
રવીન્દ્ર પારેખ
આંધળાને પણ ખબર પડે એમ છે કે આખા દેશમાં શિયાળો શરૂ થવાને બદલે ચોમાસું ફરી શરૂ થયું હોય એવી સ્થિતિ છે. ચાર માસ માટે નહીં, પણ છ માસ માટે હોય તેમ ચોમાસું હવે છોમાસું કહેવાય તો નવાઈ નહીં ! સવારે સ્વેટર, બપોરે પહેરણ અને બહાર રેઈનકોટ પહેરવો પડે તેવી હાલત છે. દિવાળીની આસપાસ ખેડૂતોના પાક તૈયાર થઈ ગયા હતા, પણ કમોસમી વરસાદને લીધે ડાંગર, મગફળી, કપાસ ખેતરમાં જ ઠલવાઈ, ધોવાઈ ને નકામાં થઈ ગયાં છે. ઘણાં ગામોમાં મગફળીનો પાક તૈયાર હતો, પણ ખેતરમાં ભેજ સુકાય એટલે પાથર કરી રાખ્યા હતા, પણ તે પલળી જતાં ખેડૂતોની પાંચ મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું છે. મગફળીના પાકને તો 250 કરોડ સુધીનું નુકસાન થયાનો અંદાજ છે. ડાંગર પાણીમાં તરબોળ રહેવાને લીધે તેને અંકુર ફૂટ્યાં છે. આખા દેશની ખેતીને વત્તુંઓછું નુકસાન થયું છે, તેમાં ગુજરાતને વરસાદ અને વાવાઝોડાંએ એવું ધોયું છે કે ઊભો પાક નષ્ટ થઈ ગયો છે. ખેડૂતોને માથે હાથ દેવાનો વારો આવ્યો છે. આ નુકસાન એટલું વ્યાપક અને દેખીતું છે કે તેમાં કંઇ બચી જવાની ગુંજાઈશ જ ઓછી છે.
સરકારી અંદાજ પ્રમાણે દસ લાખ હેક્ટરના વાવેતર એરિયામાં 11,000 કરોડથી વધુના નુકસાનનો અંદાજ છે. નવેમ્બરમાં પણ વરસાદની આગાહીઓ ચાલુ જ છે, એટલે રવિ પાકનું વાવેતર પણ લંબાય એવી સ્થિતિ છે. એ હિસાબે વધુ નુકસાનની સંભાવનાઓ નકારી શકાય એમ નથી. ડિજિટલ સર્વે પડતો મૂકીને સરકારે ફિઝિકલ સર્વે ત્રણ દિવસમાં પૂરો કરવા તંત્રને સૂચના આપી છે, એટલે મંગળવાર સાંજ સુધીમાં નુકસાનનો અંદાજ આવવાની ધારણા છે. તે પછી બુધવારે મંત્રીમંડળની બેઠકમાં રાહત પેકેજ જાહેર થાય એમ બને. એ તો થતાં થશે, પણ ખેડૂતો સર્વેની વિરુદ્ધ છે એ ખરું. બીજી તરફ રોજ જ વરસાદી એલર્ટ અપાતાં રહે છે ને ખેતરો છલકાતાં રહે છે. દરિયામાં સ્થિર થયેલ ડિપ્રેશનને કારણે રાજ્યના સોથી વધુ તાલુકાઓ માવઠાંનો ભોગ બન્યા છે. 5 નવેમ્બર સુધી વરસાદી ઉન્માદ રહેશે એવું કહેવાય છે ને ત્યાં સુધીમાં બીજું કેટલું ને કેવું ધોવાણ થશે તેની કલ્પના જ કરવાની રહે છે.
રાજ્યના અમરેલી, ભાવનગર, સુરત, વલસાડ જેવા જિલ્લાઓમાં ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. લાખો ટન મગફળી ખેતરમાં જ નકામી થઈ ગઈ છે. કપાસમાં ઈયળ પડી છે. આ ઉપરાંત ડુંગળી, લસણ, શાકભાજી, તુવેર વગેરેમાં પણ ઘણું નુકસાન છે. એવું સરકાર સ્વીકારે છે, પણ એક સમાચાર મુજબ સરકાર, દરિયામાં ખસખસ જેવું વળતર, હેક્ટરે 22,000નું આપવા તૈયાર થઈ છે. આમાં પણ સરકારની નીતિ બદલાતી રહે તો ખબર નહીં. શનિવારની બેઠકમાં સરકાર એમ કહે છે કે ૩૩ ટકાથી વધુ નુકસાન હશે તો જ વળતર અપાશે. આ સહાય પણ ફિઝિકલ સર્વે પછી કરવા સરકાર તૈયાર થઈ છે. સર્વેને નામે મજાક થઇ રહી હોવાનું ખેડૂતોને લાગે છે, તે એટલે કે ડિજિટલ સર્વેનો ખાસ અનુભવ ખેડૂતોને નથી ને કેટલાકે કોશિશ કરી તો કૃષિ એપ જ ખૂલતી નથી. બને કે અત્યારે ખેડૂતોના મત લેવાના નથી એટલે ઓછું વળતર જાહેર થયું હોય. ખેડૂતોની માંગ તો એવી છે કે સરકાર સહાય કરવાને બદલે, ખેડૂતોનું દેવું માફ કરે. મુખ્ય મંત્રીએ તો કમોસમી વરસાદથી થયેલા પાકના નુકસાન સંદર્ભે તાત્કાલિક સર્વે કરી સહાય ચૂકવવા નિર્દેશ આપ્યો છે, તો ડિજિટલ સર્વેનો વિપક્ષે પણ વિરોધ કર્યો છે ને ખેડૂતોનાં દેવાં માફ કરવાં પણ જણાવ્યું છે.
સાચી વાત તો એ છે કે છેલ્લા થોડા દિવસોમાં વરસી રહેલા વરસાદે ખેડૂતોના ઊભા પાકનો સોથ વાળી દીધો છે. આ નુકસાન એટલું દેખીતું અને વ્યાપક છે કે તેમાં નુકસાની સિવાય ખાસ કંઇ હાથમાં આવ્યું નથી. દેખીતું છે કે અણધારી ખોટની સામે ડિજિટલ સર્વેનો ખેડૂતોને વાંધો પડે ને પડ્યો જ છે. તેમણે વિરોધ પ્રદર્શિત કરવા ખેતરમાં પાક બાળીને હવન કર્યો છે. અનેક જિલ્લાના ખેડૂતોએ સરકારના સર્વે સામે વિરોધ નોંધાવતા કહ્યું કે કોઈ અધિકારીઓએ અને નેતાઓએ આવવાની જરૂર નથી. એ તો બધાં જ જાણે છે કે નુકસાન સો ટકા થયું છે, તો સરકારે સર્વેનું નાટક શું કામ કરવું જોઈએ? ખેડૂતોનું માનવું છે કે સરકાર હેક્ટર દીઠ બાર કે બાવીસ હજાર આપે તો એટલામાં ખાતર-બિયારણ પણ ન આવે અને બગડેલો પાક બહાર કાઢવાનો ખર્ચ ખાતર પર દિવેલ જ પુરવાર થાય !
ટૂંકમાં, સર્વેનો વિરોધ બધા જ ખેડૂતો કરે છે. પાક ધીરાણની સરકાર માફી આપે અને જો વળતર આપવું હોય તો સીધું ખાતામાં આપે એવી માંગ ખેડૂતોની છે. જો કે, ભારતીય કિસાન સંઘના પ્રદેશ પ્રમુખે સર્વેને આવકારતા ખેડૂતો વતી કહ્યું કે સર્વે થયા પછી કેટલા દિવસમાં વળતર મળશે તેનો એક્શન પ્લાન બનાવવો જોઈએ. કિસાન ક્રાંતિ ટ્રસ્ટના પ્રમુખે પણ સો ટકા નુકસાનની વાત દોહરાવતા કહ્યું કે માત્ર 500 કરોડ કે 2,000 કરોડની જાહેરાત કરીને, તેના ભાગ પાડીને બટકું નાખવાના હો તો તેવું નથી જોઈતું. ખેડૂત દેવામાં ગળાડૂબ છે. આ હાલત હોય ત્યારે સરકાર પડખે હોય તેવી અપેક્ષા ખેડૂતોને છે.
*
દસેક દિવસના કમોસમી વરસાદે ગુજરાતમાં અને મોન્થા વાવાઝોડાએ દક્ષિણમાં ને આમ તો લગભગ આખા દેશમાં અનેક રીતે તારાજી સર્જી છે. થોડાં વર્ષ પર આવેલા કોરોનાએ કોઈ પણ મહાયુદ્ધ કરતાં વધારે જીવ લીધા છે. ધરતીકંપ, પૂર, આગ જેવી અણધારી આફતો મૃત્યુ અને મિલકતોનો એવો વિનાશ સર્જે છે કે કહેવાતી પ્રગતિ પર પાણી ફરી વળે છે. આપણે પૃથ્વીનું વાતાવરણ સુધારવાને બદલે, ચંદ્રને બગાડવા ત્યાં વસાહતો ઊભી કરવા તત્પર છીએ તેનું આશ્ચર્ય જ છે. ખરેખર તો અહીં દસ દિવસ વરસાદ આવે છે ને ઊભા પાકને નકામો કરી દે છે, તે સ્થિતિ સુધારવાની જરૂર છે. ઋતુઓમાં આવી રહેલું પરિવર્તન અનેક મુશ્કેલીઓ ઊભી કરી રહ્યું છે, ત્યારે તેના ઉપાયો કરવાની જરૂર છે. આ સ્થિતિ જોડે જ ટેવાવાનું હોય તો તેને પહોંચી વળવાના રસ્તા શોધવા અનિવાર્ય બન્યા છે. ભારતમાં શિયાળો, ઉનાળો અને ચોમાસું – એમ ત્રણ ઋતુનો જે સ્પષ્ટ અનુભવ થતો હતો, તે સ્થિતિ બદલાતી આવે છે ને હવે એક જ દિવસમાં ત્રણે ઋતુનો અનુભવ થાય છે.
દુનિયા આખી એવા વૈશ્વિક ડરનો શિકાર છે કે કોઈ મારી ન જાય એટલે શસ્ત્રોથી કિલ્લેબંધી કરવી ને તેને માટે શસ્ત્રો વસાવવાં. હજારો કિલોમીટર દૂરના શત્રુને મારવા અદૃશ્ય મિસાઈલનું પરીક્ષણ થાય છે, પણ નજીકમાં વસતાં લોકોને જીવાડવાની કોશિશ ખાસ થતી નથી. બે સત્તાઓ લડે છે, પણ તેને ખાસ કંઇ થતું નથી, પણ બંને સત્તાઓના નિર્દોષ લોકો માર્યા જાય છે ને જે બચી જાય છે, તેમની હાલત પણ ઓછી લોહિયાળ નથી ! શાંતિથી જીવવાનું છે તેને બદલે સર્વોપરી બનવાની લહાયમાં અનેકોની જિંદગી જોડે રમત રમવાના ખેલ વૈશ્વિક સ્તરે ચાલે છે ને કહેવાતાં સમાધાનોનાં પણ સુરસુરિયાં થતાં રહે છે. ચાર પાંચ પાગલોની હુંસાતુંસીમાં આખું વિશ્વ બેયોનેટ પર ઊંચકાયેલું હોય એવી સ્થિતિ છે.
અંદરોઅંદર લડી મરવાનું શૂરાતન આદિકાળથી ચાલે છે, પણ માણસ જાત એ વિચારતી નથી કે કોઈને પણ લડાવ્યા વગર, એક કોરોના આવે છે તો લાખો જીવો પછી શોધ્યા જડતા નથી, આખું જંગલ આગમાં ખાખ થાય છે તેની સામે આપણું વૃક્ષારોપણ ક્યાં અને કેટલું ટકે છે તે જોવાનું રહે. એક વાવાઝોડા સામે આપણી પામરતા વારંવાર સિદ્ધ થઈ છે કે એકાદ વિનાશક પૂર કેટલાં ય ઘરોનાં ઈંટ, ચૂના કેવાં રસ્તે લાવી દે છે તે કહેવાની જરૂર નથી. આપણે અણુ સંહાર કરીએ તેનાં કરતાં કુદરત વિફરે તો આખી પૃથ્વી હાથથી જાય એવું બને, પણ કુદરત સર્જન, વિસર્જનનું સંતુલન જાણે છે ને જાળવે છે. માણસ જાત બબ્બે વિશ્વયુદ્ધોના કારમા અનુભવ પછી પણ યુદ્ધની લાલાશનો મોહ છોડી શકતી નથી તે દુ:ખદ છે. વધારે નહીં તો કમોસમી વરસાદ રોકવાનું માણસ કંઇ શોધી આપે તો કમ સે કમ ખેડૂતો તો તેનાં ઋણી જ રહેશે, વધારે શું કહેવું?
000
e.mail : ravindra21111946@gmail.com
પ્રગટ : ‘આજકાલ’ નામક લેખકની કટાર, “ધબકાર”, 03 નવેમ્બર 2025
![]()

