પ્રજાશક્તિ
ટ્રમ્પશાહી સામે મમદાનશાહી
ટ્રમ્પ અને પુતિનના આ દિવસોમાં મમદાની ઘટના ડિકન્સની ‘અ ટેલ ઑફ ટુ સિટીઝ’ના ઉઘાડની યાદ આપે છે કે, તે સારામાં સારો સમય હતો … તે નરસામાં નરસો સમય હતો.

પ્રકાશ ન. શાહ
અમેરિકી રાજધાની અલબત્ત વોશિંગ્ટન હશે, બલકે છે જ. પણ અવિધિસરની વિશ્વધાનીનો દરજ્જો અલબત્ત ન્યૂયોર્કનો અને ન્યૂયોર્કનો જ છે. જોહરાન મમદાનીને મેયરપદે ચૂંટી કાઢીને ન્યૂયોર્કરોએ વિશ્વને બતાવી આપ્યું છે કે વંશીય અને વર્ણગત દાપાદરમાયા ને દરજ્જાની દુનિયાને ઓળાંડી જઈને એક નવી દુનિયા રચવાની ખ્વાહિશ જિંદા છે.
સામાજિક ન્યાયનાં મૂલ્યોને વરેલી ફિલ્મકાર મીરાં નાયર જો પંજાબી હિંદુ છે તો એના પતિ મહમૂદ મમદાની ગુજરાતી મુંબઈગરા મૂળના છે. બેઉ લાંબો સમય યુગાન્ડા ને દક્ષિણ આફ્રિકામાં વીતાવી હાલ અમેરિકામાં કાર્યરત છે. મહેમૂદ નવવસાહતી અને વસાહતોત્તર અભ્યાસોમાં રમેલા છે, અને એ રીતે કથિત ત્રીજી દુનિયા ને કથિત પહેલી દુનિયા વચ્ચેની જોડકડી શી એમની અભ્યાસસાધના છે. ભારત સરકારે 2012માં જેમને પદ્મ સન્માનથી અભિષિક્ત કર્યાં તે મીરા નાયર પ્રગતિશીલ માનવતાને ચિત્રિત કરતી ફિલ્મકારી સારુ વિશ્વપ્રતિષ્ઠ છે.
આ અવસર અલબત્ત મહમૂદ ને મીરાના પુત્ર, માંડ ચોત્રીસેકના જોહરાન મમદાનીનો છે. પણ જોહરાનનાં મૂળને કૂળનો આછોતરો ખયાલ પણ એમના વાસ્તે કે હવે પહેલી જાન્યુઆરીએ વિધિવત હોદ્દો ધારણ કરનાર વ્યક્તિની પૃષ્ઠભૂ કઈ હદે વ્યાપક હોઈ શકે છે. જે કાર્યક્રમ પર જોહરાને ચૂંટણીઝુંબેશ ચલાવી એ કાર્યક્રમની સ્ફોટક ગુંજાશનો અંદાજે હિસાબ તો એ ક્ષણે જ મળી ગયો હતો જ્યારે પ્રમુખ ટ્રમ્પે સરેરાશ ન્યૂયોર્કરને ચેતવ્યો હતો કે ખબરદાર આને ચૂંટ્યો છે તો – ફેડરલ સરકાર (‘હું પોતે’ એ વાંચો) ન્યૂ યોર્કને મળતી સઘળી સહાય બંધ કરી દેશે. મતદારો જો કે બીધા નથી ને પરિણામે અક્ષરશઃ સાબિત કરી આપ્યું છે.

જોહરાન મમદાની
નાકટીચકું ચડાવીને કોઈકે જેને ‘ઘોર સામ્યવાદી’ તરીકે વર્ણવવા જેવી ચેષ્ટા કરી તે કાર્યક્રમ વસ્તુતઃ ડેમોક્રેટિક સોશલિસ્ટ ધારાનો કાર્યક્રમ છે અને અમેરિકાના ધરાર મૂડીવાદી મનાતા માહોલ વચ્ચે નવેક દાયકા પર ‘ગ્રેટ ડિપ્રેશન’ના વારામાં રુઝવેલ્ટે તે ધોરણે કામ કરી સરેરાશ અમેરિકી નાગરિકને હૂંફ ને સધિયારો આપ્યાં હતાં. એ જ ‘ન્યૂ ડીલ’ની એક ઝલક તમે જોહરાન મમદાનીના કાર્યક્રમમાં પણ જોશો. આ કાર્યક્રમ અમેરિકા ઢબછબે પરનો છે. સરખી જિંદગી બસર કરવા સારુ જે પાયાની જોગવાઈ જોઈએ તે સરેરાશ નાગરિક જોગવી શકે એ માટેની જદ્દોજહદ જ કહો ને. સિટી બસમાં વિનાટિકિટ મુસાફરી, કરિયાણું ને એવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુ શહેરી માલિકીની દુકાનમાંથી વાજબી ભાવે મળી રહે, બાળઉછેર સારુ પાયાની સુવિધા – આમાં એવું તો શું કમ્યુનિસ્ટ છે? જિંદગી બસર કરવા સારુ સર્વસાધારણ સોઈની સ્તો વાત આ છે.
પણ આ ચર્ચાને મારે ‘એફોર્ડેબિલિટી પ્લેટફોર્મ’માં બાંધી દેવી જોઈએ નહીં. વસ્તુતઃ ‘નેશન ફર્સ્ટ’ જેવા નારાઓમાં જે વંશગત ને વર્ણગત જેહાદી માનસ પનાહ લઈ રહ્યું છે એ માનસની સામે જે સ્પિરિટથી માર્ટિન લ્યુથર કિંગે ગોરાકાળાના ભેદ વગરના ‘ગ્રેટ અમેરિકન ડ્રીમ’નો નેજો લહેરાવ્યો હતો એવું જ કાંક જોહરાન મમદાનીનુંયે સપનું છે. એ એને સારુ કદાચ ઉછેરગત જ હોવું જોઈએ. સાંભળ્યું છે કે આપણો આ વીરનાયક માધ્યમિક શાળામાં હતો ને મોક ઇલેક્શન લડવાનો પ્રસંગ આવ્યો ત્યારે એમણે યુદ્ધ ન થાય ને એને સારુ ફાળવાયેલ રકમ શિક્ષણ ને આરોગ્ય પાછળ ખરચાય એવી પ્રચાર ભૂમિકા લીધી હતી. આજે ગાઝા પટ્ટીની જે ત્રાસદી છે એની સામેનો આ અવાજ હોઈ શકે છે. જોહરાન મમદાનીની ફતેહના સમાચારો ઊતરતા હતા ત્યારે ટ્રમ્પ-પુતિન એક પા અને આ પરિણામ બીજી પા, એ ખયાલે ડિકન્સ સાંભરતો હતો કે આ ‘વેસ્ટ ઓફ ધ ટાઇમ્સ’ છે, આ ‘વર્સ્ટ ઓફ ધ ટાઇમ્સ’ છે. પણ ત્યાં તો એના વિજય વક્તવ્યમાં જવાહરલાલના શબ્દો ઊતરી આવ્યા કે ઇતિહાસમાં કવચિત આવતી આ ક્ષણ છે જ્યારે કાળ કરવટ લે છે અને રાષ્ટ્રના રૂંધાયેલા આત્મનો અવાજ સંભળાય છે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 05 નવેમ્બર 2025
![]()

