
ચંદુ મહેરિયા
બાબાસાહેબ ડો. આંબેડકર જીવનના ઉત્તરાર્ધમાં ‘અલગ વસાહતો’ અને ‘અલગ મતાધિકાર’ને દલિતોની મૂળભૂત જરૂરિયાત ગણાવતા હતા, પરંતુ ઇતિહાસ ગવાહ છે કે ૧૯૨૮માં સાયમન કમિશન સમક્ષ આંબેડકરે માત્ર રાજકીય અનામતની માગણી કરી હતી. એટલું જ નહીં, અલગ મતાધિકારનો વિરોધ પણ કર્યો હતો!
કાઁગ્રેસે આઝાદ ભારતના રાજ્ય બંધારણનું માળખું ઘડી કાઢવા ઈ.સ. ૧૯૨૮માં મોતીલાલ નહેરુના વડપણ હેઠળ ‘નહેરુ સમિતિ’ની રચના કરી હતી. આ સમિતિએ સર્વપક્ષીય બેઠક બોલાવીને તેમાં મુસ્લિમ, શીખ, ઈસાઈ, એંગ્લો ઇન્ડિયન, બ્રાહ્મણેતર સંસ્થાઓ અને દ્રવિડ મહાજનોને ચર્ચા માટે નોતર્યા હતા, પરંતુ તેમાં દલિતોનો કે આંબેડકરનો પક્ષ જાણવો સમિતિને જરૂરી લાગ્યો નહોતો. નહેરુ સમિતિએ તેના અહેવાલમાં દલિતોના રાજકીય પ્રતિનિધિત્વની વાતને સાવ તડકે મૂકી દીધી હતી.
એ સંજોગોમાં સાયમન કમિશન સમક્ષ દલિતોની જે અઢાર સંસ્થાઓએ રજૂઆતો કરી, તેમાં સોળ સંસ્થાઓએ દલિતો માટેના સ્વતંત્ર (એટલે કે અલગ) મતદાર સંઘ (મંડળ)ની માગણી કરી હતી. માત્ર બે જ સંસ્થાઓએ સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની માંગણી કરી હરી. આ બે સંસ્થાઓમાંની એક હતી આંબેડકરની ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ (સ્થાપના ૧૯૨૪). તેમણે દલિતો માટે સંયુક્ત મતદાર મંડળ અને રાજકીય અનામતોની તો માંગણી કરી પણ દલિતોના અલગ કે સ્વતંત્ર મતદારમંડળનો સખત વિરોધ કર્યો હતો!

બાબાસાહેબ આંબેડકર
સાયમન કમિશન સમક્ષ થયેલી કોમી મતદારમંડળોની માગણીને વખોડતા આંબેડકરે પોતાના અલગ અહેવાલમાં જણાવ્યું હતું : કોમી મતદારમંડળો માટેનો કેસ, વાજબી કહી શકાય તેવા કોઈ પણ કારણસર ટકી શકે તેવો નથી. તેની તરફેણમાં જે કંઈ કહેવાય છે તે માત્ર લાગણી અને ભાવનાઓ જ છે. હું અમુક વર્ગોને ખાસ પ્રતિનિધિત્વ મળે તેમ ઇચ્છું છું. છતાં એ પ્રતિનિધિત્વ તેમને અલગ મતદારમંડળો મારફતે મળે તેની વિરુદ્ધ છું. સૌથી યોગ્ય તો એ જ છે કે અનામત બેઠકોવાળી સંયુક્ત મતદાર મંડળોની પદ્ધતિ જ હોવી જોઈએ. તેનાથી ઓછું કશું ય અપૂરતું ગણાશે.
આમ, દલિતોના જ નહીં કોઈના પણ અલગ મતદારમંડળોના વિરોધી આંબેડકર, પાછળથી ‘દલિતોએ તેમની સઘળી માગણીઓ જતી કરવી જોઈએ, પણ અલગ મતદારમંડળો અને અલગ વસાહતોની માંગણીઓ ક્યારે ય ન છોડવી જોઈએ’ એમ કેમ કહ્યું હશે, એ જાણવા આઝાદી પહેલાંનો ઇતિહાસ, કાઁગ્રેસ અને ખાસ કરીને ગાંધીજીનું વલણ તપાસવું જોઈએ.
સાયમન કમિશન સમક્ષ રાજકીય અનામતની આંબેડકરની માગણી પૂરતા પ્રમાણમાં સંતોષાઈ નહોતી. ગોળમેજી પરિષદના આરંભે તેમણે અલગ મતાધિકારને નહીં પણ પુખ્ત વયના મતાધિકારને પ્રાથમિકતા આપી હતી, પરંતુ બીજી ગોળમેજી પરિષદમાં મુસ્લિમો, શીખો, ખ્રિસ્તીઓ,એંગ્લો ઇન્ડિયનો – એમ સઘળા જૂથોની અલગ મતદાર મંડળોની માગણી સ્વીકારનાર ગાંધીજીએ દલિતોના અલગ મતદાર મંડળોનો જ નહીં તેમની રાજકીય અનામત બેઠકોની માંગણી પણ સ્વીકારી નહીં. એ તબક્કે આંબેડકરને તેમની રણનીતિ બદલવાની કદાચ ફરજ પડી હશે અને તેમણે દલિતો માટે અલગ મતદારમંડળોને જ મુખ્ય મુદ્દો બનાવ્યો હશે એમ લાગે છે. બીજી ગોળમેજી પરિષદમાં લઘુમતીઓના અધિકારોના મુદ્દે મડાગાંઠ ચાલુ રહી હતી. આંબેડકરે દલિતો માટે અલગ મતદાર મંડળોની માગણી સબળ રીતે રજૂ કરી અને બ્રિટિશ સરકારને તે સ્વીકારવાની ફરજ પાડી.
એ સમયે ગાંધીજીમાં રહેલો મુત્સદી કેવા કેવા પેંતરાઓ રચે છે તે જાણવા જેવું છે. આંબેડકર લખે છે : ૧૩મી નવેમ્બર ૧૯૩૧ના આગલા દિવસે લઘુમતી કરાર, ગોળમેજી પરિષદની લઘુમતી પેટા સમિતિને સોંપવામાં આવ્યો, ત્યારે ગાંધીએ કુરાનની નકલ લીધી અને રીટ્ઝ હોટેલમાં નામદાર આગાખાનને મળવા ગયા, જ્યાં મુસ્લિમ પ્રતિનિધિઓ ભેગા થયા હતા. ગાંધીએ મુસ્લિમ પ્રતિનિધિઓને પૂછ્યું, અલગ પ્રતિનિધિત્વ માટેનો અસ્પૃશ્યોનો હકદાવો માન્ય રાખીને તમે શા માટે હિંદુ સમાજને વિભાજિત કરી રહ્યા છો? શું કુરાનમાં આવું કરવાની રજા આપેલી છે? મને બતાવો, કુરાનમાં એવું ક્યાં કહ્યું છે? મુસ્લિમ પ્રતિનિધિઓને કદાચ ગાંધીના આ પ્રશ્નનો જવાબ આપવાનું અઘરું લાગ્યું હશે. મુસ્લિમ પ્રતિનિધિઓએ ગાંધીને શું જવાબ આપ્યો તે હું જાણતો નથી, પરંતુ આ (ગાંધીજીના કુરાનવાળા સવાલ અંગેની) માહિતી મને અત્યંત અધિકૃત રીતે મળી છે. (અનટચેબલ્સ એન્ડ અનટચેબિલિટી: સોશિયલ-પોલિટિકલ-રિલિજિયસ.ડો. આંબેડકર,ગ્રંથ-૫, પૃષ્ઠ-૩૨૩)
આટઆટલા પેંતરાઓ અને પ્રયત્નો છતાં ગાંધીજી ન ફાવ્યા અને અંતે લઘુમતીઓના અધિકારોનો મુદ્દો બ્રિટિશ વડા પ્રધાન પર છોડાયો હતો. બ્રિટિશ વડા પ્રધાન રામ્સે મેકડોનાલ્ડે ૧૭મી ઓગસ્ટ, ૧૯૩૨ના રોજ કમ્યુનલ એવોર્ડ (કોમી ચુકાદો) જાહેર કર્યો હતો. તેમાં દલિતો માટે અલગ મતદારમંડળોની માગણી સ્વીકારવામાં આવી હતી. સાથે સાથે આ અલગ મતદારમંડળો અમર્યાદિત સમય માટે નહીં, પરંતુ વધુમાં વધુ વીસ વરસ માટે જ રાખવાની પણ જોગવાઈ કરવામાં આવી હતી.
ગાંધીજીએ ગોળમેજી પરિષદમાં જ દલિતો માટે અલગ મતદારમંડળોનો વિરોધ કર્યો હતો. તેઓ દલિતોને હિંદુ સમાજનો જ એક ભાગ માનતા હતા અને દલિતોનું અલગ રાજકીય પ્રતિનિધિત્વ તેમને હિંદુ એકતા માટે ખતરનાક લાગતું હતું. તેથી, કમ્યુનલ એવોર્ડ અંતર્ગત દલિતો માટેના અલગ મતદાર મંડળોની જોગવાઈના વિરોધમાં તેમણે પૂનાની યરવડા જેલમાં આમરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી. ગાંધીજીના ઉપવાસ અને તે અંગેના આંબેડકરના વલણનો ઇતિહાસ બહુ જાણીતો છે. આંબેડકરને ગાંધીજીના ઉપવાસના શસ્ત્ર સામે ઝૂકવું પડ્યું, દલિતોના અલગ મતાધિકારની માગણી જતી કરવી પડી અને રાજકીય અનામત બેઠકોથી સંતોષ માનવો પડ્યો હતો.
કોમી ચુકાદામાં અલગ મતદારમંડળો અને સામાન્ય મતદારમંડળો એમ બેવડા મતનો લાભ હતો. વળી દલિત જ દલિતને ચૂંટે તેવી પણ જોગવાઈ હતી. પૂના કરારને કારણે કોમ્યુનલ એવોર્ડ કરતાં બમણી બેઠકો દલિતોને મળી, પણ યોગ્ય પ્રતિનિધિત્વ છીનવાઈ ગયું.
કોમી ધોરણે મતાધિકારની માંગણી કરનાર બાબાસાહેબ આંબેડકરને ૧૯૩૭ની પહેલી ચૂંટણીમાં ‘ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી’ની રચના કરવાની જરૂર જણાઈ હતી. મુંબઈ વિધાનસભાની કુલ ૧૭૫ બેઠકોમાં અનામત બેઠકો માત્ર ૧૫ જ હતી. ત્યારે બાબાસાહેબને જ્ઞાતિના ધોરણે નહીં પણ વ્યાપક સમર્થનવાળા રાજકીય પક્ષની રચના યોગ્ય લાગી હતી. એટલે તેમણે ઇન્ડિપેન્ડન્ટ લેબર પાર્ટી(સ્વતંત્ર મજૂર પક્ષ)ની રચના કરી હતી.
પૂના કરારના લગભગ સવા નવ દાયકે, અલગ મતાધિકારની માંગ બુલંદ કરનાર સૌએ દલિતોના પેટા જ્ઞાતિવાદના મુદ્દે આ માંગણી (અલગ મતદારમંડળની) વિચારવા જેવી છે. ખુદ બાબાસાહેબને પણ દલિતોના પેટા જ્ઞાતિવાદનો ઠીક ઠીક અનુભવ થયો હતો. આજે વકરેલા દલિત પેટા જ્ઞાતિવાદના સંદર્ભમાં અલગ મતાધિકારની માંગણી કેટલી યોગ્ય ઠરે તે વિચારવું રહ્યું.
ગુજરાતની દલિત વસ્તીમાં સાવ જ નજીવું પ્રમાણ ધરાવતી દલિત પેટાજ્ઞાતિના ઉમેદવારો રાજકીય અનામત બેઠકો અને રાજકીય પક્ષોની પસંદગીના કારણે ધારાસભા કે લોકસભામાં ચૂંટાઈ શક્યા છે. ગંગાબહેન વાઘેલા, ભાનુભાઈ વાઘેલા, ચંદ્રકાંત વાઘેલા, દર્શનાબહેન વાઘેલા, ચંદ્રાબહેન શ્રીમાળી અને પૂનમભાઈ મકવાણા જેવાં નામો તરત યાદ આવે. દલિતોમાં દલિત એવી દલિત પેટા જ્ઞાતિઓના આ ઉમેદવારો અલગ મતાધિકારમાં સત્તાના રાજકારણમાં સ્થાન બનાવી શક્યા હોત ખરા?
સુપ્રીમ કોર્ટના અનામતમાં પેટા વર્ગીકરણના મુદ્દે દલિતોની સંખ્યામાં વર્ચસ ધરાવતી પેટા જ્ઞાતિઓનું વલણ હાલમાં જણાઈ આવ્યું છે તે સંજોગોમાં અલગ મતાધિકારમાં દલિતોની સર્વ જ્ઞાતિઓનું સમાવેશન શક્ય બન્યું હોત ખરું ? તે બાબત પણ વિચારવા જેવી નથી શું? .
પૂના કરારને કારણે ૧૯૩૭માં પ્રાંતિક ધારાસભાઓમાં ૧૫૧ અનામત બેઠકોમાંથી કાઁગ્રેસને ૭૮ બેઠકો મળી હતી. એટલે કે લગભગ પચાસ ટકા જેટલી જ. મુંબઈ વિધાનસભાની મોટા ભાગની અનામત બેઠકો આંબેડકરના પક્ષને મળી હતી. જો બાબાસાહેબ દલિતોના રાજકીય સંગઠન તરફ વધુ લક્ષ આપી શક્યા હોત, તેમને દલિતોનો અખિલ ભારતીય પક્ષ રચવાની તક મળી હોત અને પૂના કરારની પ્રાથમિક ચૂંટણીની શરત તેના ખરા અર્થમાં અમલી બની હોત તો આજે દલિતોના રાજકીય પ્રતિનિધિત્વનો ઇતિહાસ જુદો હોત. રાજકીય અનામત અને અલગ મતાધિકારની ચર્ચા વેળાએ આ બધા મુદ્દાઓ ધ્યાનમાં રાખવાની જરૂર છે.
e.mail : maheriyachandu@gmail.com
![]()

