નરેશ અને રમેશ બંને બહુ જ સારા મિત્ર હતા. એક જ સ્કૂલ અને એક જ કલાસમાં સાથે અભ્યાસ કરતા હતા. નરેશના પિતાજી કાપડની દુકાનમાં મેનેજર હતા અને આર્થિક સ્થિતિ સામાન્ય હતી. જ્યારે રમેશના પિતા શ્રીમંત અને ખાધે પીધે ખૂબ સુખી હતા. પણ નરેશ અને રમેશની મિત્રતામાં અમીરી, ગરીબી જેવું કંઈ નહોતું. નરેશને અભ્યાસમાં કોઈ પણ જાતની મદદ જેવી કે ટ્યૂશન ક્લાસ, પ્રાઇવેટ ટ્યૂશન જેવી સગવડ નહોતી. જ્યારે રમેશને બધી જ સગવડ મળવા છતાં અભ્યાસમાં સારો હોવા છતાં નરેશથી ઓછા માર્ક્સ આવતા પણ આ બાબતે બંને મિત્રો વચ્ચે ન તો ઈર્ષા હતી, ન કોઈ ભેદભાવ હતો. બંને મિત્રોની મિત્રતા શુદ્ધ અને સાચી હતી.
એક દિવસ નરેશે, રમેશને કહ્યું, “રમેશ આપણો સાથ હવે હાઈસ્કૂલ સુધીનો છે. મારે તો આગળ અભ્યાસ કરી સોફ્ટવેર એન્જિનિયર બનવું છે પણ મારા પપ્પા હવે આગળ અભ્યાસ નહીં કરાવી શકે એમ કહેતા હતા.” ત્યારે તો રમેશે કાઈ જવાબ ન આપ્યો.
રમેશે ઘરે આવી તેના પપ્પાને વાત કરી અને પૂછ્યું, “પપ્પા, તમે સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી છો, સેવા ટ્રસ્ટ જરૂરિયાતમંદોને અભ્યાસ માટે આર્થિક મદદ કરે છે તો નરેશને કાંઈ મદદ મળી શકે.” રમેશના પપ્પા ભાનુપ્રસાદ પંડ્યા, સેવા ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને આગળ પડતા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ હતા.
“રમેશ બેટા, સેવા ટ્રસ્ટ ઘણા લોકોને મદદ કરે છે એટલે મદદની રકમ પણ મર્યાદિત હોય છે.” પછી આગળ વાત ન કરી. રમેશ નારાજ થયો એ એમણે જોયું. પણ કાંઈ કહ્યું નહીં.
બીજે દિવસે ભાનુપ્રસાદ મુખ્ય ટ્રસ્ટીને મળ્યા અને વાત કરી. મુખ્ય ટ્રસ્ટીએ કહ્યું, “વાત તો તમારી યોગ્ય છે. પણ આપણી આર્થિક મર્યાદાઓ છે એ તમે જાણો છો.” એટલે ભાનુપ્રસાદે કહ્યું, “નરેશના અભ્યાસનો તમામ ખર્ચ હું આપીશ પણ તે સેવા ટ્રસ્ટના નામે તમે આપશો અને મારી મદદની વાત ફક્ત તમારી અને મારી વચ્ચે જ રહેશે. કારણ કે નરેશ આ વાત જાણે અને હીણપણની લાગણી અનુભવે એવું હું નથી ઇચ્છતો. તમે મને વચન આપો.” મુખ્ય ટ્રસ્ટી ભાનુપ્રસાદની વાત સાંભળી ભાવવિભોર થઈ ગયા અને કહ્યું, “માણસ ધારે તો ગુપ્ત રીતે મદદ પણ કરી શકે છે. તમારી વાત મને માન્ય છે.”
મુખ્ય ટ્રસ્ટીએ નરેશને વાત કરી. નરેશ ખુશ ખુશ થઈ ગયો કે ક્યારે તે આ ખુશખબર રમેશને આપે. “રમેશ, મને સેવા ટ્રસ્ટ તરફથી મારે જ્યાં સુધી આગળ અભ્યાસ કરવો હોય ત્યાં સુધીનો તમામ ખર્ચ મળશે.” રમેશ, સાંભળી ખુશ થયો પણ વિચારમાં પડી ગયો કે પપ્પાએ ત્યારે કેમ જવાબ નહીં આપ્યો હોય. પછી વિચાર્યું, ચાલો મારી સાથે નરેશનું સપનું પણ પૂર્ણ થશે.
નરેશ અભ્યાસમાં ખૂબ જ સારો હોવાથી સારા ગ્રેડથી સોફ્ટવેર એન્જિનિયર બની ગયો અને કેમ્પસ સિલેકશનમાં સારી કંપનીમાં ઉચ્ચ પગારે શહેરમાં નોકરી પણ મળી ગઈ. નરેશને વિદેશમાં સારા પગારની જોબ મળતી હતી પણ તેણે દેશમાં રહી દેશનું અને સ્વજનોનું ઋણ ચૂકવવાનું નક્કી કરી પોતાનાં શહેરમાં જ મળતી જોબ સ્વીકારી લીધી. રમેશ પણ એમ.ડી. ડોકટર બની શહેરમાં હોસ્પિટલ શરૂ કરી દીધી હતી. બંને મિત્રો એક જ શહેરમાં પણ પોતપોતાના વ્યવસાયમાં વ્યસ્ત હતા. રૂબરૂ મુલાકાત બહુ ઓછી થતી પણ ફોન ઉપર વાતચિત થતી રહેતી.
નરેશે પૂરી રીતે વ્યવસ્થિત થઈ ગયા પછી વિચાર્યું કે મારે મુખ્ય ટ્રસ્ટીશ્રીનો આભાર માનવો પડે. સેવા ટ્રસ્ટની મદદથી જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. મુખ્ય ટ્રસ્ટીને વંદન કરી કહ્યું, “મારે તમારો ખૂબ ખૂબ આભાર માનવો પડે. તમારી મદદ અને સહકારથી જ આજે મારું સ્વપ્ન પૂરું થયું છે.”
“નરેશ, હું તો માત્ર નિમિત્ત છું. મેં તો મારી ફરજ બજાવી છે.”
“તો પછી મને એ કહો કે એ માનવ રૂપી દેવતા કોણ છે? જેણે મારા સ્વપ્નને સાકાર કરવામાં આટલી મોટી મદદ કરી.”
“એ હું તને નહીં કહી શકું! મેં તેને વચન આપ્યું છે.”
“તો એ દેવતાનું ઋણ ચૂકવવા માટે તમારે વચનભંગ કરવો પડશે અને મને પૂરી વાત કરાવી પડશે. નહીંતર મારા મનને ચેન નહિ પડે.” નરેશના અતિ આગ્રહથી ટ્રસ્ટીશ્રીએ નામ આપ્યું, “એ બીજું કોઈ નહીં પણ તારા મિત્ર રમેશના પપ્પા ભાનુપ્રશાદ પંડ્યા છે. તને હીણપત ના લાગે એટલે તને અને રમેશને ખબર ન પડે તે રીતે તારા અભ્યાસની બધી વ્યવસ્થા ગોઠવી હતી.”
નરેશને ભાનુપ્રસાદ ઉપર માન હતું તેના કરતાં પણ વધુ માન થઈ ગયું. નરેશે, રમેશને ફોન કર્યો, “રમેશ આજે મારે તારા પપ્પાને મળવા આવવું છે. બીજી કોઈ વાત ન કરી.”
“તું મારી હોસ્પિટલ આવી જા આપણે ઘરે સાથે જઈશું.”
નરેશે, ભાનુપ્રસાદ માટે શાલ, પુષ્પ ગુચ્છ, અને ભાવતી મીઠાઈ ખરીદી. “નરેશ શું છે આ બધું?”
“કંઈ નહીં, ઘણાં વર્ષ પછી હું તારા પપ્પાને મળું છું એટલે તેને વંદન કરી આશીર્વાદ લેવા છે. તેના આશીર્વાદથી તો આજે અહીં સુધી પહોંચ્યો છું ને મારાં સ્વપ્નો સાકાર કર્યા છે.” રમેશને કંઈ સમજાયું નહિ પણ તેણે નરેશને આગળ કંઈ ન પૂછ્યું.
“નરેશ, તારી નોકરી કેમ ચાલે છે?”
“આપના આશીર્વાદથી બધું જ બરોબર ચાલે છે.”
“રમેશ, તારી હોસ્પિટલનું નામ પસંદ કર્યું?”
“ના, પપ્પા હોસ્પિટલ માટે યોગ્ય નામ શોધી રહ્યો છું.”
નરેશ, ઊભો થયો, ભાનુપ્રસાદને વંદન કરી શાલ ઓઢાડી, ચરણમાં પુષ્પ ગુચ્છ, મીઠાઈ મૂકી ચોધાર આસુંએ પગ પખાળતો રડી પડ્યો. રમેશ આશ્ચર્યમુગ્ધ થઈ ગયો.
“નરેશ, શું છે આ બધું?”
“રમેશ મને કાંઈ પૂછમાં, મને આ માનવ રૂપી દેવતાના પગને ધોઈને ચરણામૃત લેવા દે. આ દેવતાએ મારું સ્વપ્ન સાકાર કરી મારી જિંદગી બનાવી છે.”
ભાનુપ્રસાદે, નરેશને ઊભો કરી પાસે બેસાડી, નરેશ અને રમેશને બધી વાત કરી અને કહ્યું, “મેં કંઈ જ નથી કર્યું, ઉપરવાળાએ સોંપેલ કામ કર્યું છે. અને મારે તમને બંનેને એટલી જ વાત કહેવી છે કે તમે પણ આ રસ્તે ચાલજો અને વિચારજો. સમાજના ઉત્થાનમાં શક્ય એટલો ફાળો આપજો.”
“પપ્પા, આજે મને મારી જાત ઉપર ગૌરવ છે કે હું ભાનુપ્રસાદ પંડ્યાનો પુત્ર છું અને ડોકટર રમેશ પંડ્યા કરતાં મને ભાનુપ્રસાદ પંડ્યાના પુત્ર તરીકે ઓળખ આપવી વધારે ગમશે. બીજું મને મારી હોસ્પિટલનું નામ પણ મળી ગયું જે હશે, ‘ભાનુપ્રસાદ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ’ જ્યાં ગરીબ અને જરૂરિયાત વાળા દર્દીઓને નિઃશુલ્ક સેવા આપવામાં આવશે.”
“રમેશ, મારું એક સૂચન છે. મને સારી જોબ મળી છે. પગાર પણ સારો છે. તારી હોસ્પિટલ પણ સારી ચાલે છે તો આપણી આવકમાંથી અમુક ભાગ કાઢી એક ટ્રસ્ટ બનાવીએ જેનું નામ તે કહ્યું તેમ “ભાનુપ્રસાદ સેવા ટ્રસ્ટ હોસ્પિટલ” હશે અને તે શૈક્ષણિક હેતુ માટે અને હોસ્પિટલના ખર્ચમાં જરૂરિયાતમંદને આર્થિક મદદ કરશે. જેનું સંચાલન એક ટ્રસ્ટ દ્વારા કરવામાં આવશે.”
“હા, નરેશ, હું તારી સાથે સહમત છું અને ભંડોળમાં મોટો હિસ્સો હું આપીશ.”
ભાનુપ્રસાદ આ સાંભળી ઊભા થયા બંનેનાં માથા ઉપર હાથ મૂકી આશીર્વાદ આપ્યા કે તમે તમારા નેક ઇરાદામાં સફળ થાઓ. ત્રણેયના મુખ ઉપર નેક કામ અને સફળતાની ખુશી છલકતી હતી. ભાનુપ્રસાદ પંડ્યા વધારે ખુશ હતા કે વાવ્યા કરતાં અનેક ગણું ઊગી નીકળ્યું હતું. સત્કર્મનું હંમેશાં સારું ફળ મળે જ છે. ક્યારેક વહેલું તો ક્યારેક મોડું પણ વાવેલું સતકર્મ ક્યારે ય વ્યર્થ જતું નથી.
ભાવનગર
e.mail : Nkt7848gmail.com
 

