શું સોમનાથ, અયોધ્યા અને લઘુમતીના પ્રશ્નો પર સરદારનું વલણ કાયદાના શાસન અને ધર્મનિરપેક્ષ રાષ્ટ્રભાવનાના વિવેક પર આધારિત હતું?

પ્રકાશ ન. શાહ
દીપોત્સવની વાંસોવાંસ સરદાર જયંતી (31 ઓક્ટોબર) અને નેહરુ જંયતી (14મી નવેમ્બર) વચ્ચે રોપાઈને આ લખી રહ્યો છું ત્યારે જોઉં છું કે રથી અડવાણી 8મી નવેમ્બરે અઠ્ઠાણું પૂરાં કરશે. દેશમાં સત્તાવાર પ્રાયોજિતતાપૂર્વક સરદાર સાર્ધ શતાબ્દીમાં ડિંડિમ વચ્ચે, બને કે અડવાણીને આ દિવસોમાં હૈયાસરસું સ્મરણ અભિનવ સોમનાથ નિર્માતા તરીકેની સરદાર છબીનું હોય.
એમનું અંગત સંધાન (ખરું જોતાં, શરસંધાન) લક્ષમાં લઈએ તો એ સ્વાભાવિક પણ છે, કેમ કે 1990ના સપ્ટેમ્બરની 25મીએ અયોધ્યા માટે એમણે પ્રસ્થાન સોમનાથથી સ્તો કર્યું હતું. 1984ની કારમી હાર પછી ક્રમશ: ભા.જ.પ. માટે જે વિજયપથ બનતો ગયો એમાં અડવાણીની રથયાત્રાનો ઝળથાળ ફાળો છે.
સોમનાથનું ઓઠું લઈને વાત શરૂ કરવા પાછળનો ખયાલ ભા.જ.પ.ની ડિંડિમિત સરદારપ્રીતિ સામે, એક વેશનમૂના કે રોલ મોડેલ તરીકે સરદાર સાથે આ પક્ષપરિવારનો દેખીતો મેળ છતાં વાસ્તવમાં કેવોક અણમેળ છે તે તપાસવાનો છે. રથયાત્રાના દિવસો સંભારવા સાથે અડવાણીએ આત્મકથા ‘માય કન્ટ્રી માય લાઈફ’(2008)માં સોમનાથની નિર્માણઘટનાની પૃષ્ઠભૂ પણ આપી છે. સ્વાભાવિક જ એમાં અયોધ્યામાં (ત્યારે તો સૂચિત) નિર્માણને સોમનાથના સરદાર પેરેલલ તરીકે ઊપસાવવાનો ખયાલ છે.
જૂનાગઢમાં લોકવિજયને પગલે નવેમ્બર 1947માં સદારે સોમનાથના નિર્માણનો સંકલ્પ કર્યો અને નેહરુના વડપણ હેઠળની કેબિનેટે એ બહાલ પણ રાખ્યો. હવે તમે સ્વરાજ ત્રિપુટીની કમાલ જુઓ – ગાંધીજી, કેમ કે તે ગાંધીજી હતા, આ તબક્કે એક કેવિયટ સાથે ડંડો ઠમઠોરતા પ્રવેશ્યા કે નિર્માણ સરકારી પૈસે નહીં પણ સ્વતંત્ર ટ્રસ્ટ ને લોકફાળા મારફતે થશે.
સરદાર ડિસેમ્બર 1950માં ગયા અને જવાબદારી કનૈયાલાલ મુનશીને શિરે આવી. મંદિર તૈયાર થઈ ગયું ને જ્યોતિર્લિંગની પ્રતિષ્ઠાનો અવસર આવ્યો ત્યારે મુનશીએ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદને તે માટે નિમંત્ર્યા. વડાપ્રધાન નેહરુની સલાહ રાષ્ટ્રપતિએ ન જવું એવી હતી, પણ એ ગયા. સ્વાભાવિક જ, પક્ષપરિવારને નેહરુ પરના પ્રસાદના વિજયની ને સેક્યુલર વિચાર પરની રાષ્ટ્રવાદી સરસાઈની રીતે એ એક મોટી ઘટના લાગે છે. પણ સમગ્ર ઘટનાક્રમમાં પોતપોતાને છેડેથી સ્વરાજ ત્રિપુટી સરકાર, રાષ્ટ્ર અને ધર્મ ત્રણેયને સમીકૃત થતાં કંઈક રોકી શકી હતી એનો ખયાલ ન તો પક્ષપરિવારનો છે, ન તો સરાસરી લોકમાનસને.
એક રીતે, નેહરુની સલાહ ન માનતે છતે રાજેન્દ્ર પ્રસાદે કરેલા એક મુદ્દો પણ સ્વરાજ ત્રિપુટીની 1947ની એકંદરમતીને ટેકો કરનારો છે. એમણે નેહરુને લખ્યું હતું કે મને નિમંત્રણ મળશે તો હું મસ્જિદ કે ગિરજાઘરના કાર્યક્રમમાં પણ સામેલ થઈશ. આ વાતમાં જો જવાહરલાલને જવાબ હતો તો હિંદુ રાષ્ટ્રવાદી વલણ ધરાવનારાઓને ચોક્કસ ચીમકી પણ હતી. વસ્તુત: રાજેન્દ્ર પ્રસાદ દરગાહ શરીફ અને સેન્ટ ફ્રાન્સિસ ચર્ચની મુલાકાતમાંયે સર્વ ધર્મ સમભાવી રાષ્ટ્રભાવનાનું પ્રાગટ્ય જોતા હતા. દેખીતી રીતે જ સોમનાથને હિંદુત્વ રાજનીતિમાં સીમિત ને સમીકૃત કરનારાઓથી જુદી પાડતી આ ભૂમિકા હતી અને છે.
સોમનાથ સરદાર પેરેલલના રણરંગમાં અડવાણી એ જ ગાળાની (1947-1950), આ જ કુળની એક મોટી ઘટના ચૂકી ગયા છે એ અયોધ્યા આંદોલનના સૌ લાભાર્થી અને પોતાની તરેહના સરદારવાદીઓએ ઇતિહાસવસ્તુ તરીકે કાળજે ધરવાજોગ છે. 1949માં, 1990 અને તે પછીના અયોધ્યા આંદોલન માટે ભાવિમાં નિમિત્ત રૂપ બનેલો બનાવ બન્યો હતો. પાછળથી જેને વિવાદાસ્પદ ઢાંચો કહેવાયો એમાં રાતવરત ચમત્કારિક રીતે રામલલ્લાનું પ્રાગટ્ય થયું હતું. એને આંખ આડા કાન સહિત પનાહ આપનાર જિલ્લા મેજિસ્ટ્રેટ નાયર પછીથી જનસંઘમાં ધોરણસરની પાયરીએ સમુત્ક્રાન્ત થયા હતા, પણ છોડો એ વાત.
1949ના નવેમ્બર-ડિસેમ્બરનો નેહરુ-પટેલનો મુખ્યમંત્રી ગોવિંદવલ્લભ પંત સાથેનો સત્તાવાર પત્રવ્યવહાર એવી સાફ ભૂમિકા પરનો છે કે જે બન્યું છે તે ગેરકાનૂની ને અઘટિત છે. એને ઊગતું જ ડામવું જોઈએ તે રાજ્ય સરકારની ફરજ છે. પંડિત પંતે એમની રાજકીય સમજ પ્રમાણે અને જિલ્લા ન્યાયાધીશ નાયરની ‘સલાહ’ પ્રમાણે, નેહરુ-પટેલની સૂચનાથી વિપરીતપણે ઢીલું મૂક્યું. પરિણામે, જે થવાનું હશે તે થયું! પણ જોવાનું એ છે કે સંઘ શ્રેષ્ઠીઓ જેમને પોતાના રોલ મોડેલ તરીકે અને નેહરુને સ્થાને જો એ હોત તો રંગ રહ્યો હોત એમ ઉછાળે છે તે સરદારને અયોધ્યામાં સોમનાથવાળી ગ્રાહ્ય નહોતી. કાયદાના શાસનને અનુવર્તી ધોરણે તે સંકલ્પબદ્ધ હતા. ત્યારના સરદાર-સાથી આઈ.સી.એસ. એચ.એમ. પટેલ આપણી વચ્ચે આજે હોય તો એ સોમનાથ ને અયોધ્યા વચ્ચે સરદારે દાખવેલ વિવેકની રૂડી સમજૂત આપી શકે.
છેલ્લે, રોલ મોડેલ સરદાર અને જનસંઘના સ્થાપક શ્યામાપ્રસાદ મુખર્જીને સાથે મૂકીને થોડુંક : ભાગલા પછી, શરૂના દોર બાદ, કંઈક થાળે પડ્યું ને વળી વટક્યું – પૂર્વ પાકિસ્તાનમાંથી હિંદુ હિજરતીઓનો પ્રવાહ શરૂ થયો. આ નહીં રોકી શકાતા મુખર્જી નેહરુ પ્રધાનમંડળથી વિરોધમાં છૂટા થયા. પટેલ અલબત્ત સચિંત અને સચેત હતા – અંગત ઉદ્દગારોમાં એમના પ્રતિભાવ પાક પરત્વે આકરા ને આક્રમક હશે. પણ વ્યાપક સંદર્ભ ચૂક્યા વગર આગળ વધવાનું હતું.
નેહરુ અને લિયાકત (પાક વડા પ્રધાન) વચ્ચે સંપર્કને પગલે, નવી દિલ્હીમાં બંને વડા પ્રધાનોની મુલાકાત ગોઠવાઈ. નેહરુએ લિયાકત અને પટેલ પણ સ્વતંત્રપણે મળે એવો આગ્રહ રાખ્યો. એમાંથી સરહદની બંને બાજુએ લઘુમતી પંચ કાર્યરત બને એવી ફોર્મ્યુલા ઊપસી રહી અને કેટલોક સમય એણે કામ પણ આપ્યું. આવી રચનાની જરૂરત સમજાવવા અશાંત બંગાળ વચ્ચે પટેલે ખાસા પાંચ-સાત દિવસ ગાળ્યા અને હૂંફ ને હામ સાથે સૌને વિશ્વાસમાં લીધા.
… સરદારી સહેલી નથી, ભાઈ!
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘તવારીખની તેજછાયા’ નામક લેખકની સાપ્તાહિક કોલમ, ‘કળશ’ પૂર્તિ, “દિવ્ય ભાસ્કર”; 05 નવેમ્બર 2025
![]()

