએ એ ગુપ્ત રીતે લેવા પડશે એટલે તું જેની સાથે વાત કર તેને વિશ્વાસમાં લઈને વાત કરજે. હું, પણ મારી રીતે તપાસ કરું છું.”
“હા બોસ, મારો મિત્ર આશિષ એક સોફ્ટવેર એન્જીનિયર છે. એ એક મોટી કંપનીમાં સારા હોદ્દા ઉપર છે. તેને જુદા જુદા કાર્ય માટે સોફ્ટવેર પ્રોગ્રામ બનાવવા ગમે છે. તેણે ભૂતકાળમાં ઘણી કંપનીઓને તેની જરૂરિયાત પ્રમાણેનાં સોફ્ટવેર પ્રોગ્રામ બનાવી આપ્યા છે. એ નવી નવી એપ્સ બનાવી તૈયાર રાખતો હોય છે અને જરૂરિયાત પ્રમાણે જે તે વ્યક્તિ કે કંપનીને સપ્લાય પણ કરે છે. તેણે પોતાનાં ઘરે આ કામ માટે ટેકનિકલ લેબ પણ ઊભી કરી છે. એ મારો ખાસ મિત્ર અને વિશ્વાસપાત્ર છે આપણે તેની મદદ લઈએ. એ બધી જ રીતે આપણને મદદરૂપ થશે.”
“તો અભય, તું જલદી તેને ફોન કરીને આપણી ઓફિસે બોલાવ આપણી પાસે સમય બહુ ઓછો છે. એ માથાફરેલ વ્યક્તિ બીજા કોઈ શહેરને ટારગેટ કરે એ પહેલાં આપણે આ ઘટનાનો ઉકેલ શોધીને તેને બનતી અટકાવવી છે.”
અભયે, આશિષને ફોન લગાડ્યો પણ સ્વીચઓફ આવતો હતો. ફરી ફરીને ફોન લગાડ્યો પણ એ જ જવાબ સ્વીચઓફનો આવતો હતો. અભયે બીજા કોમન મિત્રોને ફોન કરી આશિષ વિષે પૂછ્યું તો તે લોકોને તો આશિષ સાથે લાંબા સમયથી વાત જ થઇ નહોતી કે મળ્યા નહોતા.
“બોસ આશિષનો ફોન સ્વીચઓફ આવે છે. આવું ભૂતકાળમાં ક્યારે ય બન્યું નથી. મારે રૂબરૂ જઈને તપાસ કરવી પડશે. ત્યાંની જે કંઈ પરિસ્થિતિ હશે તેની હું તમને જાણ કરતો રહીશ.”
અભય, આશિષનાં ઘરે પહોચ્યો. એ ત્યાં નહોતો એટલે આશિષની ટેકનિકલ લેબ પર પહોચ્યો, તો, ત્યાંની પરિસ્થિતિ જોઈને અભય ગભરાઈ ગયો. લેબમાં બધું જ અસ્તવ્યસ્ત હતું. લેબમાં મોટાપાયે તોડફોડ થઇ હોય એવું લાગતું હતું. આશિષ લેબમાં નહોતો. અભય એકદમ લેબની બહાર આવ્યો અને આજુબાજુનાં લોકોને શું બન્યું હતું એ પૂછ્યું.
લોકોએ જે વાત કરી એ સાંભળીને અભયને પોતાનાં પગ નીચેની જમીન સરકી જતી લાગી. લોકોનાં કહેવા પ્રમાણે એક કાળી વોક્ષવેગનમાં ચાર માણસો આવીને આશિષને ઉઠાવી ગયા હતા, માનોને આશિષનું અપહરણ થઇ ગયું હતું. અભયને એ ન સમજાયું કે આશિષનું અપહરણ શું કામ થયું? અને કોણે કર્યું?
અભયે મુકુલરાયને આશિષનાં સંભવિત અપહરણની વાત કરી, આગળનું માર્ગદર્શન માગ્યું. મુકુલરાયે કહ્યું, “અભય તું કહે છે તે પ્રમાણે તારો મિત્ર ટેકનોક્રેટ છે. તો તેને પોતાની સુરક્ષા માટે કોઈ ડિવાઈસ કે ઈલેટ્રોનિક ગેઝેટ અવશ્ય બનાવ્યું હશે. તું તેની લેબમાં તપાસ કર કદાચ એ મળી જાય તો તને મારા મિત્ર સુધી પહોચવામાં મદદરૂપ થશે.
અભયે જોયું તો એક સાદા લાગતા બ્રેસલેટમાથી ઘીમો ધીમો બીપ બીપ અવાજ આવતો હતો. અભયનું જાસૂસી મગજ કામે લાગી ગયું.
આશિષને સોફ્ટવેર પ્રોગ્રામિંગ માટેનું, વિવિધ કમ્યુટર એપ્લિકેશન, પ્રોગ્રામ, સોફ્ટવેર ઓપરેટિંગ સિસ્ટમ વગેરે બાબતનું ખૂબ જ ઊંડું જ્ઞાન અને માહિતી હતાં. એક દિવસ તેને વિચાર આવ્યો કે હેકર્સ જેમ કમ્યુટર સિસ્ટમ હેક કરી ડેટા ચોરી શકે સાથે સાથે પોતાનું ધાર્યું કામ હેક કરેલા કમ્યુટર પાસેથી લઈ શકે છે. તેમ જો સોફ્ટવેરની મદદથી કમ્યુનિકેશન ઓપરેટિંગ સિસ્ટમ હેક કરી શકાય? કમ્યુનિકેશન ઓપરેટિંગ સિસ્ટમ કંટ્રોલ કરી ઇલેકટ્રોનિક ગેઝેટને કંટ્રોલ કરી શકાય કે નહીં? આ વિચાર ઉપર તેણે કાર્ય કરવાનું શરૂ કર્યું. તેણે એક સોફ્ટવેર પ્રોગ્રામ બનાવ્યો. જે સિસ્ટમને હેક કરી તેને દ્વારા કોલર ટયુન વગાડવાનો હતો. આ કોલર ટયુન એવી હતી કે સાંભળતા જ માણસ સમોહિત થઈને સુદ્ધબુદ્ધ ભૂલીને કોલર ટયુન સાંભળવા લાગી જાય અને કમ્યુનિકેશન સિસ્ટમ હેક થઈને ફ્રીઝ થઇ જાય, જેથી કોઈ ઇલેક્ટ્રોનિક ગેઝેટ્સ કોલર ટયુન વાગે તેટલા સમય પૂરતા બધાં કામ કરતાં બંધ થઇ જાય. હવે આ સોફ્ટવેરને નેટવર્ક સિસ્ટમમાં ઇન્સ્ટોલ કરીને ટેસ્ટ કરવાનો હતો. પણ ક્યાં અને કેવી રીતે તેને ટેસ્ટ કરવો એ તેને સમજાતું નહોતું. બીજુ આ બાબત એવી હતી કે તેમાં કોઈનો સહકાર માંગી શકાય તેમ નહોતો કે કોઈ સાથે ચર્ચા થઇ શકે તેમ નહોતું. દરેક સેન્ટર, શહેર કે એરિયા માટે એક નિર્ધારિત કમ્યુનિકેશન માટેનો સિસ્ટમ કોડ નંબર હોય છે. જો આ કોડ હેક કરી તે શહેર કે સેન્ટર પૂરતી ઓપરેટિંગ સિસ્ટમ હેક કરી શકાય તો તેના દ્વારા ધાર્યું કામ કરાવી શકાય. આમ વિચારી તેણે એક નાની કક્ષાનાં શહેરને પસંદ કર્યું. પરિણામ ધારેલું હતું એવું જ પણ ભયંકર આવ્યું. કોલર ટયુન વાગવાથી પસંદ કરેલ શહેરનાં માણસો સ્થંભી ગયા, બે મિનિટ માટે નિષ્ક્રિય થઇ ગયા …..આ તેના ધાર્યા બહારના પરિણામથી આશિષ ગભરાઈ ગયો, સહમી ગયો અને ખૂબ જ ડરી ગયો. તેણે તેના સોફ્ટવેરની આટલી હદે સફળતા અને તારાજી વિચારી નહોતી.
પહેલા શહેરનાં પરિણામ પછી આશિષ ડરી ગયો હતો પણ પછી તેનામાં એક ખૂબ જ હોશિયાર સોફ્ટવેર એન્જીનિયર તરીકે ખ્યાતનામ થવાની મહત્ત્વાકાંક્ષા જાગી ઊઠી અને ફરી એક નાની કક્ષાનાં શહેરને પસંદ કર્યું, ને પરિણામ પહેલા જેવું જ આવ્યું. હવે અશિષને પોતાનાં જ સોફ્ટવેરના નવા અવિષ્કારથી ડર લાગવા માંડ્યો હતો. કારણ કે તેના બે નાનાં શહેરનાં પ્રયોગ અને તેના પરિણામની ચર્ચા દેશમાં જ નહીં વિદેશમાં પણ થવા લાગી હતી. આથી આશિષનાં મનમાં ભય બેસી ગયો કે જો કોઈ વિરોધી દેશ, માફિયા ગેંગ કે આતંકવાદી સંગઠન ને ખબર પડશે તો તેની શું દશા થશે. જો એમ થાય તો પોતે બહુ મોટી મુશ્કેલીમાં મુકાઈ જશે. તેના મોબાઈલ ફોન પર અજાણ્યા મોબાઈલ નંબર પરથી ઘણા ફોન આવી ચૂક્યા હતા. આશિષને હવે પોતાની સફળતાની બીક લાગવા માંડી હતી. આશિષ આમ વિચારમાં બેઠો હતો, ત્યા તેને બહાર કાર ઊભી રહેવાનો અવાજ આવ્યો. આશિષે બારીમાંથી જોયું તો ફેસમાસ્ક પહેરેલી ચાર વ્યક્તિ કારમાંથી ઉતરીને તેની લેબ તરફ આવતી હતી. આશિષ આખી ય પરિસ્થિતિને સમજી ગયો. તેણે લેબનું બારણું બંધ કરીને પોતા બનાવેલ સોફ્વેર અને ડેટાનો નાશ કરવાનું શરૂ કરી દીધું. અચાનક બારણું તૂટીને ખૂલી ગયું, એક સત્તાવાહી અવાજે કહ્યું કે “તે બનાવેલ સોફ્ટવેર મને આપી દે.”
આશિષે કહ્યું, “કયો, સોફ્વેર? મેં કોઈ સોફ્વેર બનાવ્યો નથી.”
સત્તાવાહી અવાજે કહ્યું, “આ એમ નહીં માને, તેને આપણી સાથે લઈ લો અને લેબનો નાશ કરી નાખો. એ આપણા અડ્ડા પર સોફ્ટવેર બનાવશે, બાકી મોતને ભેટી જશે.”
અભય, ગેઝેટમાંથી આવતા બીપ બીપ અવાજને અનુસરતો અનુસરતો શહેરથી પચીસેક કિલોમીટર દૂર આવેલા એક ફાર્મહાઉસ પાસે પહોચ્યો. ફાર્મહાઉસની આજુબાજુ કે અંદર કોઈ ચહલપહલ નહોતી. અભય સાવચેતીથી ફાર્મહાઉસમાં દાખલ થયો. બહારથી નિર્જન દેખાતું ફાર્મહાઉસની અંદર એક અદ્યતન ટેક લેબોરેટરી હતી. અને એક ખૂણામાં આશિષ ખુરશી પર બાંધેલી અવસ્થામાં હતો. અભય હોઠપર આંગળી રાખી આશિષ પાસે ગયો. ધીમેથી પૂછ્યું, “શું છે આ બધું?”
આશિષે અભયને પોતે બનાવેલા સોફ્ટવેર અને તેના પ્રયોગની સફળતાની વાત કરી. ત્યાર બાદ તેની પર આવતા જુદા જુદા નંબર પરથી આવેલી ધમકીની વાત કરી. અને અંતે આ માફિયા તેના ઘર સુધી પહોચી ગયો અને મેં બધું નાશ કરી દીધું હવે મારું અપહરણ કરીને ફરી સોફ્ટવેર બનાવવા માટે અહીંયા લઈ આવ્યો છે. એ સોફ્ટવેર બનાવી આપવા માટે મારી પાછળ પડ્યો છે. મેં તેને ના કહી દીધું એટલે ગુસ્સે થઈને ચાલ્યો ગયો છે. પણ એ ગમે ત્યારે આવી ચડશે. તું અહીંયાથી નીકળી જા.”
આશિષ તે બેવકૂફીમાં બે-જવાબદારી ભર્યું કાર્ય કરીને એક બહુ મોટી મુશ્કેલી અને લોકોનાં જાનનું જોખમ વધારી દીધું છે. સોશિયલ મીડિયામાં બન્ને શહેરમાં બનેલ ઘટનાની બહુ જ ચર્ચા થઈ છે જેની જાણ અનિષ્ટ તત્ત્વોને થઇ જ ગઈ હોય. અને અત્યાર સુધીમાં એ તત્ત્વો તારો પત્તો પણ મેળવી લીધો હશે. અત્યારે તો મને એવું લાગે છે કે આ એક નહીં અનેક માફિયા તારી શોધ કરી રહ્યા હશે. તું ચિંતા કરમાં હું મારી રીતે પરિસ્થિતિને સંભાળી લઈશ. એમ વાત ચાલતી હતી ત્યાં કોઈક નો આવવાનો અવાજ આવ્યો. અભય સુરક્ષિત જગ્યાએ સંતાઈ ગયો અને આખી ય પરિસ્થિતિ મુકુલરાયને જણાવી દીધી. મુકુલરાયે અગરવાલ સાહેબને જણાવી એક યોજના ઘડી કાઢી.
“આશિષ તે કમ્યુટરડેટા અને સોફરવેરની પ્રોગ્રામિંગ ફોર્મ્યુલાનો નાશ કરી નાખ્યો છે. પણ તું એમ ન માનતો કે તું તારી જીદ પર અડી રહીશ. અમારા બોસ આવી રહ્યા છે એ કહેશે એટલે તારે સોફ્ટવેર અને પ્રોગ્રામિંગ ફોર્મ્યુલા બનાવી દેવી પડશે.”
“મને કહો તો ખરા કે તમાર બોસ કોણ છે? તમે તેને ક્યારે ય જોયા છે?”
“તારે એની સાથે શું લાગે વળગે? તું તારું કામ કરને.”
મુકુલરાયે અભયનો સંદેશો મળતા જ અગરવાલસાહેબ સાથે ફાર્મહાઉસ પહોચીને મોરચો સાંભળી લીધો હતો.
“અગરવાલસાહેબ આપણો મહેમાન આવ્યો લાગે છે. બધાને સાવચેત રહેવાની સૂચના આપી દો.”
આશિષને જે રૂમમાં ખુરશી સાથે બાંધીને રાખ્યો હતો, ત્યાં એક વ્યક્તિ દાખલ થઇ. તેણે ફૂલ ફેસમાસ્ક પહેરી રાખ્યો હતો. તેણે આશિષને કહ્યું, “આશિષ, તારો આવિસ્કાર સરાહનીય છે. મને એ સોફ્ટવેર આપી દે હું તને મોં માંગી કિમત આપીશ.”
આશિષે કહ્યું, “મને તારો અવાજ પરિચિત લાગે છે. તું, ગમે તે હો હું તારા માટે કોઈ સોફ્ટવેર કે સોફ્ટવેર પ્રોગ્રામ બનાવીશ નહીં.”
“તો તું મરવા તૈયાર થઇ જા. એમ કહી ફૂલફેસ માસ્કવાળી વ્યક્તિએ આશિષ પર રિવોલ્વરમાંથી ફાયર કર્યો પણ એકનાં બદલે ચાર ધડાકા થયા. ગોળો આશિષનાં હૃદયને વીંધીને આરપાર નીકળી ગઈ હતી અને અગરવાલસાહેબ, મુકુલરાય અને અભયની ગોળીથી વિન્ધાઈને ફૂલફેસ માસ્કવાળી વ્યક્તિ લોહી લુહાણ થઈને નીચે પડી ગઈ હતી.
અભય દોડીને અશિષ પાસે પહોંચ્યો. આશિષ લોહીથી તરબોળ થઈને અંતિમ શ્વાસ ગણી રહ્યો હતો. “અભય, તે લોકોનાં હાથમાં કંઈ ગયું નથી. મેં બધું નષ્ટ કરી નાખ્યું છે. મારી નાદાનિયત, બેજવાબદારી ભર્યું વર્તન, બિન અનુભવીપણું અને કંઈક બનવાની મહત્ત્વાકાંક્ષાનું આ પરિણામ છે. મારી આ ખ્યાતનામ થવાની મહત્ત્વાકાંક્ષા એ મારો જીવ લીધો.” એમ કહી આશિષે આંખ ઢાળી દીધી.
“અભય આ માસ્કમેનનો માસ્ક હટાવ એટલે ખબર પડે કે આશિષને આ વ્યક્તિનો અવાજ પરિચિત લાગ્યો હતો; તો એ છે કોણ?”
“અરે! આ તો આશિષની જ કંપનીનો જ સી.ઈ.ઓ. મિસ્ટર `રેમ્બો` છે. એટલે જ તેને આશિષની બધી ગતિવિધિની ખબર પડતી હતી.”
અભય પોતાનાં હોનહાર મિત્રને કમોતે મરતો જોઈને દુઃખી દુઃખી થઈ ગયો. પણ મિત્રની કુરબાનીએ હજારો, લાખો, કરોડો લોકો અને જાનમાલની નુકશાનીમાંથી બચી ગયાનો આત્મસંતોષ હતો …. આશિષનું બલિદાન નકામું નહોતું ગયું..
ભાવનગર
e.mail : Nkt7848@gmail.com
![]()

