લઘુકથા
શ્રાવણી સરેવડા શરૂ થાય એ પહેલાના અષાઢના આખરી દિવસો ઓસરી રહ્યા હતા, છતાં બાફ અને ઉકળાટ ઓછા થવાનું નામ લેતા નહોતા. અસહ્ય બફારા વચ્ચે રોજની જેમ અમે સૌ સ્ટાફ મિત્રોએ ઑફિસની પહેલી ચા માટે કેન્ટિન તરફ પ્રયાણ કર્યું. બહુમાળી ઈમારતના ચોથા મજલે આવેલ કેન્ટિનની બહાર બેસવાની જગ્યા ન મળતા રોજિંદી ટેવ મુજબ અમે સૌ પગથિયા પર ઉપર-નીચે આડા-અવળા ગોઠવાઈ ગયા. મારી બાજુમાં એક વૃદ્ધજન બેઠા હતા. સફેદ ટી-શર્ટ અને ઘેરા કાળા રંગના પાટલૂનધારી એ વયોવૃદ્ધ વડીલની ઊંડે ઉતરી ગયેલ આંખોમાં કંઈક અંશે કળી શકાય એવી વેદના તગતગતી હતી, પણ એ વેદનાને વાંચનાર કે એમની આપવીતી સાંભળનાર કદાચ હવે કોઈ એમની પાસે નહોતું! એક સમયે ઘરના મોભી રહ્યા હશે એવા એ વૃદ્ધજન આજે પગથિયા પર અમારી સાથે છતાં સાવ એકલા-અટૂલા નિ:શબ્દ બેઠા હતા.
ચાની રાહ જોતા અમે સૌ આડી-અવળી વાતોએ વળગ્યા. એટલામાં ચા આવી. અમારી પાસે બેઠેલ એ વૃદ્ધ વ્યક્તિને અમે ચાનો આગ્રહ કર્યો. એમણે સાભાર ઈનકાર કર્યો. વાતોના તડાકા સાથે અમે સૌ ચાની ચુસ્કી મારવા લાગ્યા. કેટલીક આડી-અવળી ચર્ચાઓ અને અલકમલકની વાતો અમારી વચ્ચે થઈ.
દરમિયાન અમારા સ્ટાફમાંનાં એક મહિલા કર્મીએ સહજ ભાવે એ વૃદ્ધ સાથે વાત કરવા પ્રયાસ કર્યો. એ મહિલા કર્મીએ વૃદ્ધને શું પૂછ્યું એ તો ન સંભળાયું પણ જવાબમાં એ વૃદ્ધજનના ત્રૂટક-ત્રૂટક શબ્દોનો મર્મ હું પામી ગયો. એમના કહેવાનો ભાવાર્થ કદાચ એવો હતો કે મારી દીકરી તો મને બહુ સારી રીતે સાચવે છે, પણ …, પણ પછી આગળના શબ્દો એ વડીલના મોંએથી ન નીકળ્યા! એમનાથી આગળ બોલી શકાયું નહીં. કદાચ એ બોલવા માગતા પણ નહોતા. એ વૃદ્ધની ઊંડે ઉતરી ગયેલ આંખોમાં જળજળિયાં આવી ગયાં. ઉંમરને આંબવા આવેલ એ વૃદ્ધજનની આંખના અશ્રુઓએ મને અવાચક બનાવી દીધો. હું એ વડીલની વાતનો મર્મ પામી ગયો. એમની વાત એવી હતી કે દીકરો-વહુ એમને સાચવતા નથી એટલે નાછૂટકે એમણે હવે દીકરીના ઘેર રહેવું પડતું હશે. જીવનના સંધ્યાકાળ અને પાછલી અવસ્થાએ છતે દીકરા-વહુએ દીકરીના ઘરે રહેવું પડે એ બાપને કેટલું વસમું લાગતું હશે, એનો અંદાજ એમના ચહેરાના હાવભાવ પરથી આવી ગયો. એમની આંખોમાં ડોકાતા ઘણા પ્રશ્નોના જવાબ કહ્યા વિના જ અમને મળી ગયા. નાનકડી એવી આ ઘટના સમાજની એક એવી કરુણતા છતી કરી ગઈ, જેનો ઉકેલ કદાચ આપણી સમાજ વ્યવસ્થામાં નથી. એ વૃદ્ધ પણ ક્યારેક યુવાન રહ્યા હશે, ઘરનો મોભ રહ્યા હશે અને કંઈ કેટલાયના જીવનનો સહારો રહ્યા હશે. આજે જીવનની આથમતી સંધ્યાએ જ્યારે એમને સહારાની જરૂર છે ત્યારે એમનો સગો દીકરો પણ એમનો સહારો બનવા રાજી નથી એ પરિસ્થિતિ એ વૃદ્ધજન માટે કેટલી કપરી હશે એ એમના ચહેરા પરથી કળી શકાતું હતું!
e.mail : h79.hitesh@gmail.com
![]()

