એક આફ્રિકન બોધકથા છે. એમાં એક કાગડો રાજાનો ભાઈબંધ છે. એક દિવસ એ કાગડો રાજાને કહે છે : બધા લોકો કોયલનાં વખાણ કરે છે પણ મારાં વખાણ તો કરતા જ નથી. તમે એવું કંઈક કરો જેથી લોકો મારાં વખાણ કરે. બીજા જ દિવસે રાજાએ એક વટહુકમ બહાર પાડ્યો : હવે પછી આપણે બધાંએ કાગડાને ‘કોયલ’ કહેવો અને કોયલને ‘કાગડો’.
લોકો એ વટહુકમનો આદર કરવા લાગ્યા બધા કાગડાને કોયલ કહેવા લાગ્યા. પણ જ્યારે સ્વરનાં વખાણ કરવાનાં આવે ત્યારે બધા ‘ભૂતપૂર્વ કોયલ’ એટલે કે ‘સમકાલીન કાગડા’નાં જ વખાણ કરે.
પાછો કાગડો રાજા પાસે ગયો. કહે : મહારાજ, એક વટહુકમ બહાર પાડીને મારો કંઠ બદલી નાખો. તો મહારાજ કહે : મિત્ર, રાજા તરીકે મારી પણ કેટલીક મર્યાદાઓ હોય છે. હું નામ બદલી શકું; કંઠ નહીં.
આ બોધકથા મેં અનેક મિત્રોને, વિદ્યાર્થીઓને, (જાહેરમાં) અનેક શ્રોતાઓને પણ કહી છે. અને બધાંને પૂછ્યું છે કે આ બોધકથામાંથી તમે શો બોધ તારવશો? લગભગ બધાંએ એમ કહ્યું કે રાજા પ્રકૃતિને ન બદલી શકે. અર્થાત્ સત્તા પ્રકૃતિ ન બદલી શકે. જો કે, નરેન્દ્રભાઈ તો અદાણી અંબાણી માટે પ્રકૃતિ પણ બદલી નાખે. કંઈ કહેવાય નહીં.
દરેક બોધકથામાં હોય છે એમ આ બોધકથામાં પણ એક trap છે. એથી હું બોધકથા વિશે જરા જુદી રીતે વિચારું છું. મને લાગે છે કે આ બોધકથામાં પ્રજા રાજા કહે એમ કરે છે પણ એમ કરીને એ મૂળ સત્ય બદલતી નથી. એ કાગડાને ‘કોયલ’ કહે છે. જેવો મહારાજાનો હુકમ. પણ જ્યારે કંઠનાં વખાણ કરવાનાં આવે ત્યારે કોયલના કંઠનાં જ વખાણ કરે. એ કોયલના સત્યનો આદર કરે છે.

ઝોહરાન મમદાની
એ (મૂળ ગુજરાતી, ઉંમર 34) રોટી, કપડાં અને મકાનની વાત કરી વિશ્વના સૌથી વધુ સમૃદ્ધ ન્યૂયોર્ક શહેરના મેયરની ચૂંટણી જીતી છે. ભારત કા મીડિયા ‘રોટી, કપડાં, મકાન અને રોજગારની વાત કરનારને દેશદ્રોહી ઘોષિત કરે છે ! ટ્રમ્પે ધમકી આપેલી કે જો મમદાનીને ચૂંટશો તો ન્યૂયોર્ક શહેરને ફંડ આપતાં પહેલાં મારે વિચાર કરવો પડશે. ન્યૂયોર્કની કેટલીક કંપનીઓના CEOએ કહ્યું કે જો મામદાનીને ચૂંટશો તો અમે ન્યૂયોર્ક છૌડીને બીજે ક્યાંક જતા રહીશું. ટેક્સાસના ગર્વનરે કહ્યું કે જો ન્યૂયોર્કની કંપનીઓ મારા ત્યાં આવશે તો હું એમના પર 100% tariff નાખીશ. સાલું આ tariff પણ ખરું શસ્ત્ર છે. ગ્લોબલાઈઝેશને આપેલું.
તો કેટલાક Republican નેતાઓએ ટ્રમ્પને વિનંતી કરી કે આ માણસ યહૂદીઓનો વિરોધી છે, એને કારણે આપણી વિદેશનીતિ પર અવળી અસર પડશે. એનું નાગરિકત્વ છીનવી લો. કેટલા ય લોકોએ એને ‘સામ્યવાદી’ અને ‘સમાજવાદી’ની ગાળો દીધી.
ટૂંકમાં, અનેક રાજાઓએ મામદાનીની સામે અનેક વટહુકમો બહાર પાડ્યા અને લોકોએ એ વટહુકમોનો વિરોધ ન કર્યો પણ જ્યારે મત આપવાનો આવ્યો ત્યારે કોયલને અન્યાય ન કર્યો. એ લોકોએ જે કરવું હતું એ જ કર્યું.
મૂડીવાદ અને એમાં પણ ખાસ કરીને નિઓ-મૂડીવાદ સાવ જ નિષ્ફળ ગયો છે. પણ, એ સમૂહમાધ્યમો અને સામાજિક માધ્યમોના ઘાસચારા પર નભી રહ્યો છે. તમે જુઓ કે આ મૂડીવાદનાં વિદ્વાનોએ કેવાં કેવાં નામ આપ્યાં છે : late Capitalist Fascism (Mikkel Bolt Rasmussen), The playstation Dreamworld (Alfie Bown), Cryptocommunism (Mark Alizart), Platform Capitalism (Nick Srnicek), Narcocapitalsim (Laurent de Sutter), Paranoid Finance (Fabian Muniesa), Pornocapitalism (Byung-Chul Han), Emotional Capitalism (Eva Illouz), Affective Capitalism (Brian Massumi, Patricia Clough), Surveillance Capitalism (Shoshana Zuboff), Info-Capitalism / Cognitive Capitalism (Yann Moulier-Boutang, Franco “Bifo” Berardi), Data Capitalism (Nick Srnicek). હજી આ યાદી હું લંબાવી શકું એમ છું. એ માટે મારે ઊભા થઈને મારા પુસ્તકાલયમાં આવેલા નિઓલિબરલ અર્થતંત્ર પરનાં પુસ્તકો જોવાં પડે. આ બધાં જ નામ મૂડીવાદ દેવના અલગ અલગ ચહેરાને સૂચવે છે. એને કોઈ એક ચહેરો નથી.
મામદાનીનું એક જ જમા પાસું છે : પોતે જે રાજકીય વિચારધારામાં માને છે એને એમણે જરા પણ છુપાવી નથી. એમણે પોતાને સમાજવાદી-ડેમોક્રેટ તરીકે ઓળખાવ્યા છે. ઘણા ડેમોક્રેટોને એ વાત ગમી નથી. કયો રાજકારણી આજના જમાનામાં પોતાને સમાજવાદી કહેવા તૈયાર થશે?
પણ, ઝિઝેક, બાદિયુ જેવા અનેક ફિલસૂફો કહે છે કે હવે પછી જે રાજકીય પક્ષો સમાજના ગરીબ અને મધ્યમ વર્ગને ઓળખી શકશે એ જ રાજકીય પક્ષો સત્તા પર આવી શકશે. કેમ કે દિનપ્રતિદિન એ વર્ગ સતત વિસ્તરતો જાય છે.
જો કે, મારું માનવું છે કે ભારતમાં એવું નહીં થાય. ભારતમાં ગરીબ માણસ પાસે કર્મનો સિદ્ધાન્ત છે અને એને તાવ આવે છે ત્યારે એ બે કામ કરતો હોય છે. સૌ પહેલાં તો એ તાવની દવા લેતો હોય છે અને પછી કોઈક માતાની કે બાપાની કે પીરની બાધા રાખતો હોય છે. પછી એ સાજો થઈ જાય ત્યારે માતાની કે બાપાની કે પીરની બાધા કરતો હોય છે અને એમ માનતો હોય છે કે એમની કૃપાથી જ એનો તાવ ગયો. નહીં તો એ ઉપર પહોંચી ગયો હોત. એ પેલી દવાને ભૂલી જતો હોય છે.
[સૌજન્ય : બાબુ સુથાર, ભાષાવિજ્ઞાની, સર્જક, Philadelphia, USA]
05 નવેમ્બર 2025
સૌજન્ય : રમેશભાઈ સવાણીની ફેઇસબૂક દીવાલેથી સાદર
![]()

