11 સપ્ટેમ્બરે આચાર્ય વિનોબા ભાવેનો જન્મદિન આવશે. 5 સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજીએ ઋષિપરંપરાને તાજી કરી. મધર ટેરેસાને લગભગ એક દાયકા પહેલા ‘સંત’ ઘોષિત કરાયાં એટલે કે સેન્ટહૂડ મળ્યું. આ બે મેગ્સેસે વિજેતા, ભારતરત્ન વિભૂષિત આધુનિકકાળના ભારતીય સંતોને આપણે ઓળખીએ છીએ? સમજીએ છીએ?

આચાર્ય વિનોબાજી
‘પથ્થર ભલે એક પ્રહારથી તૂટ્યો હોય, પણ તેને તોડવામાં અંતિમ પ્રહાર પહેલાના તમામ પ્રહારોનો એટલો જ ફાળો હોય છે.’ વિનોબાજીના આ સાદા લાગતાં વિધાનમાં અર્થોની અનેક શક્યતાઓ ભરેલી છે. મધર ટેરેસા કહેતાં, ‘ભગવાન એ અપેક્ષા રાખતા નથી કે આપણે સફળ થઈએ, પણ ભગવાન એ અપેક્ષા જરૂર રાખે છે કે આપણે પ્રયાસ કરીએ.’ આ વિધાન પણ સાદું, સુંદર અને અર્થગર્ભ છે.
મધર ટેરેસા અને આચાર્ય વિનોબા ભાવે આ બંનેનાં વ્યક્તિત્વ, ધર્મ અને કાર્યપદ્ધતિમાં બહુ ઓછી સમાનતા છે, છતાં બંનેની માટી જાણે એક છે. બંને આજીવન બ્રહ્મચારી, સ્વેચ્છાએ ગરીબ રહેનાર, માનવીય કરુણાથી પ્રેરિત અને દીનદુખિયાનાં સતત સક્રિય સેવકો. 11 સપ્ટેમ્બરે વિનોબાજીનો જન્મદિન છે. પ સપ્ટેમ્બરે મધર ટેરેસાની પુણ્યતિથિ હતી. વિનોબાજી ઋષિ ગણાતા હતા, મધર ટેરેસાને સેન્ટહૂડ એટલે કે સંતપદ આજથી એકાદ દાયકા પહેલા 4 સપ્ટેમ્બરે મળ્યું હતું. બંને મેગ્સેસે ઍવોર્ડ વિજેતા અને ભારતરત્ન. આધુનિક કાળના આ સંતોની સરખામણી કરવાની ધૃષ્ટતા કરવાનો બિલકુલ ઇરાદો નથી. તારીખોના જરા તાલમેલને લીધે બંને વિષે એકસાથે થોડા વિચાર આવ્યા, એ જ વ્યક્ત કરી રહી છું.
ગાંધીમાર્ગી સેવક, ચિંતક અને સંત વિનોબાજીનો જન્મ મહારાષ્ટ્રના ગાગોદે ગામના ચિત્તપાવન બ્રાહ્મણ કુટુંબમાં. મૂળ નામ વિનાયક નરહરિ ભાવે. પિતા સ્વમાની, વ્યવસ્થાપ્રિય, વૈજ્ઞાનિક અને બુદ્ધિનિષ્ઠ. માતા રુક્મિણીબાઈ ભક્ત અને ભોળાં. એમના મુખેથી સંતોનાં ભજનો અને દાદા, દાદી, મા પાસેથી સાંભળેલી રામાયણ-મહાભારતની વાતોએ વિનાયકમાં બાળપણમાં બ્રહ્મજિજ્ઞાસા પેદા કરી. આઠમે વર્ષે એમણે ‘જ્ઞાનેશ્વરી’ વાંચી. સંત તુકારામ અને મોરોપંત પંડિતનું સાહિત્ય વાંચ્યું. રામદાસના અભંગો અને ‘દાસબોધ’ની ઊંડી અસર પડી.
21મા વર્ષે એમણે ઘર છોડ્યું. અધ્યાત્મ અને વિપ્લવનું આકર્ષણ તેમને હિમાલય લઇ ગયું. 1916ની સાલ હતી. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી તાજા જ ભારત આવ્યા હતા. બનારસ હિન્દુ યુનિવર્સિટીની સ્થાપન પ્રસંગે આપેલ ભાષણમાં ગાંધીજીએ જે નિર્ભીક સ્પષ્ટતાથી બ્રિટિશ અધિકારીઓ, રાજામહારાજાઓ અને ક્રાંતિકારીઓને ખંખેર્યા તે સાંભળી વિનોબાને થયું કે આ માણસમાં હિમાલયની શાંતિ અને બંગાળની ક્રાંતિનો સંગમ છે, પણ ઉતાવળ કર્યા વિના એમણે ગાંધીજી પાસે પોતાને બરાબર વ્યક્ત કર્યા, વિચારપૂર્વક એમના સાથી બન્યા અને પછી ગાંધીજીએ શરૂ કરેલ સેવાગ્રામ આશ્રમમાં રહ્યા. તે પછી વર્ધામાં પાવનાર અને આસામમાં મૈત્રી આશ્રમ સહિત દેશભરમાં આશ્રમો સ્થાપ્યા.
ગાંધીજીનાં બધાં રચનાત્મક કામો તેમણે હાથ ધર્યા. તપોમય જીવન જીવ્યા. ‘ઉપનિષદોનો અભ્યાસ’, ‘ગીતાપ્રવચનો’, ‘ગીતા-પદાર્થ-કોશ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’, ‘સ્વરાજ્ય-શાસ્ત્ર’ જેવાં પુસ્તકો લખ્યાં. કર્મયોગ પણ સાથે સાથે ચાલ્યો. ‘ગીતાઈ’ અને ‘ગીતાપ્રવચનો’ વિનોબાની અત્યંત લોકપ્રિય કૃતિઓ છે. ‘ગીતાઈ’નો શબ્દશ: અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ શબ્દકોશ’ તૈયાર કર્યો અને ગીતાના શ્લોકોના ગહન અર્થ સમજવા માટે એમણે ‘ગીતાઈ-ચિંતનિકા’ તૈયાર કરી. વિશિષ્ટ જનો માટે વિનોબાએ ‘ગીતાધ્યાયસંગતિ’, ‘સ્થિતપ્રજ્ઞદર્શન’ અને ‘સામ્યસૂત્ર’ની રચના કરી. આ રીતે વિનોબા ગીતાના સૂત્રકાર, ભાષ્યકાર, કોશકાર અને સમાલોચનાકાર બન્યા.
બીજા મહાયુદ્ધ (1939–45) વખતે બ્રિટિશ સરકારે હિંદને વગર પૂછ્યે યુદ્ધમાં સંડોવ્યું એટલે યુદ્ધવિરોધી વ્યક્તિગત સત્યાગ્રહની યોજના ગાંધીજીએ વિચારી. એના પહેલા સત્યાગ્રહી તરીકે વિનોબાને જાહેર કર્યા. વિનોબાએ સત્યાગ્રહ કરી ત્રણ વાર જેલ ભોગવી. 1942માં ‘ભારત છોડો’ આંદોલન વખતે પણ વિનોબાની ધરપકડ થઈ. એમને તમિલનાડુની વેલોર જેલમાં રાખ્યા. ત્યાં એમણે તમિળ, તેલુગુ, કન્નડ અને મલયાળમ એ દક્ષિણની ચાર ભાષાઓ શીખવાનું શરૂ કર્યું. લાંબા જેલવાસ પછી 1945માં તેમને મુક્તિ મળી અને તેઓ પવનાર પાછા આવ્યા.
ગાંધીજીની હત્યા પછી વિનોબાએ સર્વોદય સમાજ રચવાનો વિચાર રજૂ કર્યો. કાંચનમુક્તિ અને ઋષિખેતીના પ્રયોગો કર્યા. વિનોબાનું સૌથી મહત્ત્વનું કાર્ય 1951માં એમણે શરૂ કરેલું ભૂદાનયજ્ઞ આંદોલન હતું. જમીનદારો અને ભૂમિહીનો વચ્ચેની ખાઈ પૂરવાનો આ પ્રયત્ન હતો. વિચાર એટલો મૌલિક હતો કે આજે તો તેની કલ્પના પણ ન આવે. તેઓ ગામલોકોને કહેતા, ‘તમારે પાંચ દીકરા હોય તો મને છઠ્ઠો દીકરો ગણો ને મારા ભાગે આવતી જમીન મને આપો.’ મળેલી જમીન ત્યાં ને ત્યાં કોઈ ભૂમિહીનને અપાઈ જતી. સતત 14 વર્ષ ચાલેલી પદયાત્રા દરમ્યાન 50 લાખ એકર જમીન ભૂદાનમાં મળી. તેમાંથી 32 લાખ એકર જમીનનું વિતરણ થઈ ચૂક્યું છે. ભૂદાનમાંથી ગ્રામદાન, જીવનદાન, સંપત્તિદાન, સર્વોદય-પાત્ર, શાંતિસેના, ડાકુઓનું હૃદયપરિવર્તન, કાંચનમુક્તિ, ઋષિખેતી વગેરે કાર્યક્રમો અસ્તિત્વમાં આવ્યા.
વિનોબાજી 11 ભાષાઓ જાણતા. મહાત્મા ગાંધીના આધ્યાત્મિક વારસ ગણાતા. તેમનું અધ્યાત્મ બુદ્ધિનિષ્ઠ હતું અને સમર્પણ પ્રજ્ઞાવાન. નવેમ્બર 1982માં તેમણે દવા, પાણી, આહાર છોડી સહજ પ્રાણત્યાગ કર્યો. પવનારની બહેનોએ તેમણે મુખાગ્નિ આપ્યો.
મધર ટેરેસા વિનોબાજી કરતાં 15 વર્ષ નાનાં. અત્યારના મેસિડોનિયાના સ્કોપ્જેમાં જન્મેલાં આલ્બેનિયન સાધ્વી. ભારત તેમની કર્મભૂમિ. 1928માં તેઓ કૉલકાતા આવ્યાં અને થોડાં વર્ષમાં પોતાના ધર્મસંઘની ભારત શાખાનાં વડા બન્યાં. 1948માં કૉલકાતામાં મરણપથારી પર પડેલા નિરાશ્રિતો માટે આશ્રયસ્થાન શરૂ કર્યું. બીમારોને સારી સારવાર મળે તે માટે તાલીમ લીધી. 1950માં તેમણે ભારતનું નાગરિકત્વ લીધું. એ જ વર્ષે ‘મિશનરીઝ ઑફ ચેરિટી’ની સ્થાપના કરી. તેની શાખાઓ અત્યારે 133 દેશોમાં છે. ભારતમાં જ 30 જેટલી શાખાઓ છે. બ્રહ્મચર્ય, ગરીબી, આજ્ઞાંકિતતા અને આજીવન સેવાવ્રત ધારણ કરનારી 4,500 સાધ્વીઓ અનાથાલય, સૂપ કિચન્સ, શાળાઓ, હોસ્પિટલો ચલાવે છે અને ટી.બી.-એઈડઝ-રક્તપિત્તના રોગીઓની સારવાર કરે છે.

મધર ટેરેસા
1862માં મધર ટેરેસાને મેગ્સેસે પુરસ્કાર મળ્યો, 1979માં નોબેલ શાંતિ ઈનામ અને 1980માં ભારતરત્ન. ભારતરત્ન મેળવનાર તેઓ પહેલા ભારતીય-વિદેશી નાગરિક છે. તેમના પછી 1987માં ખાન અબ્દુલ ગફારખાનને અને 1990માં નેલ્સન મંડેલાને આ માન મળ્યું.
ખ્રિસ્તી ધર્મપરંપરામાં સંતત્વ એટલે કે સેન્ટહૂડ મેળવવાની પ્રક્રિયા ખૂબ અટપટી અને લાંબી હોય છે. 2016માં તેના દરેક તબક્કા પસાર કરી મધર ટેરેસા ‘સંત’ ઘોષિત થયાં. ‘સિસ્ટર’ અને ‘મધર’થી ‘સેન્ટ’ સુધીની આ પ્રક્રિયા ઘણી પ્રેરક અને રસપ્રદ છે, પણ આપણને પૂછવાનું મન થાય કે સેન્ટહૂડ વધારે મહત્ત્વનું કે મધરહૂડ? સંતત્વ મોટું કે માતૃત્વ? પણ એમાં ન પડીએ તે જ સારું, આપણને બાંધ્યા વિના ચાલતું હોતું નથી અને મહાન આત્માઓ કદી બંધાતા હોતા નથી.
વિનોબાજી કટોકટી અંગેના તેમનાં વિધાનોને કારણે અને મધર ટેરેસા ગર્ભપાત અંગેના વિચારોને કારણે વિવાદોમાં ઘેરાયાં હતાં, પણ તેમની મહાનતા તેનાથી ખરડાતી નથી. અનુશાસિત જીવન અને મુક્ત આત્મા આ બંનેનો આદર્શ હતો. સેવાના ભેખધારીઓ આ જ રીતે વિચારે અને જીવે.
વિનોબાજીએ કહ્યું હતું કે ‘વિશ્વમાં આજે જેટલી સમસ્યાઓ છે તેની પાછળ ઓછી મહેનતે વધારે લાભ ઉઠાવવાની સ્વાર્થી લાલસા છે. આ ચોરી છે.’ મધર કહેતાં, ‘કેટલું આપ્યું તે કરતાં કેટલા પ્રેમથી આપ્યું તે વધારે મહત્ત્વનું છે. સંખ્યા પાછળ ન પાડો. એક સમયે એક વ્યક્તિને મદદ કરો અને જે તમારી આસપાસ જ છે તેમનાથી શરૂઆત કરો.’ આ બંને વિચારનો અમલ અઘરો નથી, આપણે જ્યાં હોઈએ ત્યાંથી એક નાની શરૂઆત કરી શકાય તેમ છે.
હૃદયના ગહન મૌનમાં આ વિચારોનો પ્રકાશ ફેલાવા દઈએ.
e.mail : sonalparikh1000@gmail.com
પ્રગટ : ‘રિફ્લેક્શન’ નામે લેખિકાની સાપ્તાહિક કોલમ, “જન્મભૂમિ પ્રવાસી”, 07 સપ્ટેમ્બર 2025
![]()

