મિસ્યુઝ-ડિસ્યુઝ મંડળી માટે થોડો ઇશારો
એક ગાળો જો સરદારને પડતા મેલવાનો, એમના ડિસ્યુઝનો હતો, તો બીજો ગાળો એમના ભળતા સળતા ઉપયોગનો એટલે કે મિસ્–યુઝનો છે … સરવાળે બચાડા ડિસમિસ થઈ જાય તોપણ ભલે!

પ્રકાશ ન. શાહ
આવતીકાલના સરદાર સાર્ધ શતાબ્દી પર્વને અનુલક્ષીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તાજેતરમાં ‘મન કી બાત’માં સૌને ‘એકતા દોટ'(‘રન ફૉર યુનિટી’)માં સામેલ થવા અનુરોધ કર્યો તે અલબત્ત ઠીક જ છે. જો કે વસ્તુતઃ ભા.જ.પ. જે ખાસ તરેહની સરદાર આવૃત્તિ પેશ કરવા માગે છે, તેને વિશે સમગ્રતામાં તપાસ્યા અને વિચાર્યા વગર આવાં ઉજવણાં ફોગટ છે. અલબત્ત, તે પક્ષીય પ્રચારસામગ્રી તરીકે ખપ આવી શકે, પણ તે કંઈ સરદારને સાચી અંજલિનો અવેજ ન હોઈ શકે.
સ્વાતંત્ર્યોત્તર ભારતમાં એવો એક તબક્કો જરૂર આવ્યો જ્યારે સરદારને કંઈક વીસારે પાડવામાં આવ્યા આ અસંતુલિત અભિગમથી શું બન્યું? ગોપાલકૃષ્ણ ગાંધીના યાદગાર શબ્દોમાં કાઁગ્રેસે સરદારને પડતા મૂક્યા (ડિસ્યુઝ) અને સંઘ-ભા.જ.પે. એમને ભળતા પ્રકાશમાં મૂકવાની કોશિશ કરી – મિસ્ યુઝ. ‘ડિસ્’ અને ‘મિસ્’ની આ પટાબાજીમાં ખરા સરદાર બચાડા ક્યાં ય શોધ્યા ન જડે એવો ઘાટ થયો.
ચાલુ વરસે કાઁગ્રેસે અમદાવાદ અધિવેશન નિમિત્તે સરદારને વિશેષ રૂપે સંભાર્યા એ ઠીક જ થયું, પણ વસ્તુતઃ એમાં કઈ હદે ઝમ્યું છે અને નકરા ઉપચાર કરતાં કેટલું આગળ ગયું છે. એ અલબત્ત જોવાનું રહે છે.
જ્યાં સુધી સરદારના મિસ્ યુઝનો સવાલ છે, એનું રંજ અને રમૂજભર્યું ઉદાહરણ ગોપાલ ગોડસેની કિતાબમાંથી મળી રહી છે. ગોડ્સે-કૃત્ય તરફ સરદારની કેમ જાણે કૂણી લાગણી હોય, એવું પોતાને જેલવાસમાં મળેલી કાયદેસરની સગવડ સંદર્ભે તે ઇશારે ઇશારે સૂચવતા હોય એવી છાપ એમાંથી ઉઠે છે. અલબત્ત, આ પુસ્તકનું મોટું અર્પણ, ‘અમે અમારી જુબાનીમાં તાત્યારાવ (સાવરકર) અને સંઘને બચાવી લીધા હતા’ એવી ગોપાલ ગોડસેની સાહેદીનું છે.
સરદારનું લોહપુરુષપણું જ્યારે અનિવાર્ય સમજાયું ત્યારે ભાગલાના સ્વીકાર તરફ જવા જેવા બિનલોકપ્રિય નિર્ણયમાં પ્રગટ થાય છે એ વિગત એમની ભા.જ.પ. આવૃત્તિને અગરાજ છે. પક્ષશ્રેષ્ઠી જસવંતસિંઘના પુસ્તકમાં આ વિગત આવી ત્યારે ગુજરાત સરાકરે એના પર પ્રતિબંધ મૂક્યો હતો. (જે હાઇકોર્ટમાં ટક્યો ન હતો). અરુણ શૌરીએ ત્યારે સોજ્જું સુણાવ્યું હતું કે ભાઈ તમે સંઘશ્રેષ્ઠી શેષાદ્રિનું જ પુસ્તક વાંચો ને. એમાં આ બધું જ મળશે …. મૂકો એના પર પ્રતિબંધ!
રિયાસતોના એકીકરણનો યશ સરદારને વાજબી રીતે જ અપાય છે. નેહરુના ઇતિહાસદર્જ શબ્દોમાં એ ‘દેશની એકતાના સ્થપતિ’ હતા. પણ એકીકરણની આ પ્રક્રિયા, યથાસંદર્ભ ઓછેવત્તે અંશે બે છેડેથી ચાલી હતી – એક છેડો રાજ્યનો તો બીજો છેડો પ્રજાનો, કાશ્મીરમાં જેમ કે હરિસિંહ અને શેખ અબદુલ્લા એ બે છેડા હતા. આગોતરી જાણને ધોરણે વડા પ્રધાન નેહરુએ ગૃહ પ્રધાન સરદારને કબાઇલી હુમલા અંગે સાવધ કર્યાં હતા, અને સરદારે હરિસિંહને સમજાવવામાં કોઈ કસર છોડી નહોતી. હરિસિંહે ભારતીય સંઘમાં ભળવાનો નિર્ણય લેવામાં ટાળંટાળી કરી અને આક્રમણ થઈને રહ્યું. સંઘ વર્તુળો કહે છે કે સરદારે સરસંઘચાલક ગોળવલકરને પણ હરિસિંહને સમજાવવા સૂચવ્યું હતું અને એમણે પણ પ્રયાસ કર્યો હતો.
જો કે, રિયાસતી બાબતોમાં સંઘ, હિંદુ મહાસભામાં વગેરેનું સંધાન ને કામગીરી કાબિલે તપાસ છે. કોઈ દેશી રજવાડું સ્વતંત્રતા પ્રકારનો વિકલ્પ પસંદ કરે તો એમાં સંભવિત નેતાઓનું હતું. ત્રાવણકોર કોચીને અલગ ઝંડો ખોડ્યો તો સાવરકરે એને અંગે હરખ પ્રગટ કર્યો હતો. પ્રાંતિક સ્વરાજના ગાળામાં સરદાર પટેલે પાર્લમેન્ટરી બોર્ડના ચેરમેનની હેસિયતથી શિસ્તભંગ સબબ જેમને પ્રધાન પદેથી બરતરફ કર્યા હતા તે સંઘમિત્ર એન.બી. ખરે ભાગલાના માહોલમાં હિંદુ રિયાસતો સાથે સંદિગ્ધ સંબંધ ધરાવતા હતા.
ભાગલાવાદી મુસ્લિમ રાજકારણીઓને નો-નોન્સેન્સ ભાષામાં પડકારી શકતા સરદારે દેશના બંધારણ બાબતે અને તિરંગા માટે સંઘને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું એ ભૂલવા જેવું નથી, અને હા ‘હિંદુ રાષ્ટ્ર’ને એક પાગલ ખ્યાલ પણ એમણે જ કહ્યું’તું.
ઘણું લખી શકાય, આ તો થોડાંક જ ઇંગિત માત્ર મિસ્યુઝ-ડિસ્યુઝ મંડળી માટે.
Editor: nireekshak@gmail.com
પ્રગટ : ‘પરિપ્રેક્ષ્ય’, “દિવ્ય ભાસ્કર”; 29 ઑક્ટોબર 2025
![]()


