
રાજ ગોસ્વામી
લગભગ 400 વર્ષ પહેલાં, વિલિયમ શેક્સપિયરે તેમના કોમેડી નાટક ‘ટ્વેલ્થ નાઈટ’માં લખ્યું હતું, ‘અમુક લોકો જન્મથી મહાન હોય છે, અમુક મહાનતા હાંસલ કરે છે, અને અમુક પર મહાનતા થોપવામાં આવે છે.’
શેક્સપિયર રાજાઓ અને ઉમરાવોના જમાનામાં રહેતા હતા, જ્યાં લોકોને પદ-પ્રતિષ્ઠા પેરેન્ટ્સ તરફથી વારસામાં મળતી હતી. અમુક લોકો મહેલમાં જન્મ્યા હોવાથી મહાન હતા, અમુક લોકો ઉત્તમ નેતા બનીને મહાન બનતા હતા અને અમુક લોકો નકામા હોવા છતાં મહાન ગણાઇ જતા હતા.
આજે રાજા-રજવાડાં નથી પણ મીડિયા છે અને સાર્વજનિક જીવન છે, જે લોકોને મહાન બનાવી દે છે. એનું જીવતું ઉદાહરણ છે પાકિસ્તાનની માનવાધિકાર કાર્યકર મલાલા યુસૂફજઈ. માત્ર 15 વર્ષની ઉંમરે આંતરરાષ્ટ્રીય મીડિયાની ‘ડાર્લિંગ’ બની ગયેલી મલાલાએ તેના એક નવા પુસ્તકમાં એકરાર કર્યો છે કે તેને જે રીતે એક હિરોઈન બનાવી દેવામાં આવી છે તેવી તે અસલમાં છે નહીં.
15 વર્ષની ઉંમરે તાલિબાનોના હુમલામાંથી પોતાનો જીવ બચાવીને અને આ કટ્ટરપંથીઓનાં કુકર્મો પર ડાયરી લખીને મલાલા દુનિયામાં ‘સાહસ’, ‘ત્યાગ’ અને ‘સ્ત્રી શક્તિ’નું પ્રતિક બની ગઈ હતી. તેને નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યો હતો, તેને સંયુક્ત રાષ્ટ્રમાં ભાષણ આપવા માટે બોલાવામાં આવી હતી, અને તે શિક્ષણના અધિકાર માટેનો વૈશ્વિક અવાજ બની ગઈ હતી.
આ બધી ઘટનાઓનું વર્ણન કરતાં, મલાલા તેના નવા સંસ્મરણ ‘ફાઈન્ડિંગ માય વે’માં તેની આ પ્રસિદ્ધ ઈમેજને નકારે છે અને લખે છે, ‘હું ડરતી પણ હતી, હું ભૂલ પણ કરતી હતી, પણ લોકોએ મારી એવી ઈમેજ બનાવી દીધી જાણે હું કોઈ સંત કે દેવી હોઉં. એ લોકોનએ મને એક એવી સદાચારી, કર્તવ્યનિષ્ઠ હિરોઈન બનાવી દીધી હતી, જેને હું પોતે ઓળખતી નહોતી.’
15 વર્ષની ઉંમરે જ્યારે મલાલાને તાલિબાનોએ માથામાં ગોળી મારી હતી કારણ કે તેણે શાળાએ જવાની ગુસ્તાખી કરી હતી, ત્યારે આખી દુનિયાએ તેને ‘સાહસ’ની પ્રતિમા તરીકે જોઈ હતી. તેની એ વાર્તા તેના પ્રથમ પુસ્તક ‘આઇ એમ મલાલા’માં નોંધવામાં આવી છે જેણે શિક્ષણના અધિકાર માટે અવાજ ઉઠાવવા માટે પોતાનો જીવ જોખમમાં મૂક્યો હતો.
પરંતુ હવે 28 વર્ષની ઉંમરે એક નવા પુસ્તક મારફતે તે આપણને યાદ અપાવે છે કે તે દુનિયાની કલ્પના પર કબજો જમાવીને બેઠેલી ‘હંમેશાં બહાદુર અને અડગ’ મલાલા નથી. તે કહે છે; ‘જ્યારે પણ લોકો મને મળે છે, ત્યારે તેઓ મને ‘બહાદુર’ અને ‘મજબૂત’ કહે છે. ત્યારે હું અટકીને વિચારું છું – શું હું ખરેખર આ શબ્દોમાં ખરી ઉતરું છું?’
તેના આ સવાલમાં ઊંડું આત્મ-નિરીક્ષણ છે. તે સ્વીકારે છે કે તે દરેક હરહંમેશ આત્મવિશ્વાસી અથવા નિડર નથી હોતી. બીજા દરેક માણસોની જેમ, તેની અંદર પણ ક્યારેક ડર, સંશય અને કમજોરીની ક્ષણો આવે છે. મલાલા ઇચ્છે છે કે લોકો તેની નવી આત્મકથા વાંચીને સમજશે કે ‘હીરો’ બનાવી દેવાયેલા લોકો પણ ક્યારેક અસુરક્ષિત અનુભવ કરે છે, તેમને પણ પોતાને લઈને શંકા થાય છે.
મલાલાના આ શબ્દોનો સાચો અર્થ એ છે કે સાહસનો અર્થ ડરનો અભાવ નહીં, પણ ડર હોવા છતાં આગળ વધતા રહેવાનો થાય છે. મલાલા આ પુસ્તકમાં કહે છે કે તેના જીવનની કહાની હવે 15ની એ છોકરીની નથી રહી જેણે ગોળી ખાધી હતી પણ તે સ્ત્રીની છે જે આજે પણ પોતાને સમજવાના, સ્વીકારવાના અને પોતાનો માર્ગ શોધવાની યાત્રા પર છે. તેનું આ બયાન આપણને એ સમજવામાં મદદ કરે છે કે પ્રેરણાદાયક વ્યક્તિત્વની પાછળ પણ એક એવો સામાન્ય, સંવેદનાપૂર્ણ માણસ છુપાયેલો હોય છે – જે ક્યારેક નબળો પડી શકે છે, પરંતુ તેમ છતાં સત્યના માર્ગ પર ચાલતો રહે છે.
પ્રસિદ્ધ થઇ જવાની આ સમસ્યા છે. સમાજ પછી તેને માણસ તરીકે જોવાનું બંધ કરી દે છે અને પોતાની કલ્પનાનું પ્રતિક બનાવી દે છે. શેક્સપિયરનાં શબ્દોમાં કહીએ તો – મલાલા એક સાધારણ છોકરી હતી, પણ તેના પર મહાનતા લાદવામાં આવી હતી.
માલાલા હવે 28 વર્ષાની છે. તે લખે છે કે ઑક્સફોર્ડ યુનિવર્સિટીમાં તેણે પ્રથમ વખત એક એવી ‘સામાન્ય છોકરી’ની જેમ જીવવાની ઇચ્છા કરી હતી, જે મિત્રો બનાવતી હોય, ટેલીવિઝન જોતી હોય, ભૂલો કરતી હોય અને ક્યારેક ક્યારેક ઉદાસ પણ થતી હોય. લોકો તેને ‘મલાલા ધ સિંબલ’ તરીકે ઓળખતા હતા, પરંતુ તે ઇચ્છતી હતી કે તેઓ તેને ‘માલાલા ધ સ્ટૂડન્ટ’ કહે. મલાલાને ઘણી વાર પેનિક એટેક અને પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસનો સામનો કરવો પડ્યો હતો. તેણે થેરાપિ લીધી હતી, લગ્નને લઈને આસમંજસ અનુભવી હતી. આ બધું તેણે પહેલીવાર લખ્યું છે, જેથી લોકોના મનમાંથી ‘મહાન મલાલા’ની ઈમેજ દૂર થાય.
એમાં તો શેક્સપિયરના વિધાનનો બીજો હિસ્સો પણ મલાલા પર લાગુ થાય છે – તેણે મહાનતા હાંસલ કરી છે. મલાલાએ નિડરતાપૂર્વક પોતાનો અવાજ ઉઠાવ્યો છે અને છોકરીઓનાં શિક્ષણની લડાઈ જીતી છે તે વાત પણ એટલી જ સાચી છે, પણ આ નવું પુસ્તક કહે છે કે આ ‘મહાનતા’ માત્ર પ્રેરણા નથી, એક ભાર પણ છે.
મીડિયા અને સમાજે ‘દેવી-સમાન’ મલાલાની જે ઈમેજ બનાવેલી છે તેમાં એક કિશોરીની માનવીય થકાવટ, ગુસ્સો, અને મૂંઝવણ માટે કોઈ જગ્યા નહોતી. તે લખે છે, ‘હું આ ઈમેજમાં મને ઓળખી શકી નથી. તે મલાલા મારી નથી.’ આ સ્વીકાર માત્ર સાહસિક નથી, પરંતુ મુક્તિનો સૂચક છે. મલાલા કહે છે કે આપણે દુનિયાએ આપેલા લેબલ કરતાં પણ વધુ કૈંક છીએ.
‘મહાન’ બનવાની પ્રક્રિયામાં ઘણી વાર વ્યક્તિ પોતાની નિજતા ગુમાવી દે છે. મલાલા કોઈ યુદ્ધનો ચહેરો બનવા માંગતી નહોતી, તેને તો કેવળ શાળાએ જવું હતું. પણ જ્યારે તેના પર ગોળી ચાલી, તો તેની વાર્તા તેના હાથમાંથી નીકળી ગઈ અને દુનિયાએ નક્કી કર્યું કે એ કોણ છે અને તેણે શું કરવું જોઈએ.
આને જ મહાનતા લાદી કહેવાય. શેક્સપિયરનું કથન આજે પણ એટલું જ પ્રાસંગિક છે. મહાનતાનો અર્થ માત્ર ઊંચાઈ નહીં, ગહેરાઈ પણ થાય છે. મહાન બનવું એટલે માત્ર દુનિયાને બદલવાની તાકાત નથી – તે પોતાને ઓળખવાની, સ્વીકારવાની અને સામાન્ય માણસ બની રહેવાની ક્ષમતા પણ છે. કદાચ સાચી મહાનતા એ જ છે – જ્યારે વ્યક્તિ ‘મહાન’ બનવાને બદલે ‘સ્વયં’ બની રહે છે.
(પ્રગટ : “ગુજરાત મિત્ર” / “મુંબઈ સમાચાર” / “ગુજરાત મેઈલ”; 08 નવેમ્બર 2025)
સૌજન્ય : રાજભાઈ ગોસ્વામીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

